ઉત્સવ

દુર્ગાદાસના પ્રતાપે સંભાજી મહારાજને શાહજાદા પર વિશ્ર્વાસ બેઠો

વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ

(૩૨)
મોગલોની મથરાવટી મેલી હોવા અંગે બેમત નહોતો. પાછા શાહજાદાને આશરો આપીને ઔરંગઝેબને ઉશ્કેરવાનો. આથી છત્રપતિ સંભાજી મહારાજના સલાહકારો શત્રુ-પુત્રને સંઘરવાની તરફેણમાં નહોતા. એ હુમલો કરે તો નાહકની ઉપાધિ ઊભી થાય?

પરંતુ શિવાજી મહારાજે પસંદ કરેલા બે આગેવાન કવિ કલશ ઇંગલે અને રાઠોડ નેતાજીએ તદ્ન વિરોધાભાસી વિચારો વ્યક્ત કર્યા. આમેય ઔરંગઝેબ દુશ્મન છે અને એની સાથે યુદ્ધો થતા રહે છે. એનાથી વધુ શું થવાનું હતું? તેમણે યાદ અપાવ્યું કે શિવાજી મહારાજની જોધપુરના મહારાજા જસવંતસિંહ સાથે સારી મૈત્રી હતી. આ બધા સંજોગોમાં ઔરંગઝેબના દીકરાને આશ્રય આપવાથી મરાઠા રાજ્યની હિમ્મતની સૌને ખબર પડશે અને એના માટેનું માન વધી જશે.

આને રાજનીતિ કે વ્યૂહબાજી કહેવી કે ૨૪ કેરેટના સોના જેવી શુદ્ધ ચળકતી ખુમારી? છત્રપતિ સંભાજીએ શાહજાદાને હસતે મુખે વચન આપ્યું કે જ્યાં સુધી રહો ત્યાં સુધી મજાથી રહો. આ સાથને લીધે શાહજાદો તો બાદશાહની જેમ જીવન વિતાવા માંડ્યો. એના પત્રો પર બાદશાહ અકબરની સનદ લાગતી હતી. તેણે પોતાનું લશ્કર જમાવવા માંડ્યું. આ સાથે તે પોતાનું લશ્કર પણ જમાવવા માંડ્યો.

કોઈના રાજ્યમાં આશ્રય લેવો અને પોતાના સૈનિકોનો જમાવડો ભેગો કરવો? સ્વાભાવિક છે કે મરાઠા સામ્રાજ્યના આકાઓને શંકા જાય જ.

ચોળીને વધુ ચીકણું કરવાને બદલે સંભાજીએ સાફ શબ્દોમાં કહી દીધું કે તમે પોતાનું લશ્કર જમાવી રહ્યાં છો તો અન્યત્ર જતા રહો. અન્યથા તમે આવતી વખતે જેટલા સૈનિકો સાથે લાવ્યા એટલાની જ સાથે રહેવું પડશે.

એ સમયે મરાઠા સામ્રાજ્યમાં રાજકીય કાવાદાવા ચાલતા હતા. સંભાજી મહારાજની વિરુદ્ધમાં સાવકી માતાએ ષડયંત્ર રચ્યું હતું. પોતાના સગા દીકરાને ગાદીએ બેસાડવા માટે તેમણે શાહજાદાની મદદ માગી. મોગલ બેટો એમાં રસ લેવા લાગ્યો પણ દુર્ગાદાસ રાઠોડે એને વાર્યો. આ સ્વીકારીને મિર્ઝા મોહમ્મદ અકબરે પૂરેપૂરી જાણકારી અને પત્ર સંભાજીને આપી દીધા. અને આને પગલે અમુક બળવાખોરોની ધરપકડ સાથે ષડયંત્રને નાકામ બનાવી દેવાયું.

વીર દુર્ગાદાસ રાઠોડની સલાહને પ્રતાપે સંભાજી મહારાજ અને શાહજાદાના સંબંઘ ગાઢ થયા. શાહજાદાને બાદશાહ બનવાની મુહિમમાં પૂરેપૂરી લશ્કરી મદદ કરવાનું વચન પણ આપ્યું. અંતે છેક ઇ. સ. ૧૬૮૧ની તેરમી નવેમ્બરે પાદસાપુરામાં બંને પહેલી વાર મળ્યા.

ત્યાર બાદ છત્રપતિ સંભાજીએ જંજીરાના કિલ્લા પર હુમલો કર્યો, ત્યારે દુર્ગાદાસ રાઠોડ અને શાહજાદો પણ જોડાયા હતા. જો કે મોકાની રાહમાં બેઠેલા ઔરંગઝેબની સેનાએ એ જ સમયે કોંકણ પર હુમલો કરી દીધો હતો. આને લીધે સંભાજી, દુર્ગાદાસ અને શાહજાદાને પાછા આવવું પડ્યું હતું.
જો કે ઔરંગઝેબે વ્યવસ્થિત આયોજન સાથે કોંકણ પર હુમલો કર્યો હતો. તે ઔરંગાબાદ પહોંચી ગયો. તેણે ઠેરઠેર મોગલ સેના ગોઠવી દીધી હતી પણ લાંબા સમયની માથાકૂટ અને જાનહાનિ-માનહાનિ છતાં સફળ ન જ થયો.
ઘણો સમય વીતતો ગયો. અંતે ઇ. સ. ૧૬૮૨ના ઑગસ્ટમાં શાહજાદાની આગેવાની હેઠળ મરાઠા સૈન્ય મારવાડ પહોંચે. ત્યાંના રાજપૂતોનો સાથ મેળવીને દિલ્હી જીતવા આગેકૂચ કરે, પરંતુ આ દિશામાં કોઈ નક્કર પગલાં ન ભરાયાં.

શાહજાદો મહારાષ્ટ્ર છોડવાનું વિચારવા લાગ્યો. ત્યાં એક ઘટનાએ મીઠા સંબંધમાં વખ ઘોળ્યું. મિર્ઝા મોહમ્મદ અકબરે એક નર્તકી સાથે નિકાહ કરી લીધા. એટલું જ નહીં સંભાજી મહારાજે ભેટ આપેલા હાર-ઘરેણાં આપી દીધા. આનાથી નારાજ થઈને સંભાજીએ રક્ષણ માટે ગોઠવેલા મરાઠા સૈનિકોને હટાવી લીધા. આના ઉદ્ધતાઈભર્યા પ્રતિસાદમાં શાહજાદાએ પોતાના રહેવાના તંબુને આગ ચાંપી દીધી.

હવે કરવું શું? નક્કી થયું કે હવે ગોલકોંડા (ગોલકુંડા) જવું. પણ રસ્તામાં ઠેર-ઠેર મોગલ છાવણીઓ રાહ જોતી બેઠી હતી. દુર્ગાદાસ રાઠોડ વિચારમાં પડી ગયા કે હવે સલામતપણે પહોંચવું ક્યાં? ને કેવી રીતે?
(ક્રમશ:)ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button