ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

સુખનો પાસવર્ડ: હસીને જીવન વિતાવવું છે કે રડીને?

-આશુ પટેલ

થોડા દિવસો અગાઉ એક પરિચિતે વોટ્સઍપ પર એક વીડિયો મોકલાવ્યો. એનો સાર અને સૂર એ હતો કે મનુષ્યનું જીવન નિરર્થક છે. જીવનમાં દુ:ખો સિવાય કશું છે જ નહીં અને એ બધાં દુ:ખો આપણે ભોગવવાનાં જ છે. દરેક જન્મમાં આપણે દુ:ખો ભોગવવાનાં હોય છે…. એવી ઘણી બધી વાહિયાત વાતો એ વીડિયોમાં હતી. એ વીડિયો જોઈને હસવું આવ્યું.

એ વીડિયો મોકલનારા પરિચિતને મેં મજાકમાં કહ્યું: ‘આ પ્રકારના વીડિયો મને મોકલાવતા નહીં અને તમે પણ આવા વીડિયોઝ જોવાનું બંધ કરી દો નહીં તો તમે પાગલ થઈ જશો અને તમારે કોઈ મનોચિકિત્સકની સલાહ-સારવાર લેવી પડશે.’

આવા વીડિયોને કારણે લોકોમાં નકારાત્મકતા ફેલાય છે એ વાત મેં એમને સમજાવવાની કોશિશ કરી તો એ બચાવ કરવા લાગ્યા. એ કહે: ‘મને વીડિયો ગમ્યો એટલે મેં કેટલાક મિત્રોને ફોરવર્ડ કર્યો. તમને ન ગમે તો હવે આવો વીડિયો નહીં મોકલાવું.’ એ વીડિયો બનાવનારી વ્યક્તિ હિન્દી ભાષી હતી. એનો વીડિયો મારા તે પરિચિત જેવા ઘણા માણસોએ શેર કર્યો હશે. એ વીડિયો અમુક હજાર માણસો શેર કરી ચૂક્યા હતા.

ઘણાં લોકો હંમેશા દુ:ખની જ વાતો કરતા હોય છે. ઘણાં લોકો સતત રોદણાં જ રડતા હોય છે. ગમે એટલી સારી સ્થિતિ હોય એ બધા હંમેશાં ફરિયાદ જ કરતા હોય છે. એમને પોતાના જીવનમાં અને આખી દુનિયામાં કશું સારું દેખાતું જ નથી હોતું. સોશિયલ મીડિયા પર તમને આવા ઘણાં નમૂનાઓ જોવા મળતા હશે. જે માણસ સતત પોતાની તકલીફોની ફરિયાદો કરતો હોય, સતત નિરાશાજનક વાતો કરતો હોય એનાથી લોકો પણ સ્વાભાવિક રીતે દૂર જ ભાગવાના. વર્ષો અગાઉ ચાર્લી ચેપ્લિનના જીવનનો એક કિસ્સો ક્યાંક વાંચ્યો હતો. ચેપ્લિને એકવાર એક જોક કહી. એ સાંભળીને પ્રેક્ષકો ખડખડાટ હસી પડ્યા. એ જ જોક એણે બીજી વાર કહી. એ વખતે લોકો થોડું ઓછું હસ્યા. ચેપ્લિને ત્રીજી વખત એ જ જોક કહી. એ વખતે પ્રેક્ષકો માંડમાંડ હસ્યા. એ રીતે ચેપ્લિને પાંચમી વખત એ જોક કહી ત્યારે તો લોકોનો કોઈ પ્રતિસાદ જ ન મળ્યો!

એ પછી ચેપ્લિને કહ્યું: ‘તમે એકની એક વાત પર પાંચ વખત હસી પણ નથી શકતા તો પછી એકની એક વાત પર તમે જિંદગીભર રડી કઈ રીતે શકો!’ માણસ હંમેશાં જે ઇચ્છે છે એ જ એના તરફ આવશે. ઓશો હંમેશાં સચોટ દૃષ્ટાંતો સાથે અત્યંત ઊંડી વાત કહેતા હતા. આવી જ એક વાત એમના ઘૂંટાયેલા અવાજમાં સાંભળી હતી.

આગળના શબ્દો ઓશોના છે:

‘જપાનમાં એક સંત થયા હોતેઈ. જેમ એમને જ્ઞાન થયું એ હસવા લાગ્યા અને પછી એ જીવનભર હસતા જ રહ્યા. એ સતત પ્રવાસ કરતા. રોજ જુદાં જુદાં ગામડાઓમાં જતા અને ઊભા રહીને હસવા લાગતા. એમને અકારણ હસતાં જોઈને પહેલાં તો લોકોને નવાઈ લાગતી, પણ પછી લોકો એમના ચાહક બનવા લાગ્યા. જપાનના લોકો એમને ‘હસતા બુધ્ધા’ કહેતા. બજાર વચ્ચે ઊભા રહી જતા અને હસવા લાગતા. પછી એમનું નામ દૂરદૂર સુધી ફેલાઈ ગયું. લોકો એમની રાહ જોતા કે સંત હોતેઈ ક્યારે આવશે?

એમનો બીજો કોઈ ઉપદેશ નહોતો. માત્ર બજાર વચ્ચે ઊભા રહીને એ હસતા જ રહેતા. ધીમેધીમે ભીડ ભેગી થઈ જતી અને લોકો પણ એમની સાથે હસવા લાગતા. ‘ક્યારેક લોકો હોતેઈને પૂછતા કે તમે બીજું કંઈ કહો? તો એ કહેતા: બીજું તો શું કહું! તમે નકામું રડી રહ્યા છો. તમને કોઈ હસાવવાવાળું જોઈએ જે તમને બધાને હસાવે. મારે એટલું જ કહેવું છે કે હસી લો. હસવામાં કશું ખરાબ નથી. દિલ ખોલીને હસો. આખું અસ્તિત્વ હસી રહ્યું છે, તમે નકામા રડી રહ્યા છો. બસ, હસી લો…. મારે બીજો કોઈ સંદેશ આપવાનો નથી. ‘એમના વિષે એવું કહેવાતું કે એમણે આખા જપાનને હસાવ્યું અને એમની આસપાસ લોકો ધીરેધીરે હસતાહસતા જોવા મળતા. એ જ એમનું ધ્યાન હતું – એ જ એમની સમાધિ હતી.

Also read: કવર સ્ટોરીઃ મૌનનો સશક્ત અવાજ..! ગુપચુપ આવ્યા… ચુપચાપ ચાલ્યા ગયા!

‘લોકો હસતાહસતા અનુભવ કરતા કે અમે હસી શકીએ છીએ-અમે પ્રસન્ન થઈ શકીએ છીએ કારણ વગર. કારણની શોધ જ ખોટી હતી. તમે જ્યાં સુધી કારણ શોધશો કે કારણ હશે ત્યારે હસીએ તો તમે ક્યારેય હસી જ નહીં શકો. તમે જો વિચારશો કે કારણ હશે ત્યારે તમે સુખી થશો તો તમે ક્યારેય સુખી નહીં થઈ શકો. કારણ શોધવાવાળા વધુ દુ:ખી થતા જશે. કારણ દુ:ખનાં છે, સુખનાં નહીં…!’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button