ઉત્સવ

આજે આટલું જ: ઓશોના અનુયાયીઓની અદ્ભુત હિન્દી (૩)

શોભિત દેસાઈ

સુંદરીની લાશ જેતવનમાં મળ્યા બાદ………… ધર્મગુરુઓએ રાજાને કહ્યું: જુઓ… આ મહાપાપ. પોતાના પાપને છુપાવવા માટે ગૌતમ આ મહાપાપ કરવાથી પણ ન ચુક્યો… અને એ ધર્મગુરુઓ નગરની ગલીઓમાં ઘૂમી ઘૂમીને ગૌતમની નિંદામાં પ્રવૃત્ત થઈ ગયા. ભગવાનના ભિક્ષુઓનું ભિક્ષાટન પણ કઠણ બનવા માંડ્યું. ભગવાન પાસે હવે તો માત્ર દુઃસાહસીઓ જ જઈ શકતા અને ભગવાને આ બધા ઉપર શું ટિપ્પણી કરી!… ભગવાને કહ્યું: ભિક્ષુઓ, અસત્ય અસત્ય જ છે અને રહેવાનું છે. તમે ચિંતા ન કરો. સત્ય પોતે ખુદની રક્ષા કરવા સમર્થ છે. પાછા સત્યના સ્વયંને પ્રગટ કરવાના પોતાના જ માર્ગ છે, નોખા માર્ગ છે. તમે બસ શાંતિ રાખો, ધૈર્ય રાખો, ધ્યાન ધરો અને બધું સહન કરો. આ સહન કરવું સાધના છે. શ્રદ્ધા ન ગુમાવો. શ્રદ્ધાને આ અગ્નિમાંથી પણ ગુજરવા દો. આ અપૂર્વ અવસર છે. આવા અવસરો ઉપર જ કસોટી થાય છે. શ્રદ્ધા ઔર જાજવલ્યમાન થઈને પ્રગટે છે. સત્ય હંમેશાં જીતે જ છે…

આ પણ વાંચો: આજે આટલું જ : ઓશોના અનુયાયીઓની અદ્ભુત હિન્દી (2)

અને થયું પણ એમ જ. સપ્તાહના પૂરા થતા થતાંમાં જ જે ગુંડાઓએ સુંદરીને મારી નાખી હતી એ પીઠામાં શરાબની મસ્તીમાં બધું બોલી ગયા. સત્યએ એ રીતે પોતાને પ્રગટ કરી જ નાખ્યું તથા કથિત ધર્મગુરુઓ અત્યંત નિંદિત થયાં અને ભગવાનની કીર્તિ બીજી હજાર ગણી થઈ ગઈ. પણ યાદ રહે કે ભગવાન કંઈ ન બોલ્યા તે કંઈ જ ન બોલ્યા. સત્યને પોતાને જ બોલવા દીધું. અંતમાં એમણે ભિક્ષુઓને એટલું જ કહ્યું: અસત્યથી સદા સાવધાન રહેજો. એની ક્યારેય જીત થઈ નથી કે થવાની નથી…

આ પણ વાંચો: આજે આટલું જ : ઓશોના અનુયાયીઓની અદ્ભુત હિન્દી…

અત્યાર સુધીની આખી વાર્તા ઓશોના અનુયાયીએ લખીને ઓશોને આપી હતી. હવે ઓશો પોતે વિહંગાવલોકન આખી વાર્તા પર ફરમાવે છે કે આ વાર્તા ગૌતમ બુદ્ધ સાથે ઘટી, ન ઘટી એનું બહુ મહત્ત્વ નથી, કારણ કે આ એવી વાર્તા છે જે કાયમ માટે બધા જ બુદ્ધિોની સાથે ઘટી રહી છે. આ કથા અનૂઠી છે. આ કથામાં મનુષ્યના મનનો આખો રોગ છુપાયો છે. જ્યારે જ્યારે ભગવતા કશેક પ્રકટ થાય છે તે અડચણ શરૂ થાય છે. અડચણનું પહેલું તો કારણ એ છે કે ધર્મના નામે જે પરંપરા જડ થઈ જાય છે, ધર્મના નામે જે માન્યતાઓ લોકોના ચિત્તમાં દૃઢ થઈ જાય છે, એ જ ધારણાઓ ધર્મની વિરોધી છે. જ્યારે જ્યારે નવો ધર્મ પેદા થશે ત્યારે ધર્મની ખરી ટક્કર અધર્મથી નહીં થાય. અધર્મનું તો કોઈ સામર્થ્ય જ નથી કે ધર્મથી ટક્કર લે. ધર્મ ટકરાય છે જુઠા ધર્મથી, મરેલા ધર્મથી… જીવંત ધર્મની ટક્કર થાય છે મૃત ધર્મથી. સંઘર્ષ ધર્મ અને અધર્મનો નથી. સંઘર્ષ સદાથી ધર્મ અને ધર્મના નામે ચાલતા કહેવાતા ધર્મ વચ્ચે છે. બુદ્ધપુરુષોનો વિરોધ નાસ્તિકોએ નથી કર્યો. બુદ્ધપુરુષોને અવરોધ્યા છે કહેવાતા તથાકથિત આસ્તિકોએ. વિરોધ એમનો નથી જે ભગવાનમાં નથી માનતા. વિરોધ એમનો છે જે ખોટા, જુઠ્ઠા ભગવાનોને માને છે. વિરોધ એમનો છે જે ધર્મના નામે શોષણ કરે છે. ધર્મના દલાલો, આડતિયાઓ, middlemen…

હમ જૈસે એહલે નઝર કો સુબુત-એ-હક કે લીયે અગર રસૂલ ન હોતે તો સુબહ કાફી થી
–જોશ મલીહાબાદી

(અમારા જેવી વિશિષ્ટ દૃષ્ટિ ધરાવતા લોકો માટે ભગવાન છે એના પુરાવા તરીકે જો ધર્મગુરુઓ ન હોત તો સવાર પૂરતી હતી)
આજે આટલું જ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button