ગમે ત્યાં ડાન્સ કરશો તો ફશાસો કાયદાકીય ચુંગલમાં!

ફોકસ -પ્રભાકાન્ત કશ્યપ
જ્યારથી સોશિયલ મીડિયામાં વીડિયો રીલનો ટ્રેન્ડ શરૂ થયો છે, ત્યારથી છોકરા-છોકરીઓ ગમે ત્યાં ડાન્સ કરવા લાગ્યા છે. આજકાલ તમે પણ ભીડવાળા રેલ્વે સ્ટેશન, બસ સ્ટોપ પર, બજારમાં, મોલમાં, કોલેજની બહાર અથવા ગમે ત્યાં નાચતા ઘણા યુવાનોની રીલ્સ જોઈ હશે. વાસ્તવમાં, તમે ગમે ત્યાં એટલે કે સાર્વજનિક સ્થળે આ રીતે ડાન્સ કરવા ઊભું રહી જવું, ત્યાં સુધી હાસ્ય, ખુશી અને આનંદની વાત છે જ્યાં સુધી કોઈને આપત્તિ ન હોય અને કોઈ આ બધા સામે કાયદેસરની કાર્યવાહી ન કરે. જો કોઈને આપત્તિ થાય તો આ રીતે ગમે ત્યાં ડાન્સ કરવાથી કાયદાકીય મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાસ કરીને ઉત્તેજક ડાન્સ કરવો, જેવો આજકાલ છોકરીઓ સોશિયલ મીડિયા પર કરતાં જોવા મળી રહી છે. ભારતીય કાયદા હેઠળ આ દંડનીય અપરાધ છે.
જાહેર સ્થળોએ ઉત્તેજક ડાન્સ કરવો એ અગાઉ ભારતીય દંડ સંહિતાની કલમ 294 હેઠળ સજાપાત્ર ગુનો હતો અને હવે ભારતીય ન્યાય સંહિતા હેઠળ પણ તેને ગુનો ગણવામાં આવે છે. આટલું જ નહીં ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની કલમ 66 હેઠળ અશ્ર્લીલ ડાન્સ માટે કોઈને ત્રણ મહિનાની જેલ અથવા દંડ અથવા બંને થઈ શકે છે. આવું ત્યારે થઈ શકે છે જ્યારે કોઈ સાર્વજનિક સ્થળે અથવા તો ખાનગીમાં પણ અશ્ર્લીલ ડાન્સ કરી તેને ઓનલાઈન શેર કરે, તો તે સાયબર ક્રાઈમની શ્રેણીમાં આવી જાય છે. પરંતુ સૌથી ખતરનાક ‘ઈન્ડિસેન્ટ રિપ્રેઝન્ટેશન ઑફ વુમન એક્ટ 1986’ છે, જેમાં જો મહિલાઓને અશ્ર્લીલ ડાન્સમાં અયોગ્ય રીતે રજૂ કરવામાં આવે તો પાંચ વર્ષ સુધીની સજા અથવા દંડ અથવા બંને થઈ શકે છે. વાસ્તવમાં આવા કેસમાં તમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને તમારો ડાન્સ અશ્ર્લીલ ન હતો તેઓ બચાવ કરવાની જવાબદારી તમારી બની જાય છે. આ એક લાંબી અને અત્યંત ખર્ચાળ પ્રક્રિયા છે.
આ ઉપરાંત, જાહેર સ્થળોએ અશ્ર્લીલતાના આરોપો પણ વ્યક્તિની સામાજિક છબી અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. જો સાર્વજનિક સ્થળે અશ્ર્લીલ ડાન્સ કરનાર સ્ત્રી કે પુરુષ નોકરી કરતી હોય તો તેની નોકરી એટલે કે પ્રોફેશનલ લાઈફ પણ તેનાથી પ્રભાવિત થઈ શકે છે. ઘણાં લોકો પૂછશે કે અશ્ર્લીલ ડાન્સની વ્યાખ્યા શું છે? તો જાણી
લો કે સાર્વજનિક સ્થળે કરવામાં આવેલો તમારો ડાન્સ કોઈ ચોક્કસ સમાજની માન્યતાઓ, નૈતિકતા અને સંસ્કૃતિ પર સવાલો ઉઠાવે તો તે અશ્ર્લીલ ગણાશે. તેને અશ્ર્લીલ ગણવા માટેનો બીજો આધાર એ છે કે તમે એવાં કપડાં પહેરીને ડાન્સ કરો છો, જે સમાજમાં અભદ્ર ગણાય છે. તેથી,જાહેર સ્થળોએ હંમેશાં જવાબદારીપૂર્વક વર્તવું વધુ સારું છે.
કોઈપણ રીતે તમારો ઉત્સાહ વ્યક્ત કરતા પહેલા એ જાણી લો કે આમ કરવાથી કોઈની ભાવનાઓને ઠેસ તો નહીં પહોંચેને અને હા, જો તમે કોઈ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા હોવ તો પણ તમે આવા કાયદાથી બચી શકશો નહીં. તેથી, કોઈપણ કાર્યનું આયોજન કરતા પહેલા, તેની પ્રક્રિયાઓ અને શું કરી શકાય અને શું ન કરી શકાય તે વિશે જાણી લો.
નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. સોશિયલ મીડિયા પર ઉત્તેજક અથવા સામાન્ય રીતે અશ્ર્લીલ ગણાતા ડાન્સ વીડિયો ક્યારેય શેર કરશો નહીં. આ ફક્ત તમારી સામાજિક છબીને જ નુકસાન નહીં પહોંચાડે, પરંતુ કાયદાકીય રીતે તમને જેલની સજા અથવા દંડ અથવા તો બંને સજા થઈ શકે છે. તેથી, જાહેર સ્થળોએ હંમેશાં મર્યાદા અને શિસ્તતાનું પાલન કરો.
જોવાની વાત એ છે કે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર રીલ શેર કરવા માટે યુવાનો જાહેર સ્થળોએ ખૂબ જ ઉત્તેજક ડાન્સ કરે છે અને પછી તેને શેર કરે છે. વાસ્તવમાં, લોકોને આકર્ષવાનો આ એક રસ્તો છે જેથી તેમના વીડિયો વાઇરલ થાય અને તેઓ આ રીલ્સમાંથી સારી એવી કમાણી કરી શકે. કેટલાક લોકોને લાગે છે કે તેમના ખાસ ડાન્સ મૂવ્સ અલગ અને અનોખા છે, તેથી તેઓ આવા વીડિયો શેર કરીને રાતોરાત ફેમસ થઈ જશે. આવા વીડિયો ઈન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને પહેલા ટિકટોક પર વ્યાપકપણે શેર કરવામાં આવતા હતા. વધુ ને વધુ લાઈક્સ મેળવવા યુવાનો હવે એવી જગ્યાઓ પર ડાન્સ કરીને લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માગે છે, જ્યાં સામાન્ય રીતે આ બધા માટે કોઈ અવકાશ નથી. તેનું એક કારણ એ છે કે આજની યુવા પેઢી દરેક સમયે પોતાની જાતને વ્યક્ત કરવાના મૂડમાં છે.
તેઓ તેમની કુશળતા અને ઉત્સાહ દરેક જગ્યાએ પ્રદર્શિત કરવામાં અચકાતા નથી. પરંતુ આ પ્રકારની મસ્તી
તેમને કાયદેસર રીતે મોંઘી પડી શકે છે. તેથી, જાહેર સ્થળોએ હંમેશાં સામાજિક શિષ્ટાચાર જાળવો. પબ્લિક પ્લેસ પર આ રીતે ડાન્સ કરવાથી માત્ર કાયદાકીય સમસ્યાઓ જ નહીં, ટ્રાફિકમાં પણ ખલેલ પડે છે, સલામતી સાથે ચેડા થાય છે અને લોકો બિનજરૂરી રીતે વિચલિત થાય છે. જેના કારણે અકસ્માતો પણ સર્જાય છે અથવા તો થવાની સંભાવના રહે છે. તેથી આવી પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ.