કવર સ્ટોરી : હવે મુત્સદ્દીગીરી સાથે મિલિટરી ઍક્શન લેવાનો સમય પાકી ગયો છે…!

-વિજય વ્યાસ
પહલગામમાં થયેલા પાકિસ્તાન પ્રેરિત-સંયોજિત આતંકવાદી હુમલાની પ્રતિક્રિયારૂપે આપણી સરકારે કેટલાક રાજદ્વારી નિર્ણયો લીધા છે,પણ એ કેટલા અંશે પાકિસ્તાનની ના-પાક હરકતોને અંકુશમાં રાખી શકે એમાં પૂરતી શંકા છે. આવા વખતે દેશની સુરક્ષા અને સ્વમાન ખાતર હવે પાકિસ્તાની આર્મી-જાસૂસી એજન્સી ઈંજઈં તેમજ આતંકી આકાઓને એક યા બીજી રીતે ટાર્ગેટ કરી સખત પાઠ ભણાવવા જ પડશે. કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે આખા દેશમાં આક્રોશ છે. આતંકવાદીઓએ પહલગામમાં વેકેશન માણી રહેલાં 28 પર્યટકની પોઈન્ટ બ્લેન્ક નિર્મમ હત્યા કરીને દુનિયાભરમાં હાહાકાર મચાવવાની સાથે આપણા દેશની સુરક્ષા સામે તો અનેક સવાલ ખડા કરી દીધા છે, પણ સાથે સાથે ફરી એ સવાલ આવીને ઊભો રહી ગયો છે કે, આ ના-પાક પાકિસ્તાન સામે કરવું શું જોઈએ, જેથી એ આવી ઘૃણાજનક ચેષ્ટા ફરી કરતાં પહેલાં સો વાર વિચાર કરે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે આતંકવાદીઓને પોષતા પાકિસ્તાન સામે કેટલાક રાજદ્વારી નિર્ણયો લીધા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960માં થયેલી સિંધુ જળ સંધિ સ્થગિત કરવી, પાકિસ્તાનીઓને વિઝા પર પ્રતિબંધ, અટારી ચેક પોસ્ટ બંધ કરવી સહિતના નિર્ણય લેવાયા છે, પણ આ પગલાંથી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ અટકે એ વાતમાં માલ નથી. આ નિર્ણયોથી પાકિસ્તાનની સામાન્ય પ્રજાને તકલીફ પડી શકે, પણ પાકિસ્તાનમાં સામાન્ય લોકોની કંઈ હૈસિયત નથી. પાકિસ્તાનમાં સરકાર છે- સંસદ છે ને સિસ્ટમ પણ છે, પણ બધાંનો દોરીસંચાર પાકિસ્તાન લશ્કરના હાથમાં છે. પાકિસ્તાન આર્મી અને તેના બગલબચ્ચા જેવી જાસૂસી સંસ્થા ઈંજઈં પાકિસ્તાનની અસલી સરકાર છે, પાકિસ્તાનીઓની અસલી ભાગ્યવિધાતા એ ગુપ્તચર એજન્સી છે.
આમ ભારત સરકારે લીધેલા રાજદ્વારી નિર્ણયોથી પાકિસ્તાની આર્મી કે ઈંજઈં ને જરાય ફરક પડવાનો નથી એ જોતાં વાસ્તવિક રીતે આ નિર્ણયોનો કોઈ અર્થ જ નથી. બીજી તરફ, પાકિસ્તાનની પ્રજા તકલીફમાં મૂકાય તો
પણ એનામાં આર્મી સામે પડવાની તાકાત નથી તેથી રાજદ્વારી નિર્ણયો અર્થહીન છે. ભારતમાં મીડિયાનો એક વર્ગ એવી વાતો ચલાવે છે કે, મોદીના માસ્ટરસ્ટ્રોકથી પાકિસ્તાન તરસ્યું મરી જશે. સિંધુ જળ સંધિ સ્થગિત થશે તો પાકિસ્તાનની હાલત કફોડી થઈ જશે. ભાજપના નેતા શાહનવાઝ હુસૈને ડંફાશ મારી કે, પાકિસ્તાન અનાજના દાણા દાણા માટે મોહતાજ થઈ જશે. આવી બધી વાતો વાસ્તવિકતાથી પર અને હાસ્યાસ્પદ છે.
માની લો કે પાકિસ્તાનમાં સામાન્ય લોકો મરી જાય તો પણ તેનાથી કોઈને કંઈ ફરક જ પડતો નથી. પાકિસ્તાનમાં આતંકવાદ એટલો બેફામ છે કે રોજ પચાસ-સો માણસો તો આતંકવાદની ઘટનાઓમાં જ ઢબી જાય છે. કોઈને આ વાત ‘કહેતા બી દીવાના ઔર સુનતા બી દીવાના’ જેવી લાગશે પણ સાચી છે. 2024માં જ આતંકવાદને લગતી ઘટનાઓમાં કુલ 32 હજારનાં મોત થયાં ને 600થી વધારે આતંકવાદને લગતી ઘટનાઓ બની છે. તેના કારણે નથી પાકિસ્તાનના શાસકોના પેટનું પાણી હાલતું કે નથી આર્મી- ISIના અધિકારીઓનું રૂવાડું ફડકતું. આપણે સિંધુ જળ સંધિ સ્થગિત કરી તેના કારણે માનો કે પાકિસ્તાનમાં બે-પાંચ લાખ લોકો પાણી વિના મરી જાય તો પણ નિંભર નેતાઓ કે આર્મીના અધિકારીઓને કશું થવાનું નથી.
આ સંજોગોમાં એક જ ઉપાય બચે છે અને આ ઉપાય પાકિસ્તાન આર્મી- ISIમાં ડર પેદા કરવાનો છે. ડર પેદા કરવા માટે પાકિસ્તાન આર્મી-ISI પર હુમલો કરવો પડે એ પણ જરૂરી નથી કે, આ હુમલો સીધા આક્રમણના રૂપમાં જ હોય. પાકિસ્તાનનું ISI આર્મી ભારતમાં જે ખેલ કરે છે એ ખેલ ભારતે પણ પૂરી મુત્સદ્દીગીરીથી કરવો પડે- પાકિસ્તાન સામે પ્રોક્સી વોર કરવી પડે. અત્યારે સ્થિતિ એ છે કે, પાકિસ્તાનના આર્મી- ISIના અધિકારીઓ રાવલપિંડી કે ઈસ્લામાબાદમાં બેઠાં બેઠાં ભારતમાં આતંકવાદ ફેલાવવાની યોજનાઓ ઘડે છે ને તેને પાર પણ પાડે છે. આતંકવાદી સંગઠનોના આકાઓ પણ મુઝફ્ફરાબાદ કે પેશાવર કે બીજા કોઈ શહેરમાં બેઠા બેઠા જિહાદના નામે ભારત સામે સતત ઝેર ફેલાવે છે તેથી આતંકવાદ ફેલાવવા માટે એમને મફતિયા માણસો પણ મળી જાય છે.
એમનું એક જ લોજિક છે આતંકવાદી હુમલાનો પ્રયાસ સફળ થાય તો તેમાં ભારતીયો મરવાના છે ને નિષ્ફળ જાય તો સામે પાકિસ્તાની મરવાનો છે, જેની એમને કોઈ ચિંતા નથી. એ લોકો નચિંત બનીને જીવે છે. ભારતે એ બધામાં ફફડાટ પેદા કરવો પડે, એમને દોડતા કરી દેવા પડે ને સતત ઉંચા જીવે જીવતા થઈ જાય એવી હાલત કરવી પડે. કાશ્મીરમાં સામાન્ય માણસ જે રીતે ગમે ત્યારે આતંકવાદના રૂપમાં મોત ત્રાટકશે એ ડરમાં જીવે છે એવો ફફડાટ ડર પાકિસ્તાની આર્મી અને આતંકવાદના આકાઓમાં પેદા કરવો પડે. એ લોકો બેઠા હોય તો પણ એવો ડર હોવો જોઈએ કે, ગમે ત્યારે પગ નીચે બોમ્બ ફૂટશે ને આપણા ફૂરચા ઉડી જશે. એમનો પરિવાર બહાર ગયો હોય તો પાછો ના આવે ત્યાં લગી ઉંચા જીવે રહેવા જોઈએ ને રાત્રે નિરાંતની ઊંઘ ના આવવી જોઈએ. ચોખલિયાઓને આ રસ્તો ના ગમે પણ નાગા સાથે નાગા થવું જ પડે. જંગમાં બધું જાયઝ હોય છે.
બીજી રીતે પણ જુઓ તો ભારત માટે અત્યારે સાનુકૂળ માહોલ પણ છે. પાકિસ્તાનમાં ચારે તરફ હોળી સળગેલી છે ને ભારત તેમાં થોડું થોડું પેટ્રોલ નાખ્યા કરે તો પણ એટલો મોટો ભડકો થાય કે આખું પાકિસ્તાન સ્વાહા થઈ જાય. પાકિસ્તાનમાં ચાર પ્રાંત છે ને કોઈ પ્રાંત એવો નથી કે જ્યાં આંતરિક વિગ્રહની હોળી ન સળગેલી હોય. બલૂચિસ્તાન, પંજાબ, સિંધ અને ખૈબર પખ્તુનવા એ ચાર પ્રાંત ઉપરાંત ઈસ્લામાબાદ ફેડરલ કેપિટલ ટેરિટરી એટલે કે કેન્દ્રશાસિત પ્રદેશ છે. સંખ્યાબંધ આદિવાસી પ્રદેશો પણ છે અને એ બધા પણ કેન્દ્રશાસિત છે મતલબ કે ત્યાં કોઈ સરકારો નથી પણ કેન્દ્રનું સીધું શાસન છે. આ બધા વિસ્તારો આતંકવાદથી ગ્રસ્ત છે. આ બધા વિસ્તારોમાં પાકિસ્તાનથી અલગ થવા સશસ્ત્ર જંગ ચાલે છે ને ભારતે ભારેલા અગ્નિ જેવા આ જંગને ભડકાવવો પડે.
આ જંગ માટે ભારતે પોતાના ગુપ્તચર તંત્રની ધાર કાઢવી પડે. આપણી ગુપ્તચર ‘રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ’ (રો) સહિતની એજન્સીને વધુ બળુકી બનાવવી પડે. ભારત નવી એજન્સી પણ બનાવી શકે. આ બધું કરવા માટે છૂટા હાથે નાણાં વેરવાં પડે, પણ તેની ચિંતા કરવાની જરૂર નથી. ભારત એ કાર્યક્રમ શરૂ કરવા માગે તો મદદ કરનારા બહુ મળી આવે. પાકિસ્તાન જે રીતે ધરાર મુસ્લિમ રાષ્ટ્રોનું આગેવાન બની રહ્યું છે તેના કારણે એ ઘણાંની આંખમાં ખૂંચે જ છે. તેના કારણે ભારતને આ પુણ્ય કાર્યમાં ઈઝરાયલની ‘મોસાદ’ જેવી સંસ્થા પણ મદદ કરી શકે. ‘મોસાદ’ પાસે જબરદસ્ત નેટવર્ક છે ને આવા જંગ કઈ રીતે લડાય તેનું જ્ઞાન પણ છે તે જોતાં ભારતે બહુ ચિંતા કરવાની જરૂર ના રહે.
ચીન સાથેની પાકિસ્તાનની ગાઢ દોસ્તી પણ ઘણાંને ખટકે છે. ચીનના જોરે છાકટું થયેલું પાકિસ્તાન કાલે ચીનના ઈશારે આપણને કનડી શકે તેવો ડર ઘણા દેશોને છે. જાપાન, દક્ષિણ કોરિયા જેવા ચીનના ઘણા દાઝેલ દેશો આ કારણે ખાનગીમાં આપણને મદદ કરી શકે. પાકિસ્તાનને નાથવા માટે અફઘાનિસ્તાન અને ઈરાન જેવા દેશો સાથે પણ ભારત ધરી રચી શકે. એ બંને દેશ પાકિસ્તાનથી ત્રસ્ત છે તે જોતાં એ લોકો તેમની ધરતીનો ઉપયોગ આપણને કરવા દઈને મદદ કરી શકે. આ બધાની સમાંતરે શત્રુ દેશના સીમાડાની અંદર ઝડપથી ઘૂસી જઈને દુશ્મનો પર આક્રમણ કરવું એને આર્મીની ભાષામાં કહીએ એવી ‘હોટ પસ્યુર્ટ’ પણ અજમાવી શકાય કે પછી પાકિસ્તાન સામે અગાઉ 2016માં આપણે ઉરીમાં સફળતાથી અજમાવેલી ‘સર્જિકલ સ્ટ્રાઈક ’નું પણ મોટે પાયે પુનરાવર્તન કરીને આતંકવાદીઓના પાકિસ્તાની અડ્ડાને નેસ્તનાબુદ કરી શકીએ. પાકિસ્તાનને સીધું કરવાનો આ જ ઉપાય છે, બીજા કોઈ નહીં.
આપણ વાંચો : કવર સ્ટોરી : કોણ મર્યાદા ઓળંગે છે સુપ્રીમ કોર્ટ કે રાજકારણીઓ?