ઉત્સવ

રૂપેરી સૃષ્ટિનાં મોતી

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

મિસ ગુજરાત-૨૦૨૩ની સૌંદર્ય સમ્રાજ્ઞી તરીકે મીનાક્ષી રાજગોરનું નામ જાહેર થતાં જ અમદાવાદનો સરદાર સભાગૃહ તાળીઓથી ગૂંજી ઉઠ્યો. લાલ વસ્ત્રોમાં સજ્જમીનાક્ષી સ્ટેજ પર આવી અને આંખમાં હર્ષાશ્રુ સાથે સસ્મિત હાથ ઊંચો કરીને અભિવાદન ઝીલ્યું. પ્રથમ હરોળમાં બેઠેલાં મીનાક્ષીની માતા અને જાણીતાં નૃત્યાંગના રાધા ઊભાં થઈને દીકરીની સફળતા માણી રહ્યાં હતાં.
સભા સંચાલકે રાધાને સ્ટેજ પર આવવા વિનંતી કરી અને એક ખાસ બેઠક આપી.

સિનેજગતના જાણીતા ડાયરેકટર રાજ સોનીના હસ્તે મસ્તક પર ક્રાઉન અને વિજેતા શેષન બેલ્ટ ધારણ કરી રહેલી મીનાક્ષી રાજગોર ગર્વ અનુભવી રહી હતી. હાથમાં ટ્રોફી સ્વીકારતાં એ વિચારી રહી કે આ સ્પર્ધા જીતવા એણે કેટલા સંઘર્ષ અને પડકારો ઝીલ્યા છે,જેના ફળરૂપે આજે આ ખિતાબ જીતી શકી છું.. એણે પોતાના ગાઈડ અને ડ્રેસડિઝાઈનરને પણ યાદ કર્યા. પછી રાધાના ચરણ સ્પર્શ કર્યા. રાજ સોનીએ તરત જ માઈકમાં જાહેર કર્યું- આ છે આપણું યુવાધન, આ છે આપણી સંસ્કૃતિ જે પોતાની માતાનું આ રીતે ગૌરવ કરે છે.

રાધાએ દીકરીને આશિષ આપતાં કહ્યું- બેટા, યુ આર માય બ્રેવ ગર્લ. આજે તારા પપ્પા અહીં હોત તો ?

મમ્મા, જે મધદરિયે સાથ છોડી દે, જે દશ વર્ષની દીકરી અને પત્નીને તરછોડી દે એને શું કામ યાદ કરવાના? હમ સાથ
સાથ હૈ- મીનાક્ષીએ દૃઢ સ્વરે કહ્યું.

આજની મિસ.ગુજરાત બ્યુટી ક્વીન મીનાક્ષીને હવે પોતાના અનુભવો જણાવવા આમંત્રણ આપું છું. કાર્યક્રમની સંચાલિકાએ જાહેર કર્યું.

મીનાક્ષીએ મીઠું સ્મિત આપતાં માઈક હાથમાં લીધું.

મને આ સન્માન આપવા બદલ ગુજરાતની કૃષ્ણા બ્યુટી પાર્લરનો આભાર. મારા રોકડ ઈનામના ૫૦ટકા રકમ ( ૭.૫લાખ રૂપિયા ) હું અમદાવાદની નારીકલ્યાણ કેન્દ્રમાં આપું છું. આ જ કેન્દ્રમાંથી જ મને જીવનમાં આગળ વધવાની તક મળી. આ મારી માતૃસંસ્થા છે.

બધાએ તાળીઓના ગડગડાટથી મીનાક્ષીની વાતને વધાવી લીધી.

કાર્યક્રમના સહસંચાલકે પૂછયું- સફળતાના પંથે તમે કયા પડકારો કેવી રીતે ઝીલ્યા, એ જણાવશો, પ્લીઝ.

મીનાક્ષીએ ઊંડો શ્ર્વાસ લેતાં કહ્યું- હું તો પંદર વર્ષની હતી, ત્યારથી સંઘર્ષ કરી રહી છું. પ્રતિકૂળ સંજોગો તો મારા બેસ્ટ ફ્રેન્ડસ થઈ ગયા છે.

મારા પપ્પાને ધંધામાં ભારે ખોટ ગઈ હતી, ઉધારીનાં નાણાં માગવા લેણદારો આવવા લાગ્યા, એકવાર એક માથાફરેલ પંજાબી બીજા ચાર લઠ્ઠાઓ સાથે પિતાને ઠાર કરવા અમારા ઘરે આવ્યો હતો. તે રાત્રે પપ્પા ઘરમાંથી ભાગી ગયા. પેલા પંજાબીએ અમને કહ્યું કે તુમ્હારી ઈજજત પ્યારી હૈ તો ઘર છોડ દો.

મેં ગુપચુપ મારા મોબાઈલ પરથી સેફટી લાઈન નંબર જોડ્યો, પેલા પંજાબીએ મારો મોબાઈલ જ છીનવી લીધો. એની વિકરાળ આંખો, ભયાવહ ચહેરો જોતાં હું હેબતાઈ ગઈ. બીજા બે જણે મારી મમ્માને જોરથી પકડી રાખી હતી. હમે છોડ દો, હમ ચલે જાતે હૈ.

મારી માએ થોડા કપડાં અને દાગીના લીધા અને નાછૂટકે અમે ઘર છોડ્યું. ત્યાંથી અમે મામાને ઘેર, કાકાના ઘરે ભટકતાં ભટકતાં રહ્યાં. આખરે અમદાવાદની આ નારીકલ્યાણ સંસ્થામાં આશરો મળ્યો, જીવનનો સાચો પંથ મળ્યો.

મેડમ, આ ગ્લેમરસ વર્લ્ડમાં કઈ રીતે? સંચાલિકાએ પ્રશ્ર્ન કર્યો.

સાયકોલોજીના વિષય સાથે મેં બી.એ.ની ડિગ્રી મેળવી, અને યુનિવર્સિટીમાં પાંચમા ક્રમાંકે પાસ થઈ. મેં મારું કાઉન્સીલિંગ સેન્ટર શરૂ કર્યું. આ જ કૃષ્ણા બ્યુટી પાર્લરમાં મોડેલિંગ કરતી હતી.મમ્મા,નૃત્યાંગના છે, એટલે ડાન્સ એકેડમી શરૂ કરી. આગળજતાં મેં ટી.વી સિરિયલમાં પણ કામ કર્યું.

તમારી સફળતાનો શ્રેય તમે કોને આપશો ? યુવાસંચાલકે પૂછયું.

મારી મમ્માને, જેણે મને મારાં સપનાને સાકાર કરવા આકાશ આપ્યું, જયારે કોઈ કપરી પરિસ્થિતિ આવી ત્યારે હિંમત આપીને સાચો માર્ગ ચીંધ્યો.

થોડાં અન્ય સાંસ્કૃતિક પ્રોગ્રામ અને ડિનર પાર્ટી પછી કાર્યક્રમ પૂરો થયો.

રાધાસદનમાં પગ મૂકતાં જ મીનાક્ષીનું હૈયું બળવો કરવા લાગ્યું. ઘરના દીવાનખંડમાં લટકતો એક ફેલીયોર પપ્પા અને બિઝનેસમેન પ્રવીણ મરચંટના ફોટા પર એની નજર પડી. પપ્પા, તમે એક ભાગેડુની જેમ કાયર થઈ ભાગી ગયા. આજે દશ વર્ષ થઈ ગયા, તમને કયારેય તમારી પત્નીની કે દીકરીની ચિંતા ન થઈ? જોષી અંકલ તમને કેરાળાની હોટેલમાં મળ્યા હતા. તમને મુબારક તમારી નવી ફેમિલી. ના,ના હું કે મમ્મા જરા ય દુ:ખી નથી. બટ, આય હેટ યુ, પરિસ્થિતિ સામે લડવાને બદલે તમે અમને એ ચાર ઘાતકી પુરુષો પાસે છોડી ગયા?

બેટા, શા માટે તારા બાપને યાદ કરે છે, એની દુનિયા અલગ છે. રાધાએ કહ્યું.

મમ્મા, હું તારા લીધે ચૂપ છું. નહીં તો એક પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરવાના ગુના હેઠળ પપ્પાને અંદર ઘલાવી દઉં. મીનાક્ષીએ ગુસ્સામાં કહ્યું,

જે આપણને કપરા કાળમાં છોડી ગયો, જેને આપણા માટે પ્રેમ છે જ નહીં, એને શા માટે યાદ કરવો. સ્ત્રીના જીવનમાં કોઈ પુરુષ હોવો જ જોઈએ એવું હું માનતી નથી. મુક્તતાથી જીવીએ એ જ સાચું જીવન. રાધાએ મીનાક્ષીને બથમાં લેતાં કહ્યું.

તે રાત્રે મીનાક્ષી પોતાની ટ્રોફી અને ક્રાઉન બેડરૂમના ટેબલ પર મૂકતી હતી, ત્યાં જ ટેબલ પર મૂકેલા એક્ષ- હસબંડ આદિત્ય રાજગોરનો ફોટો એને જાણે કહી રહ્યો હતો. કોંગ્રેચ્યુલેશન ડાર્લિંગ, યે તો પ્યાર હૈ, કોઈ ખેલ નહીં.

મીનાક્ષીએ કહ્યું- લગ્નના બે વર્ષમાં જ તેં જ મારા પ્રેમને ખેલ બનાવ્યો ને? ટી.વી સિરિયલમાં ટી.આર.પી. વધારવા તેં જ મને રીમુવ કરીને સ્નેહાને લીધી હતી. જો આજે હું મિસ. ગુજરાતનો ક્રાઉન મારી મહેનતથી જીતી જ ગઈ. મારે તારી સિફારસની જરૂર ન હતી.

ત્યાં જ ફોનની ઘંટડી રણકી. આદિત્યનો ફોન હતો. મીનાક્ષીએ ફોન ન લીધો.

આદિત્ય રાજગોર ટી.વી સિરીયલમાં મુખ્ય ભૂમિકામાં હતો, અને મીનાક્ષી નાયિકાની ભૂમિકામાં હતી.પણ, રીલ લાઈફની જેમ રીયલ લાઈફની ભૂમિકા ઘણી વાર સફળતાથી ભજવી શકાતી નથી.
પ્રેમની ખરી કસોટી મળેલી સફળતાને પચાવવામાં અને જીવનસાથીને સમજવામાં, તેનામાં વિશ્ર્વાસ રાખવામાં રહેલી છે. લગ્ન બાદ મીનાક્ષીના ઘરે જ રહેતો આદિત્ય મેલડોમીનેટિંગ કરવા લાગ્યો, જે
મીનાક્ષી કે તેની માતા રાધા માટે અસહ્ય હતું.

ઈગો, વૈચારિક મતભેદે હવે ઉગ્રરૂપ લીધું. આદિત્યે મીનાક્ષીને સિરીયલમાંથી રીમુવ કરાવી કારણ એને લાગ્યું કે એને ડાયરેકટર સાથે એક્સ્ટ્રા કનેકશન છે.

આદિત્ય, સહજીવનમાં પ્રેમ અને વિશ્ર્વાસ ન હોય તો, વી કાન્ટ લીવ ટુગેધર. તે દિવસે મીનાક્ષીએ કહ્યું.

પછી બંનેના રસ્તા અલગ ફંટાયા. અને સમજૂતીથી સેપરેટ થયા.

ભૂતાવળમાં ભટકી રહેલી મીનાક્ષી આજે ફરી પાછી જાણે આદિત્યની પ્રેમિકા બની ગઈ. આદિત્યથી અલગ થવાનો એ સમય ઘણો કપરો હતો.

મીનાક્ષીના મનમાં અનેક સંસ્મરણો જાગ્યા. તે સમયે ખરેખર હું ઈમોશનલી ખતમ થઈ ગઈ હતી. પપ્પા અમને છોડીને ગયા બાદ અમને કોઈની હૂંફ જ મળી ન હતી. આદિત્યે પણ શંકા કરી હું તો સાવ પડી ભાંગી હતી. મને તો લાગ્યું હતું કે નાવ આય કાન્ટ લીવ.

હું તો અમદાવાદ છોડીને જામનગર જવાની હતી. પણ, ત્યાં જ બીજી સિરિયલોમાં કામ મળ્યું. આ સ્પર્ધામાં ભાગ લીધો.

એન્ડ આય વન ધીસ. યસ, નો વન કેન શેક મીનાક્ષી.

ત્યાં જ વોટસએપ પર આદિત્યનો મેસેજ હતો.

હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન. માય સ્વીટ મીનાક્ષી. કેન વી ગીવ વન ચાન્સ ટુ અવર રીલેશન.

શું આજ મારો સાચો ક્રાઉન છે? હું રૂપેરી સૃષ્ટિનું મોતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ