પ્રોફેસર શાસ્ત્રી જાંભેકરના શિષ્યોમાં દાદાભાઈ નવરોજી અને સોરાબજી શાપુરજી બેંગાલીનો પણ સમાવેશ થાય છે
નરીમાન પોઈન્ટની પાળેથી – મૂળચંદ વર્મા
ઓગણીસમી સદીનો સૂરજ ઊગ્યો હોવા છતાં ભારતમાં ધાર્મિક અંધશ્રદ્ધા પ્રર્વતતી હતી. સામાજિક કુરૂઢિઓના અંધારાં આથમ્યા નહોતાં, ત્યારે બુદ્ધિપ્રકાશ પ્રગટાવવાનું કામ મુંબઈએ કર્યું હતું. ઈ.સ. ૧૮૨૧માં બ્રિટિશ સરકર એટલે કે તે સમયની ઈસ્ટ ઈન્ડિયા કંપની સરકારને પોતાના મરીન ડિપાર્ટમેન્ટ માટે મુંબઈના મરાઠી શિક્ષકની જરૂર પડી તે વખતે ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ એવી પ્રથા પ્રચલિત કરી હતી કે કલેકટર અને એવી જવાબદારી ધરાવતા અન્ય અંગ્રેજ અધિકારીઓને તેમની નિમણૂક જે પ્રદેશમાં થાયતે પ્રદેશની ભાષા – સ્થાનિક બોલી ફરજિયાત શીખી લેવી. આથી મરીન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને મરાઠી ભાષા શીખવવા મરાઠી પંડિત ગંગાધર દીક્ષિત ફડકેને પુણેથી મુંબઈ બોલાવવામાં આવ્યા. ગરીબ ગંગાધરને તો સારી એવી આવક થઈ, પણ પુણેના અને મુંબઈના રૂઢિવાદી બ્રાહ્મણ સમાજે શ્રી ગંગાધર દીક્ષિત ફડકેને નાત બહાર મૂકયા. તે વખતે રેલવે કે સડક જેવું કશું પુણે મુંબઈ વચ્ચે નહોતું. આથી મુંબઈ ટાપુ ઉપર પહોંચવા દરિયો પાર કરવો પડયો. તે સમયની માન્યતા અનુસાર દરિયો ઓળંગવો એટલે મહાપાપ. બિચાર ગંગાધરને બ્રાહ્મણ સમાજને સારી એવી દક્ષિણા આપી દરિયો ઓળંગવાનું પ્રાયશ્ર્ચિત્ત કરવું પડયું.
તે જમાનામાં પોર્તુગીઝ અને અંગ્રેજ મિશનરીઓએ સત્તા અને કૂડકપટનો ઉપયોગ કરીને વિશાળ પાયે હિંદુઓનું ધર્માન્તર કરીને તેઓને ક્રિશ્ર્ચિયન બનાવી દીધા હતા. હિંદુ સમાજે એ નવા ક્રિશ્ર્ચિયનોનો બહિષ્કાર કર્યો હતો. ત્યારે મુંબઈમાં અંગ્રેજીનું શિક્ષણ પ્રાપ્ત કરનાર શ્રી ગંગાધર શાસ્ત્રી જાંભેકર ૧૮૩૦માં વટલાયેલા ક્રિશ્ર્ચિયનોને પાછા હિંદુ ધર્મમાં લેવા બહાર પડ્યા. આર્ય સમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતી કરતાં પણ વહેલી પહેલ આ ક્ષેત્રે શાસ્ત્રી જાંભેકરે કરી હતી. શ્રી જાંભેકર એલ્ફીન્સ્ટન ઈન્સ્ટિટ્યૂટના આસિસ્ટન્ટ પ્રોફેસર હતા. શ્રી જાંભેકરને સહકાર આપવા બહાર આવ્યા શ્રી ગજાનન વૈદ્ય. શ્રી ગજાનને વટલાયેલા ખ્રિસ્તીઓને હિંદુ સમાજમાં પાછા લેવા હિંદુ મિશન સોસાયટીની સ્થાપના મુંબઈમાં કરી હતી. શ્રી ગજાનને લગ્નવિધિનું પ્રશિક્ષણ (તાલીમ) બ્રાહ્મણ ગોર-મહારાજોને આપવા માટે વિશેષ રૂપમાં વર્ગો મુંબઈમાં શરૂ કર્યાં હતા. લગ્નવિધિનું શિક્ષણ માત્ર બ્રાહ્મણોને જ નહિ, પણ ઈતર હિંદુઓને પણ આપવા માંડ્યું હતું.
શાસ્ત્રી જાંબેકરના માર્ગદર્શન હેઠળ આ પ્રવૃત્તિએ તે જમાનામાં સારી પ્રગતિ કરી હતી અને આ પ્રોફેસર શાસ્ત્રી જાંભેકરના શિષ્યોમાં દાદાભાઈ નવરોજી અને સોરાબજી શાપુરજી બેંગાલીનો પણ સમાવેશ થાય છે.
દાદાભાઈ નવરોજી અને જગન્નાથ શંકરશેઠના સહકારથી શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક ક્રાંતિ માટે અન્ય સમાજસેવકોએ ૧૮૪૮ના જૂનની ૧૩મી તારીખે ધી સ્ટુડન્ટ્સ લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટીની મુંબઈ ખાતે સ્થાપના કરી હતી. તે જમાનામાં મુંબઈમાં છોકરીઓને અંગ્રેજી શિક્ષણ આપવાની પહેલ કરનાર ફરામજી કાવસજી બનાજી હતા. ફરામજી પોતે ઝાઝું ભણ્યા નહોતા; પણ પોતાના કુટુંબની છોકરીઓને અંગ્રેજી કેળવણી આપવા શાળામાં મોકલવાની પહેલ કરી હતી. પારસીઓએ ગુજરાતી કેળવણીમાં પાછળ રહેવાનું પસંદ કર્યું નહોતું. નાત-જાત-ધર્મના ભેદભાવ વિના સ્ત્રીશિક્ષણ માટે ખરશેદજી નસરવાનજી કામાની સહાયથી શ્રી કાવસજીએ ‘સ્ત્રીબોધ’ ગુજરાતી માસિકની શરૂઆત ૧૮૫૭માં કરી હતી. જો હું ભૂલતો ન હોઉં તો ૧૯૪૦ના દાયકાનું ‘સ્ત્રીબોધ’ માસિક મને જોવા મળ્યું હતું અને તેના તંત્રી શ્રી કેશવપ્રસાદ સી. દેસાઈ હતા. તે પહેલાંના તંત્રી પૂતળીબાઈ કાવસજી હતાં. અમદાવાદના પ્રકાશક શ્રી જીવનલાલ અમરશીએ એ માસિક ચલાવવાનો પ્રયાસ કર્યો હતો અને પછી બંધ પડી ગયું હતું. એ વિશે એ વખતે કોઈ ગુજરાતી સાહિત્યકાર કે સમાજ સુધારકે એકાદ આંસુનું ટીપુંય સાર્યું નહોતું. ધી સ્ટુડન્ટ્સ લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટીએ મુંબઈ શહેરમાં સ્ત્રીઓને કેળવણી આપવા ૧૮૪૯માં સવારના વર્ગો પણ શરૂ કર્યાં હતા.
આ ધી સ્ટુડન્ટ્સ લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટીએ ૧૮૫૧માં ગુજરાતી સંસ્થા ‘જ્ઞાન પ્રસારક મંડળી’ની શરૂઆત કરી હતી. ત્યારે શ્રી કરસનદાસ મૂલજીએ ૨૦ વર્ષની વયે ‘વિધવા વિવાહ’ વિશે નિબંધ લખી મોકલ્યો હતો અને તે પ્રગટ થતાં રૂઢિવાદી ભાટિયા અને વણિક સમાજમાં જબરો ઊહાપોહ ઊઠયો હતો. શ્રી કરસનદાસ મૂલજીએ તેમના કુટુંબીજનોએ આ અપરાધ માટે ઘરમાંથી બહાર કાઢી મૂકયા હતા. શ્રી કરસનદાસ મૂલજીનું મરણ ૩૮ વર્ષની વયે થયું હતું.
શ્રી ગજાનન વૈદના પ્રયાસો વીસમી સદીમાં પણ પાતળા પડી ગયા નહોતા. એમના એક શિષ્ય શ્રી નાનુ નારાયણ કોઠારેએ એક ધાર્મિક ટ્રસ્ટની નાણાકીય સહાયથી ૧૯૦૯માં ‘ચંદા રામજી ગર્લ્સ હાઈ સ્કૂલ’ની સ્થાપના કરી હતી.
મુંબઈના સ્ત્રી શિક્ષણ અને સ્ત્રી-જાગૃતિની જાણ તો દુનિયાભરમાં ત્યારે થઈ કે જ્યારે ૧૮૮૯માં કલકત્તાના એક પ્રૌઢ વયના હરિ મૈતિએ કુમળી વયની ક્ધયા ફૂલમણી સાથે લગ્ન કર્યાં અને બળજબરીથી લગ્નના અધિકારનો ભોગવટો જતાં ફુલમણીનું મરણ નીપજ્યું ત્યારે મુંબઈની તમામ વર્ગની બે હજાર સ્ત્રીઓએ પોતાની સહીઓ સાથે મહારાણી વિકટોરિયાને એક નિવેદન મોકલાવીને વિરોધ કર્યો હતો. મહારાણી વિકટોરિયાએ આ નિવેદન વાંચી વાઈસરોયને આ પ્રકરણની તપાસ કરી એવી પ્રથા અટકાવવાનો આદેશ આપ્યો હતો.
સ્ટુડન્ટ્સ લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટીની મરાઠી જ્ઞાન પ્રસારક સભા પણ હતી અને તેમાં છ મરાઠી વિદ્યાર્થીઓ આગળ આવ્યા હતા. ગુજરાતી જ્ઞાન પ્રસારક સભામાં છ ગુજરાતીઓ શ્રી બેરામજી ખરશેદજી, જહાંગીર હોરમસજી, પાલનજી ફરામજી, જહાંગીર બરજોરજી, દાદાભાઈ નવરોજી અને એદલજી નસરવાનજી હતા.
મરાઠી જ્ઞાન પ્રસારક સભાની શાળાઓ લુહાર ચાલ, એપોલો રોડ અને કુંભાર ટુકડા ખાતે આવી હતી ત્યારે ગુજરાતી શાળાઓ કોટ, ચંદનવાડી, અગિયારી લેન અને મિરઝા સ્ટ્રીટ ખાતે ચલાવવામાં આવતી હતી. પારસી શિક્ષકોની ગુજરાતી ભાષા હિન્દુ ગુજરાતીઓની ગુજરાતી ભાષા કરતાં થોડી અલગ પડતી હોવાથી ૧૮૫૧માં હિંદુ ગુજરાતીઓએ ‘બુદ્ધિવર્ધક હિન્દુ સભા’ની સ્થાપના કરી હતી. ૧૮૫૧ના જૂનની ૧૬મી તારીખે સનાતની ગુજરાતીઓના પ્રબળ વિરોધ વચ્ચે પાયધુની ખાતે છોકરીઓના શિક્ષણ માટે શરૂ કરવામાં આવી હતી, ત્યારે કોટ ખાતે ૧૮૫૪માં મંગળદાસ નથુભાઈની મદદથી એમના ગામે ક્ધયા શાળા શરૂ કરવામાં આવી હતી.
ગુજરાતીઓ માત્ર ગુજરાતી શાળા પૂરતા જ સંકુચિત રહ્યા નહોતા. શેઠ ભગવાનદાસ પુરુષોત્તમદાસ નામના ગુજરાતી ગૃહસ્થ ૧૮૫૯ના ડિસેમ્બરની ૧૩મી તારીખે એક મરાઠી શાળા ખર્ચ માટે વાર્ષિક રૂા. ૬૦૦ આપતા હતા. કાલબાદેવી નજીક ‘શેઠ ભગવાનદાસ પુરુષોત્તમદાસ મરાઠી ગર્લ્સ સ્કૂલ’ નામે આ શાળા ચાલતી હતી.
આ રીતે મુંબઈ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ક્રાન્તિના ક્ષેત્રે પણ અગ્રગણ્ય રહ્યું છે અને તેમાં ગુજરાતીઓનો ફાળો મહત્ત્વપૂર્ણ રહ્યો છે.