લંડનના પ્રખ્યાત રોયલ આલ્બર્ટ હોલનીબહાર ગુજરાતી નાટકની પબ્લિસિટી
મહેશ્ર્વરી
શ્રીનાથજી બાવાના દર્શન અને એ પાવન ભૂમિના પવિત્ર વાતાવરણથી મારું મન પ્રફુલ્લિત થઈ ગયું હતું. ઈશ્ર્વરના અસ્તિત્વમાં શ્રદ્ધા હોવી ન હોવી એ અંગત બાબત છે, પણ એક વાત ચોક્કસ છે કે પ્રભુની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય એ ધામની વાત જ કંઈક અલગ હોય છે. એ ધરતી પર પગ મૂકતાની સાથે કોઈ અલગ જ અહેસાસ થવા લાગે છે. સંઘર્ષપૂર્ણ અંગત જીવન અને મારા વ્યવસાયને કારણે દૈનિક જીવનમાં હું પૂજાપાઠ વગેરે નિયમિત નહોતી કરી શકતી. જોકે, શ્રીનાથજીના પવિત્ર વાતાવરણમાં મને આંતરિક શાંતિનો અનુભવ થયો અને શ્રી દેશી નાટક સમાજ બંધ થવાથી વ્યથિત થયેલા મનને ગજબનું સાંત્વન મળ્યું. પ્રસન્ન ચિત્તે શ્રીનાથજીથી મુંબઈ જવા નીકળી અને ઘરે પહોંચી ત્યારે પાસપોર્ટ આવી ગયો હતો, અને જયંત ભટ્ટ સાથે અમારી સવારી ઉપડી યુકે- લંડન જવા.
જામનગરમાં ‘લલ્લુ પરણ્યો લંડનમાં’ અને ‘વહુ ગમતી નથી’ એ બંને નાટક રસિકોએ જે ઉમળકાથી વધાવી લીધા હતા એનાથી અમારા બધાના ઉત્સાહમાં મોટી ભરતી આવી હતી. પ્રેક્ષકનો પ્રતિસાદ કલાકાર માટે ટોનિકનું કામ કરે છે. ‘વાહ વાહ’ એના માટે વહાલનું કામ કરે છે. આ ઉત્સાહ સાથે વિદેશની ભૂમિ પર મેં પહેલી વાર પગ મૂક્યો અને નવા વાતાવરણના પરિચયમાં આવી. જૂનના બીજા અઠવાડિયામાં અમે ત્યાં પહોંચ્યા. મુંબઈમાં સામાન્યપણે જૂનના બીજા અઠવાડિયાથી ચોમાસું બેસી જતું, પણ લંડનમાં ઉનાળાની મોસમ ચાલુ હતી. રાતના ૯ વાગે પણ દિવસ જેવું અજવાળું જોવા મળે. મને અજવાળું બહુ જ પ્રિય. ઘોર અંધારી અમાસની રાતમાં નાનકડો દીવડો અજવાળું કરી દે છે. માનવી પણ નાની કોશિશથી મોટું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.વિદેશનામોડી રાતના અજવાળાવાળા વાતાવરણમાં મને બહુ મજા પડી. સાથે મારા પતિ માસ્તર પણ આવ્યા હતા. વિવિધ સ્થળે અમે નાટકો ભજવ્યાં પણ એમાં લેસ્ટરનો અનુભવ મજેદાર રહ્યો. શાસનમાં સરળતા માટે ઈંગ્લેન્ડમાં અનેક કાઉન્ટી અસ્તિત્વ ધરાવે છે. ઘણી કાઉન્ટી સાથે ‘શાયર’ શબ્દ જોડાયેલો હોય, જેમ કે યોર્કશાયર, લેન્કેશાયર વગેરે. અમે લેસ્ટરશાયર કાઉન્ટીના લેસ્ટર શહેરમાં પણ નાટકોકર્યા. લેસ્ટરમાં પગ મૂકો એટલે વિદેશમાં છીએ એવું લાગે જ નહીં. ગુજરાતના કોઈ નાનકડા શહેરમાં આવ્યા હોય એવું લાગે. લંડનમાં ફરવાની પણ બહુ મજા પડી. ચારેક મહિના અમે લંડન અને આસપાસના વિસ્તારમાં બંને નાટક ભજવ્યા.
યુકેના પ્રવાસ દરમિયાનનો એક અનુભવ જણાવવાની લાલચ હું નથી રોકી શકતી. અમે જે નાટકો કરતા હતા એની જાણકારી લંડનમાં અને અન્ય ઠેકાણે વસતા ગુજરાતીઓ સુધી પહોંચાડવા માટે અમારા સ્પોન્સર પ્રાણલાલભાઈ વ્યાસે એક ઉપાય સૂચવ્યો. અમે ત્યાં હતા ત્યારે લતા મંગેશકરનો એક શો લંડનના પ્રખ્યાત રોયલ આલ્બર્ટ હોલમાં આયોજિત કરવામાં આવ્યો હતો. ૫૨૦૦ પ્રેક્ષકોને સમાવી શકતા રોયલ આલ્બર્ટ હોલની ભવ્યતા, એમાં આયોજિત થતા શો વિશે ઘણી વાતો સાંભળી હતી. ભવ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતું થિયેટર પ્રત્યક્ષ જોવા મળશે એ જાણી મારા સહિત અનેક લોકો હરખાઈ ગયા.
પ્રાણલાલભાઈનો તર્ક એવો હતો કે લતાદીદીનો શો છે અને દિલીપ કુમાર – સાયરા બાનો આવવાના છે એટલે મોટી સંખ્યામાં લોકો આવશે અને આમાંના મોટાભાગના ભારતીય હશે જેમાં ગુજરાતીઓની સંખ્યા પણ ખાસ્સી હશે. નાટકના શોના પેમ્ફલેટ શો જોવા આવતા કલા રસિકોને વહેંચીએ તો આપણા નાટકો વિશેની જાણકારી અનેક લોકો સુધી પહોંચી જશે. વાત બધાને ગમી ગઈ અને ગળે પણ ઉતરી ગઈ. શો છૂટવાને વાર હતી ત્યારે અમે પહોંચ્યા. બહારથી ભવ્ય હોલને આંખોમાં આંજી લીધો અને અંદરથી કેવો દેખાતો હશે એની મનોમન કલ્પના કરી લીધી. શો પૂરો થયો અને બહાર નીકળેલા પ્રેક્ષકોને પેમ્ફલેટ વહેંચી અમે નાટકની પબ્લિસીટી કરી. નાટકના પ્રમોશન માટે આવો અખતરો જવલ્લે જ થયો હશે. લંડનમાં નાટકોને સારો આવકાર મળ્યો. અલબત્ત નાટકો શનિ – રવિ જ થતાં. એવામાં એક દિવસ મને દાંતનો દુખાવો ઉપડ્યો અને હું એવી હેરાન થઈ કે…
અભિનેતા લાલુ શાહ…
લાલુ શાહ… ગુજરાતી નાટ્ય જગતમાં બહુ મોટું અને ખૂબ જ આદરણીય વ્યક્તિત્વ. લાલુ શાહની પ્રમુખ અને જાણીતી ઓળખ છે ‘બહુરૂપી’ નાટ્ય સંસ્થાના સ્થાપક તરીકેની. લાલુ શાહે વિજય દત્તના સહકારમાં ‘બહુરૂપી’ સંસ્થાના નેજા હેઠળ ‘અભિષેક’, ‘ધરમની પત્ની’, ‘ચકડોળ’, ‘ધૂપછાંવ’ જેવા એક એકથી ચડિયાતા નાટકો કલારસિકોને ભેટ ધર્યા. અનેક વર્ષ ‘બહુરૂપી’ સંસ્થાએ નાટ્યરસિકોને તરબોળ કર્યા. બહુ ઓછા લોકો જાણતા હશે કે નાટ્ય નિર્માણ પહેલા લાલુ શાહે ૧૯૪૬માં ‘ઈપ્ટા’ના ‘કલ્યાણી’ નામના નાટકમાં અભિનય કર્યો હતો. ત્યારબાદ શરૂ થયેલી ‘રંગભૂમિ’ સંસ્થાના નાટકોમાં અભિનય કરી પ્રશંસાના હકદાર બન્યા હતા. એમાં એક નાટક હતું ‘નરબંકા’ જે જગવિખ્યાત નાટ્યકાર હેન્રીક ઈબ્સનની નાટ્ય કૃતિ પર આધારિત હતું. આ ઉપરાંત જ્યોતિન્દ્ર દવે લિખિત ‘વડ અને ટેટા’ તેમજ ‘રાણીનો બાગ’ નામના નાટકમાં પણ લાલુ શાહે અભિનય કર્યો હતો. ‘વડ અને ટેટા’ ફ્રેન્ચ નાટ્યકાર મોલિયેરના પ્રહસન ‘માઇઝર’નું રૂપાંતર હતું. આજથી ૭૦ વર્ષ પહેલા રંગભૂમિ પર કેવા વિશિષ્ટ પ્રયોગો થતા હતા એનો ખ્યાલ આના પરથી આવે છે. (સંકલિત)