ઉત્સવ

બે રૂપિયા માટે મારી માને ગીરવી રાખી

મહેશ્ર્વરી

અચાનક જ ફિલ્મીસ્તાન સાથેનો ઋણાનુબંધ પૂરો થઈ ગયો. એમાં કોઈ ઈશ્ર્વરી સંકેત હશે એમ માની લીધું. સંઘર્ષ અને ઘર્ષણ તો જીવનમાં આવ્યા કરે, સંઘર્ષથી ઘસાઈ નહીં જવાનું અને ઘર્ષણમાં તણાઈ નહીં જવાનું એ જીવન મંત્ર કાયમ રાખ્યો છે. કામ કરવું જરૂરી હતું, પણ કોઈ કંપની-ફેક્ટરીમાં નોકરી તો નથી જ કરવી એવી ગાંઠ મનમાં વાળી લીધી હતી. શાલિની રેડકર નામની મહિલાના સહકાર્યથી ગણપતિ મંડળનાં નાટકોમાં કામ શરૂ કરી દીધું. નાટકની તારીખ નક્કી થાય એના બે દિવસ પહેલા જે ગામમાં નાટક હોય ત્યાં પહોંચી જતા. ઘરથી ગામ સુધીની રપ્રવાસ યાત્રા’ જાણવા જેવી છે. દહીસરના ઘરથી ૨૦-૨૫ મિનિટ ચાલી હાઈવે પર પહોંચવાનું. ત્યાં થાણાની એસટીની રાહ જોવાની, ક્યારેક ૫ – ૧૦ મિનિટમાં આવી જાય તો ક્યારેક અડધો કલાક પણ રાહ જોવી પડે. બસ પકડી ઘોડબંદર રોડ પર રેતી બંદર સ્ટોપ પર ઊતરી જઈએ. ત્યાંથી ચાલીને નદી કિનારે પહોંચીએ અને પછી હાલકડોલક હોડકામાં બેસી સામે પાર જવાનું. સામેના કિનારે ઊતરીએ ત્યારે છકડો/બળદગાડું લેવા આવ્યું હોય. એમાં બેસી ઉબડખાબડ રસ્તો પાર કરી ગામ પહોંચીએ. ક્યારેક ટ્રેનમાં પણ જવાનું બનતું. દર્શકો કલાકારના ગ્લેમરથી અંજાઈ જતા હોય છે, પણ એ ગ્લેમર પાછળની ગમગીનીનો અનુભવ તો દરેક કલાકાર જ કરતો હોય છે. ગામમાં રહેવાની વ્યવસ્થા એકદમ વ્યવસ્થિત. ખેડૂતના ઘર સરસ મજાના મોટા મોટા હોય એટલે રહેવાની બહુ મજા પડે. દરેક ગામમાં નાટકનો એક શો હોય જેના અમને ૩૦ રૂપિયા મળતા. આમાં બસની ટિકિટ અમારે પૈસે લેવાની, બાકીનો બધો ખર્ચ આયોજક કરે. ઘણા નાટક ગામેગામ કર્યા. સાતપાટી, પાલઘર, માહિમ, કેળવે, ભાઇંદર, નાલાસોપારા, વસઈ, વિરારના અંદરના ગામ… સતત નવા લોકો વચ્ચે રહેવાથી નાટકના પાઠ સાથે જીવનના પાઠ પણ શીખવા મળતા હતા. એવા એક ‘પાઠ’ની વાત કરવી છે.

નાટકનો શો પતાવી અમે, હું અને મારી મા સવારે ચાર વાગ્યે દહીસરની ટિકિટ કઢાવી ઘરે જવા ટ્રેન પકડી. હું બહુ થાકેલી હતી એટલે મને ઝોકું આવી ગયું. સામાન્ય રીતે મા જાગીને બેસતી, પણ એ દિવસે એને પણ ઊંઘ આવી ગઈ. એટલે અમારું ઉતારવાનું દહીસર સ્ટેશન ક્યારે પાસ થઈ ગયું એની ખબર પણ ન પડી. અચાનક આંખ ખુલી ને જોયું તો મલાડ આવી ગયું હતું. અમે ઝટઝટ ઊતરી ગયાં. ઊતરીને બંનેએ એકબીજા સામે વિસ્મયથી જોયું અને પછી અમે બેઉ હસી પડ્યાં. ત્યારે ક્યાં ખબર હતી કે થોડી વારમાં જ અમારા મોઢા રડમસ થઈ જવાના હતા. દહિસર જવા માટે વિરાર ટ્રેન પકડવા અમે બે નંબરના પ્લેટફોર્મ પરથી બ્રિજ ચડી પ્લેટફોર્મ નંબર ૧ પર ઊતર્યા ત્યાં સામે ‘ટિકિટ ટિકિટ’ કરતો ટી સી-ટિકિટ ચેકર ભટકાણો. અમે દહિસરની ટિકિટ દેખાડી એટલે તેણે મલાડનું બોર્ડ દેખાડી બે રૂપિયા દંડ ભરવા કહ્યું. જોકે, એ દિવસે અમારી પાસે એટલા પૈસા પણ નહોતા. સદ્નસીબે અમારા એક ઓળખીતા મિસ્ટર પટવર્ધન મલાડમાં જ રહેતા હતા. મેં ટીસીને કહ્યું કે ‘અમારા એક ઓળખીતા નજીકમાં જ રહે છે. એમના ઘરેથી બે રૂપિયા લાવીને ભરી દઈશું. અમને જવા દો.’ ટીસીને મારી વાત પર ભરોસો નહીં બેઠો. એને એમ કે મા-દીકરી દંડ ભર્યા વિના ભાગી જશે. એટલે મને કહે કે ‘માને અહીં મૂકીને જા અને પૈસા લઈ આવ.’ હું ને મા આ વાત સાંભળી હેબતાઈ ગયાં. બંનેની આંખમાંથી આંસુ દડવા લાગે એ પહેલા અમે એકબીજાનો હાથ પકડી બંધ બાંધી દીધો. એ દિવસે બે રૂપિયા માટે મારી માને મેં ગીરવી રાખી. ઈશ્ર્વર ક્યારે કેવી ને કેટલી કસોટી કરતો હોય છે એ માણસની સમજણની બહાર હોય છે. આ યાતના જાણે ઓછી હોય એમ ટીસી સાથેની અમારી વાતચીત પ્લેટફોર્મ પરના એક મજૂરે સાંભળી. મને બે રૂપિયા આપીને કહે દંડ ભરી દે અને હું હજી કંઈ વિચારું એ પહેલા તેણે હલકટ નજરે મને ઈશારો કર્યો. એ ઈશારામાં મને બે રૂપિયાનો બીભત્સ ચહેરો દેખાયો. રડી પડું એ પહેલા બે રૂપિયા એને પકડાવી હું દોડવા લાગી અને એક શ્ર્વાસે પટવર્ધનજીના ઘરે પહોંચી એમની પાસેથી ત્રણ રૂપિયા લઈ ફરી ઝડપભેર મલાડ સ્ટેશન પહોંચી. બે રૂપિયા દંડ ભરી ટીસી પાસે ગીરવી રાખેલી માને છોડાવી. બાકીના પૈસામાંથી ટિકિટ કઢાવી ઘરે પહોંચતાની સાથે જ પેલો બંધ તૂટી ગયો અને અમે બંને હિબકે હિબકે રડી પડ્યાં. ન માએ મને રોકી કે ન મેં માને રોકી. હૈયું હળવું કરી નાખ્યું. તમે નહીં માનો, પણ આ પ્રસંગની એવી બિહામણી છાપ દિલ-દિમાગમાં અંકિત થઈ ગઈ છે કે આજે પણ મલાડ સ્ટેશન જોવું નથી ગમતું. જીવનનું એ એક દુ:સ્વપ્ન છે.

ખેર. જીવનના રંગમંચ પરથી આપણે નાટકના રંગમંચ પર પાછા ફરીએ. શેક્સપિયર કહી ગયા છે ને કે ‘વિશ્ર્વ એક
તખ્તો છે અને પ્રત્યેક વ્યક્તિએ એના જીવનમાં વિવિધ પાત્ર ભજવવા પડે છે.’ જોકે, નાટકના પાત્ર અને જીવનના પાત્ર વચ્ચે ક્યારેક ગજબનો વિરોધાભાસ હોય છે. ગામડે ગામડે નાટકો ભજવવાનું ચાલુ હતું. ત્યાગ- સમર્પણના રોલ હોય એવાં નાટકો કર્યાં. ‘અશ્રુંચી ઝાલે ફૂલે’, ‘સૌભાગ્યકાંક્ષિણી’, ‘રામચી તાઈ’… નાટ્ય યાત્રા ચાલુ હતી. પોલીસ કોલોનીના ગણેશોત્સવ માટે પણ મેં નાટકો કર્યાં હતાં. આ કોલોનીનાં નાટકોની ખાસિયત એ કે પોલીસ ઈન્સ્પેક્ટર સહિત બધા પોલીસ એમાં કામ કરે. એ નાટક બેસાડવા અને નટીની જરૂર હોય તો એટલા કલાકાર બહારથી બોલાવે.

બોરીવલીથી સાંતાક્રુઝ સુધીનાં પોલીસ સ્ટેશનો માટે હું નાટકો કરતી અને પરિણામે એ વિસ્તારના લગભગ બધા પોલીસ મને ઓળખે. એમાંય બોરીવલી સ્ટેશન સાથે વિશેષ નાતો બંધાઈ ગયો હતો, કારણ કે પોલીસ સ્ટેશનના નાટકની શરૂઆત એમનાથી થઈ હતી. ગુજરાતીમાં કહેવાય છે ને કે ‘ઓળખાણથી મોટી કોઈ ખાણ નથી હોતી’ અને આ તો પોલીસની ઓળખાણ. જોકે, ત્યારે આ બધું મારી સમજની બહાર હતું. નાટકમાં અભિનય કરવાની તક અને રોજીરોટીની ગોઠવણ એનું જ મારે મન મહત્ત્વ હતું. એવામાં એક આંચકો આપનારી ઘટના બની. મારી બહેન ચાળીસગાંવ (જળગાંવ જિલ્લાનું શહેર) નાટક કરવા ગઈ હતી, પણ શો પૂરા થયા પછી ત્રણ-ચાર દિવસ થયા તોય પાછી ફરી નહીં. હું ને મારી મા બે મૂંઝાયાં, ગભરાયાં. શું કરવું, બહેનની ભાળ કેમ કાઢવી એ સૂઝતું નહોતું. હવે શું કરું પ્રભુ? એમ બે હાથ જોડીને બેઠી હતી ત્યાં ઈશ્ર્વરે જ જાણે મને ઈશારો કર્યો કે…

દુ:ખદર્શક ટાઈટલના
વીસ વર્ષમાં ૨૦ નાટક
ગુજરાતી નાટ્યકાર રણછોડભાઈ ઉદયરામ દવે (૧૮૩૭-૧૯૨૩)નું રંગભૂમિના વિકાસમાં વિશિષ્ટ યોગદાન રહ્યું છે. પારસીઓ સાથે નાટ્ય પ્રવૃત્તિ કરનાર રણછોડભાઈ દવેને ગુજરાતી નાટકોમાં પારસી બોલી ખટકતી હતી. ગુજરાતી નાટકોને પ્રોત્સાહન આપવાના હેતુથી રણછોડભાઈ ઉદયરામ દવે અને નરોત્તમ મહેતાજીના નેતૃત્વમાં મુંબઈના ગુજરાતીઓએ ‘શ્રી ગુજરાતી નાટક મંડળી’ની સ્થાપના કરી હતી. ‘ગુજરાતી નાટક મંડળી’નું તખ્તા પરનું પહેલું નાટક હતું ‘લલિતાદુ:ખદર્શક’, જેના રચનાકાર રણછોડભાઈ દવે હતા. ‘લલિતાદુ:ખદર્શક’ ગુજરાતીનું પહેલું કરુણાંત નાટક માનવામાં આવે છે. આ નાટકમાં કજોડાના જીવનની પીડા અને કરુણા ભારોભાર વ્યક્ત થયા હતા. એ સમયે સમાજમાં કજોડાનું પ્રમાણ વધારે હોવાની સંભાવના છે, કારણ કે આ નાટકને પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જાણવા જેવી અને નોંધવા જેવી વાત એ છે કે સુધારાવાદી પ્રયોગનું લેબલ ધરાવનાર આ નાટકની સફળતાથી પ્રેરાઈ લગભગ વીસેક વર્ષમાં કજોડાંનો વિષય ધરાવતા બીજાં વીસેક નાટક-દુ:ખદર્શક શીર્ષક હેઠળ લખાયાં હતાં. ‘લલિતાદુ:ખદર્શક’ નાટકની તાલીમ દરમિયાન ભાષાના આરોહ-અવરોહ, ઉચ્ચારશુદ્ધિ અને કયા શબ્દ પર કેટલો અને શું કામ ભાર આપવો એ બધા નટને શીખવવામાં આવતું હતું. આ વાતાવરણમાં તાલીમ મેળવનાર નટને બીજે કોઈ ઠેકાણે કામ કરવામાં મુશ્કેલી તો દૂરની વાત થઈ, ભાષાની ચોકસાઈ માટે એ નટનું પલડું ભારે રહેતું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો?