સમસ્યા કે સમાધાન? એક સિક્કાની બે બાજુ!
શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ
ભારત સિવાય બીજા દેશોમાં કોઈપણ ગંભીર ઘટનાઓને સમસ્યા તરીકે લેવામાં આવે છે. એના વિશે કારણો શોધવામાં આવે છે અને ભવિષ્યમાં એ ઘટના ફરી પાછી ન બને એ માટેના જરૂરી પગલાં લઈ એને હંમેશ માટે ખતમ કરવા માટે તૈયારીઓ કરવામાં આવે છે.
જોકે ભારત દેશની એક કલ્ચરલ ક્યુટનેસ કે ખાસિયત એ છે કે આપણે મોટી સમસ્યાઓને ખાલી મામૂલી ઘટના તરીકે જોઈએ છીએ. આમાં શું છે કે સરકારને આરામ રહે છે અને જેના પર આ દુ:ખ વિતે છે, એ પણ ભગવાનની ઈચ્છા માનીને અંતે થોડા દુ:ખી થઈને પણ સહન કરી લે છે. જેમ કે પૂર આવે ત્યારે એમાં લોકોનું ડૂબી જવું કે ઘરબાર બધું પાણીમાં તણાઈ જવું, એ કંઈ ગંભીર સમસ્યા નથી!
એ તો દર વર્ષે બનતી ઘટના છે. એમાં શું?
હા, એ ઘટના પર સમાચાર ચોકકસ બને છે. એમાં પણ જ્યારે એ ઘટનામાં વઘારે લોકોની મોત થયા હોય ત્યારે જ એ સમાચાર પર થોડી ઘણી સહાનુભૂતિ મળી શકે છે. નહીંતર આ એક માત્ર સામાન્ય સમાચાર બનીને રહી જાય છે!
આ દેશમાં રોજ આવી ઘટનાઓ અને આવા સમાચારો તો બનતા જ રહે છે. જેવી રીતે એક હોડીનું નદીમાં પલટી જવું, એક જીપનું ઝાડ સાથે અથડાવવું, સ્કૂટરને ટ્રકની ટક્કર લાગવી, કોઈ મકાનની છત અચાનક ધસી પડવી, તળાવમાં નહાવા જતાં છોકરાઓનું ડૂબી જવું, રોગચાળામાં એક સાથે ઘણા લોકોનાં મોત, રેલવેના ડબ્બાઓનું પાટા પરથી ઊતરી જવું, અચાનક કંપનીમાંથી ઝેરી ગેસ લીક થઈ જવો, બેંકમાં લૂંટફાટ, ઘરમાં એકલી સ્ત્રી જોઈને એના પર બળાત્કાર કરવો, છોકરીઓને લાલચ આપી એને વેશ્યા બનાવવા માટે વેચવી, અંધશ્રદ્ધા માટે સંતાનોની બલિ ચઢાવવી, મજૂરોને બંધુઆ બનાવવા, વીમા માટે પોતાના જ ઘર કે ફેક્ટરીમાં આગ લગાડી સંપત્તિનો નાશ કરવો, સાસરામાં વહુઓનું અચાનક સળગી જવું, દુકાળ પડવાથી પશુઓ અને માણસોનાં મોત થવાં, વગેરે આપણા દેશની સમસ્યાઓ નથી, પણ આ બધી રોજિંદી ઘટનાઓ છે. અખબારમાં આ વાતો હજી છપાય છે એ જ બહુ મોટી વાત છે. સરકાર પણ આ ઘટનાઓ વિશે વાંચતી તો ચોક્કસ હશે, પણ બસ એ જ રીતે જેમ આખો દેશ હેડલાઇનમાં વાંચે છે!
બીજી તરફ, સરકાર નાની નાની સમસ્યાઓ સામે લડવામાં બિઝી હોય, તો પછી ઘટનાઓની તરફ ધ્યાન કેવી રીતે આપી શકે? એમને સમસ્યાઓમાંથી ફુરસદ જ નથી મળતી! કેટલાક લોકો કહે છે કે આપણે લોકો ઘટનાઓ જેમ કે – પૂરમાં લોકોનું ડૂબી જવું, વહુઓનું સળગી જવું અથવા મકાન પડી જવું વગેરેને સમસ્યા બનાવીને રજૂ કરીએ છીએ, પણ સરકાર આ બધાને ઘટનાથી વધારે માનતી જ નથી! સમસ્યાઓ તો કાયમ ચાલતી જ રહે છે, પણ ઘટનાઓને ભુલાવી દેવાય છે એટલે જ સરકાર ક્યારેય ઘટનાને સમસ્યા નથી બનવા દેતી!
દર વર્ષે પૂરમાં લોકો ડૂબતા રહે છે, જૂનાં કે નવાં મકાનો ધરાશાયી થતાં રહે છે અને આપણી સરકાર વ્યવસ્થા એને ભૂલીને પાછી એવી જ ઘટનાના સમાચાર વાંચવાની રાહ જુએ છે. એરપોર્ટના રસ્તે મુસાફરોને લૂંટવા, ચાકુ વડે હુમલા થવા, આ બધી ઘટના છે જે રોજ બનતી રહે છે અને વર્ષો સુધી પણ એને ઘટના તરીકે જ યાદ કરવામાં આવશે. ઘટના સમસ્યાનો રાષ્ટ્રીય દરજ્જો ક્યારેય મેળવી શકશે નહીં! જેમ આ બધી ઘટનાઓ પ્રત્યે આપણું વલણ હંમેશાં તટસ્થ હોય છે અને સરકારનું પણ એવું જ હોય છે!
સમસ્યાઓને લઈને સરકાર કાયમ ચિંતામાં રહે છે, પણ જ્યારે એ ‘સમસ્યા’ શબ્દનો ઉપયોગ કરે છે ત્યારે એનો મતલબ ક્યારેય આ પ્રકારની ઘટનાઓની સાથે નથી હોતો, જે રોજ રોજ બનતી હોય છે.
શું થયું? પૂરમાં લોકો ડૂબી ગયા? એવું તો ચાલ્યા કરે! ગયા વર્ષે પણ તો ડૂબ્યા જ હતાને!