ઉત્સવ

પાવર ઓફ પોઝિીટિવ થીન્કિંગ…

આજે આટલું જ -શોભિત દેસાઈ

…નામના વિષય પર જો મારે તમારી સાથે આજની વાતચીત માંડવાની હોય તો અતિશયોક્તિ પ્રયોજીને તમને કહેવું પડે કે આ વિષય કપોળકલ્પિત આંકડાઓ વાર તમારી સાથે નામી-અનામી સારા નરસા સદ્ગૃહસ્થો-કુખ્યાતો દ્વારા સીધી-આડકતરી સૌમ્ય-જડ ભાષામાં ચર્ચાઈ ગયો છે, મુકાઈ ગયો છે, છેડાઈ ગયો છે… પણ એટલો ને એટલો જ સ્પર્શ્યા વગરનો છે હજીય… એક પ્રયોગ કરીએ ને! બહાર નીકળો અને જે પહેલો માણસ જુઓ એને પહેલાં ધારો ખલુ, શઠ, બદમાશ તમારું અહિત કરનારો… અને તમારી ભીતર જે ભાવ ઊપસે એને, એ જ માણસ અત્યંત સજ્જન કરુણાસભર, તમારું ભલું ઈચ્છનારો ધારી જુઓ અને જે ભાવ ઊપસે, એને આગલા ઊપસેલા ભાવ સાથે સરખાવી જુઓ… સ્વાર્થી બનીને તમે તમને મૂલવશો તો બીજા ઊપસેલા ભાવ બાદ ભીતર પ્રવર્તતી ઠંડકને લીધે તમે કશુંક ઈમાનદારીથી કમાયા છો એવું તમને લાગશે.

જગત આખું લેનારાઓથી ભરેલું છે એમ ભલે મનાયા કરતું હોય, કજ્ઞૂ જ્ઞર યિીફહશિું પ્રમાણે એટલા ને એટલા જો આપવાવાળા ન હોય તો લેવાવાળા ક્યાંથી મેળવી શકવાના! લઈનેય કેટલાને શું મળ્યું? અને આપીનેય કેટલાય ક્યાં વધારે સમૃદ્ધ વધારે સમર્થ નથી બનતા! લાકડા કાપી અથવા તો કપાયેલા લાકડાના ઉપયોગ-દુરુપયોગ કરનારાઓ એક વૃક્ષ પાસે જઈને કુહાડીના હાથા માટે ભીખ માગે છે અને વૃક્ષ… સદાનું દાતાર… એ આપે છે ત્યારે આખા અસ્તિત્વને સતત નીરખતાં પરમ નયનની કરુણાની સરિતા કોને સમાવે છે!

મારી પોતાની જિંદગીમાં પણ અનેક વખત એવું બન્યું છે કે એકાદ એવી ક્ષણ તરફ નજર પડે કે સીધું ધ્યાન લાગી જાય. જી હા, યોગની ભાષામાં કહું તો સિદ્ધ બની જતો હોઉં એવું લાગે, એ ક્ષણ પૂરતો. ચાલતો હોઉં કોઈ અજાણી, અટુલી વાટે અને બાજુના નાનકડા તૃણ પર અચાનક એક પતંગિયુ આવીને માત્ર અડધી સેકંડ પૂરતું બેસે અને તૃણ એટલા સમય પૂરતા પતંગિયાના આસનને નમી જઈને સન્માન ધરે ત્યારે ધનભંડાર-રત્નભંડાર-અન્નભંડાર,સમરકંદ બુખારા-નોબેલ પુરસ્કાર ઈત્યાદિ જીવાયેલી આ ક્ષણના ઓવારણા લેવા ઓછા પડે ઓછા પડે… સાહેબો! ઓછા પડે…
૧૯૯૪માં જાપાનીઝ સાયન્ટિસ્ટ મસારુ એમ મોટોએ એક પ્રયોગ મૂકયો, શબ્દો તમારી જિંદગીમાં શું ભાગ ભજવે છે, કેવી અસર પહોંચાડે છે એ પ્રદર્શિત કરવાનો… અને પરિણામ તમને બધા જ પ્રકારનાં આશ્ર્ચર્ય પમાડે એવા આવ્યા… મોટોએ પ્રયોગ દરમિયાન બાટલીઓમાં પાણી ભરી અને એમના અનુયાયીઓને નેગેટિવ શબ્દો બોલવાનું કહ્યું, ‘હું તને નફરત કરું છું’, ‘તું ખરાબ માણસ છે.’, ‘તારામાં અક્કલનો છાંટો નથી’, ‘તું જડભરત છે’… ઈત્યાદિ. બીજા ગ્રૂપને સકારાત્મક પોઝિટીવ શબ્દો બોટલ્સની આજુબાજુમાં બોલવા કહ્યું… ‘આઈ લવ યુ’ ‘તમે બહુ ઉમદા માણસ છો’ ‘તમારા દેખાડેલા પથ પર જો હું ચાલુ તો મારું જીવન ખૂબ સુંદર બનાવી શકું… તમારો ખૂબ ખૂબ આભાર, મને આવું માર્ગદર્શન આપવા બદલ… ઈત્યાદિ. બોટલોના આ બંને લોટને થોડાક વખત બાદ માઈક્રોસ્કોપમાં જોયા. પહેલી, નકારાત્મક શબ્દોવાળી બોટલોમાં ઘટ્ટ અને કદરૂપા આકારનું કશુંક ઊપસતું જણાયું… જ્યારે પોઝિટીવ શબ્દોવાળી બોટલમાં સુંદર ગુંથણીવાળું કશુંક આકાર લેતું જણાયું.

મારા અતિપ્રિય વહાલા વાચક! તને જાણ છે? કે પાણીની પાસે અથવા તો પાણીમાં – જળમાં સ્મરણશક્તિ છે… અને આખા શરીરનો ૮૫% ભાગ પાણી છે… અને, અને, અને આ આપણને મળેલો અણમોલ, થોડો અળવીતરો પણ અદ્ભુત ઉપહાર મગજ-દિમાગ-બ્રેન એ તો એથીય વધારે માત્રામાં પાણીથી ભરેલો છે. એટલે ભઈલા! તારી કે મારી પાસેથી નીકળતો એક પણ નેગેટિવ શબ્દ દરેકે દરેક અણુને નુકસાન પહોંચાડે છે, કારણ? એ દરેક અણુનું પાણી એ નકારાત્મક ઊર્જાથી ગ્રસિત થાય છે… એને ઘસારો પહોંચે છે… માટે જ હું-તું-પેલો-પેલી-તેઓ આજથી ટેવ પાડીએ માત્ર અને માત્ર હકારાત્મક વિચારવાની અને નકારાત્મકતાને હડસેલવાની. કુદરતી રીતે શક્ય ન હોય તો એની પ્રેક્ટિસ કરીએ… મારો ભરોસો કર અને માન મારી વાત કે આપણા શબ્દો આપણે ધારીએ છીએ એના કરતાં ઘણા વધારે તાકાતવાન છે… સારી તાકાત કે નકારાત્મકતા… શું પસંદ કરીએ?!
આજે આટલું જ…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ