પ્રવિણ જોશીએ ફોરેનરોને ભાંગવાડીની જાહોજલાલી દેખાડી

મહેશ્ર્વરી
‘પૃથ્વીરાજ ચૌહાણ’ નાટકનો શો હોય ત્યારે અનેક વાર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક નામવંત ચરિત્ર અભિનેતા પહેલી રોમાં બેસી નાટક જોવા આવતા એની વાત કરતા પહેલા ૧૯૭૦ના દાયકાના પ્રારંભમાં કલાકારની દ્રષ્ટિએ આવેલા એક મહત્ત્વના બદલાવની વાત કરવી છે. ૧૯૭૨માં મુંબઈમાં ટીવી સેન્ટર શરૂ થયું અને લોકો માટે મનોરંજનનો નવો વિકલ્પ ખુલ્લો થયો. પ્રારંભના કાળમાં જ્યોતિ વ્યાસ, સનત વ્યાસ, ભૌતેષ વ્યાસ ટેલિવિઝનના ગુજરાતી કાર્યક્રમના કારભાર સાથે નિકટથી સંકળાયા હતા. જ્યોતિ વ્યાસ ખૂબ જ સક્રિય હતાં. લોકોને મનોરંજન મળે એ માટે સતત કશુંક કરવાની તેમની કોશિશ રહેતી. પારસી નાટકોને આધુનિક સ્પર્શ આપવામાં મહત્વની ભૂમિકા ભજવનારા અદી મર્ઝબાનના ટીવી શો ‘આવો મારી સાથે’ શરૂ થયા હતા અને એને બહોળો આવકાર મળ્યો હતો. દર અઠવાડિયે એક શો તેમનો હોય અને એમાં એક આઈટમ મારી હોય જ. આ સિવાય દરરોજ ગુજરાતી કાર્યક્રમને જે એક કલાક ફાળવવામાં આવતો હતો એમાં પણ મને તક મળી હતી. જ્યોતિ વ્યાસ સાથે મારું ટ્યુનિંગ બરાબર જામી ગયું હતું. કશુંક નવું કરવું હોય તો તેઓ કેમેરા લઈ અમારા થિયેટર પર આવી શૂટિંગ કરી લેતા. આમ ટેલિવિઝનના શૈશવ કાળમાં જ એની સાથે અનુસંધાન થઈ ગયું. આ કહેવાનું તાત્પર્ય એટલું જ કે ગુજરાતના નાનકડા ગામમાં નાનકડી કંપનીમાં નાટકો કરી હું મુંબઈ આવી શ્રી દેશી નાટક સમાજ સાથે જોડાઈ અને ટેલિવિઝનમાં પણ એન્ટ્રી થઈ ગઈ. કામનો વિસ્તાર કોઈપણ કલાકાર માટે ટોનિક સાબિત થતો હોય છે. નાટકના વિવિધ પાત્રોની ભજવણી અને માધ્યમમાં વિવિધતા કલાકારના વિકાસમાં ખાતર પૂરું પાડતા હોય છે.ગયા સપ્તાહે અધૂરી રહેલી હિન્દી ફિલ્મોના એક અત્યંત આદરણીય કલાકારની વાત હવે આગળ વધારીએ. વારંવાર ‘પૃથ્વીરાજ ચૌહાણ’ નાટક જોવા આવતા એ કલાકાર હતા શ્રી કનૈયાલાલ. અનેક હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે ઝળકેલા કનૈયાલાલને સૌથી વધુ ખ્યાતિ મળી હતી ‘મધર ઈન્ડિયા’ના લંપટ શાહુકાર સુખીલાલાથી. ફિલ્મના આટલા જાણીતા કલાકાર નાટક જોવા કેમ વારંવાર આવતા હશે એવા મને મૂંઝવતા સવાલનો જવાબ એક સાથીએ આપ્યો. કનૈયાલાલના પિતાશ્રી વારાણસીમાં નાટ્ય કંપની ચલાવતા હતા અને એટલે નાટ્ય પ્રવૃત્તિ માટે કિશોરાવસ્થાથી જ તેમને લગાવ થયો હતો. નાટ્ય લેખન પણ તેમણે કર્યું હતું. આ પાર્શ્ર્વભૂમિ જાણ્યા પછી નાટક માટેની તેમની પ્રીતિ સમજાઈ ગઈ. અલબત્ત તેઓ વારંવાર ‘પૃથ્વીરાજ ચૌહાણ’ જોવા કેમ આવતા હશે એનો જવાબ પણ જડી ગયો. વાત એમ હતી કે તેમને નર્તકી કર્ણાટકીનું પાત્ર (જે હું કરતી હતી) તેમને બેહદ પ્રિય હતું. એમાંય જ્યારે કર્ણાટકી છપ્પા રજૂ કરે ત્યારે એમને બહુ આનંદ થાય અને એ આનંદના પડઘા આખા થિયેટરમાં સંભળાય. પરિણામે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નામવંત કલાકાર દેશી નાટક સમાજનું નાટક વારંવાર જોવા આવે છે એ વાત બહાર ફેલાઈ ગઈ.શ્રી દેશી નાટક સમાજની ખ્યાતિ, એનો વૈભવ અને એની જાહોજલાલી બહુ નજીકથી મેં જોઈ છે. ‘સાસુના વાંકે’ નાટકની૨૦૦મી નાઈટ થઈ ત્યારે સંજીવ કુમાર આવ્યા હતા અને સમારોહનું આયોજન કરી એમના વરદ હસ્તે પારિતોષિક વિતરણ પણ કરવામાં આવ્યા હતા. એક ખાસ વાત પ્રવીણ જોશીની કરવી છે. હું દેશી નાટક સમાજમાં જોડાઈ એ પહેલા ૧૯૬૦ના દાયકામાં પ્રવીણ જોશી રંગભૂમિમાં અનેરી ઊંચાઈ પર પહોંચી ગયા હતા. ‘મોગરાના સાપ’ નાટકથી તેમની લોકપ્રિયતામાં ભરતી આવી જે તેમના અણધાર્યા અવસાન સુધી અવિરત જારી રહી હતી. બુધ – ગુરુના નાટકમાં તેમની હાજરી અચૂક હોય. બેમાંથી એક દિવસ આવે ત્યારે તેમની સાથે વિદેશી કલાકાર – કસબીઓ પણ હોય. એમને ક્યારેક નાટક પણ બતાવતા, અમારા અલાયદા ડ્રેસ રૂમપણ બતાવતા અને આખી નાટ્ય પ્રવૃત્તિ કઈ રીતે ચાલી રહી છે એ સમજાવતા. મને ખબર નથી, પણ મારું માનવું છે કે શ્રી દેશી નાટક સમાજની ભવ્ય પરંપરાથી તેમને વાકેફ કરતા હશે. એ સમય જ એવો હતો કે નાટ્ય પ્રવૃત્તિ અને નાટ્ય કંપની સાથે સંકળાયેલા લોકો ગર્વ અનુભવતા અને એની સિદ્ધિ – સફળતાની વાત ફેલાવવાને પોતાની ફરજ સમજતા. એ સમયે તેમનું નાટક ‘સંતુ રંગીલી’ ચાલી રહ્યું હતું જેના પર નાટ્ય પ્રેમી પ્રજા ઓવારી ગઈ હતી. દેશી નાટક સમાજના વિવિધ નાટકોમાં હું કોમિક સહિત વિવિધ પાત્ર ભજવી રહી હતી એ દરમિયાન મારી સાથે કોમેડીમાં ટ્રેજેડી થઈ ગઈ…
૧૪ વર્ષની ઉંમરે ‘દગાબાજ દુનિયા’ લખ્યું
આપણી રંગભૂમિની સમૃદ્ધિના અનેક પ્રકરણ કાળના પટારામાં કેદ થઈને પડ્યા છે. નજર સામે આવતી એક એક વાત
ભવ્ય ભૂતકાળનું જાણે કે પ્રમાણ આપે છે. કલાકારો ઉપરાંત લેખકની શ્રીમંતાઈ પણ ગજબની હતી.
જામનગરમાં જન્મેલા શ્રી ગિરીશભાઈ એમ નાકર વ્યવસાયે વકીલ હતા, પણ કિશોરાવસ્થામાં જ તેમને રંગભૂમિની લગની લાગી હતી. બી એ – એલ એલ બી કર્યા પછી ભાષા પ્રીતિને કારણે રાષ્ટ્રભાષા
પ્રચાર સમિતિની હિન્દી ભાષાના પ્રચાર પ્રવૃત્તિ પ્રત્યે આકર્ષાઈ કોવિદ પરીક્ષા પણ પાસ કરી. માત્ર ૧૪ વર્ષની ઉંમરે ‘દગાબાજ દુનિયા’ નાટક લખી અને ભજવી અનેક લોકોને ચોંકાવી દીધા. આવી કુમળી
ઉંમરમાં દુનિયા દગાબાજ જેવા વિચાર આવવાનું કારણ શું હોઈ શકે એની કલ્પના કરવી અઘરી છે. કંઈક નવું કરવાની ઈચ્છામાંથી ૧૯૬૦ના દાયકામાં મોડર્ન કલ્ચરલ એસોસિયેશનની સ્થાપના કરી અને ‘તમે મારા વર છો’ નામનું નાટક લખીને એની ભજવણી પણ કરી. તેમનું લખેલું ‘રાતે વહેલા આવજો’ નાટક ઘણું કુતૂહલ પેદા કરી શક્યું હતું.
એક રસપ્રદ વાત એ છે કે ‘પ્રીત પિયુ ને પોપટલાલ’ નાટક પછી અનેક નામ સાથે અલગ અલગ સમયે ભજવાયું. રંગભૂમિ
માટે લગાવ વધવાથી લેખન પૂરતા
સીમિત ન રહ્યા અને રાજ જ્યોતિ થિયેટર્સ નામની કંપનીની સ્થાપના કરી પોતે લખેલા નાટક છૂટો છેડો છાયલનો સફળતા સાથે ભજવ્યું. ત્યારબાદ ‘સતના પારખાં’ નાટક લખ્યું. લખાણ અને નિર્માણ પછી અભિનયમાં પણ રુચિ જન્મી અને અભિનય પણ કર્યો. (સંકલિત)