ઑપરેશન તબાહી-૫૭
‘પણ… વડા પ્રધાને ઇઝરાયલને ફ્યુલ આપવાનો ઇનકાર કરીને મારી જીદને ઇંધણ પૂરું પાડ્યું,’ ગોપીનાથ રાવે કહ્યું
અનિલ રાવલ
રાતે લગભગ બાર વાગ્યે તબરોઝાના મિલિટરી મથકમાં તમરાં બોલી રહ્યા હતા. સજ્જડ પહેરો ભરીને થાકેલા પાક સૈનિકો અને ચુનંદા કમાન્ડોની ચહલપહલ થોડી મંદ પડી ગઇ હતી ત્યારે બ્રિગેડિયર મિર્ઝાના ક્વાર્ટરમાં, પીળા પ્રકાશના અજવાળામાં કબીરનો ઝાંખો પડછાયો હરફર કરી રહ્યો હતો. કબીરે દબાયેલા પગલે રસોડામાં જઇને ખૂણામાં પડેલી કોઠી પરથી કોથળો હટાવ્યો…બટાટાના થરની નીચે હાથ નાખીને રાહુલે જમા કરી રાખેલા હેન્ડ ગ્રેનેડ કાઢ્યા. પછી બેગમાંથી દારૂગોળાના બનાવેલા ટેટાનો પટ્ટો કમરે બાંધ્યો. કમરે બાંધેલા દારૂગોળાની નાનકડી સ્વીચ પેન્ટના ખિસ્સામાં સરકાવી. ઉપર ઓવરકોટ પહેરી લીધો. ઓવરકોટના તમામ ખિસ્સાઓમાં એક પછી એક હેન્ડ ગ્રેનેડ મુક્યા. હળવેથી દરવાજો ખોલીને બહાર આવ્યો. એની ચિત્તા જેવી નજર આસપાસ નજર ઘૂમાવી. દૂર કેટલાક સૈનિકો ચોકી પહેરો ભરી રહ્યા હતા. એની નજરથી બચીને એ ન્યુક્લિયર પ્લાન્ટ તરફ આગળ જવા લાગ્યો. અચાનક પહેરો ભરી રહેલા સૈનિકોમાંથી એકની નજર કબીર પર પડી. એણે કબીરને પડકાર્યો. કબીરે બીલકુલ ગભરાયા વિના ચિત્તાની ચાલે ચાલવાનું ચાલુ રાખ્યું.
‘કૌન હૈ… રૂક જાઓ.’ સૈનિકે કહ્યું. અવાજ સાંભળીને સાબદા થયેલા બીજા ચાર-પાંચ સૈનિકો એકઠા થઇ ગયા. ત્યાં સુધીમાં કબીર પ્લાન્ટ નજીક પહોંચી ગયો. ‘મૈં બ્રિગેડિયર મિર્ઝા.’ ત્રાડ પાડીને એણે ઓવરકોટના ખિસ્સામાંથી હેન્ડ ગ્રેનેડ કાઢીને એમની તરફ ફેંક્યો. સૈનિકોના ચીથરાં ઊડી ગયાં. એક પ્રચંડ વિસ્ફોટ સાથે આખું તંત્ર હલી ગયું. હો હા મચી ગઇ. સૌને એલર્ટ કરી દેવા સાયરન વાગ્યું. સિક્યોરિટીવાળાઓની વ્હિસલો વાગવા લાગી. ફફડી ઉઠેલાં પક્ષીઓ ઝાડ પરથી ઊડીને નાસવા લાગ્યાં. કમાન્ડો અને સૈનિકોના હાથની આંગળીઓ ગનની ટ્રીગર પર ગોઠવાઇ ગઇ. બધાએ અવાજ અને ધુમાડાની દિશામાં દોટ મૂકી. કબીરે પ્લાન્ટના દરવાજાની બહાર હેન્ડ ગ્રેનેડ ફેંક્યો… પ્લાન્ટની બહારથી ગોળીબાર કરી રહેલા સૈનિકો ઉછળીને દૂર ફેંકાઇ ગયા. હેન્ડ ગ્રેનેડથી બચવા પાછળથી લપાતા-છૂપાતા આવી રહેલા પાક સૈનિકો અને કમાન્ડોનો અંધાધૂંધ ગોળીબાર ચાલુ હતો. કબીરે પાછળ ફરીને રિવોલ્વરમાંથી ગોળીઓ છોડી… પછી હેન્ડ ગ્રેનેડ એમની પર ઝીંક્યો… કેટલીક ચીખ ધુમાડાને ચીરીને ઉપર ઉઠતી રહી. અંધારાને ઘેરી વળેલા ધુમાડામાં પાકિસ્તાની સૈનિકોને કઇ દિશામાં ગોળીબાર કરવો એ પણ સૂઝતું નહતું. તેઓ માત્ર ધડાકાની દિશામાં ગોળીઓ છોડતા હતા.
ધડાકા અને ગોળીબારના અવાજથી ભયભીત બનેલા અણુ વિજ્ઞાનીઓ પ્લાન્ટની બહાર ધસી આવ્યા. કબીરે એક બૉમ્બ એમની પર ફેંક્યો. ફુરચા ઊડી ગયેલા અણુ વિજ્ઞાનીઓમાં ડૉ. ઝકરિયાનો સહાયક ડૉ. યુસુફ અલી પણ હતો. કબીર ગોળીબારથી બચવા લોખંડના તોતિંગ દરવાજાની પાછળ છૂપાઇ ગયો. પાક સૈનિકોની ગોળીઓ લોખંડના દરવાજાને અથડાઇને વિચિત્ર અવાજ કરતી રહી ને કબીરના હેન્ડ ગ્રેનેડ પાક સૈનિકોનો ખાતમો બોલાવતા રહ્યા. થોડીવારમાં સન્નાટો છવાઇ ગયો. એણે બહાર ડોકું કાઢ્યું ને એક ગોળી એના કાનની બાજુમાંથી પસાર થઇ ગઇ. એણે એક હેન્ડ ગ્રેનેડ ફેંક્યો. ફરી શાંતિ છવાઇ ગઇ. અચાનક એને પ્લાન્ટમાં પાછળના ભાગેથી કોઇના આવવાનો અવાજ આવ્યો. ઓચિંતી એક ગોળી છૂટી. એ દોડીને લોખંડના કબાટની પાછળ જતો રહ્યો. ધુમાડાને ચીરતા બે-ચાર સૈનિકો આગળના દરવાજામાંથી પ્રવેશ્યા અને પાછળ ઊભેલા બીજા બે-ચાર કમાન્ડો કબીરના શરીરની ચારણી કરી નાખવા તૈયાર હતા. કબીર ઘેરાઇ ચુક્યો હતો. એણે એક સળિયો લઇને અલગ દિશામાં ફેંક્યો. એનો અવાજ સાંભળીને સૈનિકોએ એ બાજુ ગોળીઓ વરસાવવાની શરૂઆત કરી કે તરત જ કબીરે હેન્ડ ગ્રેનેડ ઝીંક્યો. દરમિયાન એ સરકીને મુખ્ય પ્લાન્ટની નજીક પહોંચી ગયો. સામે ધસી આવેલા કમાન્ડોને જોઇને કબીરે ઓવરકોટ કાઢીને ફગાવી દીધો… અને દુશ્મનની ગોળી એને વિંધી નાખે તે પહેલાં એણે સ્વીચ દાબી. ‘જય હિન્દ’નો જય ઘોષ ભડભડ બળતા ન્યુક્લિયર પ્લાન્ટમાં ગૂંજી ઊઠ્યો. પ્લાન્ટમાં એક પ્રચંડ ધડાકો થયો. એ ગગનભેદી વિસ્ફોટ પછી પણ થોડી થોડી વારે નાનામોટા ધડાકા થતા રહ્યા… આકાશને આંબી જતા આગના લબકારા દૂર સુધી દેખાતા રહ્યા. તબરોઝા અને આસપાસનાં ગામો પર ધુમાડાનું ઘેરું ધુમ્મસ ફરી વળ્યું. દૂરથી એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના બંબાઓનો અવાજ સંભળાઇ રહ્યો હતો. આખોય ન્યુક્લિયર પ્લાન્ટ ભસ્મીભૂત થઇ ગયો… કબીરે શહીદી વહોરીને ન્યુક્લિયર બૉમ્બ બનાવવાના પાકિસ્તાનના સપનાને દફનાવી દીધું.
****
ગોપીનાથ રાવની કેબિનમાં ફોનની ઘંટડી રણકી… એમણે ચીલઝડપ મારીને ફોન ઊંચક્યો. સામેથી અવાજ આવ્યો: ‘સા’બ, શાદી મુબારક.’
કાસિમભાઇએ ફોન મૂક્યો અને ફોટો સ્ટુડિયોના અંધારિયા ડાર્કરૂમમાંથી બહાર આવીને રાતના અંધારામાં અલોપ થઇ ગયા. ચીફે થરમોસમાંથી કૉફી મગમાં રેડી… એક સિપ મારીને સિગારેટ સળગાવી. આરામથી બે-ચાર કશ મારીને ફોન જોડ્યો.
‘રામ, શાદી મુબારક. ‘મિશન શાદી’ સફળ થયું.’
‘પણ, આપણે કબીરને ગુમાવ્યો…’ ડિફેન્સ સેક્રેટરી રામ મોહનના ગળામાંથી ગળગળો અવાજ નીકળ્યો.
‘રામ, મારી પાસે બીજો કોઇ માર્ગ ન હતો… અને મેં એને બે વાર પૂછેલું હતું… મારો નિર્ણય એની પર થોપ્યો નહતો.’ સામેથી રામ મોહનનો ઊંડો નિ:સાસો સંભળાયો.
‘રાવ, તું ક્યારેય કોઇના પર તારો નિર્ણય થોપતો નથી માત્ર પ્રેરણા આપે છે. અંતે તેં તારી જીદ પૂરી કરી…’
‘ન્યુક્લિયર પ્લાન્ટની તબાહીની મારી જીદ પહેલેથી જ હતી, પણ વડા પ્રધાને ઇઝરાયલને ફ્યુલ આપવાનો ઇનકાર કરીને મારી જીદને ઇંધણ પૂરું પાડ્યું,’ ગોપીનાથ રાવે કહ્યું.
‘તું હંમેશાં બેક-અપ પ્લાન રાખે છે એની મને ક્યાં ખબર નથી. હવે પીએમની ખફગી વહોરી લેવા તૈયાર રહેજે.’
‘રામ, મેં સસ્પેન્ડ થવાની તૈયારી રાખી છે.’
‘હું છું ત્યાં સુધી એ શક્ય નથી રાવ… શાદી મુબારક.’
ફોન મુકાઇ ગયો. રાવે સિગારેટ બુઝાવી. સ્વીચ ઓફ કરીને ઓફિસની આરામ ખુરસી પર જ સૂઇ ગયા.
‘મેં બતાતી હું.’ માયાના શબ્દો સાંભળીને અને રિવોલ્વર જોઇને શૌકતના હોંશકોશ ઊડી ગયા. માયા આ શું કરવા જઇ રહી છે? આટલો વખત હસીનાથી છૂપાવી રાખેલું રહસ્ય માયા એક જ ઝાટકે ખોલી નાખશે તો ઘરમાં તોફાન આવી જશે… લગ્ન તૂટી જશે… વિશ્ર્વાસ તૂટી જશે. હસીના એક પાકિસ્તાની છોકરી છે… એના લોહીમાં હિન્દુસ્તાન માટેની નફરતના રક્તકણો દોડતાં જ હોય. આવા સંજોગોમાં માયાનો રહસ્યસ્ફોટ પોતાને અને માયાને આજીવન કારાવાસમાં ધકેલી શકે છે. જનરલ અયુબ નહીં જીવવા દે, નહીં મરવા દે. એણે હસીનાને ગોળીએ દેવાનો વિચાર કર્યો. પછી જનરલ અયુબને કહી દેવાનું કે માયા નામની હિન્દુસ્તાની જાસૂસને ગોળીએ દીધી છે. શૌકતે એક જ સેક્ધડમાં વિચારી લીધું, પણ રિવોલ્વર માયાના હાથમાં હતી. બધો આધાર એ શું કરે છે એની પર હતો. એના દિલના ધબકારા તેજ થઇ ગયા. એ માયાના હાથમાંથી રિવોલ્વર આંચકી લેવાના ફિરાકમાં હતો. મરિયમનું આ રૂપ જોઇને હસીના સ્તબ્ધ હતી. શૌકતે પરિસ્થિતિ પામીને માયાને ચૂપ રહેવાનો ઇશારો કરીને રિવોલ્વર પોતાને આપી દેવા કહ્યું, પણ માયાના મનમાં ઇસ પાર યા ઉસ પારના કોઇ અલગ જ તરંગો ઊઠ્યા હતા. માયા તાકેલી ગન સાથે હસીના સુધી ગઇ. માયાએ એક સ્મિત આપીને રિવોલ્વર હસીનાના હાથમાં આપીને પોતે સામે ઊભી રહી ગઇ. એણે કચ્છના રણમાંથી શરૂ થયેલી મિશન શાદીથી લઇને શૌકત અલીની અસલિયત સુધીની તમામ વાત કરી.
‘તુમ્હારી નઝરોં મેં હમ ગુન્હેગાર હૈ… ચલાઓ ગોલી.’ માયાએ રિવોલ્વર પોતાના કપાળે મુકાવી. હસીનાએ માયા અને શૌકત તરફ વારાફરતી જોયું. એ ક્ષણે એની આંખમાં નફરત હતી કે કરૂણા એ કળવું મુશ્કેલ હતું. એ શૌકતની છાતી પર ઢળી પડી અને એણે રોકી રાખેલું ડૂસકું ફૂટ્યું. માયાએ એની પીઠ પર હુંફાળો હાથ ફેરવ્યો. રૂમમાં હસીનાના હૈયેથી નીકળેલા અફાટ રૂદન સિવાય બધું નિસ્તબ્ધ હતું. હસીનાએ માથું ઊંચું કરીને શૌકતની આંખોમાં જોતા કહ્યું: ‘મૈંને નિકાહ કે વક્ત કુબૂલ હૈ, કુબૂલ હૈ કહા થા ના… મતલબ મુઝે તુમ્હારી હર બાત કુબૂલ હૈ.’
ન્યુક્લિયર પ્લાન્ટનો સફાયો બોલી ગયો હોવાના જનરલ અયુબને અડધી રાતે સમાચાર મળ્યા. એણે ફોન પછાડ્યો. ગુસ્સામાં ભભૂકતા જનરલ અયુબે બાજુમાંથી દારૂની બૉટલ ઉઠાવીને કાચ પર મારી… રિવોલ્વરમાંથી ગોળી છોડીને ગદ્દાર, સુવર કે બચ્ચે છોડુંગા નહીં તુમકો. એના બૂમબરાડાની વચ્ચે ક્યારથી વાગી રહેલી ફોનની ઘંટડી ચૂપ થઇ ગઇ. એણે બાથરૂમમાં જઇને ઉતાવળે મોંઢું ધોયું ને યુનિફોર્મ પહેરવાની શરૂઆત કરી. ફરી ફોન વાગ્યો.
‘હેલ્લો’ એ બરાડ્યો.
‘જનાબ, મૈં બ્રિગેડિયર મિર્ઝા બોલ રહા હું. ઇતના બડા હાદસા હુઆ હૈ… હમેં તબરોઝા કે લિયે જલ્દી નિકલના ચાહિયે…’
‘ક્યા? મતલબ તુમ તબરોઝા પહોંચે નહીં હો… તો કલ રાત પહોંચ ગયા વો કૌન થા?’ ફોન પર બ્રિગેડિયેર મિર્ઝાના અવાજની જગ્યાએ એક અજંપાભર્યો સન્નાટો હતો. જનરલ અયુબ બે હાથ પોતાના લમણાં પર મારવા માંડ્યો.
કબીરના ફોટાની સામે ઊભાં રહેલાં સરોજાદેવીની આંખમાં આંસુની જગ્યાએ બીજા શહીદ પુત્ર કબીરની શહીદીનું ગૌરવ હતું. થોડીવાર પહેલાં આવીને અંજલિ આપી ચૂકેલા ગોપીનાથ રાવ અને આંચલ ચૂપ હતાં.
‘મેં તમારી સિક્યોરિટી વધારી દીધી છે.’ ગોપીનાથ રાવે મૌન તોડ્યું.
‘નહીં રાવ સાહેબ, હવે મને એની જરૂર નથી.’ સરોજાદેવી બોલ્યાં. રાવે આંચલની સામે જોઇને કહ્યું: ‘યુ બી કેરફુલ નાઉ.’
‘સર, મારે કેરફુલ નહીં થોડી કેરલેસ થવું છે.’
‘હું કાંઇ સમજ્યો નહીં.’ રાવે કહ્યું.
‘આન્ટી, તમે સરને કહોને’ આંચલની આંખમાં આજીજી હતી.
સરોજાદેવીએ રાવને કહ્યું ‘સર, આપણા ભારતમાં દેશ કાજે મરી મીટનારાઓની કમી નથી. આ છોકરી તમારા યુનિટમાં કામ કરવા માગે છે. એની કાબિલિયત તમારે ચકાસવાની.’ રાવ આંચલની સામે જોતા જ રહી ગયા.
‘તારો બૉયફ્રેન્ડ મહેશ અત્યારે ક્યાં છે. તને ખબર છે?’ રાવે પૂછ્યું.
‘તમે મોકલ્યો છે ત્યાં હશે.’ આંચલે કહ્યું. રાહુલ અને મહેશ પાછા આવી ગયા છે અને સારવાર હેઠળ છે… એની આંચલને જાણ છે કે નહીં એટલું રાવ જાણવા માગતા હતા.
‘મારા યુનિટમાં લઉં, પણ એક શરતે.’ રાવે કહ્યું.
‘કહો સર.’
‘તારે આ વાત મહેશથી આજીવન છુપાવવી પડશે… અને તું એની સાથે લગ્ન નહીં કરે.’
‘ઓકે સર.’ જવાબ આપવામાં આંચલને એક સેક્ધડ પણ ન લાગી.
ધૂંઆપૂઆં થતો જનરલ અયુબ બીજા દિવસે બેગમ સાહેબાના ઘરના દાદરા ચડી ગયો.
‘બેગમ સાહેબા, બ્લ્યુપ્રિન્ટ નામ કા ગુડ મેરી કોની પે ચીપકા કર આપ ચૂપ હો ગઇ હો… મુઝે માલુમ હૈ કાફિરોં કો પનાહ આપને દે રખી હૈ. કહાં હૈ વો લડકી… ડૉ. ઝકરિયા ઔર ઉનકી બીવી કા કત્લ ઉસીને કિયા હૈ.’ જનરલ અયુબ પરદા ઊંચા કરીને અંદર જોવા લાગ્યો. ખાં સાહેબ સિતારના તાર ટાઇટ કરી રહ્યા હતા. વચ્ચે વચ્ચે ક્યારેક તારનો સુરિલો તો ક્યારેક બેસૂરો અવાજ જનરલ અયુબને ખલેલ પહોંચાડતો હતો.
‘જનરલ અયુબ, બૈઠ કર બાતેં કરેં?’ બેગમ સાહેબાનો દમદાર અવાજ ફરી વળ્યો.
‘લડકી કહાં હૈ ઇતના બતાઓ બેગમ.’ જનરલે રિવોલ્વર ખેંચી લીધી. સિતારનો એક તાર તૂટ્યો. અચાનક વાગેલી ફોનની ઘંટડીનો અવાજ તારના અવાજથી વધુ બેસૂરો અને ભયાનક હતો.
‘ફોન ઉઠાઓ.’ જનરલ અયુબે ખાં સાહેબને ઓર્ડર આપતો હોય એમ કહ્યું.
ખાં સાહેબે સિતાર બાજુ પર મૂકીને ફોન પર ‘હલ્લો’ કહ્યું. પછી વિચિત્ર નજરે જનરલની સામે જોયું.
‘આપ કે લિયે હૈ.’
જનરલે અયુબે ફોન ઊંચકીને ’હેલ્લો’
કહ્યું ને વજીર-એ-આઝમે શબ્દોની ઝડી વરસાવી: ‘આપ જીસ કે ઘર પે હો વો જિન્હા ખાનદાન સે હૈ… વહાં સે નિકલો… અગર આપ કી ઔર હમારી જાન પ્યારી હો તો.’ જનરલ અયુબે ફોન પછાડ્યો. ‘ફિર મુલાકાત હોગી… ખુદા હાફિઝ’ કહીને નીકળી ગયો.
છ મહિના પછી…
માયાએ દિલ ખોલીને કરેલી વાતથી શૌકતના ઘરમાં અચાનક ધસી આવેલું વાવાઝોડું શમી ગયું હતું. હસીના માટે માયા માત્ર સહેલી નહીં, પણ બહેનથી વિશેષ હતી. શૌકતનું સિક્રેટ હવે ઘરમાં ઓપન સિક્રેટ બની રહ્યું હતું. એક મોડી રાતે ફોનની રિંગ વાગી. શૌકતે ફોન લીધો.
‘માયા કો ફોન દો.’
શૌકતે માયાને જગાડીને ફોન આપ્યો અને કૂતુહલભરી આંખે જોવા લાગ્યો.
‘હેલ્લો’ માયા બોલી.
‘ચીફ બોલું છું. તબરોઝાનો ન્યુક્લિયર પ્લાન્ટ નાનો હતો… અસલી, મોટો અને મેઇન ન્યુક્લિયર પ્લાન્ટ અન્ય કોઇ અજાણ્યા સ્થળે છે… શોધી કાઢ.’(સમાપ્ત)
કેપ્શન:
આવતા રવિવારથી ક્રાઇમ સીનમાં નવીનક્કોર દિલધડક-રહસ્યમય નવલકથા
“ખાખી મની
રમતરમતમાં રમખાણ
હાઇ વે પર હાઇ વોલ્ટેજ થ્રિલિંગ ડ્રામા.
નેશનલ-ઇન્ટરનેશનલ સ્તરે ભેદી પડઘા.