ઉત્સવ

પબ્લિક ઈસ્યૂ: ફિઝિકલથી ડિજિટલ એટલે મિરેકલ આઈપીઓની ભવ્ય સફળતા ટેકનોલોજીની કમાલ, છલકાવાની ધમાલ, ઈન્વેસ્ટર તું પણ વિચાર!

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

તાજેતરમાં આઈપીઓની માર્કેટે જે ઉત્સાહ-ઉમંગ બતાવ્યા છે તેમ જ આવનાર ઈસ્યૂઓને જે રીતે છલકાવ્યા છે તેનો એક યશ ટેકનોલોજીને પણ જાય છે અને ઈન્વેસ્ટર્સના વિસ્તરતા જતા બહોળા વર્ગને પણ જાય છે. ટેકનોલોજીએ આઈપીઓમાં અરજી કરવાનું સરળ બનાવ્યું છે એટલું જ નહીં, રોકાણકારોના સરપ્લસ નાણાંની ઉપયોગિતાનો રચનાત્મક માર્ગ પણ ખોલી આપ્યો છે. આ ઉપરાંત ટેકનોલોજીને કારણે રોકાણકારોનાં નાણાં અગાઉની જેમ અટવાઈ જતાં નથી અને એલોટમેન્ટ મળે તો જ બેંકમાંથી બહાર જાય છે. આ અને આવાં કેટલાંક નકકર કારણો રોકાણકારોને આઈપીઓ તરફ વધુ પ્રેરવા લાગ્યા છે, સંપત્તિસર્જનનું આ માધ્યમ હવે નવા સ્વરૂપે વિકસવા લાગ્યું છે, આઈપીઓમાં નાણાં અટવાઈ જવાનાં જોખમો જે અગાઉ રહેતા હતા એ ટેકનોલોજીના પ્રતાપે ઘટી ગયાં અથવા નામશેષ થઈ ગયાં છે.

જયારે ફિઝિકલ શેર્સનો સમય હતો ત્યારે તો આઈપીઓ-પબ્લિક ઈસ્યૂઓની માર્કેટની પીડા-વેદના-તકલીફો-મુંઝવણો-સંઘર્ષ આગલી પેઢીના રોકાણકારો બહુ સારી રીતે જાણે છે. વર્તમાન પેઢી માટે આજના આઈપીઓની પ્રોસેસ આશીર્વાદ સમાન લાગે એ સહજ છે. દાયકાઓ સુધી મહિનાઓના સંઘર્ષમાંથી બહાર આવેલી આઈપીઓની પ્રોસેસ આજે કેપિટલ માર્કેટ અને તેના સહભાગીઓ માટે બિગ બ્લેસિંગ છે. આટલી પૂર્વભૂમિકા બાદ આપણે આજના સમયની વાતને વિગતે કરીએ.

ઉમ્મીદ કરતાં અનેકગણા વધુ
આઈપીઓની બજાર જોરમાં-જોશમાં છે એ તો હાલ આંખે ઊડીને વળગે એવી છે. જો કે મજાની વાત એ છે કે આ જોરનો દોર લાંબો ચાલે એવું લાગે છે. કારણ કે આઈપીઓ તો છલકાય જ છે, આ સાથે માર્કેટમાં પ્રવાહિતા પણ ભરપૂર છલકાય છે. તેથી પબ્લિક ઈસ્યૂ છલકાય એ સહજ છે. કંપનીઓ જેટલાં નાણાં લોકો પાસેથી ઊભા કરવા માગે છે તેના કરતાં અનેકગણા વધુ નાણાં પબ્લિક તેમને આપવા માગે છે એ હકીકત અનેકગણા ભરાતા આ ઈસ્યૂઓના ડેટા પરથી પ્રતીત થાય છે. માત્ર પાંચ આઈપીઓના દાખલાને જોઈએ તો આ પાંચ આઈપીઓને કેપિટલ માર્કેટ પાસેથી માત્ર સાડા સાતહજાર કરોડ જેટલું ભંડોળ જોઈતું હતું, જેની સામે એ બધાંને સંયુકત રીતે બે લાખ કરોડ રૂપિયાનું ભંડોળ પ્રાપ્ત થયું, જેમાંથી તેણે તો માત્ર સાડાસાત હજાર કરોડ જ રાખવાના છે. રોકાણકારોની નાણાંની થેલી કે તિજોરી કેવી છલકાયેલી છે તેનો અંદાજ આ આંકડા પરથી સમજી શકાય છે.

ફાસ્ટ લિસ્ટિંગ-ફાસ્ટ મની
એકતરફ સેબી શૅરબજારમાં સોદાના સેટલમેન્ટનો સમય હજી પણ ઘટાડીને ડે ટુ ડે પર લાવવા માગે છે અને બીજીતરફ પ્રાઈમરી માર્કેટમાં પણ સેબી આઈપીઓના લિસ્ટિંગનો સમય ઘટાડવા માગે છે. આમ તો ઓગસ્ટથી સેબીએ કંપનીઓને સ્વૈચ્છિકપણે ઈસ્યૂ બંધ થયાના ત્રણ દિવસ બાદ લિસ્ટિંગ કરાવી લેવાની સૂચના આપી છે, જયારે કે ડિસેમ્બર-૨૦૨૩થી તો એ બાબત ફરજિયાત થઈ જવાની છે. હાલ આ સમય ઈસ્યૂ બંધ થયાના છ દિવસ જેટલો છે. આમ પ્રાઈમરી માર્કેટ ટી પ્લસ ૬ પરથી ટી પ્લસ ૩ તરફ જવાનું છે. જયારે સેક્ધડરી માર્કેટમાં ટી પ્લસ વન થી ટી પ્લસ ઝીરો પર જવાનું છે. એટલું જ નહીં, સોદા થયાના અમુક કલાકમાં જ નાણાં અથવા શેર્સ જમા થઈ જાય એવી સુવિધા અમલમાં મૂકવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે.

માત્ર બે મિનિટનું કામ
આમ તો ઘણાં લાંબા સમય બાદ પ્રાઈમરી માર્કેટ- આઈપીઓ (ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ્સ) માર્કેટ આટલું બધું ધમધમતું જોવા મળ્યું છે. જોકે આ સમયનું મહત્ત્વ ઘણી બધી રીતે જુદું પણ છે. એક સમયે આઈપીઓમાં અરજી કરવા માટે બેંકોની બહાર કતાર લાગતી હતી, હાલ ઓનલાઈન માર્ગે કતાર લાગે છે. એક સમયે આઈપીઓમાં લાગેલા-ફાળવાયેલા શૅર્સ અરજદારોને મળતા મહિનાઓ કે દિવસો લાગી જતા આજે, માત્ર ગણતરીના દિવસો-અર્થાત્ એક સપ્તાહ માંડ લાગે છે. અગાઉ લિસ્ટિંગમાં મહિના નીકળી જતા, હાલ લિસ્ટિંગ પણ ગણતરીના દિવસોમાં થઈ જાય છે. સૌથી મજાની વાત એ છે કે આઈપીઓમાં ઓનલાઈન અરજી થઈ શકવાને કારણે આ કામ રોકાણકાર પોતાના મોબાઈલ કે લેપટોપ પરથી દિવસ-રાતમાં ગમે ત્યારે કરી શકે છે, તેણે કયાંય જવાનું નથી, તેણે કોઈ લાંબું-લચક ફોર્મ ભરવાનું નથી, તેણે ચેક લખવાનો નથી. આ અરજી કરવાનું કામ હવે માત્ર બે મિનિટમાં જ સરળતાથી થઈ જાય છે.

ભૂતકાળમાં ડોકિયું કરો
માત્ર આપણે વીસ વરસ પાછળ જઈ ૨૦૦૩ના
સમયને યાદ કરીને વિચારીએ તો આઈપીઓમાં અરજી કરો ત્યારે અરજીના નાણાં એકાદ મહિનો બેંકોમાં પડ્યાં રહેતાં હતાં. આ પડી રહેલાં નાણાંમાંથી રોકાણકારોને કંઈ જ મળતું નહોતું. અલબત્ત, આજના સંદર્ભમાં અરજીમાં જમા થતી રકમને ધ્યાનમાં લઈએ તો બેંકો આ રકમમાંથી ૧૩૦૦ કરોડ રૂપિયા જેટલી રકમ વ્યાજ રૂપે મેળવી લે અને રોકાણકારોને કંઈ ન મળે, પરંતુ હવે ૨૦૨૩માં આ ચિત્ર બદલાઈ ગયું છે. બેંકોમાંથી નાણાં ત્યારે જ બહાર જાય છે, જયારે અરજદારને શૅર એલોટ થાય છે, અસ્બા (એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોકડ એમાઉન્ટ) ના નામે જાણીતી સુવિધાને કારણે એ નાણાં અરજદારના બેંક ખાતામાં જ પડ્યાં રહે છે. આઈપીઓના લિસ્ટિંગનો સમયગાળો પણ ટુંકાવી નાખીને માત્ર ત્રણ દિવસનો થઈ જવાનો હોવાથી પ્રવાહિતાને પણ જબરદસ્ત વેગ-પ્રોત્સાહન મળતો રહેશે.

આઈપીઓની ગ્રે માર્કેટ સમજવી પડે

સેબીના ચેરપર્સન માધબી બૂચે તાજેતરમાં કરેલું એક નિવેદન નોંધનીય છે, તેમના મતે આઈપીઓમાં પ્રાઈસ ડિસ્કવરી મિકેનિઝમ (અર્થાત્ ભાવ નિયત કરવાની યંત્રણા) હજી પરફેકટ નથી, તેમના કહેવાનો અર્થ એ થઈ શકે કે પ્રાઈસ ડિસ્કવરી બરાબર ન થઈ હોવાને લીધે ઘણીવાર રોકાણકારો ઊંચા ભાવે ભરાઈ જાય એવું બની શકે છે. સેબી ચેરપર્સનના અભિપ્રાય મુજબ રોકાણકારોએ આ ભાવ સ્થિર થાય તેની રાહ જોવી જોઈએ, રોકાણની ઉતાવળ કરવી જોઈએ નહીં. અહીં એ ખાસ વાત એ પણ નોંધવી રહી કે આઈપીઓની એક બિનસત્તાવાર બજાર પ્રિમિયમ યા ગ્રે માર્કેટ તરીકે ગુજરાત સહિતના કેટલાંક શહેરોમાં ચાલતી હોય છે, જયાં લિસ્ટિંગ પૂર્વે એ શૅરોના સોદા થાય છે. જેના પરથી લિસ્ટિંગ સમયે કેવા ભાવ ખૂલશે તેનો અંદાજ મળતો હોય છે. અલબત્ત, આ માર્કેટ બિનસત્તાવાર હોવાથી તેના પર કેટલો ભરોસો મૂકવો એ દરેક રોકાણકાર પોતે નકકી કરે, કિંતુ આ માર્કેટનું નિરીક્ષણ ઘણાં લોકો કરતા હોય છે. તાજેતરના અમુક આઈપીઓમાંથી તાતા ટેકનોલોજીના શૅરમાં આ માર્કેટમાં રૂ.૮૦ નું પ્રિમિયમ બોલાતું હતું, ઈરેડાનું ૩૦ ટકા, ફલેર રાઈટિંગનું ૨૫ ટકા અને ગાંધાર ઓઈલનું ૪૦ ટકા બોલાતું હતું.

આઈપીઓના અગાઉના અનુભવો
પણ યાદ કરવા જોઈએ
દરમ્યાન આગામી અમુક જ દિવસોમાં એસએમઈ સેગમેન્ટમાં પણ પાંચેક પબ્લિક ઈસ્યૂ આવી રહ્યા છે, જયાં પણ છલકાવાનો કરન્ટ લાગ્યો છે. કંપનીઓ અને રોકાણકારો સૌ તકદીર અજમાવી રહ્યા છે. આમ આઈપીઓની માર્કેટ પુરજોશ તેજીમાં છે ત્યારે રોકાણકારોએ ઘોડા અને ગધેડાને છૂટા પાડી ઓળખવા પડશે. ઈસ્યૂના ઓફર પ્રાઈસ કેટલા વાસ્તવિક છે એને પણ સમજવું જોઈશે. સેબી ચેરપર્સન પોતે કહેતા હોય કે આ ભાવ નિયત કરવાની પ્રક્રિયા હજી પરફેકટ નથી તો રોકાણકારોએ આનો ઈશારો સમજવો જોઈએ. દરેક આઈપીઓ માટે સરખો ઉત્સાહ બતાવવામાં જોખમ પણ હોઈ શકે છે. ઈસ્યૂ ભાવોને રમાડવાનું-ચગાવવાનું બહુ મુશ્કેલ નથી. કંપની, તેની મેનેજમેન્ટ, તેનો ટ્રેકરેકોર્ડ જાણવા-સમજવા પડશે. જો કંપની સારી હોય અને શૅરની ફાળવણી ન મળે તો એ શૅર તમે લિસ્ટિંગ બાદ પણ ખરીદી શકો છો એ યાદ રાખો. પરંતુ તમારો અભિગમ લાંબાગાળાનો હોવો જોઈશે. બાકી થોડો વખત પહેલાં આવેલા-ગાજેલા (ઉદાહરણ તરીકે પેટીએમ, ઝોમેટો, વીમા કંપની સહિત ઘણી જાણીતી કંપનીઓ) આઈપીઓના અનુભવને યાદ કરવા જોઈએ. બધું પીળું સોનું નથી હોતું. અગાઉના આઈપીઓના કિસ્સા અને અનુભવોનો અભ્યાસ કરવાનું અઘરું નથી. આ બધી જ માહિતી હાલ આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button