ઉત્સવસ્પેશિયલ ફિચર્સ

પર્યુષણ એટલે પેશનનું પર્વ

કેનવાસ -અભિમન્યુ મોદી

‘થોડા સમય પહેલાં અમેરિકાની સ્પેસ એજન્સી નાસા’ એ બ્લેક હોલનો સાઉન્ડ કોઈ વિશિષ્ટ વૈજ્ઞાનિક રીતે કેપ્ચરકર્યો હતો. રેકોર્ડ કરેલો એ સુંદર પણ ભયાવહ લાગે એવો તે સાઉન્ડ છે. તે અવાજ સાંભળતાં એવું લાગે કે આપણે લાખો પ્રકાશવર્ષ દૂર આવેલા એક બ્લેકહોલની કિનારીએ ઊભા છીએ અને અભૂતપૂર્વ હોરર ઘટના નિહાળી રહ્યા છીએ. સમસ્ત બ્રહ્માંડમાં તો આવી અનેક અજાયબીઓ હશે, જે આપણી કલ્પનાશક્તિની મર્યાદાની બહાર હશે. આપણે તો અબજો તારામાંથી એક તારાની ફરતે પ્રદક્ષિણા લેતા નાનકડા ગ્રહ ઉપર શ્ર્વસીએ છીએ. જીવવા માટે પણ સતત શ્ર્વાસ ચાલુ છે , જે આપણે પ્રયત્નપૂર્વક લેતા નથી. કુદરતે એવી સિસ્ટમ ગોઠવી છે કે શ્ર્વાસ આપોઆપ માણસ લે. આવી ઓટોમેટિક સિસ્ટમ ધરાવતા મનુષ્યો અને સચરાચર જીવોથી આ પૃથ્વી ભરેલી છે. પૃથ્વી ગોળ ગોળ ફરે અને સૂર્ય ફરતે પણ ફરે તો એનો પણ કોઈ સાઉન્ડ-અવાજ તો હશે ને? આપણો સાઉન્ડ ભયાવહ હશે? એ ધ્વનિમાં કરુણતા વધતી જતી હશે?

વ્હોટ ઈઝ હ્યુમન? માનવીની પરિભાષા શું ? જસ્ટ સ્ટારડસ્ટ. બીજા શબ્દોમાં તારાઓ ઉપરની રાખ અને પરગ્રહોની ધૂળ અને ચંદ્ર જેવા ઉપગ્રહના ખડકોની માટી તથા ધૂમકેતુઓની પૂછડીની રજકણોથી આપણો પિંડ ઘડાયો છે. આપણું શરીર ઘડવામાં સમસ્ત બ્રહ્માંડ કામે લાગ્યું હોય ત્યારે અનેક ગેલેક્સીઓના
રો-મટિરિયલથી આપણું વામન શરીર ઘડાય છે. બે પગ ઉપર ટટાર ઊભા રહ્યા પછી માણસ પોતાને આ દુનિયાથી અલગ એન્ટિટી-અસ્તિત્વ માનવા માંડે છે.

આમ તો સાવ નાના શિશુને પોતાના અલગ હોવાપણાનું ભાન નથી હોતું, પણ એ ભાન ચાલવાનું શીખ્યા પછી આવે છે અને સૃષ્ટિ સાથેનું એનું અનુસંધાન કપાઈ જાય છે. હું અલગ છું મારી આજુબાજુના માણસો જુદા છે અને આ દુનિયા તો સાવ અલગ છે એવી સમજ જ દુનિયાના દરેક દુ:ખોનું કારણ છે. એકત્વનો છેડ ઉડી જાય અને દ્વૈતવાદનો ક્ધસેપ્ટ -ખ્યાલ મનમાં ઘરીને વિકૃત સ્વરૂપે ફેલાઈ જાય.

ભગવાન મહાવીર સ્વામી જેમના જન્મ પછી એમના રાજ્યમાં ધન-ધાન્યમાં વૃદ્ધિ – સમૃદ્ધિ થવાથી એમનું નામ વર્ધમાન પડેલું, જે ફક્ત અમુક આસ્થાળું લોકોની શ્રધ્ધાનું સ્વરૂપ જ નથી, પણ ઇતિહાસ પણ છે. ઇતિહાસકારો બુદ્ધ અને મહાવીર બંનેને પુષ્ટિ આપે છે. તેવા મહાવીર સ્વામીએ પોતાના સિવાયની દુનિયા સાથે એકત્વની લાગણીમાં હતા. એ પોતાને બાકીના સંસાર કરતા જુદા માનતા જ ન હતા. એમને જીવમાત્રની ચિંતા હતી એવું કહેવું કદાચ સંપૂર્ણ સત્ય નહી હોય,છતાં એ પોતાને બાકી બધા જીવો કરતાં અલગ ગણતા જ ન હતા. એક વિરાટ સિસ્ટમ-તંત્રનો એ નાનો ભાગ છે અને છેવટે તો બધા એક જ છે એ સમજ એમના તપની નીપજ હતી. એ જંગલમાં જાય, એમને કોઈ ઝેરીલો નાગ ડંખે, એમના પગ નીચે આગ લાગે કે કોઈ એમના કાનમાં ખીલ્લા ઠોકે તો એમને કશો ફરક પડતો ન હતો કે તે કોઈને માફ કરતા ન હતા, કારણ કે ક્ષમા આપવા માટે પણ એક સ્ટેપ ઉપર બેસવું પડે. માફી તો આપે જો એમની લાગણી દુભાઈ હોય. એ તો પરમાનંદને મેળવવા અને બધા જીવોના ભલા માટે સતત કાર્યરત રહેતા. કામ કરવા માટે કપડાંની પણ શું જરૂર કે ખોરાકની પણ શું જરૂર?

સંજોગો બદલાય, વાતાવરણ બદલાય, ગમે તેવી નર્ક જેવી પરિસ્થિતિમાં રહેવાનું આવે , પણ જિંદગી જીવવાની જ હોય. સતત દોડ જીવનની ગતિનું અને સમયનું પ્રતીક છે.

મહાવીર સ્વામીએ અથવા તો જૈન ધર્મમાં આત્મા માટે સમય શબ્દ પણ વપરાયો છે એવું સ્મૃતિ મુજબ યાદ આવે છે. સમય સાથે વહેવું- વહેતા રહેવું. સમય સાથે સમાધાન કરવાની વાત નથી, પણ સમયની આંગળી પકડીને તે સમયનો ઉત્તમ ઉપયોગ કરવો, જેમાં સર્વ જીવોની ભલાઈ હોય. બાજુનું ખેતર ઉજ્જડ હશે તો આપણા ખેતરમાં લીલો મોલ લહેરાતો નહીં હોય. પરાગનયન વિજ્ઞાન નથી, કુદરતની આદિ પરંપરા છે અને એના માટે બધે જ લીલીવાડી જોઈએ. સૌનો સાથ- સૌનો વિકાસ’ આ કોઈ રાજકીય પક્ષેનું સૂત્ર નહીં, પણ મનુષ્ય ઉત્ક્રાંતિની શરૂઆતમાં કુદરતે આપેલું એક વરદાન છે – એક વિચારધારા છે.

એક ક્લાસિક ફિલ્મ આવેલી – ‘ફોરેસ્ટ ગમ્પ’. આ એની મુખ્ય પાત્રનું નામ છે. એનો આઇ. ક્યુ ઓછો છે. એના પગ પહેલાં બહુ મજબૂત ન હતા, પણ એણે દોડવાનું ચાલુ કર્યું. પવનની સ્પીડે દોડવા લાગ્યો. અટકે જ નહી. આજુબાજુ દુનિયા આમથી તેમ થઈ જાય, એ જિંદગી જીવવાનું છોડતો નથી. સ્વજનો મરી જાય તો પણ હવામાં ઉડતા પીંછાની જેમ તે દુનિયાના વહેણમાં જિંદગીને બંને બૂટમાં ભરાવીને દોડતો જાય છે. જીવવું એ એની પેશન-ઉત્કટતા-જોમ છે. જિંદગીની પેશન માટે હાયર આઇ.ક્યુ.ની આવશ્યકતા નથી.

પર્યુષણ માટે પણ પેશન-જોમ જોઈએ. નિરાહાર અને ઉપવાસ વચ્ચે જબરો ફરક છે. ખોરાક ગ્રહણ ન કરવાનો આનંદ ન હોય તો નક્કામું. બધાની જરૂરિયાત માટે આ પૃથ્વી ઉપર પર્યાપ્ત સામગ્રી છે, પણ માત્ર એકની લાલચને આ બ્રહ્માંડ ‘કદી સંતોષી નહી શકે’ એવું ગાંધીજી એમનેમ કહેતા ન હતા. જાતને સંયમ સાથે રેડી રાખવી પડે. પોતાના શ્ર્વાસને લીધે પણ હવામાં ખલેલ ન પહોંચે એવી સંવેદનશીલતા હોય તો દુનિયાના બધા જ પ્રશ્ર્નોનું નું નિવારણ થાય. એમાં અહિંસા પણ આવી ગઈ અને સત્ય પણ. ગાંધીજીના વિચારો કે કાલ્પ્નિક પાત્ર ફોરેસ્ટ ગમ્પનાં કર્મો, જેમની કરોડમી ઝેરોક્ષ જેવા લાગે મહાનુભાવો હજારો વર્ષો પહેલા થઈ ગયા છે. ત્યાગ એ આનંદનો વિષય છે અને મહાવીર સ્વામી જેવા તીર્થંકરો ત્યાગના સર્વોચ્ચ શિખર ઉપર બેઠા હતા. તે શિખર પર જેવો આનંદ આવે એવો બીજે કશે ન આવે.
બોલો, આપણે પૃથ્વીના કર્કશ સાઉન્ડને સિમ્ફની જેવો મધુર કરવો છે કે નહીં ?

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…