જીવમાત્ર પ્રત્યે દયા-કરૂણાનાં રાજ્ય સરકારનાં પ્રયાસોમાં જન સહયોગ અને સૌનો સાથ આવશ્યક છે
વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વાઈલ્ડ લાઈફ કોન્ફરન્સ યોજાઈ
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અન્વયે આયોજિત વાઇલ્ડ લાઇફ કોન્ફરન્સમાં સંબોધન કરતા આ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઈલ્ડ લાઈફ કોન્ફરન્સ સંદર્ભમાં યોજાયેલું વાઈલ્ડ્લાઈફ ફોટોગ્રાફીનું પ્રદર્શન પણ નિહાળ્યું હતું. રાજ્યમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી અને વન્યજીવ સૃષ્ટિ અંગેના રિસર્ચ સાથે સંકળાયેલા સ્કોલર્સ, સંશોધકો, ફોટોગ્રાફર્સ આ કોન્ફરન્સમાં જોડાયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, માનવ કે પશુ પંખી જ નહીં, નાનામાં નાના જીવનું પણ રક્ષણ થાય તેવો ખ્યાલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપ્યો છે. તાજેતરના વાવાઝોડા, વરસાદની કુદરતી આફતના સમયે તેમણે વાઇલ્ડ લાઇફ સહિત સૌના ઝિરો કેઝ્યુઆલિટી અપ્રોચ માટે સતત િંચતા સેવીને માર્ગદર્શન પૂરું પાડ્યું છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ વન્ય પ્રાણીની તસવીર લેવામાં પોતાની જાતને પણ જોખમમાં મૂકીને જે સાહસ દાખવે છે તેની સરાહના કરી હતી. તેમણે કહ્યું કે, આવી અદમ્ય તસવીરો છેક અંતરિયાળ વિસ્તારો સુધી વિવિધ માધ્યમોથી પહોંચાડીને લોકોમાં વન્ય પ્રાણી પ્રત્યે સંવેદના જગાવવાનું કામ આ તસવીરકારો કરે છે.
મુખ્યમંત્રીશ્રીએ વાઇલ્ડ લાઈફના જતન – સંવર્ધન માટે જંગલ વિસ્તાર વધુ વિસ્તરી શકે તે માટેના તથા વાઇલ્ડ લાઇફ ક્ધઝર્વેશન માટેના સુઝાવની પણ આ ફોટોગ્રાફર્સ, રિસર્ચર્સ અને સ્કોલર્સ પાસેથી અપેક્ષા દર્શાવી હતી.
વન વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમારે સૌને આવકારીને સ્વાગત પ્રવચન દ્વારા આ કોન્ફરન્સનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. વન્યજીવ સંરક્ષણ અને વિવિધ નાવિન્યપૂર્ણ કામગીરીનું પ્રેઝન્ટેશન પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
આ કોન્ફરન્સમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક વાઇલ્ડ લાઈફ શ્રી નિત્યાનંદ સહિત વન વિભાગના વરિષ્ઠ વન સંરક્ષકશ્રીઓ તેમજ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ, વાઇલ્ડ લાઇફ ક્ષેત્રે શોધ – સંશોધન કરતા યુવાઓ, વગેરે પણ જોડાયા હતા.
વન્યજીવ સપ્તાહ ૨૦૨૩ ઉજવણી અંતર્ગત ગુજરાતની જૈવ વિવિધતા પર કામ કરતા તસવીરકારો, પી.એચ.ડી. વિદ્યાર્થીઓ સાથે સંવર્ધન અને સંરક્ષણ મુદ્દે મુખ્યમંત્રીનો સંવાદ
વન્યજીવો તથા પ્રકૃતિનાં સંરક્ષણ અને સંવર્ધનની લોક જાગૃતિ કેળવવાનાં આશય સહ ૧૯૫૨થી દર વર્ષે બીજી ઓક્ટોબરથી સતત એક અઠવાડિયા સુધી રાષ્ટ્રીય વન્યજીવ સપ્તાહની ઉજવણી થાય છે. જેમાં વન્યજીવોનાં સંરક્ષણ તેમજ વન્યજીવોને કુદરતી વાતાવરણ પૂરું પાડતા જંગલોનાં સંરક્ષણ અને સંવર્ધનને લગતી પ્રવૃત્તિઓને વેગ મળે અને નિસર્ગ જેમનું તેમ જળવાઈ રહે ઉપરાંત જંગલોની જાળવણી માટે જાગૃતિ કેળવાય એવા આશયથી દેશભરમાં વિવિધ અભિયાન ચલાવવામાં આવે છે.
ગુજરાત રાજ્ય પ્રકૃતિનાં સંવર્ધન અને સંરક્ષણ માટે સંવેદનશીલ વલણ અપનાવે છે અને રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણનાં સંવર્ધન માટે વિવિધ પ્રયત્નો સતત કરવામાં આવે છે. પર્યાવરણનાં સંરક્ષણમાં લોકભાગીદારી એ મૂળભૂત ચાવી છે. વન્ય સપ્તાહની ઉજવણી અંતર્ગત મુખ્ય મંત્રી પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત વિવિધ તસવીરકારો, વિદ્યાર્થીઓ, પ્રોફેસર અને પર્યાવરણ લક્ષી કાર્ય કરતા એન.જી.ઓ. સાથે સંવાદ સાધીને પર્યાવરણના સંરક્ષણમાં વધારે ને વધારે લોકજાગૃતિના પ્રયત્નો કરી શકાય તેવી પહેલ કરી છે. તસવીરકારો થકી પર્યાવરણ અને ગુજરાતની સમૃદ્ધ જૈવ વિવિધતા દુનિયાભરમાં ફેલાય છે. વિદ્યાર્થીઓને આ ક્ષેત્રે વધુ રિસર્ચ કરવાની પ્રેરણા મળશે.
ગુજરાત રાજ્યની ધરા તેના સમૃદ્ધ વૈવિધ્યનાં કારણે દેશ- વિદેશનાં અસંખ્ય પંખીઓનું માનીતું ઘર છે. કચ્છ અને બનાસકાંઠામાં વિસ્તરેલો અફાટ રણપ્રદેશ છેક રશિયાથી આવતા પંખીઓનું શિયાળું આવાસ બને છે. માધવપુરનો ઘૂઘવતો સાગર દરિયાઈ કાચબાઓનું સંવર્ધનનું કેન્દ્ર બન્યો છે. અહીં કુદરતી રીતે જ દરિયાઈ કાચબાઓ ઈંડા મૂકવા માટે આવે છે. કચ્છનાં અખાતમાં ચેરનાં વૃક્ષોનાં વિશાળ સમૂહે અસંખ્ય દરિયાઈ પ્રજાતિઓને મુક્ત જીવન આપ્યું છે અને ગુજરાત ભારત દેશમાં ચેરનાં વૃક્ષોનાં વાવેતરમાં બીજા ક્રમાંકે છે . ગીરનાં જંગલોમાં સિંહોની ત્રાડ હવે આખાયે સોરઠમાં ગુંજી રહી છે અને છેલ્લા પાંચ વર્ષમાં સિંહોની વસ્તીમાં ૨૯%નો અભૂતપૂર્વ વધારો થયો છે. અરવલ્લીનાં જંગલો સમેત સમગ્ર ગુજરાતમાં મુક્તપણે મહાલતા રીંછની સંખ્યામાં પણ ૫% જેટલો વધારા સાથે ૩૫૮ જેટલી રીંછની વસ્તી અંદાજવામાં આવી છે. ગુજરાતનાં ઘાસિયા મેદાનો અને બનાસકાંઠાનાં રણ વિસ્તાર આસપાસ આપણું અમૂલ્ય પ્રાણી એવા વરુનાં સંવર્ધનનાં પ્રયત્નો પાયાનાં ધોરણે આદરવામાં આવ્યા છે એ અંતર્ગત બનાસકાંઠા ખાતે વરુનું સોફ્ટ રિલીઝ સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. આકાશ અને જમીન પર વસવાટ કરતા જીવોની સાથે સાથે દરિયાઈ સૃષ્ટિ પણ પર્યાવરણનો અવિભાજ્ય અંગ છે અને તેના સંરક્ષણમાં પણ રાજ્ય સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આપણા સૌપ્રથમ મરીન નેશનલ પાર્ક, જામનગર હેઠળ અંદાજિત ૬૨૦.૮૧ ચો.કિમિ. વિસ્તારમાં અંદાજે ૨૮૧ ડોલ્ફિનની પ્રજાતિ નોંધાયેલ છે. ગોધરા ખાતે મગરનાં સંરક્ષણને ધ્યાનમાં લઈને મગર બચાવ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કુદરતનાં સફાઈ કામદાર એવા ગીધનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે અને રાજ્ય સરકાર દ્વારા ગીધનાં સંરક્ષણનાં ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એનાં ભાગ રૂપે આખાયે રાજ્યમાં વિવિધ પ્રજાતિનાં ગીધની કુલ વસ્તીનો આંકડો અંદાજે ૨૧૪૩ જેટલો થયો છે. વિશ્વનાં દરેક ખૂણેથી પક્ષીઓ ગુજરાતની સમૃદ્ધ ધરાને થોડા સમય માટે પોતાનું આવાસ બનાવે છે તો વળી અમુક પ્રજાતિઓ ધરતીનાં એક ગોળાર્ધમાંથી બીજા ગોળાર્ધમાં મુસાફરી આદરે છે ત્યારે મુસાફરી દરમ્યાન થોડા સમય માટે ગુજરાતનાં જળ પ્લાવિત ક્ષેત્રોને પોતાનું આવાસ બનાવે છે જેને પેસેજ સ્થળાંતર કહે છે. આ પેસેજ સ્થળાંતર – ૨૦૨૨ ની ગણતરી મુજબ ૮ પેસેજ સ્થળાંતર પક્ષીઓ સહીત ૧૯૪ જેટલી પ્રજાતિઓ નોંધવામાં આવી હતી.
ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ વાઇલ્ડલાઇફ ટુરિઝમ થાય છે પણ આપણે હજુ આ પ્રકારનાં ટુરિઝમથી ખાસ પરિચિત નથી હોતા પરિણામે આપણે કુદરતી વૈભવથી વંચિત રહી જઈએ છીએ. ગુજરાતમાં વિવિધ પ્રકારની ઇકો સિસ્ટમ છે જે વિવિધ રાષ્ટ્રીય ઉદ્યાન, અભ્યારણ્ય વિસ્તાર, રણ વિસ્તાર અને સમુદ્રી વિસ્તારમાં વહેંચાયેલી છે જે વિવિધ પ્રજાતિઓને એક સુરક્ષિત આવાસ અને ખોરાક પૂરો પાડે છે. દેશભરનાં વિવિધ યાયાવર પક્ષીઓ માટે ગુજરાતમાં વિવિધ જળપ્લાવિત વિસ્તાર એટલે કે વેટલેન્ડ જે ચાર રામસર સાઈટ તરીકે સુરક્ષિત કરવા માં આવ્યા છે.
આ રામસર સાઇટ્સમાં ડભોઇ નજીક પક્ષીઓનું વિશાળ વિશ્વ – વઢવાણા પક્ષી અભ્યારણ્ય, અમદાવાદ નજીક આવેલ થોળ પક્ષી અભ્યારણ્ય, જામનગરમાં આવેલા ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અને અમદાવાદ નાઇજક આવેલ નળ સરોવર પક્ષી અભ્યારણ્ય વગેરે આ પક્ષી વિશ્વ માટે સ્વર્ગ સમાન છે. આ બધી જ સાઇટ્સ પર મધ્ય ઓક્ટોબરથી વિવિધ જાતના વિદેશી પક્ષીઓનો મેળાવડો જામશે એ જોવાનું ક્યારેય ન ચૂકી શકાય. આ સિવાય કચ્છનું નાનું રણ જે ઘૂડખર – બહુમૂલ્ય પ્રજાતિ અને અનેક શિકારી પક્ષીઓનું સુરક્ષિત આવાસ છે. કચ્છનાં નખત્રાણા નજીક આવેલ છારીઢંઢ અનેક પક્ષીઓ, શિયાળ, રણ બિલ્લી, હેણોતરો જેવી દુર્લભ પ્રજાતિઓનું સુરક્ષિત વિશ્વ છે. શિકારી પક્ષીઓને નિહાળવા માટે ઘાસનાં મેદાનોમાં અને રણવિસ્તાર, યાયાવર સમુદ્રી પક્ષીઓને નિહાળવા માટે સમુદ્ર કાંઠાના વિસ્તારો, પ્રાણીઓને નિહાળવા માટે જંગલ અને ઘાસનાં મેદાનો જેવી સઘળી કુદરતી સંપદા આપણે ધરાવીએ છીએ અને એને યોગ્ય રીતે માણીએ અને જાળવીએ તો આપણી આવનારી પેઢીનો નાતો કુદરત સાથે સરળ રીતે જોડી શકીશું.