ઉત્સવ

તમામ યુનિવર્સિટી સર્વર ડાઉન રહે અને વિદ્યાર્થીઓએ જેટલા માર્કની પરીક્ષા હોય તેના કરતાં વધારે માર્ક મળતા રહે તેવી ભગવાનને પ્રાર્થના!!!

વ્યંગ -બી. એચ. વૈષ્ણવ

યુનિવર્સિટી.,યુનિવર્સિટી એટલે વિશ્ર્વ વિદ્યાપીઠ. એક સમયે યુનિવર્સિટી એટલે મેધાવી, ઇન્ટેલેકચ્યુઅલ, સ્કોલર એટલે રચનાત્મક ખોપડી, વિદ્વાન,અભ્યાસુ ( હાલમાં અભ્યાસુ એટલે ગાઇડ થકી ,વડે અને ગાઇડલેખન માટે જીવતો પગારજીવી એટલે પ્રોફેસર કે વ્યાખ્યાતા એવી વ્યાખ્યાથી પદ વ્યાખ્યાયિત થયેલું જણાય છે. પ્રોફેસર પરિચય ન આપે તો શિવશક્તિ ચોળીફળીના નામના પાટિયામાં પ્રો. તુલસીભાઇ માળી જ લાગે. ચોળાફળીની લારીના પ્રો એટલે કે પ્રોપરાઇટર અને કોલેજના પ્રોફેસરમાં તત્વત: ખાસ તો શું સામાન્ય તફાવત ભાસે નહીં. ઉલ્ટાનું, ચોળાફળી વેચનાર પ્રોપરાઇટર કોલેજમાં સારામાં સારું ભણાવી શકે.અપિતું, કોલેજના પ્રોફેસર સાહેબ અસરકારક રીતે ચોળાફળીનું વેચાણ કરી શકશે તેવું ખાતરીબંધ કહી ન શકાય!!!) પ્રોફેસરનો મેળાવડો રહે. એ લોકો જ્ઞાનસમુદ્રનું મંથન, ચિંતન અને દોહન કરતા હતા!!

આપણે ત્યાં તક્ષશિલા અને નાલંદા નામની પ્રખ્યાત , બેનમૂન અને બેજોડ યુનિવર્સિટી હતી. તેમાં દેશ અને દેશબહારના વિદ્યાનુરાગી અને જ્ઞાનપિપાસુ છાત્રો તેની જ્ઞાનની તરસ છીપાવવા આવતા હતા.જો કે, તેમાં સહશિક્ષણની વ્યવસ્થા નહીં હોય એટલે વિદ્યાપીઠ લવ ગાર્ડનમાં રૂપાંતરિત નહીં થયેલ હતી!!આ વિધ્યાપીઠોમાં ટંટાફિસાદ, બબાલ ઉત્પાતને સ્થાન ન હતું !! કેમ કે, રાજકીય પક્ષોની પાંખ એવા મંડળો ન હતા. આ વિદ્યાપીઠો સ્વાયત્ત અને સ્વનિર્ભર હતી. (જયાં સરકારી ગ્રાંટ હોય ત્યાં સરકારી હસ્તક્ષેપ હોય હોય અને હોય જ!! આઇઆઇએમનું સરકારીકરણ કરવાની ભરચક કોશિશો જારી છે!! એટલે એકાદ દિવસ આઇઆઇએમ નામના પોપટની ગર્દન મરોડાઇ જશે!!)

તક્ષશિલા નાલંદા સિવાય વિશ્ર્વ વિદ્યાપીઠ જ્ઞાનનું આદાન પ્રદાન કરતી હતી!!આપણે ત્યાં વિપ્રો કાશીમાં જઇ વિદ્યાપ્રાપ્તિ કરતા હતા. જેમણે વિદ્યાપીઠમાં અભ્યાસ કરેલ હોય તે વ્યવહારિક જીવનમાં પણ રેસના ઘોડાની માફક સફળ થશે તેની ગેરંટી ન હતી!! ચાર વિદ્યાર્થીઓ કાશીમાં અભ્યાસ સંપન્ન કર્યા પછી ઘરે જઇ રહ્યા હતા. જંગલમાંથી પસાર થતા સમયે હાડકા મળ્યા. એ ચાર વિદ્યાર્થી મડદાને સજીવ કરવાની વિદ્યામાં વિદ્યા વાચસ્પતિ એટલે કે પીએચડી હતા.એકે મંત્રો બોલી હાડકા પર પાણીની અંજલિ છાંટી એટલે હાડકા પર માંસ આવી ગયું.,બીજાએ પાણીની અંજલિ છાંટી એટલે ચામડી આવી ગઇ. એક વિદ્યાર્થીને હાડકા કયા પ્રાણીના છે તે વિશે સંશય હતો. તે વૃક્ષ પર ચડીને તાલ જોતો હતો. ત્રીજાએ મંત્રો બોલી અંજલિ છાંટી એટલે હાડકાંમાંથી વાઘ પુન:જીવિત થયો. વાઘ ભણ્યા પણ ગણ્યા નહીં તેવા નાસમજ વિદ્વાનોને કોળિયો કરી ગયો. વાઘ ગયા પછી થોડીવારે વૃક્ષ પર ચડીને જીવ બચાવનાર વિદ્યાર્થી તેના ઘરે જતો રહ્યો. આમ, વિદ્યા મેળવીને વિદ્વાન થનાર પણ મીઠાના ગાંગડા કે અકકલમઠા પુરવાર થતા હતા!!

એ સમયે રાજકુમારોના શિક્ષણ માટે ગુરૂકુળની વ્યવસ્થા હતી. પરંતુ કુંભાર, લુહાર, માળી , કડિયા જેવા વ્યવસાય માટે આરટીઆઇ, કૌશલ કેન્દ્રો કે વ્યવસાયિક તાલીમ કેન્દ્ર કે વોકેશનલ કોલેજો હોવાના પુરાવા મળેલ નથી. હાલમાં પીએમકે-૧ કે પીએમકે-૨ જેવા મિશન કમિશન ચાલે છે!! આવા વ્યવસાયો પર પરિવારવાદની પકકડ મજબૂત હતી. એટલે બાપ તેના બેટાને માટી કયાંથી લાવવી, માટી કેમ ગુંદવી, માટીમાં કેટલું પાણી નાખવું, ચાકડા પર માટીનો લોંદો કેવી રીતે ચડાવવો, ચાકડો ચલાવી વાસણ કેમ બનાવવું વગેરે પ્રેકટિકલ ટ્રેઇનિંગ આપતો હતો. જો એ જમાનાનાં હાલમાં જિલ્લે કે તાલુકે એકસપર્ટ સ્ટાફ ,ઇન્ફ્રાસ્ટ્રકચર સિવાય નોટો છાપવા અને અર્ધદગ્ધ બેરોજગારની ફોજ ઊભી કરવા મેડિકલ કોલેજ ચલાવવાની
મુહિમ ચાલે છે તેમ સ્વનિર્ભર કુંભાર યુનિવર્સિટી કે સુથાર ડીમ્ડ યુનિવર્સિટી ચાલતી હોત તો વ્યવહારિક જ્ઞાનના છાંટા વગરના કુંભાર કે સુથારથી દુનિયા ઊભરાઇ ગઇ હોત. બીકોમ થયેલ યુવકને નોકરી ન મળે તો સિકયુરિટી ગાર્ડની તાલીમ મેળવ્યા સિવાય ગાર્ડ બની જાય છે તેમ આલા દરજ્જાનો કવોલિફાઇડ કુંભાર બળદના પૂંછડા આમળવાની જોબ કરતો હોત!!

આજે કોલેજોના ભણતરમાં કંપનીઓની જરૂરિયાત કે ટેકનોલોજીકલ પરિવર્તન વચ્ચે તાલમેલ નથી. કોલેજો બીબાઢાળ સિલેબલ્સ પચાસ વરસથી પૂરી સિઘંતથી ભણાવે છે. પ્રોફેસરો ઘંટ કે બેલના ટકોરે જીવતું ઘંટજીવી એનિમલ છે. બેલ વાગે કે પ્રોફેસર નામનું ટેપ રેકોર્ડર ચાલું થાય અને પીરિયડ પૂરો થવાનો બેલ વાગે કે ટેપ રેકોર્ડર બંધ થાય. બોલવા માટે બહાર નીકળતો શબ્દ ગળી જાય છે!!કોઇ સંશોધનલેખ લખવો તો દૂર રહ્યું પણ વાંચવાની પણ તસ્દી ન લેવાની જીદ, નવી પ્રવૃત્તિ, વાંચન મનન એ કંઇ બલાનું નામ છે તેવો સ્વકુંઠિત પ્રોફેસર સાહેબને સવાલ થાય છે!!
યુનિવર્સિટી એટલે વિશાળ કલાત્મક મકાનો,હજારો એકર જમીન,કવિ ઉમાશંકર જેવા ચાન્સેલર એવી તમારા મનમાં કલ્પના હોય તો તેને આઉટડેટેડ ચેક ગણીને ફાડી નાખજો!! વોટસએપ યુનિવર્સિટી ચલાવવા ચાન્સેલર મકાન, જમીન, પ્રેફેસરની સહેજે જરૂરત નથી!! માત્ર અફવા, પૂર્વગ્રહયુક્ત ક્ધટેન્ટ અને સ્માર્ટ કે ઓવરસ્માર્ટ ફોનની જ જરૂર છે. વોટસએપ યુનિવર્સિટીમાં અહમ્ ગુરૂણામ અહમ્ ચેલાણામ એમ ભૂમિકાની અદલાબદલી થાય છે!!આજે એકાદ બે કોર્સ ચલાવનાર સંસ્થા પણ ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો મેળવી લે છે. બિહાર જેવા રાજ્યમાં વનબીએચકે ફલેટ કે એક રૂમમાં યુનિવર્સિટીના હાટડા ધમધમે છે! યુનિવર્સિટીનું ડિગ્રી કે ડિપ્લોમાનું અસલી કે નકલી સર્ટિફિકેટ એ નોકરી પ્લસ છોકરી મેળવવાની ગેરંટી કે વોરંટી નથી!! હકીકતમાં મહામૂલી જિંદગીના પંદર સોળ વરસ ડિગ્રીનું ફરફરિયું મેળવવામાં વેડફવાના બદલે બુધ્ધિમાન બુદ્ધુઓ ફેક ડિગ્રી સર્ટિફિકેટ એ પણ પંદર કે વીસ હજાર જેવા ચણામમરાના ખર્ચે મેળવી સેટિંગ કરી સરકારી નોકરી મેળવી લેવાનું વિચક્ષણ કાર્ય કરી સ્વપ્ન સિદ્ધનો ઓડકાર લે છે!!

યુનિવર્સિટી રાજકીય અખાડા બની ગઇ છે. યુનિવર્સિટીમાં ચાન્સેલર થવા રાજકીય પક્ષોની કંઠી બાંધી સીબીઆઈની જેમ તોતા બનવું પડે છે. ચપરાશી બનવાની લાયકાત ન હોય તેવી વ્યક્તિ ચાન્સેલરની ખુરશીની ગરીમા ઘટાડે છે!!ચાન્સેલર થઇ રાજકીય પક્ષોની હીન પર દીનહીન થઇ નાગીન ડાન્સ કરે છે!! ગુજરાતના નાથના ભત્રીજા હોવાના એકસ્ટ્રા ઓર્ડિનરી કવોલિફિકેશન હોવાના કારણે ભતીજા ચાચા મેં તો ડીન બની ગયાની ડીંગ એક ,બે નહીં પણ પૂરા છ વરસ હાંકી હતી. કાકા મહેરબાન તો ગધ્ધા સોરી ભતીજા પહેલવાન એવી નવી કહેવત પ્રચલિત થઇ છે!!

યુનિવર્સિટી વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓની પરીક્ષાઓ લે છે. આંતરિક મૂલ્યાંકન ટેસ્ટ , વીકલી ટેસ્ટ,ફાઇનલ એકઝામિનેશન, થિયેરીકલ ટેસ્ટ, પ્રેકટિકલ ટેસ્ટ વગેરે પરીક્ષા લેવામાં આવે છે. કેટલીક પરીક્ષાઓ સ્થાનિક કક્ષાએ કોલેજો દ્વારા લેવામાં આવે છે. સાયન્સ કોર્સની પ્રેકટિકલ ટેસ્ટ કોલેજો દ્વારા લેવામાં આવતી હોય છે. જેમાં વિદ્યાર્થીઓ- વિદ્યાર્થિનીઓને સો ટકા માર્કસની ખેરાત કરવામાં આવે છે.

યુનિવર્સિટી એ જ વિષયની થિયેરીકલ પરીક્ષા યોજે છે. જેમાં વિદ્યાર્થીઓને ડબલ ઝીરો મળે છે. પરીક્ષાના પેપર ફટાકડાની જેમ ફૂટે છે. પરીક્ષામાં નકલ કરવી એ વિદ્યાર્થીઓનો જ નહીં પણ વાલીઓનો પરીક્ષા સિદ્ધ હક્ક બની જાય છે. પરીક્ષા છાત્રો માટે આફત છે, જેને અવસરમાં પલટવામાં આવે છે!! બિહાર જેવા રાજ્યમાં સૌનો સાથ સૌનો વિકાસના ધોરણે પરીક્ષા મહોત્સવ યોજાય છે. તમામ લોકો પરીક્ષામાં નકલયજ્ઞમાં યત્કિંચિત્ સમિધ હોમે છે!! જેના લીધે શિક્ષણનો વિનાશ થાય છે!! પરીક્ષાના પેપર તપાસનાર સાથે સેટિંગ , ડમી ઉમેદવાર પરીક્ષા આપે!!ટુંકમાં તમામ હથકંડા અપનાવવામાં આવે છે.

પહેલાની સરકાર ચીકણી હતી. તમામ નોર્મ્સનું પાલન કરી રાજયમાં દસ કે બાર ટકોરાબંધ યુનિવર્સિટી ચલાવતી હતી. લોકશાહીમાં કવોલિટી નહીં પણ કવોન્ટિટી એટલે કે નંબર અગત્યના છે. યુનિવર્સિટીની સંખ્યા વધારવામાં શિક્ષણનો કચ્ચરઘાણ કાઢી નંખાયો છે!!આજના બીડીએસ એટલે કે દાંતના ડોકટર થનારને બીડીએસનું ફૂલ ફોર્મ આવડતું નથી. પ્રેકટિકલમાં પરીક્ષા માટે જડબાના મુકવામાં આવેલ જડબાના મોડલના ડાબા જડબાંની ઉપરનો દાંત પાડવાનું કહેવામાં આવે તો વિદ્યાર્થી જડબાંની જમણી બાજુની નીચેનો દાંત કાઢી નાંખે છે!!

હમણા એક યુનિવર્સિટીએ એકઝામ લીધેલી. તમે કહેશો કે તેમાં નવું શું છે? શી મોથ મારી છે?? રુકો જરા. સબૂર કરો!! યુનિવર્સિટીએ બીએસસી ( નર્સિંગ) કોર્સના મેન્ટલ હેલ્થ નર્સિંગ વિષયની ટેસ્ટ લીધેલ. આ ટેસ્ટ પચાસ માર્કની હતી. આ યુનિવર્સિટી ભક્ત કવિ નરસિંહના નામે ચાલે છે.નરસૈયો તો ઉદાર ચરિત આદમી હતા. તેને વ્યવહાર કે વ્યવહારિક જ્ઞાન સાથે લેવાદેવા ન હતી.તે ઉદાર હતા. જેના નામની યુનિવર્સિટી ચાલતી હતી તે યુનિવર્સિટીના પેપર ચેક કરનાર થોડા કંજૂસ હોય? (પ્રોફેસર ભલે ગમે તેવો હોય પણ કૃપણ થોડો હોય?? પેપર ચકાસનાર ત્રાજવું તોલું લઇને પેપર થોડો તપાસે ?? મેઇન પેપર-સપ્લિમેન્ટરીનું વજન પાંચસો ગ્રામ હોય તો બેતાલીસ માર્કસ આપવા એવા યુજીસીએ નોર્મલ નક્કી થોડા કર્યા હોય??(એક યુનિવર્સિટીના પેપર ચેક કરનાર માટે કિંવદંતી પ્રચલિત હતી કે પેપર ગોખલામાં ફેંકે . પેપર ગોખલામાં રહે તો વિદ્યાર્થી પાસ અને ગોખલામાં ન રહે અને નીચે પડે તો વિદ્યાર્થી ફૂલી ફેઇલ!એક પેપર ચેક કરનાર પેપર ખોલ્યા સિવાય કુલ માર્કના ખાનામાં લાલ પેનથી પાંત્રીસ એટલે કે પાસિંગ માર્ક લખી નાખે. પેપર ચેક કરતા પાંત્રીસથી ઓછા હોય તો પણ વિદ્યાર્થીને નાપાસ નહીં કરવાનો!! પાંત્રીસથી વધારે માર્ક હોય તો પાંત્રીસના બદલે ખરેખર આવેલા માર્કસ લખી નાખવાના!! આવા ઉદાર ચરિત્ર પેપર ચેક કરનાર કહાં ગયે વો લોગ??) ભક્ત કવિ યુનિવર્સિટીના પ્રોફેસર સાહેબે પચાસ માર્કની પરીક્ષામાં ગમતાનો ગુલાલ કરી ખોબલે ખોબલે સિતેર સિતેર માર્ક આપી દીધા!! માનો કે બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી. લાખના બાર હજાર નહીં પણ સવા લાખ ન કર્યા હોય!!તમે કહો કે માર્ક એ સોનું , ચાંદી , પ્લેટીનમ , કેસર કે ઘી છે કે તોલી તોલીને વધારે નહીં પણ ઓછા વજનથી આપવાના હોય?? માર્કસ એ પાંચસો કે બે હજારની નોટોની થોકડી છે કે ગણી ગણીને આપવાના હોય??અમસ્તુ પણ વેપારના ચોપડા પર આપણે શ્રી ૧ એટલે કે સવા લખીએ છીએ!! પચાસ માર્કની પરીક્ષામાં સિતેર માર્ક તો બનતા હી હૈ!! કોઇ કંજૂસ હોય તો કંજૂસ કાકડી કે મખ્ખીચૂસ કહીએ છીએ. ચમડી તૂટે પણ દમડી ન તૂટે એમ ઉપાલંભમાં કહીએ છીએ. કોઇ ઉદારતા દાખવે તો તેને બિરદાવવામાંથી પણ નામક્કર જઇએ એ કેટલા અંશે વાજબી ગણાય?? તેના બદલે સિતેર માર્કસવાળી માર્કશીટ થોડી વાયરલ કરવાની હોય ?? આ ઉદારતા માટે સર્વર દોષનો ટોપલો ઓઢાડવાનો હોય ?? સર્વરનો આભાર માનતો ઠરાવ સર્વાનુમતે સેનેટે પસાર કરવાનો હોય!!

હું અને રાજુ રદી ભગવાનને એક જ પ્રાર્થના કરીએ છીએ કે ( ભગવાન હોય કે ન હોય. અમારી પ્રાર્થના અફર છે, સમજ્યા ,મિસ્ટર ડફર??) ભક્ત કવિ યુનિવર્સિટીના સર્વરમાંથી પ્રેરણા લઇ તમામ યુનિવર્સિટી , કોલેજ , હાયરસેક્ધડરી, સેક્ધડરી , હાઇસ્કૂલ, પ્રાયમરી ઇવન બાલમંદિરના સ્કેવર કાયમી ધોરણે ડાઉન રહે અને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓએ જેટલા માર્કની પરીક્ષા હોય તેના કરતાં એટલે કે ઉમ્મીદ સે જ્યાદા માર્ક મળતા રહે !! જય હો ડાઉન સર્વર કે સર્વર ડાઉન કી. નર્સિંગના છાત્રોને ડાઉન સર્વર ફળ્યા એવા સૌને ફળે!!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button