ઉત્સવ

પરદેશમાં ભારતીય કામદારોનું પોષણ ઓછું, શોષણ વધું?

વિચાર-વિમર્શ -ઉત્કર્ષ મહેતા

આજથી છેતાલીસ વર્ષ પૂર્વે દેવઆનંદની ફિલ્મ ‘દેશ-પરદેશ’ આવી હતી જેમાં મોટો ભાઇ કમાવા માટે યુ.કે. જાય છે.થોડા વખત પછી અચાનક તેના ખબર આવતા બંધ થઇ જાય છે. તેનો નાનો ભાઇ ઉર્ફે દેવઆનંદ ભાઇની શોધમાં યુ.કે. જાય છે ત્યારે તેને ખબર પડે છે કે હજારો ભારતીયો બદતર જિંદગી જીવે છે. નકલી પાસપોર્ટ, ઓછા વેતન પર કામ કરવું, પગારનો અડધો ભાગ દલાલોને આપી દેવો જે એમને બેઇમાનીથી અહીં લાવ્યા હોય વગેરે વગેરે.

હવે આ ફિલ્મ લગભગ પાંચ દાયકા પહેલાની છે ત્યારે આપણને હાશ થાય કે આ તો ભૂતકાળ હતો અત્યારે આવું કશું નહીં થતું હોય, પણ ના રે ના… કશું નથી બદલાયું આજે પણ ભારતમાં પૂરતી રોજગારી ન મળવાથી કે પછી ઓછા સમયમાં વધુ કમાવાની લાલચમાં ગેરકાયદેસર વિદેશ જનારા જાય છે ને ત્યાં જઇને પારાવાર પસ્તાય પણ છે. પાપી પેટનો ખાડો પૂરવા વિદેશમાં વિશ્ર્વાસઘાત થાય, અપમાન થાય, મજૂરો કુટુંબોથી વિખૂટા પડી જાય. આવું આજે પણ બની રહ્યું છે. પોષણ આપવાની આડમાં લાગલગાટ શોષણ થઇ રહ્યું છે.

ગયા મહિનાની જ વાત છે. કુવૈતના મંગાફ શહેરમાં એક ઇમારતમાં લાગેલી આગમાં ૪૫ મજૂરો મૃત્યુ પામ્યા. તેઓ જે બિલ્ડિંગમાં રહેતા હતા તેને તાળું મારી દેવામાં આવ્યું હતું. આગ લાગી ત્યારે ભાગી જવાનો રસ્તો જ બંધ હતો. કેવી ખરાબ પરિસ્થિતિમાં તેમનો કરુણ અંજામ આવ્યો. બાદમાં ભારત સરકારના હસ્તક્ષેપથી મજૂરોના કુટુંબીઓને વળતર મળ્યાં. ગુનેગાર કંપનીના માલિકો પર પગલા લેવાયા.

તાજેતરમાં વડા પ્રધાન મોદી મુલાકાતે ગયા હતા એ રશિયામાં પણ પરિસ્થિતિ કંઇ બહુ સારી નથી. રશિયા-યુક્રેન વચ્ચે થયેલા યુદ્ધમાં બે ભારતીયોનાં મોત થયા હતા. રશિયાએ શાંતિકાળ દરમ્યાન સેંકડો ભારતીયોને નોકરીની લાલચ આપી હતી, પણ પાછળથી તેમને સૈન્યની તાલીમ આપી યુદ્ધમાં ધકેલી દેવાયા હતા. આવા ભાડૂતી સૈનિકોને લશ્કરમાં રાખવા બદલ ભારત સરકારે વાંધો ઉઠાવ્યો હતો. રશિયા આવા તરુણોને પાછા મોકલે છે, પણ ભારત કે પરદેશના એજન્ટો ત્રીજા દેશમાંથી માણસોને યુક્રેન યુદ્ધમાં ભરતી કરે છે.

કેટલાક ભારતીય તરુણોને થાઇલેન્ડમાં ૬૫,૦૦૦ રૂપિયાની નોકરીની લાલચ આપીને મોકલવામાં આવ્યા હતા, પણ ત્યાં તેમને સાયબર ફ્રોડ કરનાર કૉલ સેન્ટરમાં કામ આપવામાં આવ્યું. અહીંથી અમેરિકા, કેનેડા અને યુરોપના નાગરિકોને સાયબર ફ્રોડ દ્વારા ફસાવવામાં આવતા હતા. ઘણી વાર તેમનો મોબાઇલ લઇ લેવામાં આવે, પાસપોર્ટ ગાયબ કરી દેવામાં આવે, ત્યાર બાદ તેઓ આ દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા છે એવી બીક બતાવી જેલમાં મોકલી દેવાની ધમકી પણ અપાય અને ગેરકાયદેસર કામો કરાવી લેવાય. ત્યાં ફસાઇ ગયેલા એક યુવાનના વળી નસીબ પાધરા કે એક સ્થાનિક વકીલની મદદથી આવા ગોરખધંધામાંથી છુટકારો થયો.

બીજા એક કેસમાં મુંબઇની એક ૨૪ વર્ષની યુવતીને હોટેલમાં નોકરી આપવાની લાલચ આપી બહેરીન મોકલવામાં આવી હતી. ત્યા બે-ત્રણ મહિના કામ આપ્યા પછી તેનો પાસપોર્ટ અને મોબાઇલ લઇ લેવામાં આવ્યો હતો અને વેશ્યાવ્યવસાયમાં ધકેલી દેવામાં આવી હતી. આ યુવતીને જે ટોળકીએ પરદેશ મોકલી હતી તેણે તેના છુટકારા માટે રૂપિયા બે લાખ તેના કુટુંબીઓ પાસેથી પડાવ્યા હતા. આ ટોળકીએ ૬૦૦થી પણ વધુ યુવતીઓને આ પ્રકારે ફસાવી હતી એ હકીકત ત્યારે પ્રકાશમાં આવી હતી. માનવ તસ્કરી કરીને આવા ગઠિયાઓ પરદેશમાં મહિલાઓને વેશ્યાવૃત્તિમાં અને નાના બાળકોને ભીખ માગવાના વ્યવસાયમાં ધકેલી દે છે. કિડની કાઢીને વેચવા માટે પણ અનેક માણસોની તસ્કરી થાય છે.

આવું માત્ર ભારતીયો જોડે જ નહીં, બંગલાદેશ, નેપાળ, પાકિસ્તાન સહિત અનેક એશિયા-આફ્રિકાના નાગરિકો સાથે થાય છે. ઘણા દેશો આ બાબતે ફરિયાદ કરે તો પણ કાને ધરવામાં આવતી નથી, પણ ભારતનું હાલ વિશ્ર્વમાં જે સ્થાન છે અને તાકાત છે તેને કારણે ેભારતે કરેલી ફરિયાદની નોંધ લઇ યોગ્ય પગલાં લેવામાં આવે છે.

જોકે, દેશમાં યોગ્ય રોજગાર ન મળવાથી અને વધુ પૈસા કમાવાની લાલચને કારણે ધુતારા એજન્ટો ફાવી જાય છે. ગેરકાયદે અન્ય દેશોમાં મોકલીને તેમને ઘણો અન્યાય કરે છે. આવા એજન્ટોને શોધીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો જ પરદેશમાં કામ કરનારા ભારતીયો સુરક્ષિત રહેશે અને તેમના માનવીય હકોનો ભંગ નહીં થાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button