ઉત્સવ

સુખનો પાસવર્ડ : માણસે અહંકારના બોજ સાથે ન જીવવું જોઈએ

-આશુ પટેલ

થોડા દિવસ અગાઉ એક ફિલ્મ સ્ટારે એક ફોટો જર્નલિસ્ટને ધક્કો મારી દીધો. તે ફોટો જર્નલિસ્ટને સ્વાભાવિક રીતે ખરાબ લાગ્યું. ફિલ્મ સ્ટારના આવા વર્તાવથી એણે અપમાનની લાગણી અનુભવી. એ ઘટના પછી એ મને મળ્યો ત્યારે એણે કહ્યું: ‘આ ફિલ્મ સ્ટાર પહેલાં પત્રકારો અને ફોટો જર્નલિસ્ટની પાછળ -પાછળ ફરતો હતો અને કહેતો હતો કે ‘મને કવરેજ આપો.’ હવે એને ખૂબ સફળતા મળી ગઈ છે એટલે એના મગજમાં રાઈ ભરાઈ ગઈ છે અને એ બધાનું અપમાન કરવા લાગ્યો છે, પણ ઉપરવાળો એને પાઠ ભણાવશે…. રાજેશ ખન્ના જેવો સુપરસ્ટાર પણ ખોવાઈ ગયો હતો તો આ સ્ટારની શું ઓકાત છે!’

મેં એને કહ્યું, ‘ફિલ્મ સ્ટાર્સ, સફળ રાજકારણીઓ, ક્રિકેટર્સ અથવા તો કોઈપણ ક્ષેત્રના ઘણા સફળ માણસો અન્ય વ્યક્તિઓને તુચ્છ ગણતા હોય છે અને ક્યારેક હડધૂત પણ કરી બેસતા હોય છે અને એમાં મીડિયા પણ ઓછું જવાબદાર નથી હોતું! મીડિયા તેમને માથે ચડાવે છે!’

આ રીતે મેં એને શાંત પાડવાની કોશિશ કરી, પણ પેલા ફોટો જર્નલિસ્ટની હૈયાવરાળ સાંભળીને મને બેલ્જિયમના ભૂતપૂર્વ શાસક કિંગ બોદુઇનના જીવનનો એક પ્રેરક કિસ્સો યાદ આવી ગયો…
કિંગ બોદુઈન બેલ્જિયમનું શાસન ચલાવતા હતા એ દરમિયાન એ એક વાર અમેરિકાના પ્રવાસે ગયા હતા. અમેરિકાનાં અખબારોમાં એમના અમેરિકાના પ્રવાસ વિશે સમાચારો છપાયા. બોદુઈન અમેરિકાના જે શહેરમાં રોકાયા ત્યાંનાં સ્થાનિક અખબારોના પત્રકારો એમના કાર્યક્રમ વિશે લખતા રહેતા હતા. આ રીતે બોદુઇન અમેરિકાના ડેટ્રોઇટ શહેરમાં ગયા.

એ ડેટ્રોઇટ ગયા એ સમાચાર તો સ્થાનિક અખબારોમાં છપાઈ ગયા, પણ એમના પાછા જવાનો સમય પત્રકારોને જાણવા મળ્યો નહોતો. એટલે ડેટ્રોઇટ શહેરના એક અખબારના તંત્રીએ એક રિપોર્ટરને કહ્યું કે ‘આપણે કોઈક રીતે કિંગ બોદુઈન ક્યારે વિદાય થવાના છે એ જાણવું છે અને શક્ય હોય તો એમની મુલાકાત લેવી છે.’ પેલા રિપોર્ટરે બોદુઈન ડેટ્રોઇટ જે હોટેલમાં ઊતર્યા હતા એ હોટલનો નંબર લગાવ્યો. રિસેપ્શનિસ્ટ ફોન પર આવી એટલે રિપોર્ટરે એને કહ્યું, ‘મારે કિંગ બોદુઈનના પ્રેસ સેક્રેટરી સાથે વાત કરવી છે.’

રિસેપ્શનિસ્ટે લાઇન ટ્રાન્સફર કરી. કોઈ પુરુષે કોલ રિસિવ કરીને ‘હેલ્લો’ કહ્યું એટલે પત્રકારે પૂછ્યું, ‘હું પત્રકાર છું. શું હું કિંગ બોદુઈનના પ્રેસ સેક્રેટરી સાથે વાત કરી શકું છું?’
સામા છેડેથી જવાબ મળ્યો, ‘એ તો હમણાં જ અહીંથી બહાર ગયા છે, પણ તમે લાઇન પર રહો, હું તેમને અહીં બોલાવવાની કોશિશ કરું છું.’

થોડી વાર પછી ફરી વાર એ જ માણસનો અવાજ આવ્યો. કહ્યું : ‘સોરી, પ્રેસ સેક્રેટરી આજુબાજુમાં ક્યાંય દેખાતા નથી, પણ જો તમે થોડી વાર ફોન ચાલુ રાખી શકતા હો તો હું એમને શોધવા માટે ફરી વાર કોશિશ કરી જોઉં.’
પત્રકારે કહ્યું, ‘સારું, હું રાહ જોઉં છું.’

થોડી વાર પછી ફરી વાર એ જ માણસ લાઈન પર આવ્યો અને પત્રકારને કહ્યું, ‘સોરી, હું એમને શોધી શક્યો નથી. એ કદાચ નીચે ગયા લાગે છે, પણ હું કોઈ રીતે આપને મદદરૂપ થઈ શકું એમ હોઉં તો કહો.’
પત્રકારે કહ્યું, ‘મારે એ જાણવું છે કે, કિંગ બોદુઈન ડેટ્રોઇટથી ક્યારે રવાના થવાના છે?’
સામેથી જવાબ મળ્યો, ‘અરે, એ તો હું તમને પહેલાં જ કહી શક્યો હોત. અમે આજે બપોરે પોણા ત્રણ વાગ્યે અહીંથી રવાના થઈશું.’

પત્રકાર ચોંક્યો : ‘આપ કોણ બોલો છો?’
‘હું બોદુઈન બોલું છું.’ સામેથી જવાબ મળ્યો!


આપણા મોટા ભાગના રાજકારણીઓ કે સાવ નીચલા સ્તરના અધિકારીઓ પણ પોતાને સુપરમેન માનતા હોય છે તો અબજો રૂપિયાના આર્થિક સામ્રાજ્ય જમાવીને બેઠેલા, પણ વાસ્તવમાં બે કોડીના એવા ઘણા બાવાઓ પણ પોતાને ત્રિલોકના ધણી સમજે છે. આવા અહંકારી મનુષ્યોએ નિત્ય પ્રાત: કાળે કિંગ બોદુઈન જેવા નમ્ર માણસોને યાદ કરવા જોઈએ.બીજા શબ્દોમાં કહીએ તો માણસે અહંકારના બોજ સાથે ન જીવવું જોઈએ ને નમ્ર બનતા શીખવું જોઈએ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button