ઉત્સવ

પાબ્લો એસ્કોબાર, ઓસામા બિન લાદેન, ચાર્લ્સ શોભરાજ…કટ્ટર ગુનેગારોની માનસિકતા કેવી હોય છે?

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

“મારી વાત ધ્યાનથી સાંભળજો તું મારા માટે કામ કરશે તો માલામાલ કરી દઈશ. જો મારું કહ્યું નહીં માને તો તારા પત્ની, બાળકો, ભાઈ-બહેન, મા-બાપ, નાના-નાની, કૂતરા-કૂતરી બધાને ખતમ કરી નાખીશ. જો તારા નાના-નાની મૃત્યુ પામ્યા હશે તો, કબરમાંથી તેમને કાઢીને ફરીથી મારીશ…
કોલમ્બિયાના નાર્કોટેરરિસ્ટ પાબ્લો એસ્કોબારે ઉપરની ધમકી લશ્કરના એક કર્નલને આપી ત્યારે કર્નલને પણ પરસેવો વળી ગયો હતો. આપેલી દરેક ધમકીનો અમલ પાબ્લો અચૂકપણે કરતો. કુટુંબને બચાવવા માટે પેલા કર્નલે પાબ્લો માટે કામ કરવાનું કબૂલ કરવું પડ્યું! એંશી અને નેવુના દાયકામાં પાબ્લો એસ્કોબારે લશ્કરના જનરલ, એકથી વધુ કર્નલ ૫૦૦ થી વધુ પોલીસો, પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહેલા બે લોકપ્રિય રાજકારણીઓ, ૨૦ થી વધુ સુપ્રીમ કોર્ટના જજો, રક્ષામંત્રી, પત્રકારો, નિર્દોષ નાગરિકો… સહિત ૪૦૦૦ વ્યક્તિઓની હત્યા કરી-કરાવી હતી. સૌ પ્રથમ વખત કોકેઈનનું ઉત્પાદન કરી દુનિયાભરમાં સપ્લાઈ કરવાનું પાબ્લોએ શરૂ કર્યું હતું. એમ કહેવાય છે કે વિશ્ર્વભરમાં સપ્લાઈ થતા ૮૦ ટકા કોકેઇનનો જથ્થો ‘મેડિનિલ કાર્ટેઇલ’ તરીકે ઓળખાતી પાબ્લોની ગેન્ગના કંટ્રોલમાં હતો.
કોલમ્બિયામાં ગરીબ ખેડૂતને ત્યાં જન્મેલા પાબ્લો એસ્કોબાર સાત ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે હતો. શરૂઆતમાં તે ઇકવાડોરથી વિદેશી સિગરેટ અને ઇલેક્ટ્રોનીકની ચીજવસ્તુઓની દાણચોરી કરી મેડિનિલ શહેરમાં વેચતો હતો. કોકેઇનના ધંધામાં કસ દેખાતાં એણે શરૂઆતમાં એકવાડોરથી કોકેઇન લાવી અમેરિકાના મિયામી શહેરમાં ઘુસાડવાનું શરૂ કર્યું. ત્યાર પછી કોલમ્બિયામાં પોતાની જ કોકેઇન ફેક્ટરીઓ નાખી. સત્તાધીશો, પોલીસ અને ન્યાયતંત્રની તકલીફ આવે ત્યારે પાબ્લો અધિકારીઓ – જજોને પૂછતો કે ‘ચાંદી કે શીશું?’ મતલબ કે, પૈસા જોઈએ છે કે મોત. પ્રમાણિક અધિકારીઓ અને ન્યાયાધિશોના કુટુંબિઓની પણ એ નિર્દયપણે હત્યા કરાવતો. પ્રમુખપદના ઉમેદવારની હત્યા કરાવવા માટે એણે વિમાનમાં બોમ્બ મૂકીને બ્લાસ્ટ કરાવ્યો હતો જેને કારણે ૧૭૦થી વધુ નિર્દોષ પેસેન્જરોનાં મોત થયાં હતાં. ૧૯૯૩ના ડિસેમ્બર મહિનામાં પોલીસ સાથેની અથડામણમાં એનું મોત થયું ત્યારે સમગ્ર કોલમ્બિયાએ નિરાંતનો શ્ર્વાસ લીધો હતો. પાબ્લો એસ્કોબાર કેથલિક ખ્રિસ્તી હતો, પરંતુ એના ધંધાઓને ધર્મ સાથે કોઈ લેવાદેવા હતી નહીં. ફક્ત અમેરિકા તડીપાર થવાના ડર, પૈસાના મોહ અને વિચિત્ર અહમને કારણે એણે પોતાના જ દેશના, પોતાના જ ધર્મના હજારો નિર્દોષોને મારી નાખી વરસો સુધી આતંક ફેલાવ્યો હતો.
૨૫ વર્ષ સુધી શ્રીલંકાના સિંહાલી અને સિંહાલીઓ તરફી તામિલિયનોને અધ્ધર શ્ર્વાસે રાખનાર વેલૂપિલ્લઈ પ્રભાકરનની ગણના વિશ્ર્વના એક સૌથી નિર્દયી આતંકવાદી સંગઠનના વડા તરીકે થાય છે. શ્રીલંકામાં રહેતા તામિલો માટે ઉત્તર-પૂર્વમાં સ્વતંત્ર પ્રદેશની માગણી સાથે પ્રભાકરને ૧૯૮૩માં એલટીટીઇની સ્થાપના કરી હતી. આર્થિક રીતે થોડા સમૃદ્ધ કુટુંબમાં જન્મેલા પ્રભાકરનના પિતા મંદિરોનો વહીવટ સંભાળતા હતા. યુવાઅવસ્થાથી જ પ્રભાકરન માનવા માડ્યો હતો કે શ્રીલંકન સરકાર ત્યાંની તામિલ પ્રજા સાથે અન્યાય કરી રહી છે. શરૂઆતમાં એ સાથીદારો સાથે મળીને મેદનીને સંબોધન કરતો. ત્યાર બાદ એણે અંગત લશ્કરની સ્થાપના કરી. યુવાન-યુવતીઓને હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપીને શ્રીલંકન સરકાર સામે યુદ્ધની ઘોષણા કરી. વર્ષો સુધી હજારો નિર્દોષોને બોમ્બ-બંદૂક વડે મારીને આતંક ફેલાવ્યો. પોતાના શરીર પર બોમ્બ બાંધીને વિરોધીઓને ઉડાવતાં ઇસ્લામિક સ્યૂસાઇડ બોમ્બરો વિશે આપણે ઘણું સાંભળ્યું-વાંચ્યું છે, પરંતુ સ્યૂસાઇડ બોમ્બરોની ‘શોધ’ પ્રભાકરને કરી હતી. ૧૫-૧૭ વર્ષની તામિલ યુવતીઓ શરીર પર બોમ્બ બાંધીને ટાર્ગેટ સુધી પહોંચી પોતાની જાતને ઊડાવી દઈ હાહાકાર મચાવી દેતી. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા પણ આ રીતે સૂસ્યાઈડ બોમ્બર યુવતી ધનોએ જ કરી હતી. જોકે પ્રભાકરન છેવટ સુધી એમ કહેતો રહ્યો હતો કે રાજીવ ગાંધીની હત્યામાં એનો હાથ નથી, પરંતુ એ એક આંતરરાષ્ટ્રિય કાવતરુ હતું. પ્રભાકરનની ગણના વિશ્ર્વના એક સૌથી ઘાતક ગેરીલા તરીકે થતી. એનામાં અફઘાનિસ્તાનના અહમદ શાહ મસૂદ જેવી યુદ્ધકળા, ઓસામા બિન લાદેન જેવું ઘાતકીપણુ અને લેટિન અમેરિકન ઉગ્રવાદી ચે ગૌવારા જેવી દૃઢ માન્યતા હતી.
કેટલાકના મતે પ્રભાકરન જરાય ધાર્મિક નહોતો અને કાર્લ માર્ક્સ, સુભાષ ચન્દ્ર બોઝ તેમ જ ભગતસિંહનો ચાહક હતો.
ઓસામા બિન લાદેનના અંત પછી આજે સમગ્ર વિશ્ર્વ માટે સૌથી જોખમી આતંકવાદી, આઇસીસનો વડો અબુ બક્ર-અલ-બગદાદી ગણાયો. અમેરિકાએ એના માથા માટે ૨.૫ કરોડ ડૉલરનું ઇનામ જાહેર કર્યું હતું. ઇરાકમાં જન્મેલા બગદાદીના પિતા અને દાદા ખેડૂત હતા. યુવાનીમાં બગદાદી પોતે વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ આપતો હતો. ઇરાકની યુનિવર્સિટીમાંથી એણે કાયદાની ડિગ્રી લીધી હતી અને કુરાનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો.
આઈસીસના વડા બનતા પહેલા બગદાદી ‘ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક’ (આઇએસઆઇ)નો વડો હતો એણે સૌથી પહેલું ઓપરેશન ૨૦૧૧થી ૨૮મી ઓગસ્ટે હાથ ધર્યું હતું. બગદાદની ઉમ અલ- કૂરા મસ્જિદમાં સ્યુસાઇડ બોમ્બર મોકલીને સૂન્ની રાજકારણી ખાલિદ અલ-ફહદાવી સહિત ઘણાની હત્યા કરાવી હતી. નવાઈની વાત એ છે કે અબુ બક્ર બગદાદીએ ત્યાર પછીનાં વર્ષોમાં બોમ્બ, સ્યૂસાઇડ બોમ્બ, રોકેટ લોન્ચર અને બીજાં હથિયારો મારફતે ઇરાક કે મોસુલમાં જે હત્યાઓ કરાવી એમાં મરનાર મોટા ભાગના બધા જ મુસ્લિમો હતા.
બગદાદીની ક્રૂરતાનો ભોગ બનનારાઓમાં પણ બિન મુસ્લિમો કરતાં મુસ્લિમો વધારે રહ્યા છે. ખલિફાત દ્વારા સમગ્ર વિશ્ર્વમાં ઇસ્લામિક શાસન સ્થાપવાની વાતો કરનાર આઇસીસ, આજે ઇસ્લામિક દેશો માટે જ સૌથી વધુ જોખમી બની ગયું છે.
છેલ્લા ૩૦ વર્ષથી ભારતનો મોસ્ટ વોન્ટેડ અપરાધી દાઉદ ઇબ્રાહિમના પિતા પોલીસ કર્મચારી હતા એ જાણીતી વાત છે. દાઉદ પોતે પણ ધાર્મિક રીતે ખાસ કટ્ટર નહોતો અને દુબઈથી પાકિસ્તાન ભાગતા પહેલાં એના મોટાભાગના શાર્પ શૂટર્સ હિન્દુ હતા. પાકિસ્તાન જઈ ૧૯૯૩માં એણે મુંબઈમાં બોમ્બ ધડાકાઓ કરાવીને ૨૫૦ થી વધુ નિર્દોષોને મરાવ્યા એ પહેલાં એનો દરેક ગુનો પૈસા માટે થતો હતો. ડ્રગ્સની દાણચોરી, ખંડણી, સટ્ટાખોરી… વગેરે દ્વારા પૈસા કમાતી વખતે કોમ કે ધર્મ વચ્ચે આવતા નહોતા. આજે દાઉદ ઇબ્રાહિમ ભારતમાં સૌથી વધુ ધિક્કારાતો ગુનેગાર છે.
આપણે ત્યાં સામાન્ય રીતે એવું મનાય છે કે ઘાતકી, સંવેદનાહિન ઘાતકી ગુનેગારો-હત્યારાઓ જન્મથી આવા નથી હોતો. ક્યાં તો સામાજિક વાતાવરણ, ઉછેરમાં ખામી કે બાળપણમાં સહન કરેલા કેટલાક અસહ્ય અત્યાચારોના પ્રત્યાઘાતરૂપે પાબ્લો એસ્કોબાર કે દાઉદ ઇબ્રાહિમ પેદા થાય છે. ઉપરના ઉદાહરણરૂપે જોયા એ વિશ્ર્વભરના કુખ્યાત ક્રિમિનલ્સ સિવાય બીજા સેંકડો એવા ઘાતકી હત્યારાઓ દુનિયાએ જોયા છે કે જેમનું બાળપણ એકદમ જ નોર્મલ રહ્યું હોય. ઉછેર બાબતે પણ કોઈ ખામી જણાય નહીં હોય. આર્થિક તકલીફો પણ અનુભવી નહીં હોય. ધાર્મિક કટ્ટરતા પણ નહીંવત હોય. ફોર્બ્સ મેગેઝિને પાબ્લો એસ્કોબારને દુનિયાના ટોપ દસ ધનિકોમાંનો એક ગણાવ્યો હતો. સરકારે પણ એકથી વધુ વખત એની સમક્ષ ઘૂંટણ ટેકવ્યા હતા, છતાં અંત સુધી એનો આતંક ચાલુ રહ્યો. ઓસામા બિન લાદેન અતિ ધનિક અને એન્જિનિયર હતો. આતંકવાદ અને હત્યારાઓની વકીલાત કરનારા ઘણા અબૂધો એવી દલીલ કરે છે કે, આતંકવાદ કે નકસલવાદનું મૂળ ગરીબી અને અજ્ઞાનતામાં છુપાયેલું છે. કદાચ આવા બધાએ ચાર્લ્સ શોભરાજ કે રામન રાઘવ વિશે કોઈ અભ્યાસ કર્યો લાગતો નથી.

અમેરિકાનાં કેટલાક મનોચિકિત્સકોએ સંશોધન કર્યું કે ગુનેગારોની માનસિકતા બીજા સામાન્ય વ્યક્તિઓ કરતાં કઈ રીતે અને શા માટે જુદી હોય છે? શું ક્રિમિનલ માનસિકતા ધરાવનારાઓ ઉપર કહ્યા એ પ્રમાણેનાં કારણોસર ગુનેગાર બને છે કે જન્મથી જ એમના મગજ કે જીન્સ કોઈક રીતે જુદા હોય છે?

સેંકડો સિરિયલ કિલર્સ, કિડનેપર્સ, બળાત્કારીઓ, બાળશોષણખોરો…
વગેરેના શારીરિક અને માનસિક પ્રોફાઇલ એમણે તૈયાર કર્યા. જે ગુનેગારો હયાત હતા એમના સાયકોલોજીકલ ટેસ્ટ લઈ એમઆરઆઈ દ્વારા મગજની તસવીરો પણ લીધી. ‘નેચર વર્સિસ નર્સિંગ’ના અભ્યાસ તરીકે ઓળખાયેલા આ અભ્યાસમાં કેટલાંક ચોંકાવનારાં તારણો નીકળ્યાં. ઇનસાઇડ ‘ધ ક્રિમિનલ માઇન્ડ : ટેન ફેસિનેટિંગ ફાઇન્ડિંગ એબાઉટ ધ બ્રેઇન્સ ઓફ ક્રિમિનલ્સ’ નામના અભ્યાસપત્રમાં અમેરિકન ડૉક્ટરોએ આ વિશે લખ્યું છે. ગુનેગારોના મગજનો સ્કેન કરી અભ્યાસ કરતા જાણવા મળ્યું કે : આપણા મગજના ઓરબિટ કોરટેક્સ નામનો ભાગ સંવેદનશીલતા, ઉત્તેજના, નૈતિકતા… જેવી લાગણીઓ પર કાબૂ રાખે છે. ગુનેગારના મગજમાં આ ભાગમાં એક્ટિવિટી ખૂબ ધીમી જોવા મળી. એ જ રીતે કાયદાને અવગણનાર કે અસામાજિક પ્રવૃત્તિ કરનારના મગજમાં આ સ્થાને ૧૮ ટકા જેટલો અભાવ જોવા મળ્યો. અમેરિકામાં થતી હત્યાઓમાંથી ૯૦ ટકા હત્યા પુરુષો કરે છે. હિંસક વ્યક્તિઓમાં ‘વોરિયર જીન’ તરીકે ઓળખાતા જીનનું પ્રમાણ વધુ હોય છે. અભ્યાસમાં પુરુષોમાં આ પ્રમાણ સ્ત્રીઓ કરતાં ૩૦ ટકા વધુ મળ્યું. ગુનેગારોનું મગજ ઓછું વિકસિત નથી હોતું, પરંતુ એનો વિકાસ અલગ રીતે થતો હોય છે. સંશોધનમાં સૌથી અગત્યનું તારણ એ હતું કે જે લોકોનું મગજ ગુનાહિત હોય છે તેઓ કદી બદલાતાં નથી. વન્સ અ ક્રિમિનલ ઓલવ્હેઝ અ ક્રિમિનલ.
ટૂંકમાં કહીએ તો હવે નકસલવાદીઓ, આતંકવાદીઓ કે બળાત્કારીઓના બચાવ માટે એમના ઉછેર, સામાજિક વાતાવરણ કે આર્થિક અસમાનતા કે જવાબદાર ઠરાવવાનું બંધ થવું જોઇએ. કમ સે કમ અમેરિકામાં થઈ રહેલા વૈજ્ઞાનિક અને માનસશાસ્ત્રીય સંશોધનો તો એવું જ કહી રહ્યાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ… આટલી મોંઘી કુર્તી પહેરીને પપ્પાના ખોળામાં મસ્તી કરતી દેખાઈ Raha Kapoor…