ઉત્સવ

હવે રુદનનું પણ પાર્લર? રડવાની નવી સગવડ!

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઇટલ્સ:
હાસ્ય ને રૂદન- સિક્કાની બે બાજુ. (છેલવાણી)
બ્રોડ-વેનાં એક અંગ્રેજી નાટકનાં છેલ્લા દ્રશ્યમાં, અભિનેતા દિલ ફાડીને એટલું રડ્યો કે આખું ઓડિયંસ રડી પડ્યું ને તાળીઓથી એને વધાવી લીધો. શો પછી નિર્માતાએ એને શાબાશી આપીને કહ્યું : ‘દરેક શોમાં આવો જ રડાવાનો દિલથી અભિનય કરજે તો નાટક હિટ! ’ ત્યારે એક્ટરે ભડકીને કહ્યું, ‘અરે, એ અભિનય નહોતો પણ સ્ટેજ પર મારા પગમાં ખીલી ઘૂસી ગયેલી એટલે અસહ્ય દર્દથી રડતો હતો.’ તો નિર્માતાએ ઠંડકથી કહ્યું,‘વાંધો નહીં. આપણે દરેક શો વખતે સ્ટેજ પર ખીલીઓ મૂકી દઇશું!’ ક્યારેક રડવા પાછળ એક પ્રકારની કોમેડી પણછુપાયેલી હોય છે. ઇન શોર્ટ, કોણ ક્યારે કોના માટે ને કેમ રડે? એનું કાંઇ કહેવાય નહીં, પછી એ નેતા હોય કે અભિનેતા.

હમણાં ન્યુયોર્કમાં એન્થની વિલિઓટીએ ‘સોબ પાર્લર’ એટલે કે રડવાની ખાસ ‘જગ્યા’ બનાવી. આ ‘રૂદન પાર્લર’ની ખાસિયત એ છે કે એમાં રડવા માટે જુદી જુદી કેબિન કે નાનો રૂમ આપવામાં આવે છે, જેનું અડધા કલાક માટે ભાડું ૧૬૦૦ રૂપિયા છે. આ પાર્લરનાં હોલમાં માહોલ બનાવવા, આંસુઓની ડિઝાઈનવાળા અરીસાઓ ને ચિત્રો મૂકવામાં આવ્યાં છે. વળી, પાર્લરમાં સતત દર્દીલાં ગીતો સંભળાવવામાં આવે છે ને અહીં અમેરિકનો રોકડાં આપીને ચોધાર આંહુડા પાડવા પધારે
પણ છે.

આને કહેવાય અશ્રુઓનો ધોધમાર ધંધો !

બોલીવૂડમાં લેખક-નિર્દેશક બનતા પહેલાં, હું ૧૯૯૦ના દાયકામાં આસિસ્ટંટ ડિરેક્ટર હતો ને ત્યારે એક નિર્માતા-નિર્દેશક સાથે શિશિર મિશ્રા નામના બંગાળી લેખકની વાર્તા સાંભળવા ગયેલો. મિશ્રાજી એક કરૂણ વાર્તા સંભળાવતા સંભળાવતા એટલા ઇમોશનલ થઇ ગયેલા કે ઇંટરવલ પોઇંટ પર હીરો-હિરોઇન વચ્ચે છૂટાછેડાની વાત કરીને, રીતસર ધ્રુસકાં ભરીને રડી પડ્યા ને પોતાનાં ચશ્માં ઉતારીને ટેબલ પર પછાડ્યા, જે તરત તૂટી ગયા. સૌ સ્તબ્ધ. ઇવન, મારા પણ રુંવાડા ઊભાં થઇ ગયેલા… પણ એટલામાં જ મિશ્રાજીએ ખિસ્સામાંથી બીજા ચશ્માં કાઢીને પહેર્યાં ને આગળ સ્ક્રીપ્ટ સંભળાવવા માંડ્યા, જાણે કંઇ બન્યું જ ના હોય! ત્યારે સમજાયું કે એમનું એ રૂદન તો એક નાટક હતું!

ઇંટરવલ:
રોનેવાલોં સે કહો ઉન કા ભી રોના રો લે,
જિન કો મજબૂરી-એ-હાલાતને રોને ના દિયા.

(સુદર્શન ફાકિર)
રડવાની સામે હસવાની પણ વાત સૂઝે તો હમણાં એક ચોંકાવનારો સર્વે વાંચ્યો કે આપણે ગુજરાતીઓ બહુ ઓછું હસીએ છીએ! ખુશ રહેવામાં ગુજરાત ૧૬મા નંબરે અને ગુસ્સો કરવામાં ત્રીજા નંબરે છીએ! નવાઇ એ લાગે કે હંમેશાં ગુજરાતી નાટકોમાં ( અને હવે ફિલ્મોમાં પણ) કોમેડીની ડિમાંડ ખૂબ હોય છે. અમુક કવિ સંમેલનો, જોક- સંમેલનમાં ફેરવાઇ જાય ને જનતા વાહ-વાહ કહીને મજા લે છે. મુશાયરાનાં સંચાલકો દ્વારા શ્રોતાઓને ગંભીર કવિતાઓમાં પરાણે જકડી રાખવા મને-કમને રમૂજ પીરસાતુુંં હોય છે. જો કે, આપણાં સાહિત્યમાં ગંભીરતા કે સંબંધોનાં તાણાંવાણાંવાળો કરૂણરસનો ડ્રામા વધુ વંચાય છે અથવા સામજિક ક્રાઇમ-થ્રિલર ચાલે છે, પણ નાટક- ફિલ્મોની સરખામણીએ ગુજરાતી સાહિત્યમાં હાસ્યકથાઓ કે નવલકથાઓ પ્રમાણમાં સાવ ઓછી છે! આ હસવાનો નહીં, પણ ગંભીર સંશોધનનો વિષય છે.

જન્મતી વખતે ને ત્યાર બાદ, આપણે જીવનમાં ક્યારે ને ક્યારે તો રડીએ જ છીએ. કોઇ જાહેરમાં રડીને માન મેળવે છે, તો કોઇક રડીને મજાક બની જાય છે! આસુ એવી ચાવી છે કે જેનાંથી ભલભલાં તાળાં ખૂલી શકે છે. પલળેલી પલકો વડે દિલરૂબાનાં દિલનાં દરવાજાઓ પણ ઉઘડી શકે છે. ટ્રેજેડી કિંગ દિલીપકુમાર, જો ફિલ્મમાં ના રડે તો એમની ફિલ્મો ચાલતી નહીં અને પછી પ્રોડ્યુસરને રડવાનો વારો આવતો, પણ જ્યારે જ્યારે ફિલ્મોમાં દેવઆનંદ કે સલમાન રડે, ત્યારે પ્રેક્ષકો હસવા માંડે. એની સામે સંજીવ કુમાર, રાજેશ ખન્ના કે આમીર ખાનનું રડવું જોઈને લોકો ગળગળા થઇ જાય. બલરાજ સહાની, રાજેન્દ્રકુમાર કે એ.કે. હંગલ જેવા કલાકારો તો ઘરેથી જ ગ્લિસરીન લઇને શૂટિંગ કરવાં નીકળતાં હશે.

મીના કુમારી કે નૂતન જેવી અભિનેત્રી ફિલ્મી પડદાં પર જેટલું રડી છે એટલો તો ચેરાપૂંજીમાં વરસાદ પણ નહીં આવતો હોય.

‘અમેરિકન એકેડેમી ઓફ ઓપ્થેમોલોજી’ અનુસાર તમારી આંખો દર વર્ષે ૧૫થી ૩૦ ગેલન આંસુ વહાવે છે. ‘મર્દ કો દર્દ નહીં હોતા’ એવાં ડાયલોગ ફિલ્મમાં જ શોભે. ભલભલા પાવરફૂલ માણસને આંસુ આવી શકે છે. મહાન ફિલોસોફરો ને નિષ્ઠુર નેતાઓ પણ આંસુનાં એટેકથી બચી નથી શક્યા. માનનીય મોદીજી એકવાર અમેરિકન ઇન્ટરવ્યુમાં એમનાં સ્વ. માતાશ્રી વિશે વાત કરતાં કરતાં ગળગળાં થઈ ગયેલા.

ચીન યુદ્ધની હાર પછી જાહેર સભામાં, લતા મંગેશકરે ‘અય મેરે વતન કે લોગો’ ગીત ગાયેલું ત્યારે નેહરૂજીને હજારોની ભીડ સામે સ્ટેજ પર રડવું આવી ગયેલું.

ભૂતપૂર્વ પી.એમ. દેવેગૌડાને ખબર પડી કે તેઓ રાતોરાત વડા પ્રધાન બનવાના છે, ત્યારે એમને લાઇવ ટી.વી. પર રડવું આવી ગયેલું. ખરેખર તો નેતાઓને રડતા જોઇને ધરપત થાય કે હાશ, બેહિસાબ સત્તા હોવા છતાં પણ પણ નેતાઓમાં નોર્મલ માણસ વસે છે!

આમે ય ઇંડિયા ઈમોશનલ દેશ છે. આપણે ત્યાં તો દેવતાઓ કે ઈશ્ર્વરી અવતારો પણ માનવ દેહ ધરીને ઇમોશનલ થઇ જાય છે તો તમારું પણ ક્યારેક દિલ ભરાઇ આવે તો સાચું નહીં તો ખોટું-ખોટું રડી નાખવું. સાહિત્ય-કળા કે સાઇકોલોજીમાં જેને
‘કેથાર્સિસ’ કે લાગણીઓનું ‘વિરેચન’ કે ‘જઝબાતનો જુલાબ’ કહે છે
એટલે જ મહાકવિ ગાલિબ કહી ગયા છે: ‘રોયેંગે હમ હઝારબાર, કોઇ હમેં સતાયે
ક્યું? ’

એંડ-ટાઇટલ્સ:
આદમ: કેમ રડે છે?

ઈવ: તને પહેલીવાર શું કામ મળી એ વિચારીને!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button