૬૪ વર્ષમાં ૨૧૦ ફૂલલેન્થ નાટક ને એ બધાં ભજવાયાં!: પ્રવીણ સોલંકી (નાટ્યલેખક)
ગુજરાતી વર્તમાનપત્ર ખોલો અને નાટકોની જાહેરખબર પર નજર દોડાવો તો તમને જુદી જુદી ડિઝાઈનની,અલગ અલગ વિષયની, જુદા જુદા દિગ્દર્શકો, કલાકારોના નામ ધરાવતી નાટકોની જાહેરખબર જોવા મળશે,પણ જો ધ્યાનથી જોશો તો એક નામ એકથી વધારે નાટકની જા. ખ.માં જોવા મળશે અને એ નામ છે નાટ્યલેખક પ્રવીણ સોલંકીનું.
વિપુલ નાટ્યલેખન (અંગ્રેજીમાં પ્રોલિફિક રાઇટર) માટે પ્રવીણ સોલંકી ખ્યાતિ ધરાવે છે. ‘સાચને આવી આંચ’થી ૧૯૬૦માં શરૂઆત કરી આજદિન સુધીમાં ૨૦૦થી વધુ ફૂલલેન્થ પ્લે (અગાઉ ત્રિઅંકી, હવે બે અંકના) અને ૨૦૦થી વધુ એકાંકી, રેડિયો – ટીવી નાટક લખાઈ ગયા છે અને આજની તારીખમાં પણ પ્રવીણ સોલંકી લિખિત ચાર નાટકનું મંચન જોવા મળે છે એવું ખુદ પ્રવીણભાઈ જ જણાવે છે.
ચાર જુદા જુદા ક્ષેત્રમાં અસાધારણ યોગદાન આપનારી વ્યક્તિનું સન્માન કરવાની ‘મુંબઈ સમાચાર’ની પહેલને એમણે બિરદાવી અને અનુમોદન કરવા બદલ પ્રસન્નતા વ્યક્ત કરી છે.
નાટ્યલેખનમાં સંખ્યાબળ ધરાવતા પ્રવીણ ભાઈ વિક્રમો અને સિદ્ધિઓની બાબતમાં પણ લાંબી યાદી ધરાવે છે. એમનાં નાટકોના રૂપાંતર અન્ય ભાષામાં કરવામાં આવ્યા છે અને એમણે અન્ય ભાષાના નાટકોનું રૂપાંતર ગુજરાતીમાં કર્યું છે. પ્રતિષ્ઠિત નાટ્ય લેખક ઉપરાંત એમણે દિગ્દર્શક તેમ જ સંગીતકાર તરીકે પણ યોગદાન આપ્યું છે. સામાજિક કાર્યકર્તા તરીકે પણ સેવા આપી છે. ૧૦ હિન્દી અને ગુજરાતી ટીવી સિરિયલો લખવા ઉપરાંત ૧૧ ગુજરાતી ફિલ્મો, રેડિયો નાટકો, ટીવી નાટકો લખ્યા છે તેમ જ બે કવિતાસંગ્રહનું પ્રકાશન કર્યું છે.
Also read: ફોકસ પ્લસ: નાગ જનજાતિ માટે તહેવારોનો તહેવાર છે હૉર્નબિલ મહોત્સવ…
પ્રવીણભાઈએ સર્જેલા અને સિદ્ધાર્થ રાંદેરિયાએ સાકાર કરેલા ‘ગુજ્જુભાઈ’ પાત્રએ દુનિયાભરમાં ધૂમ મચાવી છે. પ્રવીણ સોલંકીએ જુદા જુદા ૩૬ ડિરેક્ટર સાથે કામ કર્યું છે. એમનાં નાટકોમાં શિક્ષણ, અંધશ્રદ્ધા, કુદરતી આપત્તિ, સામાજિક ભેદભાવ વગેરે મુદ્દા સંબોધવામાં આવ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે ખાસ એમણે નાટકો લખ્યા છે. દેશ અને વિદેશમાં એમને ૧૫૦ ટ્રોફી એનાયત કરવામાં આવી છે અને બીજાં સન્માનોનો આંક છે ૧૫૦ ! સમાજ પ્રત્યેના યોગદાન બદલ મહારાષ્ટ્ર સરકારે એમને સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ ઓફિસર (એસઇઓ) તરીકે નિયુક્ત કર્યા છે. આકાશવાણી, મુંબઈએ એમના જીવન અને કવન પર ૩ કલાકનો ઓડિયો કાર્યક્રમ તૈયાર કર્યો છે.
નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ સીએમ અશોક ચવાણ, ગુજરાતના માજી નાણાં પ્રધાન વજુભાઇ વાળા, ફિલ્મ પર્સનાલિટી સુનીલ દત્ત, રાજેશ ખન્ના, મહેશ ભટ્ટ, જાવેદ સિદ્દીકી, અબ્બાસ મસ્તાન, રોબિન ભટ્ટ, કથાકાર મોરારીબાપુ, જૈન મુનિ નમ્ર મુનિ, ધીરજ મુનિ, પ્રમુખ સ્વામી ઈત્યાદિ મહાનુભાવોએ એમનું સન્માન કર્યું છે.
પ્રખ્યાત નાટ્યલેખક પ્રબોધ જોશીએ કહ્યું હતું કે ‘સોલંકી વંશએ ગુજરાત પર ત્રણ સદી સુધી રાજ્ય કર્યું હતું, પ્રવીણ સોલંકી ગુજરાતી રંગભૂમિ પર છ દાયકા સુધી છવાયેલા રહ્યા.’ નાટ્ય લેખન માટે જ કદાચ એમનો જન્મ થયો હોય એવું માનવાનું મન એટલા માટે થાય છે કે ૧૯૫૮માં નવમાં ધોરણમાં અભ્યાસ કરતી વખતે કિશોર પ્રવીણે ‘જલતું જીગર’ નામે એકાંકી લખ્યું અને બીજા જ વર્ષે એટલે કે ૧૯૫૯માં દસમા ધોરણના અભ્યાસ દરમિયાન ‘વહાલે દીધા વિષ’ નામનું નાટક લખ્યું.
બંને નાટકના નામ પરથી દિલ પર મોટો ઘા પડ્યા પછી લખાયેલા નાટક લાગે. નાટ્યલેખનમાં એકાંકી પછીનું પગથિયું ફૂલલેન્થ પ્લે (એ સમયે ત્રિઅંકી નાટક) ગણાય અને ૧૯૬૦માં પ્રવીણ સોલંકી લિખિત પ્રથમ ફૂલલેન્થ નાટક ‘સાચને આવી આંચ’ ભજવાયું અને ગુજરાતી રંગભૂમિ પર એક નવા લેખકનો ‘જન્મ’ થયો.
કોમર્શિયલ નાટકોમાં લખાણના પ્રારંભ વિશે બોલતા પ્રવિણભાઈએ જણાવ્યું કે ‘ભારતીય વિદ્યાભવન – કલા કેન્દ્રની કોલેજ નાટ્ય સ્પર્ધામાં નિયમિત ભાગ લેતો હતો. એ દરમિયાન અરવિંદ ઠક્કરના સંપર્કમાં આવ્યો. વ્યાવસાયિક રંગભૂમિ પર હું અને અરવિંદ સાથે નાટકો કરવા લાગ્યા. અમારી જોડી જામી ગઈ. અમે સાથે કરેલું પહેલું નાટક હતું ‘ગગન ચુંબન’. કોમેડી થ્રિલર હતું. અંગ્રેજી નાટક પર આધારિત હતું. નાટકને સફળતા મળી અને અમારી ડિમાન્ડ વધી. ત્યારબાદ અમે બાવીસ નાટક સાથે કર્યા, જે એ સમયે વિક્રમ હતો.’ પ્રવીણ સોલંકીને નાટ્યલેખક તરીકે કામ, દામ અને નામ મળવા લાગ્યા. પછી તો કાંતિ મડિયા સાથે ૨૬ નાટક કર્યા, અમૃત પટેલ સાથે ૩૦ નાટકો અને પછી તો કલમ દોડવા લાગી. લેખક – દિગ્દર્શક જોડીનો સિલસિલો આગળ એવો વધ્યો કે પ્રવીણ સોલંકી – ફિરોઝ ભગતની જોડીએ ૧૦૦ નાટકની સિદ્ધિ મેળવી. ૬૪ વર્ષની નાટ્ય સફરમાં પ્રવીણ સોલંકીએ ૩૬ દિગ્દર્શક સાથે ૨૧૦ નાટક ભજવ્યા છે.
Also read: વલો કચ્છ: બહેન-દીકરીઓના શિક્ષણ ને સશક્તિકરણ માટે અભૂતપૂર્વ યોગદાન આપનારા કચ્છના ગાંધી
એમનો દાવો છે કે પોતે લખેલા બદ્ધેબધા નાટકોનું મંચન થયું છે. ‘બધા ડિરેક્ટરોમાં સૌથી અલગ ટ્યુનિંગ કાંતિ મડિયા સાથે હતું,’ પ્રવીણભાઈ કહે છે : ‘એમની સાથે સારો તાલમેલ બેસી ગયો હતો. મેં લખેલા નાટકોને સ્પેશિયલ ટ્રિટમેન્ટ આપતા. એક દિવસ મને બોલાવીને કહ્યું કે એક અંગ્રેજી નાટક પરથી ગુજરાતી નાટક બેસાડવું છે, તું લખીશ? ચારેક લેખક સાથે કોશિશ કરી ચુક્યો છું, પણ જામ્યું નથી. અમે બેઠા, વિગતે ચર્ચા કરી અને ‘હવે પાંપણોમાં અદાલત ભરાશે’ નાટક લખાયું.’
નાટ્યલેખન ઉપરાંત પ્રવીણ સોલંકીએ કલાકારોને મળતું મહેનતાણું વધારવામાં, વિદેશમાં નાટકોની ભજવણીમાં, નાટ્ય સ્પર્ધામાં પણ યોગદાન આપ્યું છે. રંગભૂમિના વર્તમાન સામે એમનો કોઈ બળાપો નથી, કોઈ આક્રોશ નથી કે કોઈ ફરિયાદ નથી. ‘ભજવાઈ રહેલા બધા જ નાટકો ભંગાર હોય છે એ વાત સાવ ખોટી છે,’ પ્રવીણભાઈ અભિપ્રાય આપે છે, ‘હા, અમુક નાટકો એવા હોય છે. એવું તો ભૂતકાળમાં પણ બનતું હતું. છેવટે તો દર્શકો જે માગે એવા નાટકનું નિર્માણ થાય એ સીધો હિસાબ છે.