યુદ્ધસ્ય કથા રમ્યા: જંગ અને જીવન વચ્ચે ઝઝૂતું સત્ય
મિજાજ મસ્તી -સંજય છેલ
આજના સનસનીખેજ બ્રેકિંગ-ન્યૂઝ, આવતીકાલનો
ક્રૂર ઇતિહાસ છે. (છેલવાણી)
“એ જુવાનનાં લગ્નની જ્યારે સુહાગરાત હતી ત્યારે જ દેશનાં સત્તાવાળાંઓ એને ઉપાડીને યુદ્ધમાં લડવા લઇ ગયા. આજે છેક પાંચ વરસે એની લાશ પાછી આવી અને એના ત્રણ દીકરાઓ એની લાશને લેવા દરિયા કિનારે ગયા
…..
“દેશ માટે જુવાન, સરહદ પર લડવા જઇને બે વરસે, પોતાનાં ઘર પાસે પાછો અંધારી ગલીમાં પ્રવેશ્યો, ત્યારે એની પોતાની જ પત્નીનો અવાજ સાંભળ્યો: “હેય જવાન, મજા કરવી છે? ફક્ત ૧ ડોલર!
….
જગતની આ ખૂબ નાની નાની વાર્તાઓ જ માણસજાતનાં સૌથી મોટા દર્દને છતાં કરે છે. આજે છેલ્લાં બે અઠવાડિયાથી ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે જે હિંસા ચાલે છે એનાં સમાચાર જોઇને આપણી સંવેદનાની ચામડી જાડી થતી જાય છે. ઇઝરાયલ પર હમાસના હુમલાથી હલી જવાય છે અને એની સામે ઇઝરાયલનો હિંસક જવાબ જોઇને સાચું-ખોટું, સારું-ખરાબ કશું જ સમજાતું નથી. બેઉ પક્ષે સદીઓ જૂનો લોહિયાળ ઇતિહાસ છે, જેમાંથી નીંગળતું લોહી અટકતું જ નથી. વળી વર્લ્ડ-પોલિટિકસમાં કયો નેતા, કયો દેશ, કોને શા માટે સપોર્ટ કરે છે કે નથી કરતો કે કરવાનો દાવો કરે છે એ બધું લાશો પર રમાતી શતરંજ જેવું લાગે છે. આપણાં ઘરનાં હૂંફાળા વાતાવરણમાં બેસીને, મોતના આતંક વચ્ચે રહેતા લોકોનાં ખૌફનો આછેરો અંદાજો પણ આપણને ના આવે.
ઇતિહાસ ગવાહ છે કે માણસ હંમેશાં ઘાતકી, યુદ્ધખોર, ધર્માંધ અને પાશવી જ રહ્યો છે. મોહમ્મદ ગઝની, નાદિર શાહ, ચંગેઝ ખાન, તૈમૂર, હલાકુ, સિકંદર જેવાઓ માટે ક્રૂરતા રોજિંદી રમત હતી. સદીઓથી હજારો પુરુષોની હત્યા થતી, પીઠ પર ચાબખાં મારવામાં આવતા, સુંદર સ્ત્રીઓ પર અત્યાચાર કરીને જમીનમાં જીવતી દાટી દઇને અમાનુષી ત્રાસ અપાતો. ઘાતકી રાજાઓ યુદ્ધ જીતી જાય ને દુશ્મનને જીવતો પકડી લે તો એના ટુકડે ટુકડાં કરીને આસપાસ ખાણીપીણીની ઉજાણી કરેતા. પણ જો એ દુશ્મનને પકડી ના શકે અને મરેલા શત્રુની કબર ખોદીને બહાર કાઢે ને પછી એ મૃત રાજાના હાડપિંજરને જાહેરમાં લટકાવતા! ત્યાર પછી મશાલો સળગાવીને તલવારની અણી પર દુશ્મનોના માથાને ઉછાળી એની આસપાસ નગ્ન નાચગાન કરીને જીતની ખુશી મનાવતા. વળી, આવું જ બધું અત્યારે પણ કોમી દંગાઓમાં જોવા મળે જ છેને?
ઇંટરવલ:
સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો
છેવાડો ને એકલવાયો અબોલ એક સુતેલો
અણપૂછ્યો અણપ્રીછેલો, કોઇનો અજાણ લાડીલો. (મેઘાણી)
ટી.વી. પર વિડિયો ગેમ જેવી બેફામ હિંસા અને વિશ્ર્વ પોલિટિકસની પલપલ બદલાતી રમત જોઇને હવે તો માત્ર કાતિલ કટાક્ષ સૂઝી શકે. જેમ કે-ધારો કે જો અમેરિકામાં ‘નાસા’ના વડાને સમાચાર મળે કે ૬ કલાકમાં રશિયા અણુબોંબ ફેંકશે અને એ હલી જાય તો એમના માટે એ એક ‘ટ્રેજેડી’કે દુર્ઘટના છે. પણ જો એ જ સમાચાર અમેરિકાના પ્રેસિડંટને ફોન પર મળે ને ત્યારે તેઓ ટોઇલેટમાં હોય અને તેમને રોકી ના શકાય એવા ઝાડાં થયાં હોય તો એવી હાલતમાં તેઓ શું કરશે? કે શું નહીં કરી શકે?- એ વિશે વિચારો તો આખું દ્રશ્ય ભરપૂર ‘કોમેડી’ છે! સમાચાર એક જ છે, સિચ્યુએશન અલગ અલગ છે! જોકે આવી રમૂજ પણ એક પ્રકારે હિંસા સામેની લાચાર હિંસા જ છે. ખરેખર તો આપણે હિંસા નથી કરી શકતાં એટલે હિંસાથી ડરીને હિંસા પર હસવાની કોશિશ કરીએ છીએ.
ચિંતક કાર્લ માર્ક્સે કહેલું- ઇતિહાસ, વ્યક્તિઓ કે મહાપુરુષો દ્વારા નથી બનતો, યુદ્ધની હિંસાથી લખાય છે! ગાંધી હોય કે બર્ટ્રાંડ રસેલ જેવા મહાન લોકો, દુનિયાભરમાં અણુબોંબની વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે. ત્યારે બોમ્બ રશિયાનો છે કે અમેરિકાનો એવું નથી વિચારતા…પણ માનવતાવાદીઓનાં પોચાં પોચાં અને પ્રેમસભર વિચારોથી હિંસાખોર રાજનેતાઓને કોઇ જ ફરક નથી પડતો. ઈતિહાસમાં નિર્દોષના મોત તાનાશાહ હિટલર કે સ્ટાલિનને કારણે હોય કે પછી હિરોશીમા પરનો અમેરિકાનો અણુબોમ્બ હોય, યુદ્ધમાં આખરે તો ‘કોઇનો લાડકવાયો’ જ મરાય છેને?
લિયો ટોલ્સટોયની નવલકથા ‘વોર એન્ડ પીસ’ ૧૯મી સદીની મહાન કૃતિ છે. એમાં નેપોલિયનની સેનાએ, રશિયન ઝારની સેના પર કરેલ હુમલાની ગાથા છે. ઝારની સેના હુમલાનો સામનો કરવા આગળ વધી રહી હતી અને ત્યારનું સૌથી ભયાનક ને ખતરનાક યુદ્ધ થવા જઈ રહ્યું હતું. નવલકથામાં એક પિયેર નામનાં જુવાન સૈનિકનું પાત્ર છે, જે ના તો યુદ્ધની રણનીતિ જાણે છે કે ના તો નેપોલિયનની સામ્રાજ્યની મહત્ત્વકાંક્ષાઓને સમજે છે અને ના તો ઝારની સત્તા લાલસા સાથે સહમત છે. એમ મનમાં ભયની એક જ લાગણી હતી કે એના હાથમાં બંદૂક નથી! અને માટે જ એ કંઈ કરી શકતો નથી! એવામાં અચાનક એની નજીક એક બોમ્બ આવીને પડે છે અને ચારે બાજુ ધુમાડો નીકળવા લાગે છે. બ્લાસ્ટના કારણે એના ચશ્મા તૂટી જાય છે અને વાળ અને કપડાં ધૂળથી ઢંકાઈ જાય છે. આસપાસની અનેક તોપ ફરી ફરીને ગોળીબાર કરે છે છતાં પિયેર તો બીચારો ચાલતો જ રહે છે. એની આસપાસ રશિયન સૈનિકો એની હાલત જોઈને હસે છે અને પાછા જવાની ફરી ફરી ચેતવણી આપે છે. પણ એ પાછો ફર્યો નહીં. એનું ભાગ્ય પણ બીજા સૈનિકો જેવું જ હતું: ‘મૃત્યુમુખી ભાવિ!’ ત્યારે ટોલસ્ટોય અદ્ભુત વાત લખે છે: “માણસ, યુદ્ધના મેદાનમાંથી પાછો આવી શકે છે પણ યુદ્ધનાં સમયમાંથી કે યુદ્ધનાં યુગમાંથી ક્યારેય પૂરેપૂરો પાછો ફરી શકતો નથી.
એંડ-ટાઇટલ્સ:
આદમ: આ દુનિયાનું શું થશે?
ઇવ: એટલે જ પહેલાં કપડાં સૂકવી લે.