વ્યવસાયિક સફળતા અંગત જીવનની સફળતાની ગેરંટી નથી
મોર્નિંગ મ્યૂસિંગ -રાજ ગોસ્વામી
ભારતીય ક્રિકેટના ઝડપી બોલર મોહમ્મદ શમીનો આજકાલ શાનદાર સમય ચાલી રહ્યો છે. હાલમાં પૂરા થયેલા આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ-૨૦૨૩માં ભારતના મુખ્ય ઝડપી બોલર તરીકે તેણે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. ભારત માટે ૧૭૭ મેચોમાં ૪૧૫ વિકેટ ખેરવીને શમીએ પોતાની સમૃદ્ધિ ઊભી કરી છે. તેના નામે ૧૦૦ વિકેટ સુધી પહોંચનાર સૌથી ઝડપી ભારતીય બોલરનો રેકોર્ડ બોલે છે અને વનડે વર્લ્ડ કપ મેચમાં હેટ્રિક બનાવનાર માત્ર બીજો ભારતીય ક્રિકેટર છે. તેણે મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ સેમિફાઇનલમાં સાત વિકેટ ઝડપીને વડા પ્રધાનથી લઈને અદના આદમીનાં દિલ જીતી લીધાં હતાં.
શમીની ઉંમર ૩૩ વર્ષ છે. તેનો જન્મ ૩ સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના અમરોહામાં થયો હતો. શમીએ મુખ્યત્વે પશ્ર્ચિમ બંગાળમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી હતી. તેનું ક્રિકેટ જીવન જેટલું શાનદાર ચાલી રહ્યું છે, તેટલું જ તેની અંગત જીવન ઊથલપાથલમાંથી પસાર થઇ રહ્યું છે.
મોહમ્મદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. બંને વચ્ચે કોઈ કાનૂની છૂટાછેડા નથી, પરંતુ ૨૦૧૮માં ઘરેલું હિંસા અને વ્યભિચારના આક્ષેપ બાદ દંપતી અલગ રહે છે, જ્યારે સેમિ ફાઈનલમાં મોહમ્મદ શમીએ ૭ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો, ત્યારે તેની બેગમે એક સૂચક બયાન કર્યું હતું.
ખાવિંદની સિદ્ધિ અંગે
મીડિયાવાળાઓના સવાલોના જવાબ આપતાં તેણે કહ્યું હતું, એક ખેલાડી તરીકે તે જેટલો સારો છે, તેટલો જ તે એક માણસ તરીકે સારો હોત, તો અમે સરસ જીવન જીવતાં હોત. એ જો સારો માણસ હોત, તો હું, મારી દીકરી અને મારા પતિ એક સુખી જીવન વ્યતિત કરતાં હોત. તે એક સારો પતિ અને સારો પિતા હોત, તો એક ખેલાડી તરીકે તેને વધુ સન્માન અને ગૌરવ મળ્યું હોત.
હસીન જહાં પાસે આવું કહેવા માટેનાં પર્યાપ્ત કારણો હશે અને સામે પક્ષે શમી પાસે પણ કહેવા માટે મુદ્દાઓ હશે. એમાં કોણ સાચું અને કોણ ખોટું એ આપણો વિષય નથી. બંને વચ્ચેનો ખટરાગ તેમનો અંગત વિષય છે અને આપણે તેના વિશે ટિપ્પણી કરવી ન જોઈએ, પરંતુ બેગમની વાત પરથી એક બહોળો મુદ્દો ઊભો થાય છે; વ્યવસાયિક જીવનમાં સફળ વ્યક્તિ અંગત જીવનમાં કેમ નિષ્ફળ હોય છે? અથવા વ્યવસાયિક રીતે સફળ વ્યક્તિએ અંગત જીવનમાં પણ અનિવાર્યપણે સફળ હોવું જ જોઈએ?
આ મુદ્દો સમજવા જેવો છે, કારણ કે શમી ઈતિહાસનો પહેલો કે છેલ્લો માણસ નથી, જે વ્યવસાયમાં સફળ હોય અને અંગત જીવનમાં નિષ્ફળ. જાણીતા, અજાણ્યા એવા ઘણા લોકો હોય છે, એક ક્ષેત્રમાં જેટલા સફળ હોય છે, બીજા ક્ષેત્રમાં એટલા જ નિષ્ફળ હોય છે.
તેનું મુખ્ય અને પહેલું કારણ એ છે કે સફળતા-નિષ્ફળતા સબ્જેક્ટિવ હોય છે, સાપેક્ષ હોય છે અને તે વ્યક્તિગત સંજોગો તેમજ પરિપ્રેક્ષ્ય પર આધારિત હોય છે. ધારો કે, શમી કોઈ સ્કૂટર ગેરેજમાં કામ કરતો હોત, અને ત્યાંથી તેને કાઢી મૂક્યો હોત, તો શું આપણે તેના નિષ્કાસનની સરખામણી તેના લગ્ન સાથે કરી હોત? કદાચ ઊંધું થયું હોત; તેના માટે આપણી હમદર્દી વધી ગઈ હોત કે જુવોને બિચારો! ના લગ્નમાં સુખી છે, ના વ્યવસાયમાં!
જે શમીને આજે સફળ બોલર તરીકે માથા પર ચઢાવવામાં આવે છે, તે જ શમીને હજુ થોડા દિવસ પહેલાં તેના ધર્મને લઈને ભયંકર ટ્રોલ કરવામાં આવતો હતો. વ્યવસાયિક ક્રિકેટર તરીકે તેને લઘુમતી હોવાની આભડછેટ મહેસૂસ કરવી પડે એ પણ તો તેની નિષ્ફળતામાં ગણાય ને! પરંતુ દરેક વસ્તુ સરખામણીના લેન્સમાંથી અલગ નજર રીતે નજર આવતી હોય છે. આપણે કયો લેન્સ પહેરીને જોઈએ છીએ તેના પર એ નિર્ભર કરે છે. ગાંધીજીના પુત્ર હરિલાલે, હસીન જહાંની જેમ, કહ્યું હતું કે દેશ માટે જે રાષ્ટ્રપિતા હતા તે પિતા તરીકે નિષ્ફળ હતા.
આના પરથી બીજી મહત્ત્વની વાત સમજવા જેવી એ છે કે વ્યવસાયિક જીવનમાં સક્રિય પ્રયાસોની ઇચ્છિત પરિણામ મળી શકે છે. એમાં તમારા પ્રયાસોનું મહત્ત્વ હોય છે, માણસ તરીકે તમે કેવા છો તેનું નહીં. અંગત જીવનમાં અથવા સંબંધોમાં, તમે માણસ તરીકે જેવા હોવ તેવો જ પ્રભાવ હોય છે. બીજી રીતે કહીએ તો, ક્રિકેટ મેચમાં નેટ પ્રેક્ટિસ કરીને તમે સદી ફટકારી શકો અથવા બોર્ડની પરીક્ષા અગાઉ રાત-દિવસ ભણીને પહેલો નંબર લાવી શકો, પણ સંબંધમાં ના તો મેચ હોય છે કે પરીક્ષા. એમાં તમારું વ્યક્તિત્વ પ્રતિબિંબિત થાય છે, પ્રયાસ નહીં.
તમે માણસ તરીકે જેવા હોવ, વ્યક્તિગત જીવન એ પ્રમાણે વિકસિત થાય છે. પ્રેમ નેટ પ્રેક્ટિસથી પ્રાપ્ત ન થાય. તમે તમારા જીવનસાથી, મિત્ર, પ્રેમી કે માર્ગદર્શક સાથેનો તમારો સંબંધ ખરાબ ન થાય તે માટે મહેનત કરી શકો, પરંતુ તે પ્રેમ મેળવવા માટે દબાણ ન કરી શકો. તમે કોઈ વ્યક્તિને અનુકૂળતા મહેસૂસ થાય તેવા બનો અને એ વ્યક્તિ તેની કદર કરે, તો પ્રેમનો સંબંધ કેળવાય છે. તમે પ્રેમ માટેની પાત્રતા કેળવવાનો પ્રયાસ કરી શકો અને પછી પ્રેમ સહજ રીતે તમારી પાસે આવે. તમે એટલું જ કરી શકો. એ સિવાય બીજી મહેનત વ્યર્થ જાય છે.
ત્રીજી વાત. ઘણીવાર એવું બનતું હોય છે કે જે કારણોથી તમે વ્યવસાયિક જીવનમાં સફળ થાવ છો, કદાચ એ જ કારણોથી અંગત જીવનમાં નિષ્ફળ જાવ છો. મતલબ એ કે માળખાગત પરિસ્થિતિ (જેમ કે વ્યવસાયિક જીવન)માં તમારી પ્રતિભા જે રંગ લાવે છે, તે જ પ્રતિભા બિન-માળખાગત (જેમ કે અંગત જીવન) પરિસ્થિતિમાં તમને આડી આવે છે.
ઉદાહરણ તરીકે, તમને તે માળખાની અંદર રહીને સમસ્યાનું સમાધાન કેવી રીતે શોધવું તે આવડી ગયું છે. તમે માળખાનો અભ્યાસ કરીને તેની ઊંડી સમજ કેળવી લો પછી માળખાના કારણે ઊભી થતી કોઈપણ સમસ્યા તમારા માટે સમસ્યા નથી રહેતી. તમે ઝડપથી અને સંક્ષિપ્તમાં તેનો જવાબ શોધી શકો છો.
જેમ કે ક્રિકેટનું એક ચોક્કસ માળખું છે, તેના નિયમો છે, તેની યુક્તિઓ છે. તમે તમારી જાતને એ સીમારેખાઓની અંદર ટ્રેઈન કરી દો, પછી કેવી રીતે બોલ કે બેટથી ખેલવું એ ડાબા હાથનો ખેલ બની જાય. જેટલી વધુ સારી ટ્રેનિંગ, એટલી વધુ ગેરંટી કે તમે સફળ જાવ.
સમસ્યા એ છે કે વ્યક્તિગત જીવનમાં ભાગ્યે જ એવું માળખું હોય છે. હકીકતમાં, એમાં સાચો જવાબ શોધવાનો પ્રયાસ જ સંબંધોમાં જટિલતા પેદા કરે છે, કારણ કે એમાં તમે સતત મનમાં સામેની વ્યક્તિનું, તેની વાતોનું, તેના વર્તનનું વિશ્ર્લેષણ કરો છો. તમે જેટલું વધુ વિશ્ર્લેષણ કરો છો, એટલા વધુ તમે તે વ્યક્તિથી અલગ-અલગ થાવ છો.
ટૂંકમાં, વ્યવસાયિક જીવનની સમસ્યાઓ અને તેનાં સમાધાન અંગત જીવનની સમસ્યાઓ અને તેનાં સમાધાનથી એકદમ વેગળાં હોય છે. એટલે એક ક્ષેત્રમાં કારગત નીવડેલી ક્ષમતા બીજા ક્ષેત્રમાં કારગત નથી નીવડતી. વ્યવસાયિક દુનિયા સંરચિત અને ઔપચારિક હોય છે, અંગત દુનિયાના સંબંધો પ્રવાહી અને અવ્યવસ્થિત હોય છે.
ચોથું, કેટલાક સફળ લોકો તેમના વ્યવસાયિક અને વ્યક્તિગત જીવનને આસાનીથી સંતુલિત કરી શકતા નથી, જે તેમના સંબંધો પર પ્રેસર ઊભું કરે છે. અમુક લોકો તેમની કારકિર્દીના સ્ટ્રેસ અને પ્રેસરને ઝીલી શકતા નથી, જેનાથી તેમનાં અંગત સંબંધો પ્રભાવિત થાય છે. વધુમાં, અમુક સફળ લોકોના વ્યક્તિત્વની ખાસિયતો કે આદતો હોય છે, જે સફળ સંબંધો માટે અનુકૂળ નથી હોતી. અંતત: સંબંધોની સફળતા અને નિષ્ફળતાનાં કારણો વ્યક્તિએ વ્યક્તિએ વિશેષ અને નોખાં હોય છે.