સુખનો પાસવર્ડ : જો એવા બોજ હેઠળ દબાઈ ન જઈએ તો…

-આશુ પટેલ
કેન્સરમાંથી ઊભાં થઈને સામાન્ય જીવન જીવી રહેલાં વંદના શાંતુઇંદુ એટલા હળવાશભર્યા સ્વરે એમને બે વખત થયેલા કેન્સર અને એ પછી ભોગવેલી તકલીફો વિશે વાત કરે છે કે આપણને એમ લાગે કે એ જાણે બીજી કોઈ વ્યક્તિની વાત કરી રહ્યાં છે!
Also read : સુખનો પાસવર્ડ : … છતાં સફળતા-સિદ્ધિ મળી શકે!
વંદના શાંતુઈંદુને લોકો લેખિકા તરીકે ઓળખે છે. એમણે નવનીત, સમર્પણ, પરબ, શબ્દ સૃષ્ટિ, કુમાર અખંડ આનંદ, સમીપે, છાલક, પરિવેશ જેવાં ગુજરાતી સાહિત્યિક સામયિકોમાં કલમ ચલાવી છે તો ‘દિલ્હી સાહિત્ય અકાદમી’ના સમકાલીન ભારતીય સાહિત્ય, સાક્ષાત્કાર, સાહિત્ય પરિક્રમા, પ્રેમચંદ સૃજનપીઠ, કથાદેશ વગેરે હિન્દી સામાયિકોમાં પણ સમયાંતરે એમની વાર્તાઓ પ્રકાશિત થતી રહે છે.
હિન્દી સામયિક ‘કથાદેશ’ની અખિલ ભારતીય લઘુકથા સ્પર્ધામાં એમની ‘ગંધ’ લઘુકથાને દ્વિતીય પુરસ્કાર મળ્યો હતો. એમણે અનેક પુસ્તકો લખ્યા છે અને કાશ્મીરી લેખિકા ક્ષમા કૌલની હિન્દી નવલકથા ‘દર્દપુર’નો ગુજરાતી અનુવાદ પણ કર્યો છે. કવિતાઓ અને બાળાસાહિત્યથી માંડીને નવલકથા સુધીનું એમણે ઘણું સર્જન કર્યું છે, પરંતુ આ લેખમાં મારે લેખિકા વંદના શાંતુઈંદુની વાત નથી કરવી, પણ જીવનરૂપી સંગ્રામમાં ઝઝૂમીને મોતને હાથતાળી આપીને પાછાં ફરનારાં અને સામાન્ય વ્યક્તિની જેમ જીવી રહેલાં જીવનને માણી રહેલાં વંદના ભટ્ટની પ્રેરક જીવનસફર વિશે વાત કરવી છે.
હું 2022માં પ્રથમ વખત એમને મળવા ગયો હતો. એ પણ રાતના બે વાગે!. એમના વકીલ પુત્ર અભિને મેં કોલ કર્યો અને સરપ્રાઈઝ આપવા રાતના બે વાગે જઈ ચડ્યો અને વહેલી સવાર સુધી અમે લોકોએ વાતો કરી. વંદનાબહેનના વકીલ ભાઈ હિતેન ભટ્ટ સાથે અંગત મિત્ર વિરલ રાચ્છને લીધે મળવાનું થયું હતું અને એ પછી ‘ફેસબુક’ ના માધ્યમથી વંદનાબહેન સંપર્કમાં આવ્યાં ત્યારે ખબર પડી કે અમે તો એક જ ગામના રસ્તાઓ પર રખડ્યાં છીએ, અમારા ગામ બહારથી પસાર થતી બિલેશ્વરી નદી અને ગામથી થોડે દૂર વહેતી અને ગામની સીમમાં બિલેશ્વરી નદી સાથે જોડાઈ જતી મીણસાર નદીમાં નાહ્યાં છીએ!
એ વખતે વંદનાબહેન, પતિ હિરેનભાઈ, પુત્ર અભિ અને પુત્રવધૂ આશકા સાથે અલકમલકની વાતો કરી. એમણે મને એક મોરપીંછ આપ્યું. અમારા ગામના છેલ્લા પ્રવાસ વખતે એ પીંછું સાથે લાવ્યાં હતાં. વંદનાબહેનના પિતા ઇંદુભાઈ ભટ્ટ અમારા નાનકડા ગામમાં પ્રાથમિક શાળામાં આચાર્ય હતા અને માતા શાંતાબહેન ઠાકર શિક્ષિકા હતાં. મારાં મોટાં ભાઈ-બહેન એમની પાસે ભણ્યાં. વંદનાબહેન મજાકમાં કહે કે ‘હું ગામમાં બધાંનાં ઘરે જતી. અમે સખપુર છોડીને બહાર નીકળી ગયાં.
ત્યારે તો તું ઘોડિયામાં રમતો હતો એટલે હું તને ઘોડિયામાં ઝુલાવવા આવતી જ હોઈશ અને કદાચ હાલરડાં પણ ગાયાં હશે!’
એ મુલાકાત વખતે એમને એવી વાત જાણવા મળી કે મને આંચકો લાગ્યો. વંદનાબહેન સાથે વહેલી સવાર સુધી વાતો થઈ એ પછી એમના વિશે લખવાનું વિચાર્યું હતું, પરંતુ કોઈ ને કોઈ કારણથી રહી જતું હતું. એમણે જીવનસફર દરમિયાન જે ‘સફર’ કર્યું એટલે કે સહન કર્યું એની વાત જાણવા જેવી છે. કોઈ વ્યક્તિ અત્યંત આઘાતજનક સ્થિતિમાંથી બહાર આવીને તેના વિશે હસતાં-હસતાં વાત કરી શકે એ પણ એક મોટી વાત છે.
Also read : સુખનો પાસવર્ડ : પ્રતિભા હોય તો અવરોધોને અવગણીને આગળ વધો
વંદનાબહેન કહે છે કે ‘હું પોઈન્ટ ઓફ નો રિટર્ન પરથી યુ- ટર્ન મારીને પાછી આવી છું.’ આગળની વાત વંદનાબહેનના શબ્દોમાં જ વાચકો સામે મૂકું છું………
‘આમ તો દરેકની જિંદગીનો રસ્તો ઊબડ-ખાબડ જ હોય છે. સીધો સપાટ હોય તો એમાં મજા પણ શું? કાર્ડિયોગ્રામની રેખા ઊંચી-નીચી થતી હોય ત્યાં સુધી જ આશા છે અને આશા છે તો મજાનું જીવન છે.
કાર્ડિયોગ્રામની રેખા સીધી થઈ જાય તો? જવાબ બધા જ જાણે જ છે, પણ ઊબડ-ખાબડ રસ્તા પર જયારે ટર્ન આવે, એ પણ યુ- ટર્ન! ત્યારે શું થાય? અને એ પણ… જિંદગી જ્યારે ઊબડ-ખાબડ રસ્તાને પાર કરીને ઉંમરના વનમાં હજુ પ્રવેશી જ હોય, જુવાનીની દોડધામથી હાંફી ગયેલી હજુ તો વિચારતી હોય કે હાશ, વનમાં જરા ટાઢક મળશે, ને ત્યાં જ જોરદાર યુ- ટર્ન!
એક્સીલરેટર, બ્રેક, ક્લચ, ગિયર… કેટલાં પર ધ્યાન રાખવું? અને ભગવાન જ જ્યારે હાથમાંથી સ્ટિયરિંગ લઈ લેવા માગતો હોય ત્યારે? અન્યોનું તો નથી જાણતી, પણ મેં કહી દીધું, ‘જો દોસ્ત, તારી મદદ તો જોઈએ છે જ, પણ મારી જીવનગાડીનું સ્ટિયરિંગ તો તને ન જ સોંપું, ભલે બધા કહેતા હોય કે તારા હાથમાં જ હોય છે, પણ મને માફ કર, દોસ્ત! મને જ સંભાળવા દે, જે થાય તે.’ મેં અનુભવ્યું છે કે ભગવાનને પણ મારી વાત ગમી ગઈ, જાણે કહેતો હોય કે ‘ઓ.કે. જરૂર પડે બોલાવજે’ અને મેં અંગૂઠો ઊંચો કરીને ‘ડન’ કહી દીધું!’
જેમ સ્માર્ટ ફોનમાં અલગ-અલગ મોડ આવે છે તેમ આપણાં મગજમાં પણ બાય ડિફોલ્ટ એવા મોડ હોય જ છે. ક્યારે કયા મોડ પર રહેવું એ આવડી જાય તો જિંદગીનો જંગ જીતી જવાય છે. હું ફાઈટિંગ મોડ પર આવી ગઈ. મનમાં અટલજીની કવિતા ગુંજવા લાગી, હાર નહીં માનુંગી… ફાઈટ આપવાની હતી અને કોની સામે હું એ બરાબર જાણતી હતી.
ફાઈટ હતી થર્ડ સ્ટેજમાં પહોંચી ગયેલ બ્રેન ટ્યુમર સામે! જે ઓપરેશન બાદ બાયોપ્સીથી જાણવામાં આવ્યું હતું કે કેન્સર હતું થર્ડ સ્ટેજનું. જિંદગીનો મધ્યાહન હજુ તો સહેજ અમથો પશ્ચિમમાં ઢળ્યો હતો. વનમાં પ્રવેશ કર્યે એક જ વરસ થયું હતું. વનની ટાઢક તો હજુ સ્પર્શી પણ ન હતી ને જીવને જોરદાર ઊંધી દિશામાં વળાંક લીધો, એ પણ પોઈન્ટ ઓફ નો રિટર્નથી!
શું ખબર કે હું રેડિયેશનની પ્રેમિકા હોઈશ! મારી સ્થિતિ તો પેલા ગીત જેવી હતી, ‘ચાંદ કો ક્યા માલૂમ ચાહતા હૈ ઈસે કોઈ ચકોર…’ રેડિયેશન નામનો ચકોર ચાહતો હશે મને! કંઈ ખબર જ ન પડી, ન કોઈ પ્રેમપત્ર કે ચિઠ્ઠી કે મેસેજ, ને સીધો એસિડ હુમલો જ! માનું છું કે આ ટ્યુમર રેડિયેશનનું મિત્ર હોવું જોઈએ… તેણે જ કીધું હશે કે જા દોસ્ત, પેલી ડાબોડીના મગજમાં ઘર બનાવ, આફૂડી દોડતી આવશે ને ભોળું ભટાક ટ્યુમર માની ગયું.
ધીરે-ધીરે મારા જ કોષોને મારતું-ખાતું અને એમાંથી જ પોતાનો માળો બનાવતું નિશ્ર્ચિંંત થઈ વધતું રહ્યું. તે છેક પહેલી ઓક્ટોબર, 2014ના રોજ માથું ઊંચક્યું. પહેલા જ હુમલે હું બેભાન થઈ ગઈ. મારા પતિ અને દીકરો સામે જ ઊભા હતા. સમજાયું નહીં કે શું થયું? બધા લાગી ગયા દોડાદોડીમાં. ડોક્ટર્સ, વિવિધ ટેસ્ટ, રિપોર્ટ્સ. જાણે વનમાં દવ ફાટી નીકળ્યો હતો. સ્વજનો સાથે હું પણ સ્તબ્ધ!
એ સ્થિતિનું વર્ણન હું આ શબ્દોમાં કરી શકું: ‘ન શાંત હતા, ન તોફાની તોયે શ્વાસ મારાએ, કર્યા’તા શ્વાસ અધ્ધર સ્વજનોના ને પગ પાણીપાણી. મોટી બહેન-બનેવી, નાની બહેન, ફોઈની છોકરી, ભાઈ-ભાભી-ભત્રીજો, મિત્રો અને પતિ અને પુત્ર તો હોય જ. બધાં જાણે કે ચકડોળમાં બેઠાં હતાં, જે ચકડોળ ઊભા રહેવાનુ નામ ન’તું લેતું. પગ તળેથી જમીન સરકી ગઈ હતી ને બધાં દોડતાં હતાં મારા માટે. ને હું સ્થિર હોસ્પિટલની પથારીએ. એક માણસ પંચોતેર વર્ષની ઉંમરે રોજ સિત્તેર કિલોમીટરની આવન-જાવન કરે, મારે માથે હાથ મૂકે અને ઊભા રહે મૌન. એ હતા મારા બાપજી (પાદરના રણું મંદિરના મહંત, એ પોતે સાહિત્યના જ્ઞાતા). બધાં જ મારી લડાઈમાં મારી સાથે હતાં. કોણ કહે છે કે પરિવાર તૂટી રહ્યા છે? ખરા સમયે એ લોકો જ સાથે હોય છે.
અટ્ટહાસ્ય કરતો બ્રેન ટ્યુમરનો રાક્ષસ વડોદરાના બાહોશ ન્યૂરો સર્જન ડો. યશેષ દલાલની કુનેહ અને કાળજીભર્યા ઓપરેશનથી પટી ગ્યો-પતી ગયો. અડધો જંગ જીત્યો હતો, રેડિયેશનના રાઉન્ડ્સ બાકી હતા.
કહેવાય છે તો એવું કે દુશ્મનને ઊગતો ડામવો સારો. પણ મને તો એ મોકો જ ન મળ્યો. કદાચ ઓચિંતા થયેલા હુમલાથી જ મારુ મન લલકારી ઊઠ્યું હશે કે ‘હાર નહીં માનુંગી.’ બાકી જાતની અંદર બેસેલા દુશ્મન સામે લડવું અઘરું છે, હોં. એમાંય મારું કેન્સર જમણી બાજુના મગજમાં, નાના મગજની નજીક સંવેદન કેન્દ્રો આસપાસ અડ્ડો જમાવી બેઠું હતું ને હું સ્થિતપ્રજ્ઞ હતી કે પથ્થર થઈ ગઈ હતી, સમજાતું ન હતું; કેમ કે, પહેલા હુમલાથી લઈને આજ સુધી બી.પી. પલ્સ ક્યારેય વધઘટ નથી થયાં.
Also read : વલો કચ્છ : ક્રાંતિતીર્થ ‘વીરાંજલિ ગેલેરી’નું આધુનિકીકરણ… ભુજ ઍરપૉર્ટને ‘ક્રાંતિકાર’નું નવું નામ?
કંઈક ઠીક નથી થઈ રહ્યું તેનો પહેલો અણસાર મને મારા મને આપ્યો હતો. નવરાત્રીના દિવસો હતાં. હું સવારથી ગાતી હતી, ‘માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઉગિયો…’ ને ઊંચે ચડેલા સૂરજ સાથે મને પણ ઉચાટ અનુભવ્યો, કાંઈ ગમતું નથી એવી લાગણી અનુભવી!
વાત હજી થોડી બાકી છે. આવતા રવિવારે પૂરી કરીએ…