ઉત્સવ

‘ઑપરેશન પીઓકે’ : લોહા ગરમ હૈ માર દો હથોડા !

ત્રણ રાજ્યોની ચૂંટણીમાં ઝળહળતી ફત્તેહ પછી હવે ૨૦૨૪ લોકસભાની ચૂંટણી માથે ગાજી રહી છે ત્યારે પાકિસ્તાને પચાવી પાડેલા કશ્મીર (પીઓકે)ની સાથે ગિલગિટ-બાલ્તીસ્તાન આપણા પ્રદેશ પણ પાછાં મેળવવાની આ ઉત્તમ તક છે..પહેલો ઘા રાણાનો..!

કવર સ્ટોરી -રાજેશ શર્મા

રાજસ્થાન- મધ્ય પ્રદેશ અન છત્તીસગઢમાં ભવ્ય જીત પછી ભાજપે લોકસભાની ચૂંટણીમાં જીત માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે. નરેન્દ્ર મોદીના શાસનમાં થયેલા વિકાસ સહિતના મુદ્દે ભાજપ પ્રચાર કરે જ છે, પણ એની મુખ્ય ઓળખ આક્રમક રાષ્ટ્રવાદી પક્ષ તરીકેની છે. આ કારણે લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ સરકાર દેશભરમાં રાષ્ટ્રવાદની પ્રચંડ લહેર ઉભી થાય એવું કંઈક કરશે એવી અટકળ ચાલી રહી છે.

નરેન્દ્ર મોદી સરકારે ૨૦૧૯ની ચૂંટણી પહેલાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકી કેમ્પોનો ખાતમો બોલાવી દીધો હતો. ઈન્ડિયન એરફોર્સની એર સ્ટ્રાઈકમાં ૩૦૦થી વધારે આતંકી ઉપર પહોંચી ગયા હતા. એના કારણે રાષ્ટ્રપ્રેમનો એવો પ્રચંડ જુવાળ ઉભો થયો કે, ભાજપ લોકસભાની ચૂંટણીમાં ૩૦૩ બેઠક જીતી ગયો.

મોદી સરકાર આ વખતે પણ એવો જ સપાટો બોલાવીને કશુંક મોટું’ કરશે એવું મનાય છે અને મોટા ભાગનાં લોકો માને છે કે, આ મોટું’ એટલે પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) કબજે કરવાનું હશે.

આમ તો આપણી સંસદે ૨૦૧૬- નવેમ્બરમાં એક ઠરાવ પસાર કરેલો કે, પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) ભારતનો જ હિસ્સો છે ને ભારત એ પાછો મેળવવા તમામ પ્રયત્ન કરશે. આ ઠરાવને સાત વર્ષ થઈ ગયાં, પણ અત્યાર સુધી પીઓકે પાછું મેળવવા કોઈ ગંભીર પ્રયત્નો થયા નથી.

આ તરફ, છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકારના અમિત શાહ અને રાજનાથસિંહ સહિતના મંત્રીઓ તથા લશ્કરી વડાઓ પણ પીઓકેને પાછું લેવાની વાતો કર્યા કરે છે. એ પરથી લાગવા માંડ્યું છે કે, હવે સમય આવી ગયો છે અને પીઓકે પર ભારતનો કબજો મોદી સરકારના એજન્ડામાં ટોપ પ્રાયોરિટી પર હોય એવું લાગી રહ્યું છે.

આમ જુવો તો ભારત માટે પીઓકે પર કબજો કરવો અઘરો નથી, સવાલ રાજકીય ઈચ્છાશક્તિનો છે. આપણા આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નારવણેએ ૨૦૨૦ની એક્ પત્રકાર પરિષદમાં સાફ શબ્દોમાં કહેલું : બહુ વર્ષો પહેલાં આપણી સંસદે ઠરાવ પસાર કરેલો કે, સમગ્ર કાશ્મીર ભારતનું છે તેથી પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) પણ ભારતનું જ છે. ભારતની સસંદ ઈચ્છતી હોય કે, પીઓકે પર પણ ભારતનો કબજો થાય તો એ માટે આદેશ આપે અમે ચોક્કસ કાર્યવાહી કરીશું…’

આમ જનરલ નારવણેએ આડકતરી રીતે સરકારને કહી જ દીધેલું કે, અમે તો પીએઓકે પર કબજો કરવાની પૂરી તૈયારી કરીને બેઠા છીએ તમારા ગ્રીન સિગ્નલની અમે રાહ જોઈ રહ્યા છીએ…
એ વખતે તો શાસક પક્ષ -મોદી સરકારે ગ્રીલન સિગ્નલ નહોતું આપ્યું, પણ હવે સિગ્નલ મળી જાય એવા પૂરા અણસાર છે… બલ્કે આર્મીને છૂટો દોર મળે તો પીઓકે જ નહીં, પણ ગિલગિટ-બાલ્તીસ્તાન પર પણ ભારતનો કબજો થઈ… તેનું કારણ ભારતીય લશ્કરની તાકાત તો છે જ વત્તા પીઓકે તેમજ ગિલગિટ-બાલ્તિસ્તાનની પ્રજામાં પાકિસ્તાન સામે ભભૂકી રહેલો આક્રોશ પણ છે…
પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરનો વિસ્તાર ૧૩,૨૯૭ ચોરસ કિલોમીટર છે અને ત્યાંની વસતિ ૪૬ લાખની આસપાસ છે. મોટાભાગનો વિસ્તાર
પહાડી છે તેથી છૂટીછવાઈ વસતિ છે. પાકિસ્તાને પીઓકેમાં લશ્કરના જોરે એના પર કબજો કરી રાખ્યો છે.

પીઓકેમાં એક પણ ફેક્ટરી નથી ને ૯૦ ટકા ઘરોમાં વીજળી નથી. લોકો સાવ નર્ક કરતાં બદતર જીંદગી જીવે છે. ૨૦૦૫ના ભૂકંપના કારણે એક લાખ લોકો મર્યા અને ૩૦
લાખ લોકો બેઘર થઈ ગયા ,છતાં પાકિસ્તાન સરકારે આ લોકો માટે કશું કર્યું નહોતું.બલ્કે ભૂકંપ પછી વિદેશમાંથી મળેલ કરોડોની રકમ પાકિસ્તાન આર્મી ચાઉં કરી ગઈ.
પીઓકેનાં લોકો પાસે ખાવાનું નથી,

નોકરીઓ નથી ને કઈ રીતે જીવવું એ મુખ્ય સવાલ છે. અહીંના લોકો ૨૦૦૫થી પાકિસ્તાનના લશ્કર સામે આક્રોશ ઠાલવીને દેખાવો કર્યા કરે છે.ત્યાની આર્થિક સ્થિતિ બહુ કફોડી થતી જાય છે તેમ તેમ એમનો આક્રોશ વધતો જ જાય છે
ગિલગિટ-બાલ્તીસ્તાનની પણ
આવી જ હાલત છે. આઝાદી પહેલાં જમ્મુ અને કાશ્મીર રાજ્યનો હિસ્સો એવા ગિલગિટ-બાલ્સિસ્તાન પર પાકિસ્તાને ૧૯૪૭ના આક્રમણ વખતે કબજો કરેલો. આ મોટાભાગના પહાડી વિસ્તારમાં તેથી વસતિ બહુ પાંખી છે. ૭૨,૯૭૧૧ ચોરસ કિલોમીટર વિસ્તારમાં માત્ર ૧૮ લાખ લોકો રહે છે.પહેલાં નોર્ધર્ન એરીયાઝ’ તરીકે
ઓળખાતા આ વિસ્તારમાં વરસોથી સ્વાયત્ત વહીવટીતંત્ર હતું ને પ્રજા પરિષદ શાસન કરતી હતી,પણ પાકિસ્તાને ગવર્નમેન્ટ ઓફ ગિલગિટ-બાલ્તિસ્તાન એક્ટ-૨૦૧૮ બનાવીને ગિલગિટ-બાલ્તિસ્તાનની સ્વાયત્તતા ને લોકોના અધિકાર છિનવી લીધા છે.પાકિસ્તાનના વડાપ્રધાન નક્કી કરે એ કાયદો ને પાકિસ્તાનના વડાપ્રધાન નક્કી કરે એ પ્રમાણે કારભાર અહીં ચાલે છે. અહીંની પ્રજા પણ બહુ ભડકેલી છે.

      આમ ભારત માટે એ  બંને પ્રદેશમાં સાનુકૂળ માહોલ છે ને લોહા ગરમ હૈ માર દો હથોડા’  જેવો માહોલ  છે. 

    આ તબક્કે ભારતીય લશ્કર જો  પીઓકે પર આક્રમણ કરે તો ત્યાંની પ્રજા પણ  ભારતના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવે. પાકિસ્તાની લશ્કર માટે ભારત સામે લડવું કે લોકો સામે લડવું એવો પેચીદો  સવાલ ઉભો થઈ જાય. બેઉ મોરચેથી જો  આક્રમણ થાય તો સામે ઝીંક ઝીલવાની પાકિસ્તાનની તાકાત નથી એ જોતાં ગિલગિટ-બાલિસ્તાન ને પીઓકે  આપણાં થઈ જાય કાગળ પર તો આપણાં જ છે પણ વાસ્તવિક રીતે આપણો કબજો થઈ જાય.

     જો કે આપણી આવી  લશ્કરી કાર્યવાહી સામે  પાકિસ્તાન સાવ ચૂપ બેસી રહે એ વાતમાં પણ માલ નથી. પાકિસ્તાન લશ્કરી રીતે પણ મુકાબલો કરે ને વૈશ્વિક સ્તરે પણ કાગારોળ મચાવે. પાકિસ્તાન છંછેડાઈને ત્યાંની  પ્રજાની  કત્લેઆમ પણ કરે એ બધા માટે પણ તૈયાર રહેવું પડે.

 દુનિયામાં કશું મફતમાં મળતું નથી એ જોતાં મોદી સરકારે   હુમલાનું ફરમાન કરવાની રાજકીય ઈચ્છાશક્તિ બતાવવી પડે ને લોકોએ ભોગ આપવાની પણ  તૈયારી રાખવી પડે...

આમેય કષ્ટ વિના કૃષ્ણ મળે ખરા?! (સંપૂર્ણ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?