ઉત્સવ

ગરીબી, મોંઘવારી, ફુગાવા, મણિપુરની હિંસા હૂતાશન વિશે એક હરફ ઉચ્ચારો તો રામદેવ બાબાની ફડકતી આંખના સમ છે!!!

વ્યંગ -બી. એચ. વૈષ્ણવ

કેટલાક લોકો રોતલ હોય છે. ગમે ત્યારે, ગમે તે સ્થળે ફરિયાદ કરતા રહે છે. માનો કે આપણે કૃષિ પ્રધાન નહીં પણ ફરિયાદ પ્રધાન રાષ્ટ્ર છીએ!!! નાની વાતોને મોટું સ્વરૂપ આપે છે. ગજનું રજ અને રજનું ગજ કરે છે. કાગનો વાઘ કરે છે. પેલી બાળ વાર્તા જેવું બાલિશ વર્તન કરે છે. સસલા પર કયાંકથી બોર (એ સસલું પોલિટિશિયન હોત તો બોર આરોગી લેત અને પછી બોર ન ખાવાના ફાયદા વિશે વિગતે વાર્તાલાપ કરે. રાજકારણની આ તાસીર છે. હૈયે હોય તે હોઠ પર ન લાવે અને હોઠ પર હોય તે હૈયે ન ધરે!!) પડે છે અને એ બાપડું આભ તૂટી પડ્યું એવો ભ્રમ, ભ્રાંતિ, અફવા ફેલાવે છે. બોસ, આભ એ કાંઇ ગઠબંધનની સરકાર છે? કોઇ પણ બિલ્લા-રંગા,આલિયા-માલિયા-ધમાલિયા- લાલિયા, એરાગૈરા-નથ્થુગૈરા છે કે ટેકો ખેંચી લે એટલે વિપક્ષી સરકારની જેમ આભનું પતન થાય!!

અત્યારે વાતાવરણ પણ સાનુકૂળ છે. ભાદરવાએ ટાટા બાય બાય કર્યું છે. ઘરની વાતાયનમાંથી રાત્રિના અંતિમ પ્રહરે ઠંડો પવન એસીની કસર પૂરી કરી રહ્યો છે. પવન લહેરાઇ રહ્યો છે. પવનના પગના ઠેકાથી વૃક્ષોની શાખા-પ્રશાખા હિંચકો બની ઝૂલી રહી છે. પતંગિયાઓ ઉડાઉડ કરે છે. જો કોઇ અમૃતકાળ હોય તો શરદ ઋુતુ જ હોઇ શકે!!

આપણે ત્યાં આઝાદીના અમૃત કાળની મહોજવણી ચાલી રહી છે. અમૃતકાળમાં યુનાઇટેડ નેશન્સ, નોન એલાઇડ મુવમેન્ટ એટલે કે નામના બગલબચ્ચા જેવા જી ટ્વેન્ટીનું અધ્યક્ષપદ એ પણ રોટેશન ધોરણે મળ્યું!! (જી ટ્વેન્ટીની સ્થાપના બે હજાર આઠમાં થયેલ. અંત્યોદયની માફક આપણો નંબર રહી રહીને લાગ્યો છે!!) આપણે યુનોના સેક્રેટરી જનરલ બન્યા હોય તેમ સાલ્લા મેં તો સાબ બન ગયા જેમ કેબરે ડાન્સ કર્યો. ગરીબ રાષ્ટ્ર એવા આપણે અમીર દેશોને ભભકાથી ભ્રમિત કરવા જે જે યુક્તિ પ્રયુકતિ કરવી પડે તે કરી છૂટ્યા !!. દૂધની કોથળી અને જી ટવેન્ટીને શું લેવાદેવા?? એના પર પણ જી ટ્વેન્ટીનો લોગો ઠઠાડી દીધો. કોના બાપની ડેરી?? ટોઇલેટ પેપર પણ જી ટ્વેન્ટીનો લોગો લગાડી દીધો હોવાનું રાજુ કરે છે? બિનઆધારભૂત અને અવિશ્વસનીય સૂત્રો કવોટ કરી જણાવે છે. અમેરિકા, બ્રિટન જેવા ગરીબ દેશોએ સોના ચાંદીના પાત્રોમાં ભોજન અન્નપ્રાશન ન કરેલ હોય એટલે સોના ચાંદીના વાસણોમાં જમાડીને તેમની અતૃપ્ત વાસનામુકતિ કરાવી. છતાં પણ ઘમંડીયા ગઠબંધન વિરોધ કરે છે!! આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય તો ખર્ચની ચિંતા કરીએ છીએ??? ચાર્વાક ઋુષિના ફોલોઅર બની દેવું કરીને લગ્નમાં દૂધપાક ટટકાડીએ છીએ. જી ટવેન્ટી માટે નવસો દસ કરોડ રૂપિયાના મંજૂર કરેલ બજેટ સામે ચાર ગણા એટલે ચાર હજાર કરોડ વાપર્યા તો આકાશ તૂટી પડવાનું છે?? સાડા નવ વરસમાં ચહેરો ચમકાવવા ૬૫,૦૦,૦૦,૦૦૦ હજાર કરોડ રૂપિયા ફૂંકી માર્યા તો શું દુનિયા રસાતાળ ગઇ? મતો મેળવવા ભપકો કરવો પડે તેમાં શેનો ભડકો કરવાનો?? શેનો છણકો કરવાનો?? શા માટે અમને ઠપકો આપવાનો?? જી ટવેન્ટીના છેલ્લે દિવસે મયદાનવે બનાવેલ નૃત્યમંડપમાં પાણી ભરાઇ ગયું તો શું થયું?? ભાઇ યંગસ્ટર એકલા ડાન્સ કરે જ છે ને?? બધાએ વાહવાહી કરી. હવે બ્રાઝિલના બાર વાગી વાના છે?? નવી લોકસભામાં મહિલા આરક્ષણનું ગાજર લટકાવી ઘમંડિયાની બોલતી બંધ કરી દીધી!! સામેવાળા કે સામેવાળી ગેંગ મહિલા અનામતનો અમલ ૨૦૨૯ થી લઇ ૨૦૩૯ માં અમલ થશે તેવો સાચુકલો ભ્રમ ફેલાવે છે. ઈશ્વરે મહિલા અનામત બિલ રજૂ કરવા સાહેબને પસંદ કર્યા છે તો તેના અમલ માટે સાહેબ સિવાય ચોસઠ લક્ષણો નર કોણ હોઇ શકે?? મહિલા અનામતના અમલ માટે ૨૦૫૦ સુધી શાસન કરવાનું સર્વોચ્ચ બલિદાન આપવા સાહેબ નાઇલાજે સંમત થયા છે, જે માટે એકાદ ભારત રત્ન કે નોબલ એવોર્ડ તો બનતા હૈ!! (ભક્તો થાળી, તાળી બજાવો. બુદ્ધિને તાળાં લગાવો!!!) સંસદના ઉદ્ઘાટનને સન્માનીય, પરમાદરણીય રાજમાન રાજેશ્રીએ દાનિશ અલીની કટુ વાસ્તવિકતાનું ગિરાતાંડવ કરીને સંસદને ચાર ચાંદ લગાવ્યા. અલબત, સાહેબે પ્રજ્ઞા ઠાકુરની જેમ હદયથી માફ કરેલ નથી તેમ વિધુડી નામની પિપુડીને માફ કરેલ નથી. વિધુડીને સજારૂપે રાજસ્થાનના ટોંક વિસ્તારના લોકસભાની ચૂંટણી માટે પ્રભાવી બનાવી ઝીરો ટેલરન્સની નીતિનો અમલ કરેલ છે!! અલબત પચાસ કરોડ રૂપિયાની ગર્લ ફ્રેન્ડ, જર્સી ગાય, પક્ષની વિધવા વગેરે માટે બે હજાર પચાસની સાલમાં માફી માંગવા આવશે. થોડી રાહ જુઓ. ધીરજનાં ફળ મીઠા હોય છે, જેમાં દ્રાક્ષનો સમાવેશ કરાયેલ નથી!!
અમૃતકાળની અસર, રશિયામાં દેખાઇ રહી છે. રશિયાએ ૭૫ રીપિટ ૭૫ વિદેશી નાગરિકોને રશિયાની નાગરિકતા આપી છે. બોલો, અમૃત મહોત્સવની ઉજવણીનો આનાથી વધુ કોઇ સોલિડ પુરાવો બીજો કયા હોઇ શકે? બીજો પુરાવો જોઇએ છે?? આપણે ઘરઆંગણે આતંકવાદી, નકસલાઇટ હિન્દુ-મુસ્લિમ ટંટા ફિસાદ નિવારી શકતા નથી. પરંતુ પુતિનને ખભે હાથ મુકીને બિન્દાસ્ત કહી દઇએ કે બકા યુક્રેન સાથે યુદ્ધ કરીને શું કાંદા કાઢ્યા? હવે બહુ થયું. વરસ ઉપરાંત થઇ ગયું. યુદ્ધથી શું મળ્યું? કંકોડા!!! બકા કોઇ પણ સમસ્યા યુદ્ધથી હલ ન થાય. સમસ્યા સંવાદથી હલ થાય. ચલ ઝેલેન્સ્કી જોડેની કીટ્ટા તોડી બુચા કરી લે! તને મારો ભઇલું કહું!! ડાયો બકો. ઝેલેન્સકીને પણ ફોન પર મન કી બાત કહી!! બોસ, આપણો જયજયકાર થઇ ગયો!!

અમૃત કાળમાં પાંચ લાખ ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના ભાગરૂપે અને લોઢું લોઢાને કાપે એ ન્યાયે અબ કી બાર મોંઘવારી પર પ્રહાર કરવા રિઝર્વ હેંકે અડધો ટકો રેપો રેટ વધારી દીધો. હવે મોંઘવારી નાભિ શ્વાસ લેશે!! કોલોનિયલ ગુલામીના પ્રતિક રાજપથને કર્તવ્યપથ ઉદ્ઘોષિત કરી નાંખ્યો છે. નામ્બિયાથી આઠ ચિત્તા લાવીને ચિતામય જગ જાની કરી નાંખ્યું છે. (અડધો અડધ ચિંતા મરી ગયા તો પણ સો ચિતા લાવવાના છીએ!! ચિંતાની દશા ધો જેવી થઇ છે. ચિતા મરવાના થાય ત્યારે ઇન્ડિયા જાય!!)ભક્ત મંડળ કર જોડીને પ્રણામ કરી રહ્યા છે!!!વંદે ભારત અને મેટ્રો ટ્રેનને લીલી ઝંડી દેખાડવામાં આવી. વંદે ભારતને કેસરી પણ કરી નાંખી . હરખ હવે તું ભગતરામ!!!. (આમ, લીલો રંગ લઘુમતીનો છે, તેનો વિરોધ છે. પણ ટ્રાફિક પોઇન્ટ પર લીલી લાઇટ આગળ જવાની નિશાની છે.) ટ્રેનને ઉપાડવા લીલી ઝંડી દેખાડવામાં આવે છે, તેનો કલર બદલવાની જરૂર છે. મોબાઇલની ગોળ ગોળ ફરતાં ચકરડાં -બફરિંગથી છૂટકારો આપવા માટે દેશમાં ૫-ૠ લોંચ કરેલ છે.,જ્યારે સરકારી બીએસએનએલ કંપની હવે ૪-ૠ લોંચ કરી રહી છે. બોલો સિયાવર રામચંદ્ર કી જે!! આ દેશમાં હાજી હજૂર, પારલે જી અને ૫-ૠની ધમાલધમાલ છે.!!

અમૃત કાળ અદ્ભુત છે. એનો નશો માદક છે. ત્યારે કેટલાક પેટબળ્યા લોકો -મુંહજલાઓ ઉત્સવ, ઉત્સાહ, ઉલ્લાસ, ઉન્માદ સમયે ઉદ્વેગનું સર્જન કરે છે. એ લોકોને લસણ-ડુંગળીના વધેલા ભાવો સાદ કરે છે. ઓ ગમાર લોકોને આપણા નાણામંત્રી કહી ચુકયા છે કે તેણી લસણ-ડુંગળી ખાતા નથી. એટલે એમના ભાવ વિશે વિચારવાનું રહેતું નથી. કેટલો સ્પષ્ટ અભિગમ!! આપણે જે ગામે જવું ન હોય તેનો ગુગલને રસ્તો કે મેપ શું કામ પૂછવો જોઇએ. મંત્રી સાહેબોએ ધડ દઇને કહી દેવાનું કે મોંઘવારી, બેરોજગારી અમારી અગ્રતા યાદીમાં નથી. જગતના બધા દેશોમાં ભાવ વધે છે. ભાવ વધારો વૈશ્વિક સમસ્યા છે. એમાં અમે કશું કરી શકીએ નહી. આવા નાના મુદે પેનિક થવાનું નહીં. પછી ભલે ગરીબીનું જીવન અગ્નિપથ થઇ જાય. આમ, પણ સોનું આગમાં તપે પછી જ શુદ્ધ થાય છે. ગરીબો પણ એક ગ્રામ સોનાનાં ઘરેણાં જેવા બની જશે!!

આપણી સંસ્થાઓ દેશ વિરોધીને મુદા આપી દે છે. એમણે શું કહેવાની જરૂર હતી કે વીસ કરોડ લોકો ગરીબીરેખા નીચે જીવે છે ( આવા દોઢ ડાહ્યા થવાય. આપણે એંશી કરોડ લોકોને મફત રેશન આપીએ છીએ. વીસ કરોડ લોકો ગરીબીરેખા નીચે જીવે છે તેની પબ્લિકને ખબર પડે તો તફાવતના સાંઠ કરોડ લોકોના મફતના અનાજનું ગબન થયું તેમ કહેશે! એટલે નવ બેલ્યામાં નવ ગુણ, શું સમજ્યા?) અને ત્રેવીસ કરોડ લોકોની દૈનિક આવક રૂપિયા ત્રણસો પંચોતેર કરતા ઓછી છે!! આપણે અદાણી-અંબાણીની સેક્ધડ, મિનિટ, કલાક, દિવસ, મહિના અને વરસની આવકના આંકડા ચ્યુંગમની જેમ ચગળવાના હોય!! આટલા અપ્રતિમ માહૌલમાં કકળાટ કરતાં શરમ નથી આવતી?? કાળી ચૌદશે કકળાટ કાઢીએ છીએ તો પણ આ ઉબેટો કેમ જીવતી રહે છે. હવે કાળી ચૌદસને ઝાઝી વાર નથી. હવેની કાળીચૌદસે દેશ વિરોધી કકળાટને પેક કરીને કરાંચી કાઢી આવવો છે. !! જેથી આઝાદીના અમૃતપાકમાં કકળાટની કાંકરી ન આવે અને સોનાની થાળીમાં કકળાટની મેખ ન રહે !!

અમૃતકાળની ઉજવણીના ભાગ રૂપે વિરોધીઓને પાકિસ્તાનની કથળેલી હાલત પર, અફઘાનિસ્તાનમાં લોકશાહીની પુન:સ્થાપના માટે, તાલિબાન સંગઠન તૂટી ગયું, શ્રીલંકામાં પ્રાકૃતિક ખેતીની સફળતા, ઇન્ડોનેશિયામાં ભારતનો વધતો પ્રભાવ, ચીનમાં ઉઇગર મુસ્લિમો પર તવાઈ, બ્રિટનમાં રાજાશાહી સામે વિરોધની ફૂંકાયેલ શરણાઈ, વિપક્ષની ભવાઈ વિશે જે બખાળો કરવો હોય તેની ખાનગી જાહેર છૂટ છે. અપિતું, ખબરદાર કોઇ ગરીબી, બેકારી, મોંઘવારી, સંપત્તિની અસમાન વહેંચણી, ગરીબ-અમીર વચ્ચેની ખાઇ, અને ત્રીજીમે થી ઓલ્લમ્પિક ટોર્ચની જેન મણિપુરમાં મેઇતેઇ અને કુકી વચ્ચે પ્રગટેલ હિંસા હૂતાશન કબ બુઝેગી તે વિશે એક હરફ ઉચ્ચાર્યો તો ?? ટાંટિયા ભાંગી નાંખવામાં આવશે કે જીભડો ખેંચી નાંખવામાં આવશે!! મોં પર સેલોટેપ, એડહેસિવ લગાડી લો. એક હરફ બોલ્યા તો રામદેવ બાબાની ફફડતી આંખના સમ છે!!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button