ઉત્સવ

પ્રતિભા, તું મારી શક્તિ છે

આકાશ મારી પાંખમાં – ડૉ. કલ્પના દવે

(આ વાત છે વીસેક વર્ષ પહેલાંની છે. )

ભાયંદરમાં રહેતા મધ્યમ વર્ગના રમણભાઈ પરમારના આનંદનો આજે કોઈ પાર ન હતો. તેમના એક ના એક દીકરા અજીતે આજે એલ.એલ.બી.ની પરીક્ષા પાસ કરી હતી. અજીતે પપ્પાના ચરણસ્પર્શ કર્યા અને બાજુમાં ઊભેલા પાડોશી દેસાઈ અંકલને પ્રણામ કર્યા.
રમણભાઈએ હરખાતા પોતાના મિત્રને કહ્યું- મારો અજીત પહેલેથી જ ખૂબ મહેનતુ અને હોશિયાર, આપણે તો વનરૂમ કિચનની ચાલી સીસ્ટમમાં રહીએ, પણ, અજીતે મારું નામ ઉજાળ્યું. મારો દીકરો આજે વકીલબાબુ બની ગયો. દેસાઈ અંકલે અજીતને કહ્યું- બેટા ખૂબ ખૂબ અભિનંદન.પણ, હવે પ્રેકટીસ ક્યાં શરૂ કરીશ? અંકલ, મારા પ્રોફેસરે બે-ત્રણ સિનિયર એડવોકેટના નામ આપ્યા છે, અને જ્યાં મેં વેકેશનમાં કામ કર્યું હતું એ એડવોકેટ જોશીજીને પણ મળીશ. અજીતે કહ્યું.

વેરી ગુડ, અજીત. જરૂર હોય તો જણાવજે. મારા એક મિત્રની ફોર્ટમાં મોટી ઓફિસ છે. દેસાઈએ કહ્યું. જી કાકા. અજીતે નમ્રભાવે કહ્યું. ઉપરની વાતને એક વર્ષ થઈ ગયું. અજીત પોતાના સરે આપેલા વકીલોની ઓફિસમાં ત્રણ-ચાર વખત મળી આવ્યો પણ તેને જુનિયર વકીલ તરીકે કોઈ કામ ન મળ્યું.

નિવૃત્ત પપ્પા અને હૃદયરોગના બે હુમલા સહન કરી ચૂકેલી અશકત માતા. પપ્પાના પેન્શનની ટૂંકીઆવક, ડોકટરની દવાઓનો ખર્ચ, ભણતર પછી પણ કામ ન મળવું, અને આર્થિક મુશ્કેલીઓથી અજીત હતાશા તરફ ધકેલાવા લાગ્યો. તે મનોમન વિચારવા લાગ્યો- શું ગરીબોનું નસીબ પણ ગરીબ જ હોય છે, કે પછી મારી પાસે કોઈની લાગવગ નથી તેથી ? ૨૩વર્ષનો ભણેલો- હોશિયાર હોવાં છતાં મારી આ દશા?

ભાયંદરમાં જ એણે એક ખૂણામાં ટેબલ મૂકી કાનૂની સલાહ આપવાનું, લીગલ લેટર લખવા માટે નાની ઓફિસ શરૂ કરી. પણ, લોકલ એરિયાને લીધે કોઈ નાનો કે મોટો કેસ કયાંથી મળે?થોડી લીગલ એડવાઈઝ કે પ્રાથમિક મેટરના કોરસપોડંસમાં વધુ પૈસા ન મળે. આખરે અજીતે દેસાઈ અંકલને વિનંતી કરી- કાકા, મેં ઘણા પ્રયત્ન કર્યા પણ, કોઈ સારી તક મળતી નથી. આ ઓફિસમાં પણ ઝાઝું કામ મળતું નથી. તમારા મિત્રને કહો મને એમની સાથે કામ કરવાની તક આપે. હું બેસ્ટ કામ કરીશ.

દેસાઈના મિત્ર એડ.મધુકર યાજ્ઞિકે અજીતને પોતાની ઓફિસમાં જુનિયર વકીલ તરીકે રાખ્યો. હવે તે કલાયંટની કેસ મેટર તૈયાર કરવી, દરેક કેસની ફાઈલ મેન્ટેન કરવી વગેરે કામ કરતો. અજીતને કાનૂની દુનિયાનો પ્રત્યક્ષ અનુભવ મળતો. યાજ્ઞિક સાહેબ કોઈ ખાસ કેસની ચર્ચા કરતા હોય તો અજીત તે મુદ્દા નોંધી લેતો. સિનિયર આસિસ્ટંટ બીજા કોઈ કેસમાં બિઝી હોય તો યાજ્ઞિક સાહેબ અજીતને સાથે રાખતા.

એક વાર હાઈ કોર્ટમાં પ્રોપર્ટી અંગે એક કેસમાં યાજ્ઞિકસાહેબે જે રીતે પ્રતિવાદી વકીલ સાથે દલીલ કરી અને કેસને અસીલના પક્ષમાં આણ્યો. આ જોઈને અજીતે મનોમન નક્કી કર્યું કે હું પણ સાહેબ જેવો બાહોશ લોયર બનીશ. હું ખૂબ મહેનત કરીશ. પણ એને માટે મારે લોની માસ્ટર ડિગ્રી મેળવવી જોઈએ. હમણાં તો સાહેબ પાસે પગાર વધારો ન મંગાય,પણ હું આગળ ભણીશ.

તે દિવસે અજીત ઘરે ગયો, ત્યારે વડોદરાથી તેના કાકા અને કાકી પણ આવ્યા હતા. રાત્રે જમીને બધા બેઠા હતા, ત્યારે પપ્પાએ જ કહ્યું- કાકા તારા માટે સરસ ક્ધયાનું માગું લઈ આવ્યા છે. વલસાડમાં રહેતા કૃષ્ણકાંત ખત્રીની દીકરી, પ્રતિભા એનું નામ છે. બારમું ધોરણ પાસ છે.

પપ્પા, હજુ મારી પ્રેકટીસ જામી નથી, એટલે હમણાં મેરેજ કરવાનો મારો જરા ય વિચાર નથી. અજીતે કહ્યું. લે, મુંબઈમાં મોટા સાહેબની ઓફિસમાં જાય છે. પ્રેકટીસ તો કરજે ને, કોણ ના પાડે છે. કાકાએ કહ્યું. અજીત, મેં છોકરી જોઈ છે, ઘરના કામકાજમાં હોશિયાર છે. દેખાવમાં થોડી શામળી છે, પણ ખૂબ ગુણિયલ અને સંસ્કારી છે. કાકીએ ટહુકો પૂર્યો.
મારે એક સરસ ફલેટ લેવો છે, એના માટે મોટી લોન લેવી પડે. લોનના હપ્તા ભરવા પડે. કાકા બેત્રણ વર્ષ પછી. અજીતે કહ્યું. તે બે-ત્રણ વર્ષ કોણે દીઠા, અમે ખરતું પાન. બે એટેક તો આવી ગયા, મારી દીકરી તો ભરયુવાનીમાં ઉપર ગઈ. શું મને વહુનું મોં જોવા નહીં મળે. કહેતાં કમુબેનની આંખ ભરાઈ આવી. બેટા, આપણે વલસાડ જઈએ, તને ગમે તો આગળ વાત કરીશું. રમણભાઈએ તોડ કાઢ્યો.

અજીત તેના પપ્પા અને કાકા સાથે વલસાડ ગયો. મુંબઈમાં ઉછરેલા અજીતે માતાની ઈચ્છાને માન આપી સમાધાન કર્યું, કે ગૃહકાર્યમાં કુશળ પ્રતિભા ભલે ઓછું ભણેલી છે પણ મારાં મા-બાપને સાચવશે. ત્રણ મહિનામાં જ લગ્ન લેવાઈ ગયાં. કમુબેનના આનંદનો કોઈ પાર ન હતો.

લગ્ન પછી અજીતે મિત્રો સાથે નાની પાર્ટી રાખી ત્યારે પ્રતિભાએ પહેરેલી લાલ ભડક સાડી અને ભારે મેકઅપને લીધે રીના અને મેરી માટે હાસ્યાસ્પદ બની ગઈ. વળી ગામઠી ભાષામાં હી.. હી.. કરીને વાત કરતી હતી. પ્રતિભાને જોઈ અજીત ક્ષોભ અનુભવવા લાગ્યો. એણે મનોમન નક્કી કર્યું કે આ મોડેલને ઘરમાં જ રખાય.

આમ જોઈએ તો અજીત અને પ્રતિભાના લગ્ન તો સંજોગો સાથેનું સમાધાન હતું. પ્રતિભાને મુંબઈમાં રહેવાનો શોખ હતો જયારે અજીતને પત્ની કરતાં પણ વધારે માતા-પિતાની કાળજી લે અને ઘર સાચવે તેવી કોઈ સ્ત્રીની જરૂર હતી. પતિપત્નીના સુખદ સાહચર્ય વગર ગાડું ચાલતું હતું.

પ્રતિભા સૂકા નાસ્તાના ઓર્ડર લઈને, સાડીના ફોલ બિડિંગ કરીને, ડ્રેસ સિલાઈ કરીને થોડી આવક ઊભી કરતી. કોઈ પણ જાતની ફરિયાદ વગર પ્રતિભા ઘર ચલાવતી હતી. કોઈ રાતે થોડું પતિસુખ મળે પણ સવાર પડતાં એ જ ઉપેક્ષા. એ ઝંખતી હતી, પતિના પ્રેમને, પણ એ સુખ તેના માટે મૃગજળ સમાન હતું.

બીજી તરફ અજીતને આગળ ભણીને યાજ્ઞિક સાહેબ જેવા મોટા વકીલ થવું હતું. યાજ્ઞિક સાહેબની દીકરીના લગ્નની કંકોતરી ટેબલ પર પડી હતી તે હાથમાં લઈને પ્રતિભાએ કહ્યું- તમારા સાહેબની દીકરીના લગ્નમાં આપણે માટુંગા જઈશું ને?

ના, તું નહીં આવે. મારે એકલા જ જવાનું છે.

પણ, કંકોતરી પર મિસ્ટર-મિસિસ લખ્યું છે ને. મને લઈ જાઓ.

ના, તારી જરૂર નથી, અકળાઈને બોલતાં અજીત જતો રહ્યો.

એક દિવસ સાહેબનો સારો મુડ જોઈ અજીતે કહ્યું- સાહેબ, મારે એલ.એલ.એમ.નો અભ્યાસ કરવો છે,

આય એમ વેરી હેપી. યુ આર બ્રાઈટ- યુ કેન ડુ ઈંટ. પણ, યુ હેવ ટુ બી સીન્સીયર ઈન ઓફિસવર્ક ટુ. યાજ્ઞિક સાહેબે પીઠ થાબડતાં કહ્યું.

યસ, સર આય વીલ. અજીતે કહ્યું.

હવે આગળ અભ્યાસ માટે ફી ભરવાના- ૬૦૦૦ રૂપિયા કયાંથી લાવવા એ ચિંતા હતી.
પોતાના સપનાને સાકાર કરવા મથતા અજીતે પહેલીવાર પત્ની સાથે મીઠાશથી વાત કરી- પ્રતિભા તું ખૂબ સમજુ અને ડાહી છે. એક મનની વાત કહું? (સાંભળતા જ એ તો નાજુક વેલની જેમ શરમાઈ ગઈ, મીઠા સ્પંદનો જાગ્યાં) મીઠું સ્મિત આપતાં હકારમાં માથું નમાવ્યું.

મારે મોટા વકીલ થવા આગળ અભ્યાસ કરવો છે. મારે ફી ભરવા માટે ૬૦૦૦ રૂપિયાની જરૂર છે. તું મને મદદ કરી શકે, તારી પાસે બચતની કોઈ રકમ હશે.

જુઓ, હું તો બાર ચોપડી જ ભણી છું. પણ તમે ભણીગણીને મોટા વકીલ થાઓ તો મને ખૂબ ગમે. મારી પાસે સોનાના બે કંગન છે. એ વેચીને તમે ફી ભરો. પ્રતિભાએ હૂંફાળા સ્વરે કહ્યું.

ના,ના, તારા કંગન કેવી રીતે વેચાય- અજીતે કહ્યું.

આ બંગડી છે ને, પહેરવા માટે. અને જયારે તમે ખૂબ કમાઓ ત્યારે મને બે ને બદલે ચાર કંગન અપાવજો. પ્રતિભાએ કહ્યું.

અજીત અહોભાવથી પ્રતિભાને જોઈ રહ્યો.

અજીતને હિંમત આવી, તેણે કંગન વેચીને ફીની રકમ ભરી દીધી. ખૂબ મહેનતથી ભણવા લાગ્યો.

તેવામાં કમુબેનને પેરેલેસિસનો એટેક આવ્યો. ખડે પગે દીકરીની જેમ સેવા કરી રહેલી પત્નીને જોઈ પ્રતિભાને આલિંગન આપતાં તેણે કહ્યું- પ્રતિભા, આય લવ યુ, તું મારી શક્તિ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button