ઉત્સવ

કવર સ્ટોરી : એક નહીં -14 સવાલ મૈં કરું…..!

-વિજય વ્યાસ

થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે રાજ્યોની વિધાનસભાએ પસાર કરેલાં બિલ વિશે રાજ્યપાલો અને રાષ્ટ્રપતિએ પણ 3 મહિનામાં નિર્ણય લેવો પડશે એવો ચુકાદો આપ્યો પછી એની પ્રતિક્રિયારૂપે રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મૂએ પણ દેશની સર્વોચ્ચ અદાલત સામે 14 સવાલ ઊભા કર્યા છે. આમ રાષ્ટ્રપતિ-સંસદ એક તરફ અને બીજા છેડે સુપ્રીમ કોર્ટ સામસામા આવીને ઊભા છે. આ માહોલમાં રાજ્યપાલ-રાષ્ટ્રપતિની સત્તા મુદ્દે જેટલું જલદી બંધારણીય અર્થઘટન થાય એ જરૂરી છે, નહીંતર ….
તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ વિરૂધ્ધ રાજ્ય સરકારના કેસમાં રાજ્યોની વિધાનસભાએ પસાર કરેલાં બિલો અંગે રાજ્યપાલોએ ત્રણ મહિનામાં નિર્ણય લેવો પડશે એવો ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપ્ર્મુખે પણ 3 મહિનામાં નિર્ણય લેવો પડશે એવો ચુકાદો પણ આપતાં ભારે વિવાદ સર્જાયો હતો. સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને આદેશ આપી શકે કે ના આપી શકે એ મુદ્દે ઘમાસાણ મચ્યું હતું.

હવે રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે વિધાનસભા કે સંસદે પસાર કરેલાં બિલો અંગે નિર્ણય લેવા માટે નક્કી કરાયેલી સમયમર્યાદા સામે 14 સવાલ ઊભા કર્યા છે એનાથી હવે આ વિવાદ વધુ ઉગ્ર બને અને સુપ્રીમ કોર્ટ વર્સીસ રાષ્ટ્રપતિનો જંગ જામે એવા અણસાર મળી રહ્યા છે. રાષ્ટ્રપ્રમુખ મુર્મૂ સૌથી મહત્ત્વનો સવાલ એ ઉઠાવ્યો છે કે, બંધારણમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે બિલોને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરવાની કોઈ જોગવાઈ નથી તો સુપ્રીમ કોર્ટ કેવી રીતે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે બિલોને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરી શકે?
રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદીજીએ સુપ્રીમ કોર્ટને આ પ્રકારના અણિયાળા 14 સવાલ કરીને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની બંધારણીય સત્તાઓ, ન્યાયતંત્રની દખલગીરી અને રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ માટે બિલોને મંજૂરી આપવા માટે સમયમર્યાદા નક્કી કરવા સહિતના મુદ્દે સ્પષ્ટતા માગી છે.

રાષ્ટ્રપ્રમુખે સુપ્રીમ કોર્ટને જે 14 સવાલ કર્યા છે તેના પર સૌથી પહેલાં એક નજર નાખવા જેવી છે. સૌથી મહત્ત્વના સવાલની વાત તો આપણે કરી લીધી હવે બીજા સવાલો પણ જાણી લઈએ. એક સવાલ એ છે કે, રાજ્યપાલ સમક્ષ બિલ આવે છે ત્યારે એમની પાસે કયા બંધારણીય વિકલ્પો હોય છે? સવાલ એ પણ છે કે, રાજ્યપાલ નિર્ણય લેતી વખતે મંત્રીમંડળની સલાહ માનવા બંધાયેલા છે? એક સવાલ એ પણ છે કે, રાજ્યપાલના નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય? એ જ રીતે, રાષ્ટ્રપતિના નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય? અન્ય સવાલ એ છે કે, કલમ 361 હેઠળ રાજ્યપાલના નિર્ણયોની ન્યાયિક સમીક્ષાને સંપૂર્ણપણે રોકી શકાય છે?

આ સિવાય એક સવાલ એ છે કે, રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટનો અભિપ્રાય લેવો ફરજિયાત છે? રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના નિર્ણયો અંગે કાયદો અમલમાં આવે એ પહેલાં જ કોર્ટ સુનાવણી કરી શકે ખરી? સુપ્રીમ કોર્ટ કલમ 142નો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ કે રાજ્યપાલના નિર્ણયો બદલી શકે છે? રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલો કાયદો રાજ્યપાલની સંમતિ વિના લાગુ થઈ શકે છે? બંધારણના અર્થઘટન સંબંધિત કેસોને સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેન્ચને મોકલવા ફરજિયાત છે? બંધારણ અથવા હાલના કાયદાઓ સાથે સુસંગત ન હોય એવા આદેશ સુપ્રીમ કોર્ટ આપી શકે? કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચેના વિવાદનો ઉકેલ ફક્ત સુપ્રીમ કોર્ટ જ લાવી શકે છે?

ટૂંકમાં આવા વિચાર કરી મૂકે એવા સવાલ અહીં પૂછવામાં આવ્યા છે અને રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મૂ દેશનાં બંધારણીય વડાં છે તેથી એમણે ઉઠાવેલા સવાલો અંગે સુપ્રીમ કોર્ટે જવાબ તો આપવા જ પડશે. હા, સુપ્રીમ કોર્ટ શું જવાબ આપે છે તેના પર સૌની નજર છે. આમ જુવો તો આ સવાલોમાંથી મોટા ભાગના સવાલ અત્યંત પ્રાથમિક કક્ષાના છે. બંધારણનો સામાન્ય અભ્યાસ કરનારી વ્યક્તિને પણ મોટા ભાગના સવાલોના જવાબ ખબર હશે જ. બલકે સુપ્રીમ કોર્ટે પોતે ચાર મુદ્દે તો ચુકાદામાં સ્પષ્ટતા કરી જ દીધી છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહેલું જ છે કે કલમ 201 પ્રમાણે વિધાનસભા બિલ પસાર કરે પછી રાજ્યપાલને મોકલાવું જોઈએ અને રાજ્યપાલને બિલ બંધારણને સુસંગત ના લાગે તો રાષ્ટ્રપતિ પાસે વિચારણા માટે મોકલવું જોઈએ.
આ સંજોગોમાં રાષ્ટ્રપતિએ કાં તો બિલને મંજૂરી આપવી પડશે અથવા મંજૂરી નહિ આપે એવું કહેવું પડશે. સુપ્રીમ કોર્ટે એ પણ કહેલું કે રાષ્ટ્રપતિના નિર્ણયની કલમ 201 હેઠળ ન્યાયિક સમીક્ષા કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કરેલું કે, સમયમર્યાદા નક્કી કરવામાં આવે ત્યારે નિર્ણય વાજબી સમયમર્યાદામાં લેવો જોઈએ. વિલંબ થાય તો વિલંબનાં કારણો જણાવવાં પડશે.

રાષ્ટ્રપતિ બિલને રાજ્ય વિધાનસભામાં સુધારા અથવા પુનર્વિચાર માટે પાછું મોકલે, પણ વિધાનસભા ફરીથી એ પસાર કરે છે તો રાષ્ટ્રપતિએ અંતિમ નિર્ણય લેવો પડશે અને વારંવાર બિલ પરત કરવાની પ્રક્રિયા બંધ કરવી પડશે. બીજા ઘણા મુદ્દા એવા છે કે જેના પર બંધારણની જોગવાઈઓ બહુ સ્પષ્ટ છે. આમ છતાં, પણ રાષ્ટ્રપ્રમુખ સવાલ કરે ત્યારે તેનું મહત્ત્વ વધી જાય છે. આ કારણે સુપ્રીમ કોર્ટ પણ અત્યંત બારીકાઈથી બંધારણીય જોગવાઈઓનું અર્થઘટન કરશે. એ અત્યંત જરૂરી પણ છે કેમ કે રાજ્યપાલો અને રાજ્ય સરકારો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ વધી રહી છે.

સુપ્રીમ કોર્ટે તામિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ અને રાજ્ય સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદમાં 8 એપ્રિલે આદેશ આપ્યો હતો કે રાજ્યપાલ પાસે કોઈ વિટોપાવર નથી અને રાજ્યપાલે એક મહિનામાં વિધાનસભાએ પસાર કરેલાં બિલો અંગે નિર્ણય લેવો પડશે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે રાજ્યપાલ દ્વારા વિધાનસભાએ પસાર કરેલાં 10 મહત્ત્વપૂર્ણ બિલોને રોકવાના નિર્ણયને પણ ગેરકાયદે ગણાવ્યો હતો અને આ બિલોને પસાર થયેલાં જાહેર કર્યાં હતાં.

સુપ્રીમ કોર્ટે રાજ્યપાલો દ્વારા રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા બિલ પર પણ ચુકાદો આપતાં કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ રાજ્યપાલ દ્વારા મોકલવામાં આવેલા બિલ પર 3 મહિનાની અંદર નિર્ણય લેવો પડશે. સુપ્રીમ કોર્ટના એ આદેશના પગલે મોટો વિવાદ ખડો થઈ ગયો હતો અને બે છાવણી પડી ગઈ હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આ ચુકાદાને વખોડીને કહ્યું હતું કે, સર્વોચ્ચ કોર્ટ પણ રાષ્ટ્રપતિને આદેશ આપી ના શકે. બંધારણની કલમ 142 હેઠળ સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી વિશેષ સત્તાઓ લોકશાહી શક્તિઓ સામે 24 બાય 7 ઉપલબ્ધ ન્યૂક્લિયર મિસાઇલ બની ગઈ છે અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો સુપર પાર્લામેન્ટની જેમ કામ કરી રહ્યા છે. ભાજપના બીજા ઘણા નેતાઓએ આ વાતમાં સૂર પુરાવ્યો હતો.

જોકે, રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને વખાણતાં કહેલું કે, એક્ઝીક્યુટિવ બોડી કામ ન કરે ત્યારે ન્યાયતંત્રે હસ્તક્ષેપ કરવો જ પડે. ભારતમાં રાષ્ટ્રપતિ માત્ર બંધારણીય વડા છે અને રાષ્ટ્રપતિ-રાજ્યપાલે સરકારોની સલાહ પર કામ કરવું ફરજિયાત છે. વિપક્ષોએ સિબ્બલની વાતમાં સૂર પુરાવ્યો હતો. આ મુદ્દે સામસામા દાવા અને પ્રતિદાવા થયા કરે છે. સામાન્ય લોકોને કોણ સાચું એ ખબર નથી પડતી તેથી સુપ્રીમ કોર્ટ સ્પષ્ટતા કરે એ જરૂરી છે. સુપ્રીમ કોર્ટ એક વાર બંધારણીય જોગવાઈઓનું અર્થઘટન કરી દે તો એક ચોક્કસ ગાઈડલાઈન નક્કી થઈ જશે. કેન્દ્રના સત્તાધારી ભાજપે આ અર્થઘટન માન્ય ના હોય તો તેમાં ફેરફાર કરીને નવો કાયદો બનાવવાનો રસ્તો પણ ખૂલી જશે.

આમ હાલના તબક્કે તો રાજ્યપાલની સત્તાઓનો મુદ્દો રાજકીય રીતે સ્ફોટક બની ચૂક્યો છે અને રાજ્યપાલ બંધારણની ઉપરવટ હોય એ રીતે વર્તી રહ્યા છે એ કારણે પણ આ મુદ્દે સ્પષ્ટતા જરૂરી છે. આશા રાખીએ કે, સુપ્રીમ કોર્ટના અર્થઘટનના પગલે તમામ વિવાદો પર કાયમ માટે પડદો પડી જશે.

આપણ વાંચો : કવર સ્ટોરી : કોણ મર્યાદા ઓળંગે છે સુપ્રીમ કોર્ટ કે રાજકારણીઓ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button