ઉત્સવ

આપણા વડવાઓને જનરેશન ગેપ નડ્યો હશે?

કેન્વાસ -અભિમન્યુ મોદી

(ગતાંકથી ચાલુ)
જનરેશન ગેપ એક શાશ્ર્વત પડકાર રહ્યો છે. જનરેશન ગેપ તો એક લેન્સ પણ છે,

જેના થકી પરિવારો અને સમાજમાં વિકસતી રહેલી ને ઉત્ક્રાંતિ પામેલી ગતિશીલતાનું નિરીક્ષણ કરી શકાય છે. તફાવત અનેક રીતથી પ્રગટ થતો રહે છે, જે પરંપરા અને આધુનિકતાને પ્રતિબિંબિત કરે છે. મૂલ્યો અને માન્યતામાં તફાવતોથી લઈને ટેકનિકલ કૌશલ્યો અને સાંસ્કૃતિક વલણની અસમાનતા સુધી દરેક પેઢી પોતાની સાથે પોતાની સૂઝ-પોતાની વિચારધારા લાવે છે. બીજી તરફ, જૂની પેઢી વારંવાર પરંપરાગત રિવાજ અને સામાજિક ધોરણને વળગી રહે છે. આને લીધે એ બે પેઢી વચ્ચે સતત એક વૈચારિક ટક્કર ચાલુ રહે છે. પરંપરા અને આધુનિકતા વચ્ચેનો આ તણાવ કેટલીકવાર પડકારજનક પણ પુરવાર
થાય છે.

આમ છતાં આવા તફાવત વચ્ચે સંવાદ અને સમજણ ઉપરાંત બે પેઢી વચ્ચે સંવાદ સંધાય અને પરસ્પરના આદરને પ્રોત્સાહન મળે એવી તક ઊભી કરવી જોઈએ… અને અત્યારના આધુનિક સંદેશાવ્યવહારના માધ્યમ થકી અને વિવિધ પરિપ્રેક્ષ્યોને સ્વીકારવાની તૈયારી દ્વારા બન્ને પેઢી વધુ જરૂર નજીક
આવી શકે..

અમુક ઉદાહરણ લઈએ. પેઢી દર પેઢી ફેશન ટ્રેન્ડસ ચેન્જ થતા રહે જ છે. એમાં વડીલો દ્વારા નવી પેઢીને ગમતા કપડાની લંબાઈ ને ડિઝાઈનને લઇને ગોકીરો કરવાથી વિખવાદ વધે છે. યુવા પેઢી પાસે પોતાનું રક્ષણ કરવાની આવડત છે, પ્રોટેક્શનના નામે એમને પીંજરામાં પૂરવાની વાત ખોટી છે. નવી પેઢીને ગમતી વાતોમાં જૂની પેઢી પણ રસ લે એ તે જરૂરી છે. એમના ફેવરિટ ટાઈમપાસ-ગેમ્સ, રખડવું, ઈત્યાદિ વિશે વડીલોએ સમજવું પડે. એમને પણ ધીમે ધીમે સમજાશે કે જુવાનિયાઓમાં પણ દિલ ધબકે છે. એ પણ લાગણીશૂન્ય નથી. એમને પણ તમારી પરવાહ છે, બાકી બાળકને અમે ઉછેરેલા માટે એ ઘડપણમાં અમારી સેવા કર્યે જ રાખે’ એવો વડીલોનો હઠાગ્રહ વધુ પડતો છે
હવે વાત યુવાનોની…. તો એમનો વાંક નથી એવું નથી . તેમનો પણ મોટો વાંક છે. નવી પેઢીએ તે સમજવું પડશે કે મા-બાપ કે દાદા-દાદી તમે નાના હતા ત્યારથી તમારું ધ્યાન રાખે છે તો એ એમની મજબૂરી નહિ પણ એમનો પ્રેમ હતો. અને તમે એમના પ્રેમને ટેક્ન ફોર ગ્રાન્ટેડ લઇ લો તો એ તમે પાપ કરી રહ્યા છો. આપણે જેના લીધે આ પૃથ્વી ઉપર છીએ, જેમના કારણે મોટા થયા અને ઉછર્યા એ ફક્ત એક યોગાનુયોગ નથી તે વડીલોની દિવસ-રાતની અથાગ મહેનત પણ છે. ઓફ કોર્સ, એનો મતલબ એ નથી કે તમે વડીલોના ગુલામ બની જાઓ, પણ એમની સાથે થોડો સમય તો વિતાવો. એમની વિચિત્ર કે જુનવાણી લાગતી બાબતોનું બેકગ્રાઉન્ડ તો ચકાશો.

આપણે ગમે તેટલા મોડર્ન થઇ જઈશું કે ટેકનોલોજી વાપરવા માંડશું પણ જે અનુભવ વડીલો પાસે છે એ આપણી પાસે નહિ જ હોય. સમય ભલે બદલાય છે, પણ માણસોની વૃત્તિઓ નથી બદલાતી માટે સિનિયર સિટીઝનના અનુભવો હંમેશાં કામ આવશે. તમારી પાછળ સમય-
શક્તિ-નાણાં ખર્ચવા પાછળ તે લોકોએ જે તે સમયે કઈ જ નથી વિચાર્યું તો તમને પણ એમની પાછળ કઈ પણ કરતા વિચાર ન આવવો જોઈએ. આ બાર્ટર સીસ્ટમ નથી, પણ એ આપણાં સંસ્કાર છે- ઉછેર છે. માનવતાનો તકાજો છે.

યુવા પેઢીએ એ ન ભુલવું જોઈએ કે આપણી લાઈફસ્ટાઈલ અને આપણું પ્રવર્તમાન વાતાવરણ વડીલો એની યુવાનીમાં હતા ત્યારના વાતાવરણ કરતાં ઘણું દૂષિત છે અર્થાત આપણે વહેલા બુઢા થશું એનો મતલબ એ જ કે જે એમની આજ છે એ આપણી આવતીકાલ હશે. અને એ ન ભૂલતા કે આપણી એ આવતી કાલને સુરક્ષિત રાખવાની તૈયારી આપણે આજથી કરવી પડશે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button