પીએમ ઈન્ટર્નશિપ: ભારતીય યુવાનોની કુશળતા-કૌશલ્યમાં વધારો કરવાના દ્વાર ખોલશે
કેરિયર ગાઈડ -રોશની શુક્લ
દરેક વિદ્યાર્થી અભ્યાસ કરતી વખતે વિચારે છે કે તેનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે સારી જગ્યાએ ઇન્ટર્નશિપ કરશે. પરંતુ ભારતમાં વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઇન્ટર્નશિપ શોધવામાં ઘણો સમય લાગે છે. તેઓ ખૂબ જ મુશ્કેલીથી ઇન્ટર્નશિપ મેળવે છે. ઈન્ટર્નશિપ કર્યા બાદ નોકરી મેળવવા માટે પણ એટલો જ સંઘર્ષ કરવો પડે છે. પરંતુ હવે યુવાનો માટે એક મોટા સારા સમાચાર આવ્યા છે. ૨૦૨૪-૨૫ના બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે વિદ્યાર્થીઓ માટે નવી યોજનાની જાહેરાત કરી છે, જેનું નામ છે ‘પીએમ ઇન્ટર્નશિપ યોજના’. આ યોજના અંતર્ગત એક કરોડ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ આપવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. આ યોજના દ્વારા ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીઓને ભારતની ટોચની ૫૦૦ કંપનીમાં ઇન્ટર્નશિપ કરવાનો ચાન્સ આપવામાં આવશે. ભારત સરકારે આગામી ૫ વર્ષમાં ૧ કરોડ વિદ્યાર્થીઓને આ યોજના દ્વારા ઇન્ટર્નશિપ આપવાનો લક્ષ્ય રાખ્યો છે.
પીએમ ઇન્ટર્નશિપ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે ભારતના દરેક યુવા યોગ્ય તાલીમ લઈ પોતાની કુશળતામાં અને કૌશલ્યમાં વધારો કરે અને પોતાનું ભવિષ્ય ઊજળું બનાવે. ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં પસંદગી પામનારા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા દર મહિને ૫,૦૦૦ રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. તેની સાથે ૬,૦૦૦ રૂપિયા એક વખતની સહાય તરીકે અલગથી આપવામાં આવશે. આ કાર્યક્રમ બે તબક્કામાં ચલાવવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કો ૨ વર્ષ અને બીજો તબક્કો ૩ વર્ષ માટે રહેશે. વિદ્યાર્થીઓની તાલીમનો ખર્ચ કંપની દ્વારા ઉઠાવવામાં આવશે. આ સાથે કંપની તેના સીએસઆર ફંડમાંથી વિદ્યાર્થીઓનો ૧૦ ટકા ખર્ચ ઉઠાવશે. સીએસઆર એટલે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. હકીકતમાં કંપનીઓએ તેમના બિઝનેસમાંથી નફાનો કેટલોક ભાગ સામાજિક અને પર્યાવરણી સંબંધિત કાર્યમાં ખર્ચ કરવાનો હોય છે. મોટી કંપનીઓ તેમના કુલ નફાનો ૨ ટકા સીએસઆર માટે ખર્ચ કરે છે.
વાસ્તવમાં, ઇન્ટર્નશિપ એક એવો પ્રોગ્રામ છે કે જેના દ્વારા કોઈ પણ વિદ્યાર્થીને નોકરીની ૧૦૦% ગેરંટી મળતી નથી, પરંતુ સામાન્ય રીતે, જે વિદ્યાર્થીએ સારી ઇન્ટર્નશીપ કરી હોય અને જે વિદ્યાર્થીએ ઇન્ટર્નશિપ ન કરી હોય તેમાંથી ઇન્ટર્નશિપ કરનાર વિદ્યાર્થીને નોકરી મેળવવાની ૯૦ ટકા તકો વધુ હોય છે. આ જ કારણ છે કે હાલના દિવસોમાં, કારકિર્દીની શરૂઆતમાં, મોટાભાગના વિદ્યાર્થીઓ એક કંપનીમાં ૧ મહિના, ૩ મહિના, ૬ મહિના, ૯ મહિના, ૧ વર્ષ અથવા દોઢ વર્ષ કામ કરીને અનુભવ મેળવે છે. આ અનુભવ તેમને સારી નોકરી મેળવવામાં ખૂબ મદદરૂપ થાય છે. ઇન્ટર્નશિપ ઘણા પ્રકારની હોય છે. અમુક પાર્ટટાઈમ ઈન્ટર્નશિપ અને અમુક ફુલ ટાઈમ ઈન્ટર્નશીપ, અમુક ઓનલાઈન ઈન્ટર્નશિપ અને અમુક હાઈબ્રિડ ઈન્ટર્નશિપ. એક હાઈસ્કૂલનો વિદ્યાર્થી, અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી, ગ્રેજ્યુએટ વિદ્યાર્થી કે પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી, કોઈપણ ઈન્ટર્નશિપ કરી શકે છે. જો કે ઈન્ટર્નશિપ પછી નોકરી મળવી નિશ્ર્ચિત નથી હોતી, પરંતુ ઈન્ટર્નશિપ દ્વારા મળેલી તાલીમ ચોક્કસપણે સારી નોકરીનો માર્ગ ખોલે છે. કોઈપણ વિદ્યાર્થી જે ઈન્ટર્નશિપ દરમિયાન સારો દેખાવ કરે છે, તેના માટે તે કંપનીમાં નોકરી મેળવવાની તકો વધી જાય છે.
ઉમેદવાર તરીકે, વિદ્યાર્થીના બાયોડેટામાં ઇન્ટર્નશિપનું હોવું એ ખૂબ જ સકારાત્મક બાબત છે કારણ કે તેનાથી બાયોડેટા વજનદાર બની જાય છે. ઈન્ટર્નશિપ દરમિયાન ઈન્ટર્નને અઠવાડિયામાં કેટલા દિવસ અને કેટલા કલાક કામ કરવું પડશે તે કંપનીની પોલિસી પર આધાર રાખે છે જ્યાં તે ઈન્ટર્નશીપ કરી રહ્યો છે. ઈન્ટર્નશિપ કરવાથી વિદ્યાર્થીને કામનો અનુભવ મળે છે. ક્લાસરૂમમાંથી બહાર નીકળી અને કાર્યસ્થળે વાસ્તવિક કાર્યનો અનુભવ મેળવવો એ કોઈપણ વિદ્યાર્થી માટે મૂલ્યવાન બાબત છે. ઇન્ટર્નશિપ દ્વારો વિદ્યાર્થીઓ કોલેજમાં જે શીખ્યા છે, તેને વાસ્તવિક જીવનમાં લાગુ કરે છે. એટલે કે, ઇન્ટર્નશિપ વિદ્યાર્થીઓને આ વાસ્તવિક અનુભવ આપે છે. ઇન્ટર્નશિપ આપણને ટીમ વર્ક, સ્વ-કૌશલ્ય અને બુદ્ધિમત્તા જેવી કુશળતાથી પણ વાકેફ કરે છે. ઇન્ટર્નશિપમાંથી મેળવેલા અનુભવને કારણે, કોઈપણ વિદ્યાર્થી તેની મનપસંદ નોકરી કરવા માટે વ્યવહારીક રીતે તૈયાર થઈ જાય છે. ઇન્ટર્નશિપ કરીને વિદ્યાર્થી પ્રેક્ટિકલ જ્ઞાન મેળવે છે. કોઈપણ ઇન્ટર્ન, ઇન્ટર્નશિપ દરમિયાન અનુભવી પ્રોફેશનલ સાથે કામ કરે છે, જેથી તેને માત્ર કામનો વાસ્તવિક અનુભવ જ મળતો નથી પરંતુ તે પ્રોફેશનલ્સ સાથે કામ કરતી વખતે તેની નોકરી માટેની શ્રેષ્ઠ તકો પણ મેળવી શકે છે. ઈન્ટર્નશિપ કરવાથી કોઈપણ વિદ્યાર્થીનો આત્મવિશ્ર્વાસ પણ વધે છે.
વિદ્યાર્થીના જીવનમાં ઈન્ટર્નશિપનું ઘણું મહત્ત્વ હોય છે. વાસ્તવમાં, ઇન્ટર્નશિપ દરમિયાન, વિદ્યાર્થીને તે જોબ પ્રોફાઇલની વાસ્તવિકતા જાણવા મળે છે. ઘણી વખત એવું પણ બને છે કે વિદ્યાર્થીની પોતાની જોબ પ્રોફાઈલ અંગે જે અપેક્ષાઓ હોય છે અને જ્યારે તે ઈન્ટર્નશિપ કરતી વખતે વાસ્તવિક દુનિયામાંથી પસાર થાય છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તેની અપેક્ષાઓ તે નોકરી સાથે મેળ ખાતી નથી. આવી સ્થિતિમાં, વધુ સમય બગાડ્યા વિના, વિદ્યાર્થી તેની મનપસંદ જોબ બદલી નાખે છે. તેથી, ટૂંકા ગાળા માટે પણ કરવામાં આવેલ કોઈપણ ઇન્ટર્નશીપ વિદ્યાર્થી માટે કારકિર્દી પસંદ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે.
ઈન્ટર્નશિપના ઘણા પ્રકાર છે જેમ કે પેઈડ ઈન્ટર્નશિપ, જેના માટે ઈન્ટર્નને કામના બદલામાં અમુક પૈસા પણ મળે છે. આવી ઇન્ટર્નશિપ મોટાભાગે મોટી કંપનીઓ દ્વારા ઓફર કરવામાં આવે છે અને તે સામાન્ય રીતે પ્રાઇવેટ સેક્ટરમાં હોય છે. ત્યાં ઘણી અનપેડ ઇન્ટર્નશિપ પણ છે અને આ દિવસોમાં તેની સંખ્યા વધુ છે. અનપેડ ઇન્ટર્નશિપમાં, ઇન્ટર્નને કામનો અનુભવ મળે છે, પરંતુ તેમાંથી કોઈ પૈસા મળતા નથી.