સુખનો પાસવર્ડ : કોઈની હૂંફ કોઈને પણ અતિ કપરી સ્થિતિમાંથી બહાર લાવી શકે છે…
૩૦ જૂન, ૧૯૫૦ના દિવસે બેંગલોરના એક મધ્યમવર્ગી યુગલને ત્યાં એક મીઠડી દીકરીનો જન્મ થયો. માતા-પિતાએ તેનું નામ પ્રેમા પાડ્યું. પ્રેમા લાડકોડ સાથે ઊછરી રહી હતી, પણ એ માત્ર આઠ વર્ષની હતી ત્યારે એના જીવનમાં અણધાર્યો ને આઘાતજનક વળાંક આવી ગયો.
નાનકડી પ્રેમા એક દિવસ રસોડામાં રમી રહી હતી એ વખતે સ્ટવ ફાટ્યો એને કારણે એ ભયંકર ખરાબ રીતે દાઝી ગઈ. એનો ચહેરા અને ગરદન સહિત શરીરનો લગભગ પચાસ ટકા ભાગ દાઝી ગયો. માણસના શરીરના ત્રીજા ભાગનો હિસ્સો પણ દાઝી જાય તો તે અત્યંત ગંભીર ગણાય, પરંતુ આઠ વર્ષની નાનકડી પ્રેમાનું શરીર પચાસ ટકાથી વધુ દાઝી ગયું હતું.
એના શરીરની માંસપેશીઓ ઓગળી ગઈ હતી અને ગરદનનું તો જાણે અસ્તિત્વ જ નાશ પામ્યું હતું. એના હોઠ હડપચી સુધી આવી ગયા હતા. એને ફૂડ પાઈપ દ્વારા ખોરાક આપવા માટે શરીરમાં પાઈપ નાખવાનું પણ લગભગ અસંભવ સમું હતું.
ડૉક્ટરો પણ એ નાનકડી છોકરીને આટલી ભયંકર હદે દાઝેલી જોઈને ચિંતિત બની ગયા હતા. પ્રેમાની હાલત જોઈને લાગતું હતું કે એ બચી શકશે નહીં. જોકે પ્રેમાની માતા રોઝીને ઈશ્ર્વર પર અતૂટ શ્રદ્ધા હતી. એણે ઈશ્ર્વરને પ્રાર્થના કરી કે જો તમે મારી લાડકી દીકરીને બચાવી લેશો તો હું એનું આખું જીવન લોકોની સેવા માટે સોંપી દેવાની પ્રતિજ્ઞા લઉં છું. હું મારી દીકરીને ડૉક્ટર બનાવીશ અને એની પાસે આ જ હૉસ્પિટલમાં દર્દીઓની સારવાર કરાવીશ.’
એ વખતે વિખ્યાત સર્જન ડૉક્ટર એલ.બી.એમ. જોસેફે એમને સાંત્વન આપતાં કહ્યું: ‘હું તમારી દીકરીને બચાવી લઈશ.’ એમણે પ્રેમા પર લગભગ પંદરથી વધુ રિક્ધસ્ટ્રક્ટિવ સર્જરી કરી અને એના ચહેરાને કૉસ્મેટિક સર્જરી દ્વારા રિક્ધસ્ટ્રક્ટ કર્યો – પુન: રચ્યો.
લાંબી સારવાર પછી પ્રેમા બચી તો ગઈ, પણ એ પછીનું જીવન એના માટે ખૂબ જ દુષ્કર સાબિત થયું. લોકો એનો ચહેરો જોઈને ડરી જતા. મોટા ભાગના વિદ્યાર્થીઓ એનાથી અંતર રાખતા. પ્રેમા માનસિક સંતાપ ભોગવી રહી હતી. મનમાં જીવન અને લોકો પ્રત્યે કડવાશ અને આક્રોશ ઊભરાઈ રહ્યાં હતાં. એ સમયમાં પ્રેમાની માતા રોઝીએ એને મનોચિકિત્સક પાસે સારવાર અપાવી. પહેલાં માતાએ અને પછી મનોચિકિત્સકે પ્રેમાને સમજાવી કે ‘આપણે નકારાત્મક લાગણી પર કાબૂ મેળવીને તેને સકારાત્મક રીતે ચેનલાઈઝ કરવી જોઈએ.’
મનોચિકિત્સકે પ્રેમાને કહ્યું: ‘સુંદરતાની વ્યાખ્યા લોકો માને છે એવી નથી. તારું શરીર દાઝવાને કારણે ભલે આવું થઈ ગયું હોય, પરંતુ તારી અંદર જે સૌંદર્ય છે એના થકી તારે તારો આત્મવિશ્ર્વાસ પાછો મેળવવો જોઈએ.’
માતાની હૂંફ અને મનોચિકિત્સકના કાઉન્સેલિંગને લીધે પ્રેમા સ્વસ્થ થઈ અને એણે અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એણે હુબલી મૅડિકલ કૉલેજમાંથી એમબીબીએસની ડિગ્રી મેળવી. એ પછી એણે પોતાને ઉગારનારા ડૉક્ટર એલ.બી.એમ જોસેફનું માર્ગદર્શન લઈને પ્લાસ્ટિક એન્ડ રિક્ન્સ્ટ્રક્ટિવ સર્જરીમાં એમડીની ડિગ્રી મેળવી. ૧૯૮૯માં એ સર્જન તરીકે એ જ હૉસ્પિટલમાં જોડાઈ, જ્યાં આઠ વર્ષની ઉંમરે એની સારવાર થઈ હતી ને નવું જીવન મળ્યું હતું. એ ડૉક્ટર જોસેફના હાથ નીચે જ ફરજ બજાવવા લાગી.
આ વાત છે ડૉક્ટર પ્રેમા ધનરાજની, જેમને ૨૦૨૪માં ‘પદ્મશ્રી’ દ્વારા સન્માનિત કરાયાં છે. ૧૯૮૯માં સર્જન તરીકે કરિયર શરૂ કર્યા પછી એમણે સમદુખિયા લોકોને મદદરૂપ બનવાનું શરૂ કર્યું. પ્રેમા ધનરાજનું જીવન કેટલીય વ્યક્તિઓ માટે પ્રેરણાદાયક સાબિત થયું છે. પ્રેમા ધનરાજને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધિ મળી. ૧૯૯૮માં અમેરિકન બાર ઍસોસિયેશન અને રોટરી દ્વારા સન્માનિત કરાયાં. એ વખતે એમને દસ હજાર ડૉલરની રકમ પુરસ્કાર રૂપે અપાઈ હતી.
એ રકમ થકી ડૉક્ટર પ્રેમા ધનરાજે ૧૯૯૯માં એમની બહેન ચિત્રા સાથે મળીને ‘અગ્નિ રક્ષા’ સંસ્થાની સ્થાપના કરી. એ સંસ્થાએ ગરીબ પરિવારની દાઝી ગયેલી વ્યક્તિઓને તબીબી સારવાર આપવાની સાથે પુન:વસન માટે મદદ પૂરી પાડવાનું ભગીરથ કાર્ય પણ હાથ ધર્યું.
છેલ્લા અઢી દાયકા દરમિયાન ‘અગ્નિ રક્ષા’ સંસ્થા દાઝી ગઈ હોય એવી ૨૫ હજારથી વધુ વ્યક્તિઓને મદદ કરી ચૂકી છે. એ સંસ્થા માત્ર તબીબી સારવાર નથી આપતી, પરંતુ દર્દીઓને ફરી સામાન્ય બનાવવાનું બીડું ઝડપે છે અને એમને લોકોની સમીપ સમાજમાં પાછા મોકલવા માટે માનસિક રીતે સજ્જ કરવા કાઉન્સેલિંગ પણ કરે છે.
‘અગ્નિ રક્ષા’ સંસ્થામાં જેટલી નર્સ છે એ બધી પોતે પણ ભૂતકાળમાં દાઝી ગયેલી હોય છે, જેથી એ દર્દીઓની પીડા વધુ સારી રીતે સમજી શકે છે અને એમની સાથે સહાનુભૂતિપૂર્ણ વર્તાવ કરે છે. ડૉક્ટર પ્રેમા ધનરાજે પ્લાસ્ટિક સર્જરી વિશે ત્રણ પુસ્તક પણ લખ્યાં છે. એમનાં ‘બેઝિક્સ ઇન બર્ન્સ ફોર નર્સીસ’ અને ‘પ્લાસ્ટિક સર્જરી મેડ ઈઝી’ પુસ્તકો ઘણા બધા ડૉક્ટરોને પણ માર્ગદર્શન આપવામાં મદદરૂપ થયાં છે. એમણે ઇથોપિયા જેવા પછાત દેશમાં પ્રથમ બર્ન યુનિટની સ્થાપના કરાવી. એ ઉપરાંત કેન્યા, તાંઝાનિયા, નોર્વે અને ઇથોપિયા જેવા દેશોના ડૉક્ટરોનું સન્માન પણ કર્યું.
Also read: વલો કચ્છ: બહેન-દીકરીઓના શિક્ષણ ને સશક્તિકરણ માટે અભૂતપૂર્વ યોગદાન આપનારા કચ્છના ગાંધી
થોડા દિવસો અગાઉ બેંગલોરની મુલાકાત વખતે ડૉકટર પ્રેમા ધનરાજ વિશે જાણવા મળ્યું અને એમની અનોખી જીવનસફરની વાત મને સ્પર્શી ગઈ એટલે વાચકો સાથે શૅર કરવાનું મન થયું.
કોઈ વ્યક્તિના જીવનમાં ચેકમેટ જેવી સ્થિતિ આવી પડે ત્યારે તેની આજુબાજુ એને હૂંફ અને હિંમત આપનારી કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ અત્યંત નિરાશાભરી સ્થિતિમાંથી પણ પાછી ઊભી થઈને એના જેવા સંખ્યાબંધ લોકોની જિંદગીમાં પ્રદાન કરી શકે અને એમના માટે પ્રેરણારૂપ બની શકે. એનું સચોટ દૃષ્ટાંત આ ડૉક્ટર પ્રેમા છે.