સર્જકના સથવારેઃ મુશાયરાના મંચથી લોકોના દિલ સુધી રાજ કરનારા કવિ ‘બેકાર’
-રમેશ પુરોહિત
ગઝલને લોકો સુધી પહોંચાડવા માટે સૂરત અને રાંદેરમાં મંડળ સ્થાપવામાં આવતાં અને જુદા જુદા શહેરોમાં અને ક્યારેક સાવ નાના કસબામાં મુશાયરા યોજાતા. આ કાર્યક્રમ એક મિશનરી ધગશથી આગે ધપાવનાર શાયરોમાં બહુ જ મહત્ત્વનું નામ છે ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ ‘બેકાર’ તખલ્લુસ ભલે ‘બેકાર’ રાખ્યું પણ એ શાયર પાસે પગવાળીને બેસવાનો સમય ન હતો.
સરકારી પ્રાથમિક શાળામાં પચ્ચીસ વર્ષ આચાર્ય પદે રહ્યા પછી પ્રમોશન મળ્યું અને આઠ વર્ષ સુધી એસિસ્ટન્ટ ડેપ્યુટી શિક્ષણ ઈન્સ્પેક્ટર તરીકે સેવા આપી હતી. ગુજરાતી ગઝલને ચાલીસના દાયકામાં લોકાભિમુખ કરવાના કામમાં ‘બેકાર’ પાયાના પથ્થર હતા.
1932માં જ્યારે ગઝલ ગુજરાતમાં સાવ ઉપેક્ષિત હતી ત્યારે રાંદેરમાં ‘મુસ્લિમ સાહિત્ય મંડળ’ની સ્થાપના થઈ અને પ્રમુખ તરીકે ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ એટલે ‘બેકાર’ ચૂંટાયા હતા. એમણે ગઝલ માટે ભેખ લીધો. મુશાયરાની શરૂઆત રાંદેરથી જ થઈ મુશાયરો યોજાય ત્યારે અગ્રગણ્ય સાહિત્યકારને પ્રમુખપદે યોજવાની પહેલ એમણે કરી. મુશાયરાની પુસ્તિકા પ્રમુખના ભાષણ સાથે પ્રગટ થતી. એક વ્યવસ્થિત અને મોભાદાર મુશાયરાની કેડી કંડારીને તેઓ અવિરત ગઝલમય જ રહ્યા.
જોકે ગઝલમય કહેવાને બદલે હઝલમય કહેવું જોઈએ કારણ કે એ આખુંય જીવન હઝલમય જ હતા. હઝલમાં સમાજ, સાહિત્ય, રાજકારણ એમ માણસને સીધી રીતે સ્પર્શતા વિષયો પર એમની હઝલ ચોટદાર રહેલી. આઝાદી મળી, મળતાં મળી ગઈ પછી શું સ્થિતિ છે તેનું વર્ણન આ વાતની ગવાહી પૂરે છે:
હિંદને સ્વરાજ્ય મળતાં ના થવાનું થઈ ગયું
દોરવાનું જ્યાં હતું ત્યાં હાંકવાનું થઈ ગયું;
આમ જનતાનાં, જુઓને, સાફસૂપડાં થઈ ગયાં,
પણ ભલું કેવું પ્રધાનોનાં સગાંનું થઈ ગયું
સાહિત્યની સાધના અને ઉપાસના પ્રેમભક્તિથી કરે. લગભગ બે દાયકા સુધી ‘ઈન્સાન’ નામનું માસિક પ્રગટ કરતા. થોડુંક ધાર્મિક લખાણ અને બાકીનું સાહિત્ય હોય. ખાસ તો ચાર પાનાં ગઝલ માટે રાખેલા અગ્રગણ્ય શાયરોની ગઝલ રંગીન શાહીમાં અને ખાસ ટાઈપોગ્રાફીમાં થાય.
સૂરતમાં ‘મહાગુજરાત ગઝલ મંડળ’ની સ્થાપના પણ ‘બેકારે’ કરી. મંડળ ચાલ્યું ત્યાં સુધી પ્રમુખપદે રહ્યા. મુશાયરાને સાહિત્યમાં સ્થાપિત કરવા માટે સુંદરમ્, ઉમાશંકર, ર.વ. દેસાઈ, દિવાન બહાદુર કૃષ્ણલાલ ઝવેરી, કરસનદાસ માણેક જેવા અગ્રગણ્ય સાહિત્યકારોએ ‘બેકાર’ના આમંત્રણને માન આપીને પ્રમુખપદ શોભાવ્યું હતું.
‘બેકાર’નું વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. પાંચ હાથ પૂરું પડછંદ કદ અને હંમેશ સરસ સફેદ ઈજાર અને ઘૂંટણ સુધી પહોંચતી શાનદાર શેરવાની અને માથા પર ઊંચી દીવાલની વિશિષ્ટ ટોપીએ એમનો પોષાક. સ્વભાવ રમૂજી. પોતે વ્યંગ કે કટાક્ષ કરે અને ખડખડાટ હસે. નિર્દંશ હાસ્ય જે કહેવું હોય તે સાવ શાંત ધીમા સાદે સીધું, સર અને સોંસરું કરી નાખે. એમના આવા નિખાલસ સ્વભાવને લીધે તમામ શાયરોને એક રાખી શકયા હતા.
મુશાયરાને સફળ બનાવવાનું જાણે કે પહેલેથી જ નક્કી કરીને બધી વ્યવસ્થા ગોઠવે. શાયરોનો ક્રમ ગોઠવે અને સમગ્ર મુશાયરાનું સંચાલન પોતે જ કરે. મુશાયરો જામતો ન હોય તો ક્રમ બદલીને અચાનક કોઈનું નામ બોલે. એ શાયરની ગઝલના થોડાક શેર સંભળાવીને વાતાવરણ બાંધે અને શાયરને આત્મવિશ્ર્વાસપૂર્વક માઈક પર આવવાનો મોકો આપે. સાહિત્યકાર તરીકેની સજ્જતા અને સહજતા એમનો વિશેષ ગુણ હતો. હાસ્ય લેખો લખે અને ‘ચિત્રપટ’ સાપ્તાહિકમાં બે કોલમ પણ લખતા. વાતવાતમાં હાજરજવાબી હતા. સૂરતમાં એક મુશાયરામાં ‘બેકાર’ સંચાલન કરતા હતા અને પ્રમુખ હતા જ્યોતિન્દ્ર દવે બન્ને સફળ હાસ્યકાર. વાતવાતમાં જ્યોતિન્દ્ર દવેએ કહ્યું કે સંચાલક સાંબેલા જેવા છે, બેકારે તરત કહ્યું: પ્રમુખ વેલણ જેવા છે. હવે આવી આત્મીય નિખાલસતા ક્યાં જોવાં મળે છે.
‘બેકાર’ પાસેથી 250 પાનાનો હઝલ સંગ્રહ ‘ધરતીના ધબકાર’ પ્રગટ કર્યો અને પ્રસ્તાવના જ્યોતિન્દ્ર દવેએ લખી છે. તેમાંથી એક ફકરો જોઈએ:
‘ભાઈ ‘બેકાર’ પોતાના વક્તવ્યને સહજગમ્ય અને સર્વગમ્ય તરત જ સૌ કોઈ સમજી શકે એવી સાદીને સીધી વાણીમાં રજૂ કરે છે. વ્યંગફંગ્યની પંચાતમાં પડ્યા વગર વાચ્યાર્થ વડે જ એ પોતાને કહેવાનું હોય તે કહી દે છે અને સાથે સાથે ભાષાના બધાં નખરાં, બધી ભંગિઓ, બધા લહેકાઓ ને છણકા પણ સ્થળે સ્થળે પ્રગટ કરી બતાવ્યા છે. ઓળખ્યો જો ના મને, તો જા, તું ગુજરાતી નથી, એ પંક્તિમાંના જા શબ્દનો લહેકો જોવા જેવો છે.’
મોટપમાં પણ માણસ મટી ન જવાય અને સહજતાથી કહેવાનું કહી શકાય એવી એમની વિચારસરણી હતી. નિવૃત્તિમાં એ સતત પ્રવૃત્ત રહ્યા. એમણે મુખ્યત્વે હાસ્યગઝલો એટલે કે હઝલો લખી છે પણ મુશાયરાને લોકપ્રિય બનાવવામાં એમનું જે પ્રદાન હતું તે એટલું મહાન હતું કે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે નોંધ લેવાશે જ. એમણે બ્રિટન, મોરેશિયસ, મલાવી, ઝાંબિયા, કેનિયા, ટાંગાનિકા, માડાગાસ્કર, પાકિસ્તાન, બ્રહ્મદેશ, શ્રીલંકા, પાકિસ્તાન વગેરે દેશોમાં ગઝલ પઠન કર્યું અને વિદેશમાં ગુજરાતી ગઝલની લોકપ્રિયતાનો શમા બાંધ્યો હતો.
Also read: સિંધુ નદી જેના કિનારે ભારતીય સંસ્કૃતિનો જન્મ થયો હતો
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર ગામમાં 24-12-1899માં ખેડૂત કુટુંબમાં જન્મ થયો હતો. ગામ સાથે છેલ્લે સુધી નાતો જાળવી રાખ્યો અને ત્યાં બાવન વીઘા જમીન ખરીદીને ખેડૂત તરીકે રહ્યા હતા. 1960માં આપણાં અગ્રગણ્ય સાક્ષર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પ્રમુખસ્થાને એમની ષષ્ટિપૂર્તિ ઉજવાઈ ત્યારે બધા જ કવિઓ-શાયરો અને સાહિત્યસ્વામીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હાસ્ય-વ્યંગનાં એમનાં પુસ્તકોની સંખ્યા પણ નાની નથી. પ્રેમક્ધયા-ત્રિઅંકી નાટક, રસના ચટકાં, હાસ્યકુંજ, જૂની આંખે નવા તમાશા, અક્કલનો ઈજારદાર, કલમચાબૂક, અનમની શોધમાં, રમતારામ, રમૂજનો રાજા, આનંદઘર, હાસ્યમંઝિલ અને છેલ્લે ધરતીના ધબકાર હઝલસંગ્રહ એમણે આપ્યા છે.
જલન માતરીએ નોધ્યું છે કે ‘બેકાર’ ગઝલકાર નહીં પણ હઝલકાર (હાસ્યકવિ) છે… ઉર્દૂના હાસ્યકવિ અકબર ઈલાહાબાદીને વાંચતા વાચક ખડખડાટ હસી પડે તેમ ‘બેકાર’ની હઝલ પણ હસાવ્યા વિના રહેતી નથી. મુશાયરો જામતો ન હોય અને શ્રોતાઓ બગાસાં ખાતા હોય એવામાં એકદમ હાસ્યના મોજા સાથે સભા સચેતન બની જાય તો જાણવું કે ‘બેકાર’ બોલવા ઊભા થયા છે.
‘બેકાર’ લોકોના મિજાજને જાણનારા અને સામાન્ય મનુષ્યનાં દિલો દિમાગનો કબજો લેનાર કવિ હતા. એમની હઝલોના થોડાક શેરની મસ્તી માણીએ.