ઉત્સવ

મુંબઈમાં પાંજરાપોળની સ્થાપના રખડતા-કૂતરાઓ પ્રત્યે દયા દર્શાવવાની પ્રવૃત્તિમાંથી થવા પામી હતી

નરીમાન પોઈન્ટની પાળેથી -મૂળચંદ વર્મા

પાંજરાપોળ એટલે રખડતાં, નિરાધાર ઢોરો માટેનો આશ્રય એવો સામાન્ય અર્થં થાય છે, પરંતુ મુંબઈમાં ઈ.સ. ૧૮૩૦-૪૦ના દાયકામાં પાંજરાપોળની સ્થાપના રખડતા-હડકાયા કૂતરાઓ પ્રત્યે દયા દર્શાવવાની પ્રવૃત્તિમાંથી થવા પામી હતી. તે વખતે શેરીઓમાં તથા રસ્તાઓ ઉપર રખડતા કૂતરાઓને હડકાયા હોવાની શંકા પરથી પોલીસ સિપાઈ કે પોલીસ કોન્સ્ટેબલ ક્રૂર રીતે માર મારીને મારી નાખતા હતા. આથી મુંબઈ નાગરિકોની લાગણી દુભાઈ હતી. એમાં પારસીઓથી આ વાત સહન નહીં થઈ એટલે એમણે સરકારને પત્ર લખ્યો, પરંતુ કશી અસર થવા પામી નહીં. પોલીસો કૂતરાને મારી નાખીને ઢગલો ખડકતા રહ્યા હતા. આથી એક દિવસ પારસીઓએ આ પોલીસને પાઠ શીખવવાનો નિર્ણય કર્યો અને તેમાં કેટલાક હિન્દુઓ પણ ભળ્યા. ઈ.સ. ૧૮૩૨ના જૂન માસની ૭મી તારીખે પોલીસ સિપાઈઓ અને કોન્સ્ટેબલો ક્રૂર રીતે કૂતરાઓની હત્યા કરવા લાગ્યા ત્યારે ભેગા થયેલા પારસીઓ અને હિન્દુઓએ પોલીસોને પકડીને સારો એવો મેથીપાક જમાડ્યો અને દુકાનો ફટાફટ બંધ થઈ ગઈ અને હડતાળનું વાતાવરણ સર્જાંયું. અગ્રેજ સરકાર તો તે જમાનામાં બધું વહેમની નજરે જોતી હતી. એટલે કીડી પર કટક લઈ જવાની જેમ બેરેકોમાંથી લશ્કર કાઢીને શેરીઓમાં ગોઠવી દીધું. એટલું જ નહીં, પણ હુલ્લડ મચાવવાના આરોપસર બેફામ ધરપકડ કરી અને તેમાં પારસી-હિન્દુ શ્રીમંત અને પ્રતિષ્ઠિત શેઠિયાઓનો પણ સમાવેશ થતો હતો. શ્રીમંત માણસો તો તે જ દિવસે જામીન ઉપર છૂટી ગયા, પણ જામીન નહીં આપી શકનારાઓને ચારેક મહિના સુધી જેલમાં રહેવા પડ્યું.

મુંબઈ હાઈકોર્ટ ત્યારે સુપ્રિમ કોર્ટ તરીકે ઈસ્ટ ઈન્ડિયા કંપની સરકારના રાજમાં ઓળખાતી. સુપ્રિમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ સર હુર્બટ કેપ્ટન સમક્ષ કેસ ચાલ્યો અને આઠ પારસી તથા બે હિન્દુઓ મળી દસ જણાને તા. ૧૩મી ઑક્ટોબર ૧૮૩૨ના દિવસે તકસીરવાર ઠરાવવામાં આવ્યા હતા. એમાં ૧થી ૮ મહિના સુધીની સાદી કેદ કરવામાં આવી હતી. બે જણઓ પાસેથી રૂા. ૨૨૦૦ દંડ લેવામાં આવ્યો હતો તથા આઠ જણાંઓ પાસે રૂા. ૪૦૦થી ૧૦૦૦ સુધીની જામીનગીરી સારી વર્તણૂક માટે લેવામાં આવી હતી.

જેમની સામે પુરાવાઓ નહીં મળતાં નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા તેમાં સી. પી. ટેન્કવાળા કાવસજી પટેલ ખાનદાનના રૂસ્તમજી કાવસજી પટેલ, શ્રી ખરશેદજી નવરોજજી શેઠના અને શ્રીમંત વ્યાપારી શ્રી રામચંદ્ર ગોવિંદજીનો સમાવેશ થતો હતો.

આ પ્રકરણ આ રીતે ગંભીર બની જતાં મુંબઈના અગ્રગણ્ય પારસી અને હિન્દુ શેઠિયાઓએ એવી યોજના ઘડી કાઢી કે રખડતા કૂતરાઓને એક જગ્યાએ રાખવા માટેની વ્યવસ્થા શહેરમાં કરવી અને પોતાના ખર્ચે કૂતરાઓને પકડાવી આ જગ્યાએ રાખ્યા પછી મુંબઈની બહાર મોકલાવી દેવા. કૂતરા રાખવા માટે પાંજરાપોળનો પાયો આ રીતે નાખવામાં આવ્યો હતો. આ શેઠિયાઓએ આ યોજના અંગ્રેજ સરકારને લખી જણાવી અને તે મંજૂર થઈ ગઈ.

પાંજરાપોળ શરૂ કરવાની આગેવાની સર જમશેદજી જીજીભાઈ અને મોતીશાહના નામથી લોકપ્રિય શાહ સોદાગર શ્રી મોતીચંદ અમીચંદે શાહે લીધી. પાંજરાપોળ બાંધવા માટે ૩૩ શ્રાવકો પાસેથી રૂા. ૧,૪૧,૭૫૦ ઉઘરાવવામાં આવ્યા. પાંજરાપોળના સંચાલન માટે પૈસા એકત્ર કરવા માટેની એક અદ્ભુત યોજના ઘડી કાઢવામાં આવી કે જે કોઈને ભારે લાગે નહીં.

રૂ ઉપર સુરતી ખાંડી (વીસ મણ) લેખે ચાર આના લેવા, અફીણની પેટી દીઠ રૂા. ૧ લેવો, બહારથી આવતી ખાંડના દરેક દાગીના દીઠ રૂા. ૧ લેવો, જાવા અને મોરિશ્યસથી આવતી ખાંડના દાગીના દીઠ આઠ આના લેવા. અહીંથી લખાતી અને બહાર ગામથી લખાઈને આવતી હૂંડી ઉપર દર સેંકડે ચાર આના લેવા તથા મોતીના વેપારીઓ મુંબઈથી મોતીની ખરીદી કરે તો સેંકડે પા ટકો લેવો. આમાં અંગ્રેજ અને મુસલમાન વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો.

આ માટેની અરજ ઉપર સર જમશેદજી જીજીભાઈ, શ્રી મોતીચંદ અમીચંદ શાહ, શ્રી બમનજી હોરમસજી વાડિયા અને શ્રી વખતચંદ ખુશાલચંદ શાહની સહીઓ હતી.

પાંજરાપોળમાં માત્ર કૂતરાઓને જ નહીં, પણ રખડતાં ઢોરો કે જેમાં ગાય, બળદ, ભેંસ, બકરાં, ઘોડા વગેરેને પણ રાખવાની સગવડ હતી. આ માટે સી.પી. ટેન્ક નજીકની વિશાળ જગ્યા રૂા. ૬૧,૦૦૦થી ખરીદવામાં આવી હતી અને બાંધકામ માટે રૂા. ૧,૪૧,૭૫૦ ખર્ચવામાં આવ્યા હતા.

સર જમશેદજી જીજીભાઈ તરફથી પાંજરાપોળનો વહીવટ સોળ વરસ સુધી સંભાળવામાં આવ્યો હતો અને સોળ વર્ષમાં પાંજરાપોળ માટે રૂા. ૪,૧૫,૭૪૪ જેટલી રકમ એકઠી થઈ હતી. આ વહીવટી સમિતિ ઉપર સર જમશેદજી, શ્રી બમનજી હોરમસજી વાડિયા, શ્રી ખરશેદજી ફરેદુનજી પારખ, શ્રી હિંમતરામ, શ્રી ગંગાદાસ વ્રજભૂખણદાસ, શ્રી ઉમેદચંદ જાદવજી, શ્રી સુંદરજી નાનજી, શ્રી કાનજી ચતુર અને શ્રી રૂઘનાથદાસ બખ્શીરામ મારવાડીનો સમાવેશ થતો હતો. ભાટિયા મહાજને ઉઘરાણી કરીને વિક્રમ સંવત ૧૮૭૮માં એક મોટી રકમ એકઠી કરી આપી હતી અને તેની ઊપજમાંથી ગાયોને ઘાસચારો નાખવાની વ્યવસ્થા કરાઈ હતી.

આજે તો મહાનગર મુંબઈમાં માત્ર પાંજરાપોળ એ નામ જ રહી જવા પામ્યું છે. મુંબઈનું તે સમયનું ક્ષેત્રફળ માત્ર ૧૮૦ ચોરસ માઈલ હતું. કોલબાની દીવાદાંડીથી સાયન (શિવ) સુધી લંબાઈ ૧૫ માઈલ અને વાલકેશ્ર્વરથી માહિમની ખાડી સુધી પહોળાઈ ૧૨ માઈલની હતી. પારસી લેખક શ્રી રતનજી ફરામજી વાચ્છાએ ઈ.સ. ૧૮૭૪માં મુંબઈનું વર્ણન કવિતામાં આ રીતે કર્યું હતું.
‘મુંબઈ છે રલીયામણી
અસલથી સદા હંસતી
સઘળી વરણનાં લોક આવી,
કીધી તેમાં વસતી
એ ધરતીનું પેટ જ મોહોટું
રેહ છે બલંદ અપાર
ચોમેરથી આવતાંઓને
મલે છે સુખ સંસાર
પગતી પગતી ચહડીને
એ શહેર થાએઉં મોહોટું
અંગરેજી રાજના અમલ પહેલાં
તેવું કવચીત નો હતું.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News