ઉત્સવ

સુખનો પાસવર્ડ ઃ મુશ્કેલી આવે ત્યારે ભાંગી ન પડનારા માણસો ઈતિહાસ રચી શકતા હોય છે

-આશુ પટેલ

૧૨૪ વર્ષ અગાઉ જન્મેલા નિકોલાઈ પોલકોવ્સની અનોખી અને અકલ્પ્ય જીવનસફર જાણવા જેવી છે. નાનીનાની મુશ્કેલી આવી પડે ત્યાં તો જીવન ટૂંકાવવાની વાતો કરવા માંડતા હોય એવા માણસોએ તો નિકોલાઈ પોલ્કોવ્સ વિષે ખાસ જાણવું જોઈએ.

આ નિકોલાઈ પોલ્કોવ્સનું નામ મોટાં ભાગના વાચકોએ નહીં સાંભળ્યું હોય, પણ એ જે નામથી મશહૂર બન્યા હતા એ નામ કહીશ તો સજજવાચકો તરત જ એમને ઓળખી જશે. નિકોલાઈ પોલ્કોવ્સ એટલે વિશ્ર્વવિખ્યાત બનેલા જોકર ‘કોકો ધ ક્લાઉન’.

નિકોલાઈ પોલ્કોવ્સનો જન્મ ૨ ઑક્ટોબર, ૧૯૦૦ના દિવસે લાટવિયાના એક યહૂદી પરિવારમાં થયો હતો. સાત ભાઈબહેનવાળા નિકોલાઈના કુટુંબની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી. માતા-પિતા સ્થાનિક થિયેટર કંપનીમાં કામ કરતા હતા. એ બન્નેની આવકમાંથી જેમતેમ પરિવારનું ગુજરાન ચાલતું હતું.

નિકોલાઈની ઉંમર પાંચ વર્ષની થઈ ત્યારે એના કુટુંબની આર્થિક હાલત અત્યંત ખરાબ થઈ ગઈ હતી. પિતાએ યુદ્ધ લડવા જવું પડ્યું. આ તરફ નિકોલાઈ અને તેના ભાઈબહેનોએ ભૂખ્યા ઊંઘી જવું પડે એવી હાલત થઈ ગઈ. નિકોલાઈની માતા નાનાં-નાનાં કામ કરતી હતી, પણ એમાંથી થતી આવકમાંથી મોટાં કુટુંબનું ગુજરાન ચલાવવાનું અત્યંત મુશ્કેલ હતું. આ સ્થિતિમાં માતાએ નિકોલાઈને ઘર નજીકના એક કેફેમાં ગીતો ગાઈને લોકોનું મનોરંજન કરવા મોકલવાનું શરૂ કર્યું. એ વિસ્તારના લોકો નિકોલાઈનાં માતા-પિતાને ઓળખતા હતા. નાનકડા નિકોલાઈએ માતાને મદદરૂપ બનવા માટે કામ કરવું પડે છે એ જોઈને સ્થાનિક લોકોના મનમાં કરુણા જાગતી અને એ બધા એને પૈસા આપતા.

શરૂઆતમાં તો નિકોલાઈ મજબૂરીથી ગીતો ગાવા જતો હતો, પણ પછી એને એ કામ ગમવા લાગ્યું. આમ ને આમ નિકોલાઈએ ત્રણ વર્ષ સુધી લોકોનું મનોરંજન કર્યું. એનામાં થોડી સમજણ આવી એટલે વધુ પૈસા કમાવાનું મન થવા લાગ્યું. એ દરમિયાન એક પરિચિત માણસે સલાહ આપી કે ‘તું સરકસમાં જોડાઈ જા. તને સરકસમાં સારા પૈસા મળશે.’ નિકોલાઈને એ વિચાર ગમી ગયો. એણે સરકસમાં જોડાવા માટે પ્રયાસો શરૂ કર્યા તો જાણવા મળ્યું કે બેલારૂસમાં એક મોટું સરકસ ચાલી રહ્યું છે. ટ્રેન પકડીને બેલારૂસ તરફ પ્રવાસ શરૂ કર્યો. બેલારૂસ એના શહેરથી ત્રણસો માઈલ દૂર હતું. નિકોલાઈએ એકલપંડે એટલો લાંબો પ્રવાસ કર્યો ત્યારે ઉંમર હતી માત્ર આઠ વર્ષ!

સરકસના માસ્ટરને મળીને એણે આજીજી કરી કે તમારા સરકસમાં કામ આપો. માસ્ટરે પહેલા તો નાનકડા નિકોલાઈને જોઈને ના પાડી દીધી કે ભાઈ તારું સરકસમાં કામ નહીં. તું વળી સરકસમાં શું કામ કરીશ?’ જોકે નિકોલાઈએ નિરાશ થયા વિના કહ્યું: ‘હું બહુ દૂરથી મોટી આશા લઈને આવ્યો છું. તમે મને એક ચાન્સ આપો, હું મારું કૌવત બતાવી દઈશ.’

સરકસના માસ્ટરને નિકોલાઈનો આત્મવિશ્ર્વાસ પ્રભાવિત કરી ગયો અને એના પર દયા પણ આવી ગઈ. એણે નિકોલાઈને ચિત્ર-વિચિત્ર અંગકસરતના પ્રયોગો શીખવવાનું કામ સરકસના કર્મચારીઓને સોંપ્યું. નિકોલાઈને જોકર બનવામાં રસ પડવા લાગ્યો એટલે માસ્ટરે એને એ સરકસના અને એ સમયના જાણીતા વિદૂષક લાઝરેન્કોના હાથ નીચે તાલીમ આપવા માંડી. લાઝરેન્કોને પણ આ નાનકડા છોકરા પર પ્રેમ ઊભરાયો. નિકોલાઈ નાની ઉંમરે લાઝરેન્કો સાથે કામ કરતો થઈ ગયો.

નાનકડા નિકોલાઈએ જોકર તરીકેની વિચિત્ર હરકતોથી પ્રેક્ષકો ખુશ થવા લાગ્યા. એ સરકસમાં એણે જોકર તરીકે બે વર્ષ કામ કર્યું. એ સરકસમાં કામ કરતાં-કરતાં ઘર યાદ આવવા લાગ્યું. એટલે થોડા સમય પછી તેઓ ત્યાંથી ભાગીને ઘરે જતો રહ્યો, પણ સરકસથી વધુ સમય એ દૂર ન રહી શક્યો. એણે ‘ધ ગ્રેટ રશિયન’ સરકસમાં કામ કરવા માંડ્યું. એ સરકસમાં અનુભવ લીધા પછી બ્રિટન જવાનું નક્કી કર્યું. દરમિયાન યુદ્ધ શરૂ થતા એ બ્રિટનના સૈન્યમાં જોડાયો. બ્રિટિશ સૈન્ય વતી યુદ્ધમાં ઊતરેલો નિકોલાઈ દુશ્મન સૈન્યના હાથમાં ઝડપાયો. પછી દુશ્મનોના હાથમાંથી છટકવામાં સફળ રહ્યો.

એ દરમિયાન ૧૯ વર્ષની ઉંમરે એનાથી એક વર્ષ નાની યુવતી વેલેન્ટીના નોવિકોવાના પ્રેમમાં પડીને એ પરણી ગયો. (નિકોલાઈને છ સંતાનો થયાં હતાં એ બધા પણ સરકસ સાથે સંકળાયેલાં હતાં).
એ પછી નિકોલાઈ ફરી વાર સરકસ તરફ વળ્યા. પરણ્યા એ જ વર્ષે સોવિયેત સ્ટેટ સરકસ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયા. એમણે એ સંસ્થા સાથે સંકળાયેલાં જુદાં-જુદાં સરકસમાં કામ કરવા માંડ્યું. એ પછી એમણે પોતાની સરકસ કંપની શરૂ કરી. એમની કંપની ખ્યાતિ મેળવી રહી હતી એ દરમિયાન જ એક શો દરમિયાન એમને ગંભીર ઈજા થઈ અને ઘણા મહિનાઓ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. પરિણામે એમની સરકસ કંપની બંધ થઈ ગઈ.

નિકોલાઈને હોસ્પિટલમાંથી રજા મળી એ પછી થોડો સમય આરામ કરીને ફરી વાર એક સરકસ કંપનીમાં કામ કરવા માંડ્યું. સમયાંતરે સરકસ કંપનીઓ બદલવાનું ચાલુ રાખ્યું. ૨૧ ડિસેમ્બર, ૧૯૨૯ના દિવસે એ ૨૯ વર્ષની ઉંમરે બ્રિટનના ‘બર્ટ્રેમ મિલ્સ સરકસ’માં જોડાયા. એ સરકસથી એમને ‘કોકો ધ ક્લાઉન’ તરીકે ખ્યાતિ મળી અને એ કમાવા લાગ્યા.

સફળતા મળ્યા પછી નિકોલાઈ પોતાના જૂના દિવસો ભૂલ્યા નહોતા. એમણે ગરીબ લોકોને મદદ કરવાનું શરૂ કર્યું. જુદી-જુદી હોસ્પિટલ્સમાં જતા અને બીમાર બાળકોનું મનોરંજન કરતા. ગરીબ બાળકોના હોસ્પિટલનાં બિલ પણ ભરી આપતા. એ સિવાય પણ અન્ય ઘણી સામાજિક પ્રવૃત્તિઓ એમણે શરૂ કરી હતી. એમની સામાજિક પ્રવૃત્તિઓની નોંધ લઈને એમને ‘ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર’નું સમ્માન અપાયું અત્યંત લોકપ્રિય બની ગયેલા નિકોલાઈની મુલાકાતો અખબારોમાં છપાવા લાગી હતી. બીબીસીએ રેડિયો પર એમના પર એક ખાસ કાર્યક્રમ પ્રસારિત કર્યો એ પછી તો એ જગમશહૂર બની ગયા હતા.

૨૫ સપ્ટેમ્બર, ૧૯૭૪ના દિવસે, ૭૪ વર્ષની ઉંમરે બીમારીને કારણે નિકોલાઈનું મૃત્યુ થયું, પણ એમનું નામ અમર થઈ ગયું. પૃથ્વી પર જેટલા જોકર થઈ ગયા એમાં સૌથી વધુ જાણીતું નામ ‘કોકો ધ ક્લાઉન’નું બની ગયું. એમણે જીવન દરમિયાન ખૂબ સંઘર્ષ કર્યો, કેટલાય ચડાવ-ઉતાર જોયા અને કેટલાંય દુ:ખ સહન કર્યા, પણ વિકટ સંજોગો સામે બાથ ભીડીને એમણે સતત લોકોનું મનોરંજન કર્યું.

મુશ્કેલી આવે ત્યારે ભાંગી ન પડનારા માણસો જ ઈતિહાસ રચી શકતા હોય છે

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker