ઉત્સવ

પરમ આદરણીય માણેકશા સામ! ભારતવાસી, મુંબઇ સમાચારની આપને અનંત સલામ

આજે આટલું જ -શોભિત દેસાઈ

ફિલ્મ બની છે અને રિલીઝ પણ થઇ ગઇ છે. મેં જોઇ એટલા માટે નથી કે કદાચ કોઇક જગ્યાએ મને કશુંક ખટકે અને મારા આદરભાવને નંદવાવાનું આવે જોતાં જોતાં… તો?
૧૯૧૦નું, વિભાજન પહેલાંનું મહાનતમ અને છતાં મુઠ્ઠીભર ગોરા બદમાશોના કબજામાં જકડાયેલું અખંડ ભારત. અત્યારના ભારતના વલસાડથી અત્યારના પાકિસ્તાનના લાહોર જવા ટ્રેનમાં બેઠા પારસી બાવા હોરમઝ અને એવનના બાનુ હિલ્લા. હોરમઝજીના મમ્મા-પપ્પા મુંબઇ છોડીને લાહોર હવે સ્થાયી થયાં હતાં. હોરમઝજી ડૉકટર હતા અને લાહોર જઇને પ્રેક્ટિસ શરૂ કરવાના હતા. ટ્રેનમાં બેઠા તો ખરા પણ સગર્ભા હિલ્લાને અમૃતસર પહોંચતા ટ્રેનમાં મુશ્કેલીઓ શરૂ થઇ અને અમૃતસર ઊતરી જવું પડયું. ત્યાંના ડૉકટરે તપાસીને સગર્ભાવસ્થામાં આગળ મુસાફરી કરવાની ના પાડી. હોરમઝજી અને હિલ્લાએ શિખામણ માની અને હોરમઝજી અને હિલ્લાનું પાંચમું સંતાન જન્મ્યું ત્યાં સુધીમાં ભલા ચંગા હોરમઝજીએ અમૃતસરમાં પ્રેક્ટિસ જોરદાર જમાવી દીધી હતી. તમને ખબર છે અમૃતસરમાં જન્મનાર એ પાંચમાં સંતાનનું નામ શું હતું? સામ માણેકશા.

યુવાનીમાં પહોંચતા સામને થવું’તું તો ડૉક્ટર જ પણ, લંડનથી જે બહોળો પરિવાર ધરાવતા પ્રમાણિક હોરમઝજી માટે ગજા બહારનું હોવાથી સામ અભ્યાસમાં પ્રવૃત્ત રહ્યા સાયન્સના. પણ કેમ્બ્રિજનો અભ્યાસ, જે ભારતમાં રહ્યે ત્યારે થઇ શકતો. હવે આવે છે વાર્તામાં એક ગજબનાક વળાંક…લંડનમાં મેડિસીનનો અભ્યાસ કરવા માટે નહીં જવા દેવા બદલ સામ પોકારે છે પિતા સામે બળવો અને જોડાઇ જાય છે મિલિટરી ઍકેડેમીમાં. બસ ત્યાંથી લઇને બાકીની બધી વાત તવારીખ રૂપે, ઝળહળતી તવારીખ રૂપે, ભારત દેશની અને માનેકશા પરિવારની જાજવલ્યમાન તવારીખ રૂપે મૌજૂદ છે.

ભાગલા વખતે સામ માનેકશા અને યાહ્યા ખાન (હાજી એ જ યાહ્યા ખાન જે આગળ જતાં પાકિસ્તાનના પ્રમુખ થયા) દિલ્હીમાં સાથે હતા. મિલિટરીમાં યાહ્યા ખાને સામને મગજમાં કીડો નાખ્યો પણ હતો કે પોતે તો મુસ્લિમ છે એટલે પાકિસ્તાન જશે, ભારત હિંદુઓનું બનવાનું તો સામ તો પારસી છે, ક્યાં જશે? સામ માત્ર એટલું જ બોલ્યા: હું જન્મ્યો છું અમૃતસરમાં, મુંબઇની સ્ત્રી સાથે લગ્ન કર્યા છે અને અત્યારે ફરજ બજાવું છું. દેહરાદૂન અને દિલ્હીમાં, એટલે હું પણ અન્ય કરોડો ભારતીયો જેવો જ શત પ્રતિશત ભારતીય છું સામ ભારતમાં રહ્યા તો ખરા જ, ભારતને નવો આકાર આપવામાં કેવડા મોટા નિમિત્ત બન્યા. એ વાત વિશે કોઇને કશુંય જણાવવાની જરૂર ખરી?

સામ માનેકશા, એમની અમર્યાદ યુદ્ધકિય દીર્ઘદૃષ્ટિ, એમનું આયોજનલક્ષી કૌશલ્ય અને એમની વિરાટકાય પ્રતિભાએ કેટલા લક્ષ્યાંકો સિદ્ધ કર્યા એની વાત જવા દઇએ તો ય આજના બંગલા દેશ અને કરોડો બંગલા દેશવાસીઓએ કોનો આભાર માનવો જોઇએ એ કોઇ પણ સામાન્ય જ્ઞાનની પરીક્ષામાં પુછાતો સહેલામાં સહેલો સવાલ પુરવાર થાય.

ફિલ્ડ માર્શલ સામ માનેકશાની એક અદ્ભુત, આજના મિલિટરી ‘વ્યવહાર’ના સંદર્ભમાં અલૌકિક અને લગભગ ૮૦-૮૨ની ઉંમરને અતિ ગૌરવશાળી બનાવે એવી એક વીડિયો ક્લીપનાં મેં ‘દર્શન’ કર્યાં છે, જેમાં સામ કહે છે શિસ્ત વિશે. ‘શિસ્ત એટલે તમે અન્યને એ વ્યવહાર દાખવો જે અને જેવો વ્યવહાર અન્ય તમને ધરે એવી તમે અપેક્ષા રાખો. અને સૌથી મોટી ગેરશિસ્ત એટલે સમયની આમાન્યા ન રાખવી. સમયસર ન હોવું. થોડા સમય પહેલાં હું અને મારા પત્ની એક યુનિવર્સિટીના પદવી અર્પણ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત થયાં હતાં. સાંજે પાંચ વાગે સમારોહ શરૂ થવાનો હતો અને હું, જેણે ભારતીય સૈન્યમાં ૫૦ વરસ વિતાવ્યા છે, થોડો વહેલો પહોંચવાને લીધે કમ્પાઉન્ડની બહાર ગાડીમાંથી ઊતરીને ધીમે ધીમે ચાલતો બરાબર પાંચના ડંકે હાજર થઇ ગયો નિયત જગ્યાએ. વાઇસ ચાન્સેલર અને એમનાં પત્ની અને સેક્રેટરીએ અમારા બન્નેનું સ્વાગત કર્યું, મારા વિશે થોડું બોલાયું અને ૫૦૦૦ છોકરા-છોકરીઓ સામે મને સંબોધન માટે રજૂ કરાયો.

પ્રોફેસરો, ડીન, લેકચરરો અને અમાપ શક્તિશાળી યુવા પેઢીને સંબોધવાનું શરૂ કરું એ પહેલાં ડાયસ પર હું જઇ રહ્યો છું ત્યારે ચાન્સેલર કાનમાં બોલ્યા કે પંદર દિવસ અગાઉ એક નેતાને અમે બોલાવ્યા હતા આવા જ એક ફંકશન માટે અને એમને પોડિયમ પર માત્ર ૧૫ સેક્ધડમાં જ ટોળાંએ બેસાડી દીધા હતા. મેં બોલવાનું શરૂ કયુર્ં અને ૧૦ સેક્ધડમાં બધો જ ગણગણાટ શમી ગયો. ટાંચણીભેર શાંતિ રાખીને સૌએ મને સાંભળ્યો. મારા નિયત સંપૂર્ણ સમય પૂરતું હું બોલ્યો અને બેઠો ત્યારે ૧ મિનિટ અને ૧૭ સેક્ધડનું સ્ટેન્ડિંગ ઓવેશન. કારણ? નેતા એક કલાક મોડા અને સિક્યુરિટી ફોજ સાથે આવ્યા અને સમગ્ર સમય નેતાગીરી છાંટવામાં જ વ્યસ્ત રહ્યા તેમની સાથેના એમના ચમચાઓ, નેતાજી જુઓ તો ય કંઇ બોલ્યા ન હોય તો ય વાહ વાહ કર્યે જાય. અને એમાં પાછો એમનો ખાસ નેતા છાપ અને એ ય ગુલામ ભારતના નેતા છાપ પોષાક.’ સૂટ અને ટાઇ સજજ ફિલ્ડ માર્શલ એમની સફેદ મૂંછમાં હસતાં હસતાં છેવટે એટલું જ કહે છે, ‘ફંકશન પછી યુનિવર્સિટીની લોનમાં લાઇટ રિફ્રેશમેન્ટ દરમિયાન મારી બાજુમાં ઊભેલી એક સુંદર છોકરી સાથે વાતચીત દરમિયાન મને આ બધું જાણવા મળ્યું. હું હસતાં હસતાં એ જે કહી રહી હતી એ સાંભળી રહ્યો હતો, અને મારી પત્ની અમને બન્નેને જોઇને માત્ર હું જ જોઇ શકું એવી મુસ્કાન વેરી રહી હતી, પણ સાહેબો, આ ક્લિપ જો તમે કોઇ નસીબદાર જુઓ તો તમને એ ૮૦ વર્ષના બુઝુર્ગ-બાળક, ખોડાયજીના સીઢ્ઢા મેસેન્જર ન લાગે તો મારું નામ બદલી નાખવા માટે મને જણાવી દેજો….
આજે આટલું જ…..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ