ઉત્સવ

ઉત્તરાખંડનું પંચકેદાર – મહાદેવની આસ્થાઆધ્યાત્મક ને પ્રકૃતિનો સુભગ સમન્વય

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી

દેવોના દેવ ભગવાન મહાદેવ જ્યાં બિરાજમાન છે તેવા પર્વતરાજ હિમાલયની કેડીઓ પર ચોતરફ દૈવી તત્ત્વ ફેલાયેલું છે. ભગવાન શિવશંકરના નિવાસસ્થાને અપ્રતિમ અને દિવ્ય અનુભૂતિનો અહેસાસ કરાવતી વનરાજીઓ અને ખળખળ વહેતી નદી, ઝરણાઓ જાણે ઇશ્ર્વરનો સાક્ષાત્કાર કરી આવ્યા હોય એવા નિજાનંદમાં મહાલતા જોવા મળે. નાસ્તિક વ્યક્તિમાં પણ આ જગ્યા આસ્થા જગાવી જાય એટલી નિર્મળતા. સદીઓથી હિમાલય આસ્થાનું કેન્દ્ર છે. એવું ચોક્કસથી કહી શકાય કે દરેકની સમસ્યાઓનું કંઈક ને કંઈક નિરાકરણ હિમાલયનું સાંનિધ્ય માત્ર જ આપી જાય છે. અહીં તન અને મન આધ્યાત્મ સાથે આપોઆપ જોડાઈ જાય છે. ભારતીય પુરાણો અનુસાર અહીંથી જ સ્વર્ગનો રસ્તો શરૂ થાય છે અને દેવોની તપોભૂમિ છે એટલે જ ઉત્તરાખંડને દેવભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણે હિમાલયમાં બિરાજમાન ભગવાન શંકરનું સાંનિધ્ય માણીશું. આપણાં મુખ્ય ચારધામમાં આવતા કેદારનાથ મહાદેવથી આપણે સૌ પરિચિત છીએ, પરંતુ આજે આપણે પંચ કેદાર તરીકે ઓળખાતા ભગવાન શંકરના અલગ રૂપોના દર્શન કરીશું.

પંચ કેદાર જ્યાં ભગવાન શંકરના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.જેમાં કેદારનાથ, મદમહેશ્ર્વર, તુંગનાથ, રુદ્રનાથ, અને કલ્પેશ્ર્વરનો સમાવેશ થાય છે. કેદારનાથ મંદિર સાથે આ અન્ય ચાર મંદિરના સંયુક્ત સમૂહને પંચ કેદાર તરીકે ઓળખવામાં આવે છે. આ અન્ય ચાર મંદિરના રૂટમેપની વાત કરીએ તો કેદારનાથ મંદિર અને બદ્રીનાથ મંદિરના વચ્ચેના પડતા ભાગમાં આ મંદિર આવેલાં છે. ભગવાન શિવના પાંચ અંગોથી નિર્મિત આ પંચ કેદારમાં સૌ પ્રથમ કેદારનાથ અને અંતિમ કલ્પેશ્ર્વર મહાદેવ આવે છે.

કેદારનાથ જેમાં ભગવાન શિવના પીઠની પ્રતિકૃતિની પૂજા કરવામાં આવે છે.
મધ્યમહેશ્ર્વર જ્યાં ભગવાન શંકરની નાભિની પૂજા થાય છે.
તુંગનાથ મહાદેવમાં હાથની પ્રતિકૃતિમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.
રુદ્રનાથ જ્યાં ભગવાન શંકરના મુખની પૂજા કરવામાં આવે છે.
કલ્પેશ્ર્વર મહાદેવ જ્યાં ભગવાન શંકરની જટા પૂજાય છે.

આ મંદિરોનો ઇતિહાસ મહાભારતથી માંડી ને જગતગુરુ આદિ શંકરાચાર્યથી કાળ સાથે પણ જોડાયેલો છે. એવું કહેવાય છે કે મહાભારતના યુદ્ધ બાદ ભાતૃ હત્યાના પાપ નિવારણ માટે પાંડવો શ્રી કૃષ્ણની આજ્ઞા અનુસાર શિવજીની આરાધના કરે છે, પરંતુ શિવજી પાંડવોને દર્શન આપવા માગતા ન હતા તેથી તેમણે નંદીનું રૂપ ધારણ કર્યું પરંતુ પાંડવો શિવજીને ઓળખી ગયા જેવા જમીનમાં અંતરધ્યાન થવા લાગતા ભીમે એમને પકડવાનો પ્રયત્ન કર્યો જેમાં તેમના ધડનો ભાગ નેપાળના પશુપતિનાથ મંદિરમાં નીકળ્યો અને જે પીઠનો ભાગ છે તે હાલના કેદારનાથમાં પૂજાય છે.ત્યારબાદ પાંડવો એ આ મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. પંચ કેદારની યાત્રા સરળ નથી છતાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં શિવજીના સાનિધ્યમાં આવે છે.

કેદારનાથ મંદિરથી પંચકેદારની યાત્રા શરૂ થાય છે. ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગમાં મુખ્ય એવા બાબા કેદારનાથની મહિમા જ અલગ છે. લાંબા ચઢાણ પછી કોઈ પણ યાત્રી અહીં પહોંચે છે ત્યારે આપમેળે જ શ્રદ્ધાથી શીશ ઝૂકી જાય છે અને આખોમાંથી આંસુ અજાણતા જ સરી પડે તેવું દૈવી તત્ત્વ અહીં રહેલું છે. મંદિરના દ્વાર નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી બંધ રહે છે. એવું કહેવાય છે કે હાલના મંદિરનો ર્જીણોધ્ધાર આદિગુરુ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યો હતો. પાસે વહેતી મંદાકિની નદીનો પ્રવાહ અને પહાડીઓ સાથે અથડાઇને અનંત બ્રહ્માંડમાં ભળી જતો હર હર ભોલેનો નાદમાં દરેક જીવ જાણે શિવમાં ભળતો હોય તેવું ભાસતું. બાર જ્યોતિર્લિંગમાં કેદારનાથ સૌથી ઊંચાઈ પર આવેલું છે. મંદિરનું નિર્માણ સામાન્ય રીતે હિમાલય વિસ્તારમાં જોવા મળતી કાત્યુર શૈલીમાં થયેલું છે. અહીં ભગવાનની મર્હિષ સ્વરૂપની પીઠની શિવલિંગ સ્વરૂપમાં પૂજા થાય છે.

કેદારનાથથી આગળ પંચ કેદારમાં દ્વિતીય મધ્યમહેશ્ર્વર આવે જ્યાં ભગવાન શંકરની નાભિની પૂજા કરવામાં આવે છે. કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ સમાન થોડું નાનું સુંદર મંદિર આસ્થાનું કેન્દ્ર છે. લાંબો ટ્રેક કરીને આ મંદિર પહોંચવાનું હોય છે, પરંતુ રસ્તામાં આસપાસ ચોપતા વગેરે વિસ્તારોમાં ફેલાયેલા સુંદર બુગ્યાલો(પહાડો વચ્ચે આવેલા ઘાસનાં મેદાનો) અને પહાડીઓના મનમોહક નજારાઓ અનન્ય છે. અહીં રાસી ગામ સુધી વ્હીકલ જઈ શકે છે ત્યાંથી આગળ ૧૮ કિલોમીટર જેટલો ટ્રેક પસાર કરી મધ્ય મહેશ્ર્વર પહોંચવાનું હોય છે. રસ્તાઓ પર આસપાસની પહાડીઓ અને વહેતાં અનેક ઝરણાઓ વચ્ચેથી પસાર થતા આવતા નાના નાના ગામના લોકોનો મીઠો આવકાર બધું જ જીવનમાં એકવાર માણવા જેવું છે. મધ્યમહેશ્ર્વરથી આગળ બે કિલોમીટરના ચઢાણ બાદ બુઢા મહેશ્ર્વર તરીકે પૂજતું શિવ મંદિર છે જ્યાંથી ચૌખંબાનો મંત્રમુગ્ધ કરી દે તેવો નજારો જોવા મળે છે. યાત્રાળુઓ ઉપરાંત યુવાનો ખાસ કરીને આ વ્યુ જોવા આ ટ્રેક પસંદ કરે છે.

પંચ કેદારમાં આગળ તુંગનાથ મહાદેવ આવે છે જ્યાં શિવજીના હાથ અને હૃદયની પ્રતિકૃતિમાં પૂજા કરવામાં આવે છે. વિશ્ર્વનું સૌથી અધિક ઊંચાઈ પર સ્થિત શિવમંદિર એટલે તુંગનાથ. જયાં આજે પણ રામાયણ અને મહાભારતકાળના નાદ સંભળાય છે. ચોપતાથી ૪ કિલોમીટરના ટ્રેક પછી તુંગનાથ મહાદેવનું મંદિર છે. આ પગપાળા માર્ગમાંથી બુગ્યાલ (ઘાસનાં મેદાનો) વચ્ચેથી પસાર થતા લાગે કે પગે ચાલતા ચાલતા સ્વર્ગ મળ્યું, વિશ્ર્વનાં સહુથી ઊંચાઈ ધરાવતા શિવમંદિર તુંગનાથ જવા માટેનો રસ્તો અનેક સરપ્રાઇઝથી ભરેલો છે. કુદરત અહીં દરરોજ એના કેનવાસ પર અલગ અલગ રંગો ભરે છે. એવો સવાલ થાય જ કે કુદરતનો રંગોનો પટારો કેટલો મોટો હશે. તુંગનાથ ચડતા ચડતા હિમાલયની પર્વતમાળાઓને કેમેરામાં ઝડપતા વિચાર આવ્યો કે કેટલા નસીબદાર છે આ જીવ કે કુદરતના ખોળે મહાલવા મળે છે અને આપણે ઇન્ટરનેટના ઝાળામાં જ અટવાયેલા છીએ. મંદિરનું સ્થાપત્ય ઉત્તર ભારતીય શૈલી મુજબનું છે. મુખ્ય મંદિરની બાજુમાં પાર્વતીજીનું મંદિર છે એવી પણ માન્યતા છે કે માતા પાર્વતીએ શિવજીને પામવા માટે અહીં તપસ્યા કરી હતી. એ ઉપરથી જ કહી શકાય કે આ કેટલી પાવન ભૂમિ છે. આ ઉપરાંત શંકરાચાર્યએ બનાવેલ અન્ય પાંચ નાનાં મંદિરો તેમજ ભૈરવ મંદિર પણ છે.

તુંગનાથથી આગળનો પડાવ રુદ્રનાથ મહાદેવનો છે. પંચ કેદારમાં સૌથી લાંબો ટ્રેક છે જ્યાં શિવજીના મુખની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ એક માત્ર જગ્યા એવી છે જ્યાં ભગવાન શંકરના મુખની પૂજા કરવામાં આવે છે. ગુફા આકારની જગ્યામાં આગળથી મંદિર બાંધવામાં આવેલું છે આસપાસ અન્ય નાના મંદિર છે. તેમજ પવિત્ર કુંડ પણ છે. અહીંથી ત્રિશુલ, નંદદેવી ચૌખંબા વગેરે પર્વતોના સુંદર પ્રતિબિંબ ત્યાંના નિર્મળ નાનાં તળાવોમાં પડતા હોય, ઝરણાંઓનો ખળખળ અવાજ સંભળાતો હોય, હિમાલયન મોનાલ જેવા પક્ષોઓ દેખાય જતા હોય, વૈતરણી નદીનો પ્રવાહ હોય એ બધું જોઈને એવું થાય કે કુદરતની સુંદરતા મનુષ્યની કલ્પનાઓથી ક્યાંય પરે છે.

પંચકેદારમાં અંતિમ એટલે કલ્પેશ્ર્વર મહાદેવ. અહીં ભગવાનની જટાની પૂજા થાય છે તેથી આ જટેશ્ર્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. ખૂબ જ પ્રાચીન ગુફામાં બનેલા આ મંદિર પાસેથી કલ્પગંગા નદી પસાર થાય છે. આ મંદિરની ખાસિયત એ છે કે અન્ય પંચ કેદારનાં મંદિરો હિમવર્ષાના કારણે છ મહિના બંધ રહે છે પરંતુ આ મંદિરના કપાટ બારેમાસ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા રહે છે. આ પંચ કેદાર બાદ શિવજીનાં શરીરનો બાકીનો ભાગ નેપાળમાં પશુપતિનાથમાં પૂજાય છે. શિવજીએ રહેવા માટે હિમાલય જ પસંદ કર્યો એ વાત અહીં આવીને ચોક્કસપણે સમજી શકાય. ઉત્તરાખંડની યાત્રામાં કેદારનાથ અને બદ્રીનાથના આકર્ષણમાં યાત્રીઓ આ સ્થળોને ઘણીવાર નજરઅંદાજ કરી દે છે, પરંતુ થોડી ઘણી મુશ્કેલીઓ બાદ જિંદગીભરનો અવિસ્મરણીય અનુભવ મેળવવા એકવાર આ સાહસ જરૂરથી કરવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button