ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગ : જર-જમીન-જોરુ કજિયાના છોરુ: સંપત્તિના અધિકારનું ચક્કર કઈ રીતે ચાલુ થયું?

-રાજ ગોસ્વામી

હૈદરાબાદમાં એક દિલધડક ઘટના બની. અહીં એક પૌત્રએ સંપત્તિને લઈને એના ઉદ્યોગપતિ દાદાની નિર્દયતાથી હત્યા કરી નાખી. ‘વેલજન ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝ’ના 86 વર્ષીય ચૅરમૅન – મૅનેજિંગ ડિરેક્ટર વી. સી. જનાર્દન રાવની 6 ફેબ્રુઆરીની રાત્રે એમના 29 વર્ષીય પૌત્ર તેજાએ છરીના 70 ઘા મારીને હત્યા કરી હતી. રાવના ઘરે રહેતી માતાએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેજાએ એના પર પણ છરી વડે હુમલો કર્યો હતો. સંપત્તિની વહેંચણીને લઈને એનો દાદા રાવ સાથે વિવાદ હતો. તેજાએ રાવને છરી મારીને કહ્યું હતું, ‘તમે મિલકત યોગ્ય રીતે વહેંચી નથી, કંપનીમાં કોઈ મને માન નથી આપતું, મને મારા પૈસા આપો.’

આ કિસ્સામાં પૌત્ર તેજાની માનસિકતાને લઈને પ્રશ્નો થઈ શકે (અને એની સામે ઉચિત કાનૂની કાર્યવાહી પણ થશે), પરંતુ પરિવારોમાં સંપત્તિના વિવાદ થવા અને તેમાં પરસ્પર સહમતીથી સમાધાન ન થાય તો કાનૂની લડાઈથી લઈને હત્યા જેવાં આત્યંતિક પરિણામો આવવાં એ નવાઈની વાત નથી.

સંપત્તિના વિવાદ માનવ જીવનના કેન્દ્રમાં છે. માણસ જ્યારે ભટકતું જીવન જીવતો હતો, ત્યારે એનું કોઈ નિશ્ચિત ઠેકાણું નહોતું. એનો કોઈ વસવાટ નહોતો એટલે એના કોઈ અધિકાર પણ નહોતા. માણસે જ્યારે સંગઠિત સ્વરૂપે રહેવાનું શરૂ કર્યું ત્યારે એણે જમીન અથવા ક્ષેત્ર પર અધિકારો સ્થાપ્યા હતા. તેમાંથી ક્ષેત્રોનું સશસ્ત્ર રક્ષણ કરવાની અને એનો વારસો આપવાની વૃત્તિ પેદા થઈ હતી. પ્રાકૃતિક સંપદાઓ પર માલિકી સ્થાપવાની આ માનવીય વૃત્તિમાંથી જ આધુનિક સમાજમાં સંપત્તિના અધિકારો અને રાષ્ટ્રનિર્માણની પ્રથા અમલમાં આવી હતી. ચાહે પરિવાર હોય કે દેશ, આજે પણ દુનિયામાં સૌથી વધુ વિવાદ અને ઝઘડા સંપત્તિ અને સરહદોને લઈને થાય છે.

ગુજરાતીમાં એક કહેવત છે : ‘જર, જમીન અને જોરુ આ ત્રણેય કજિયાના છોરુ’ આ કહેવત સંપત્તિના માલિકીભાવમાંથી આવી હતી. ત્યારે ધન (જર), જમીન અને સ્ત્રી (જર) સંપત્તિ ગણાતી હતી અને એની માલિકીને લઈને તકરાર થતી હતી.

ભારતના સૌથી પ્રાચીન ગ્રંથ મહાભારત અને રામાયણમાં પણ વિચારધારા અને મૂલ્યોની લડાઈ તો છે જ, પરંતુ તેની સમાંતર સંપત્તિનો વિવાદ પણ છે. રામાયણમાં ભરતની માતા કૈકેયી રાજ્યની સત્તા માટે રામને વનવાસમાં મોકલવા દશરથને મનાવી લે છે. મહાભારતમાં કૌરવો પાંડવોને જુગાર રમાડીને આ કૃત્ય કરે છે. ઉપરાંત, બંને કથામાં સ્ત્રીઓ (સીતા અને દ્રૌપદી) સાથે બદસલૂકી કરવામાં આવે છે.

સંપત્તિની માલિકીનો સીધો સંબંધ માણસના અહંકાર (હુંપણા) સાથે છે અને સંપત્તિ પર માલિકીની ભાવના ક્ષેત્રિય અધિકારની ભાવનામાંથી આવે છે. એક સમયે માણસો અને પશુઓમાં ક્ષેત્રિય ભાવના હતી. આજે પણ જંગલમાં પ્રત્યેક પશુઓ પોત પોતાનાં ક્ષેત્રોમાં રહે છે અને તેનું જાનના જોખમે રક્ષણ કરે છે.

માણસોએ કદમ આગળ જઈને ‘આ ઝાડ મારું, આ ઘર મારું, આ ધન મારું, આ પેદાશ મારી, આ પરિવાર મારો’ એવા અધિકાર વિકસાવ્યા હતા. એ તેના અહંકારનો વિસ્તાર હતો. પશુઓ તેમના પરિવાર ને ક્ષેત્રનો અધિકાર વારસામાં નથી આપતાં એટલા માટે તેમની વચ્ચે કોઈ મતભેદ પણ નથી થતા. હા, ક્ષેત્ર મેળવવા માટે તેમણે લડાઈ કરવી પડે છે. તેમાં જે તાકાતવર હોય તે જીતે છે અને કમજોર હારી જાય છે. તેને ‘જંગલનો કાનૂન’ કહે છે.

માણસોમાં સંપત્તિના વારસાની પરંપરા છે એટલે મારી અને તમારી માલિકીને લઈને વિવાદો અને ટેન્શન પેદા થાય છે. સંપત્તિનો સંબંધ અહંકાર સાથે હોવાના કારણે જ તેમાં લાગણીની મોટી ભૂમિકા હોય છે. એટલે જ યુદ્ધ થાય અને એટલે જ હત્યા થાય છે.

પ્રાચીન સમયથી લઈને આધુનિક સમાજો સુધી, માણસે જેટલી પણ સિદ્ધિ અને પાયમાલી જોઈ છે તેના કેન્દ્રમાં સંપત્તિ રહી છે. સંપત્તિ માટે ક્રાંતિઓ થઈ છે, કત્લેઆમ થઈ છે, દેશોનું નિર્માણ થયું છે, દેશોનું પતન થયું છે. આ એટલું સામાન્ય થઈ ગયું છે કે સંપત્તિના અધિકારને આપણે (હવા, પાણી, પ્રકાશ જેવા) પ્રાકૃતિક અધિકાર માનતા થઇ ગયા છીએ.

વાસ્તવમાં પ્રકૃતિમાં સંપત્તિનો અધિકાર નથી. એ અધિકાર માણસે વિકસાવેલો છે. જંગલમાં ઝાડ સાર્વજનિક છે, પરંતુ માણસે તેના પર માલિકી સ્થાપીને તેના પર ‘બોર્ડ’ માર્યું કે આ ઝાડ મારું છે. જેમ એક કાગળના ટુકડાને મૂલ્ય પ્રદાન કરીને તેને રૂપિયાનું સ્વરૂપ આપવાનું કામ માણસનું મન કરે છે, તેવી રીતે એણે સંપત્તિ પર અધિકાર
બનાવ્યો છે.

એક સમયે જે બધું જ સાર્વજનિક હતું એને માણસે પોતાના અહંકારનો વિસ્તાર કરીને એક પછી એક ચીજો પર તેના અધિકાર સ્થાપ્યા. એટલું જ નહીં, મર્યા પછી પણ એનું નામ જીવતું રહે તે માટે તે એની વારસાઈ પણ કરે છે. અમુક આદિવાસી સમાજોમાં, મૃત સંબંધીઓને નિશ્ચિત જગ્યાએ દફન કરીને તે જમીન પર અધિકાર કરવામાં આવતો હતો. એટલા માટે આપણે ત્યાં મર્યા પછી શરીરને અગ્નિદાહ આપીને એની ભસ્મને નદીમાં વહાવી દેવાની પરંપરા છે, જેથી જમીનના ટુકડા પર માલિકી સ્થાપિત ના કરવામાં આવે.

દિગંબર જૈનોમાં ભગવાન મહાવીરની એક વાર્તા છે. પોતડી પહેરેલા મહાવીર એકવાર જંગલમાંથી ચાલીને જતા હતા. અચાનક એમની પોતડી એક ઝાંખરામાં ભરાઈ ગઈ. પોતાની નગ્નતાને ઢાંકવા માટે એમણે હાથ વડે કાંટામાંથી પોતડી કાઢવાનો પ્રયાસ કર્યો ત્યારે એમને એક વિચાર આવ્યો, ‘બધું જ ત્યજી દીધું છે, તો પછી પોતડીમાં પણ આસક્તિ શા માટે?’ અને એ પોતડીને ત્યાં જ રહેવા દઈને દિગંબર અવસ્થામાં આગળ વધી ગયા. માલિકી ભાવને ત્યજી દેવાનું આ સૌથી ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button