પેન વિરુદ્ધ પાવર: બૂમ, કાગળમાં કોરા…
મિજાજ મસ્તી -સંજય છેલ
ટાઇટલ્સ: પેનને ચેન ના પડે. (છેલવાણી)
માત્ર નાચવાથી દેશની સત્તા કે સરકાર હલી શકે? જી હા! હમણાં ઈરાનમાં લોકો સરકાર સામે વિરોધમાં શોપિંગ મોલ્સ, ગાર્ડન, સ્ટેડિયમ કે રેસ્ટોરન્ટ્સમાં ભેગા થઈને નાચીને ગુસ્સો કાઢી રહ્યા છે! આવા વિચિત્ર વિરોધની શરૂઆત ૭૦ વર્ષિય સાદેક મોતેજાદે કરેલી. નવેમ્બર ૨૦૨૨માં સાદેક અને કેટલાંક લોકોએ બજારમાં ડાન્સ કરેલો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો. ડિસેમ્બરમાં ઈરાનની પોલીસે વીડિયોમાં ડાન્સ કરતાં લોકોની ધરપકડ કરી અને એ બધાં પાસે જાહેરનામાં પર જબરદસ્તી સહીઓ કરાવી કે ‘એ લોકો ભવિષ્યમાં ક્યારેય સરકાર વિરૂદ્ધ જાહેરમાં નાચી ગાઇને તમાશા નહીં કરે!’
ઈરાનનો સંગીત-નૃત્ય સાથે જૂનો સંબંધ છે, પણ ઈરાનના ધર્મગુરુઓ દ્વારા જાહેરમાં નાચ-ગાન પર પ્રતિબંધ છે. એમાંય એકલી સ્ત્રી કે સ્ત્રી-પુરુષો જાહેરમાં સાથે નાચી ના શકે! (જસ્ટ વિચારો, આપણે ત્યાં સરકાર વિરૂદ્ધ ગરબા થઇ શકે? ગુડ જોકને?!)
આજે ઇરાનમાં દમન છે કે ચીનમાં તાનાશાહી છેન એ જ રીતે એક જમાનામાં સોવિયેટ રશિયામાં કોમ્યુનિસ્ટ પાર્ટી વિરૂદ્ધ લખવા-બોલવા પર પાબંદી હતી. ત્યારે રશિયન લેખક કુજ્નેત્સોવને ત્યાં ખૂબ ઘૂટન થતી-મૂંઝારો થતો એટલે ‘લેનિન’ પર ડોક્યુમેન્ટ્રી બનાવવાનાં બહાને લંડન જવાની મંજૂરી માગી. સોવિયેત અધિકારીઓને શંકા ના થઇ, કારણ કે કુજ્નેત્સોવ ‘ડૉક્યુમેન્ટરી’ શૈલીની નાઝીઓ દ્વારા રૂસી યહૂદીઓના નરસંહાર વિશેની નોવેલ ‘બાબી યાર’ને લીધે જગમશહૂર હતા. વળી, સ્માર્ટ કુજ્નેત્સોવની ગણતરી કોમ્યુનિસ્ટ સરકાર પ્રત્યે વફાદાર લેખકોમાં થતી! પણ એમણે અંદરખાને સત્તા વિરૂદ્ધ ક્રાંતિકારી રચનાઓ લખીને છુપાવી રાખેલી.
આ પછી લંડન ભાગી જતાં પહેલાં તો કુજ્નેત્સોવ એના લેખનમાં મળતી રોયલ્ટીની કમાણી ખાતું પત્નીના નામે કર્યું અને ઘરની જમીન ને ભીંતમાં છુપાવેલી હજારો પાનાંની હસ્તપ્રતોને બહાર કાઢી, જેમાં સત્તા વિરોધી સાહિત્ય એમણે લખ્યું હતું. ત્યાર બાદ, ખાસ કેમેરાથી એણે એક-એક પાનાંની ફિલ્મ ઉતારી. ફિલ્મને પોતાનાં સૂટ કે કોટના અસ્તરની અંદર સીવીને છુપાવી દીધી. પ્રકાશિત-અપ્રકાશિત સાહિત્યની કૃતિઓને સૂટકેસમાં ભરીને રશિયામાંથી નાસવાની તૈયારી કરી.
લંડન પહોંચીને કુજ્નેત્સોવે એના રૂસી-અંગ્રેજી ટ્રાન્સલેટર કે દુભાષિયા સાથે (જે એકચ્યુઅલી, ગુપ્તચર વિભાગનો જાસૂસ હતો) ડાહ્યા છોકરાની જેમ ૨-૪ દિવસ ફર્યો. પાંચમાં દિવસે કુજ્નોત્સોવે વેશ્યાઓ પાસે જવાની ઇચ્છા દેખાડી. દુભાષિયો ત્યાં જવા તૈયાર નહોતો. એણે કુજ્નોત્સોવ પર દૂરથી નજર રાખવાનું નક્કી કર્યું. કુજ્નોત્સોવ, આ તક મળતાં જ ભાગવાની તૈયારીમાં હતો ત્યાં એને યાદ આવ્યું કે જે સૂટમાં એણે પેલી હસ્તપ્રતો સીવી હતી એ તો હોટેલમાં જ ભૂલીને આવ્યો છે. દુભાષિયાથી બચીને એ હોટલ ગયો ને સૂટ લઈને લંડનમાં ગુમ થઇ ગયો.
આખરે બ્રિટન સરકારે કુજ્નેત્સોવને રાજકીય શરણ આપવાની ઘોષણા કરી ત્યારે સોવિયેત દૂતાવાસના અધિકારીઓએ લેખકને મળવાની પરમિશન માગી. કુજ્નેત્સોવે એમને મળવાનો સાફ ઇન્કાર કર્યો પોતાનાં પુસ્તકો રશિયામાં લોકપ્રિય છે, એવું માનવાની પણ ના પાડી દીધી!
ઇંટરવલ:
પકડો કલમ ને કોઇ પળે એમ પણ બને,
આ હાથ આખેઆખો બળે, એમ પણ બને.
(મનોજ ખંડેરિયા)
એ પછી કુજ્નેત્સોવે રશિયન વાચકોને જાહેર-પત્રમાં કહ્યું, ‘મારા નામે પ્રકાશિત થયેલી દરેક રચનાઓને નષ્ટ કરી દો. મારી રચનાઓને પબ્લિશરોએ પોતાની રીતે બદલીને છાપેલી. એને બધાંને મારાં પુસ્તકો ગણવા નહીં કારણકે હવે મને એ વાહિયાત લાગે છે., મારે એ બધાં સાથે કોઈ લેવા દેવા નથી. રશિયામાં અને વિદેશમાં અનુવાદના રૂપે ‘કુજ્નેત્સોવ’ના નામથી જે કંઈ છપાયું છે એને મેં લખ્યું છે એવું ના માનવું. કબૂલ કરું છું કે ‘કુજ્નેત્સોવ’ એક કપટી, ગભરુ અને કાયર લેખક છે. હું આ નામને તિલાંજલિ આપું છું. હવે હું એ.‘આનાતોલ’ના નામથી લખીશ, એને જ મારી ખરી રચનાઓ માનજો.’ આ વાચીને સૌને એમ લાગે કે એ એક કાયર લેખક બની ગયો હતો….પણ ના, એણે ૧૯૭૦માં મરતાં દમ સુધી એની જૂની રચનાઓને રશિયન સેંસરશિપ વિના ફરીથી લખીને જગત સામે પેશ કરી અને અમર થઇ ગયો.
આપણાં આઝાદ દેશમાં ૧૯૭૫માં ઇમરજંસી દરમ્યાન કે થોડાં વરસ અગાઉ મમતાની બંગાળ સરકાર દ્વારા કોઇ કાર્ટૂનિસ્ટ પર કે મહારાષ્ટ્રમાં બાળ ઠાકરે પરની ફેસબૂક પોસ્ટને કારણે કોઇ કિશોરી પરના દમનનાં અનેક કિસ્સાઓ બન્યાં જ છે ને? ભારતમાં ૨૦૧૫ માં એક તામિલ લેખકે ડિક્લેર કરેલું કે ‘આજથી હું લેખક તરીકે ખુદને મરેલો જાહેર કરૂં છું. હું માણસ તરીકે જીવીશ, પણ મારાં બધાં જ પુસ્તકો હું પાછા ખેંચી લઉં છું, મારી બૂક્સનાં પબ્લિશરોને બધી જ કિતાબો પાછી લેવા માટે વિનંતિ કરું છું, પણ મને ને મારી ફેમિલીને શાંતિથી જીવવા દો.... હવે હું એક પણ શબ્દ લખીશ નહીં...!’ આમ કહેનાર પેરૂમલની ‘માથારૂબગાન’ની નોવેલમાં નિ: સંતાન કપલ અને તિરૂચેંગોડે તીર્થમાં અર્ધ-
નારીશ્ર્વર મંદિરની કેટલીક વિચિત્ર પ્રથાઓની વાત હતી. અગાઉ નિ:સતાન સ્ત્રીઓ ત્યાં મંદિરમાં અજાણ્યા પુરુષ સાથે સંબંધ બાંધીને બાળક પેદા કરતી અને એ બાળકને ઈશ્ર્વરનું ‘સંતાન’ કહેવાતું આ કથા
સામે સ્થાનિક રૂઢિવાદી નેતાએ ડિસેમ્બર- ૨૦૧૪માં પેરૂમલનાં
પુસ્તકોની કોપીઓ સળગાવી.. પેરૂમલને ધમકીઓ મળી- ધક્કે ચઢાવાયો- ઘર પર પથ્થરબાજી થઈ. છેવટે પેરૂમલને ‘શાંતિ સભા’ માં બોલાવીને એની પાસે એક ‘માફી-પત્ર’ પર પરાણે સહી લેવાડવામાં આવી, જેમાં લખેલું કે એ હવે ક્યારેય આવું બધું નહીં લખે ને અગાઉ લખેલું પણ
પાછું ખેંચી લેશે. કંટાળીને પેરૂમલે ખુદને ‘લેખક-વિચાર’ તરીકે મરેલો જાહેર કર્યો!
આપણાં જાણીતા કવિ લાભશંકર ઠાકરની એક્ કવિતા આજે યાદ આવે છે: ‘બૂમ, કાગળમાં કોરા’
(ચોખવટ: આજની સરકાર કે કોઇ નેતાની મિમિક્રીનો અહીં કોઇ ઉલ્લેખ જ નથી.)
એંડ-ટાઇટલ્સ:
આદમ: તું ફ્રી છે?
ઈવ: હું સ્ત્રી છું .