ક્રાઈમ સીન – અનિલ રાવલ
ખતરોં કા સમંદર હમારે ઘર કી દેહલીઝ તક પહોંચ ગયા હૈ. સુશાંતે કહ્યું
‘હસીનાએ દરવાજો ખોલ્યો. સામે ઊભેલાં કબીર અને માયાને જોઇને બોલી: જી, કૌન ચાહિયે.?’
‘શૌકત હૈ?’ માયાએ પૂછ્યું.
‘જી, આઇએ અંદર, બુલાતી હું.’
‘હસીનાએ બંનેને બેસાડીને બૂમ મારી: શૌકત, દેખો તો કૌન આયે હૈ આપકે લિયે?’ કબીર અને માયા એકબીજા સામે જોવાં લાગ્યાં.
શૌકત તરત જ બહાર આવ્યો. કબીર અને માયાને જોઇને ખુશ થઇ ગયો.
‘કબીર, યારા કિતને સાલ બાદ..’ શૌકત કબીરને ભેટી પડ્યો.
શું ગજબનો કલાકાર છે આ માણસ….કબીર વિચારી રહ્યો હતો.
‘ઔર આપ કૌન?’ માયાની સામે જોઇને શૌકતે ફરી અભિનય કર્યો.
‘તું સૌચતા હૈ વૈસા નહીં….યહ હૈ મરિયમ. અબતક હમારી શાદી નહીં હુઇ….કરની હૈ….લેકિન થોડી મુસીબત હૈ…ઇસલિયે યહાં તેરી મદદ કે લિયે…’ કબીર અટકી ગયો.
હસીના માયા પાસે જઇને બોલી: કોઇ દિક્કત નહી જી….હમને ભી બડી મુશ્કેલિયાં ઝેલી હૈ શાદી કો લે કર…’
‘યારા તુ ભી કમાલ કા આદમી હૈ…ચૂપચાપ શાદી કર લી.’
કબીરે પણ હસીનાને જોઇને અભિનય શરૂ કરી દીધો હતો. કેમ કે કબીર અને માયાને કે કદાચ ગોપીનાથ રાવને પણ સુશાંતે લગ્ન કરી લીધા હોવાની જાણ ન હતી. અને હવે જ્યારે કબીર અને માયા બેગમ સાહેબાને ઘરેથી નીકળીને છૂપાવા માટે સુશાંત પાસે આવ્યા અને હસીનાને જોઇ તો થયું કે હસીનાને સુશાંતની અસલિયતની ખબર નહીં જ હોય.
‘હાં, યારા દો સાલ હુએ હમારી શાદી કો’ સુશાંતે કહ્યું.
‘હમેં થોડે દિન યહાં રહેના હૈ..અગર આપ લોગોં કો કોઇ ઐતરાઝ ના હો તો.’ માયાએ કહ્યું..
‘હમારી શાદી હો જાયે તબતક’ કબીરે કહ્યું.
સુશાંતને સમજાઇ ગયું હતું કે કબીર અને માયાને છૂપાવા માટે પોતાનું ઘર સલામત લાગ્યું છે. હસીનાને શૌકત અલી પાકિસ્તાનની ખુફિયા એજન્સીમાં કામ કરતો ભારતનો જાસૂસ હોવાની ખબર સુદ્ધાં ન હતી.. સુશાંત માટે ધરમસંકટ હતું, પણ માયા અને કબીરને છૂપાવવા સિવાય એની પાસે બીજો માર્ગ પણ ક્યાં હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર જાવેદ અને હવાલદાર રસૂલમિયાં પોલીસ સ્ટેશનમાં બકરા સાથે બેઠા હતા.
સલામત અલી ઔર કાજી મહોલ્લા સે તબરોઝા ગાંવ તક કિતની લાશેં ગીરી.’ હવાલદાર રસૂલમિયાંએ કહ્યું.
‘મૈને તો પહેલે હી સમજ લિયા થા કી યહ બડા મામલા હૈ….જાસૂસી કી જાલ બડી ફૈલી હુઇ હૈ…ઇસલિયે પીઆઇબી કે પાસ જાકે કેસ સોંપ દિયા.’ ઇન્સ્પેક્ટર જાવેદે કહ્યું..
‘અચ્છા કિયા…વરના હમારી ભી લાશેં….અબ મુઝે ડર લગ રહા હૈ.’
‘ચૂપ કરો યાર,’ ઇન્સપેક્ટર જાવેદે કહ્યું. જાવેદને જ્યારે પણ કોઇના મર્ડરના સમાચાર મળતા ત્યારે એણે ખુદને માટે ખુદાને બંદગી કરી હતી. જાવેદ અને રસૂલમિયાં બેમાંથી એકેય બકરો રાખવા પણ તૈયાર ન હતા. આખરે બકરો રસૂલમિયાં પાસે હતો…ચારાના પૈસા માટે જાવેદ સાથે કાયમ દલીલ કરનારો રસૂલમિયાં બકરાને ખવડાવીને તગડો કરી દીધો હતો. એ દિવસે એ બકરો લઇને પોલીસ સ્ટેશનમાં ગયો હતો. એને એવો ભય સતાવતો હતો કે કદાચ કોઇ આ બકરાનું પગેરું શોધતું આવશે અને પોતાનું મર્ડર કરી નાખશે.
‘જનાબ, આપ બકરા રખલો.’ રસૂલમિયાંએ કહ્યું.
‘અરે તું રખ લે….યા ફિર હલાલ કર કે ઉસકી બિરિયાની પુલીસ થાને મેં સબ કો ખિલા દે,’ જાવેદે કહ્યું.
બંને વચ્ચે બકરાને લઇને ઘણી દલીલ થઇ. જાવેદ એનો ઉપરી હતો. રસૂલ મિયાએ ઇન્કાર કરવાનો સવાલ નહતો.
‘જનાબ, મુઝે બકરે કો હલાલ કરના હોતા તો કબ કા કર દેતા.’ રસૂલમિયાંએ લાચારી બતાવી.
‘તો મૈં હલાલ કર કે તુઝે બિરિયાની ખિલાઉંગા’ જાવેદ ગુસ્સામાં બોલ્યો.
‘જિસને ઉસ રાત બકરે કો જિંદા રખા, ઉસને કૂછ તો સોચા હોગા.’ જનાબ,
બિનામાલિક કા બકરા હમારે પાસ સલામત રહેગા.’ કહીને રસૂલ મિયા બકરાને લઇને જતો રહ્યો.
સરોજાદેવીના ઘરની બેલ વાગી. એમણે કી હોલમાંથી જોઇને દરવાજો ખોલ્યો. સામે આંચલને જોઇને ખુશ થઇ ગયાં.
‘અંદર આવું.?’ આંચલે લગભગ અંદર આવી ગયા પછી હસતા કહ્યું.
‘તારે પૂછવાનું હોય બેટા. આવ આવ. બેસ.’ સરોજાદેવીએ આવકારો આપ્યો ને પોતે સામેની ખુરસી પર બેઠાં.
‘આપણે થોડું સાથે રહ્યાં, પણ મન એવા મળી ગયાં કે થયું લાવ આજે તમારા ખબરઅંતર પૂછતી આવું.’
‘ના, તું મારા ખબરઅંતર પૂછવા નહીં, પણ તારા અંતરની કોઇ વાત કરવા આવી છો રાઇટ.?’
‘તમને કેમ ખબર પડી..મારું મોં જોઇને કે મારી પૂછવાની સ્ટાઇલ પરથી?’ આંચલ હસી પડી.
‘ચહેરો બધું કહી આપે. બોલવાની જરૂર નહીં.’ સરોજા દેવીએ કહ્યું.
‘કબીર એજન્ટ છે એની તમને ખબર હતી,?’ આંચલે પૂછ્યું.
સરોજાદેવીએ હકારમાં માથું હલાવ્યું. એમની આંખોમાં એક સૈનિકની જનેતાને છાજે એવી ચમક હતી.
‘જોકે કબીરે મને ક્યારેય કહ્યું નહતું….એ એમની પોલિસી પણ છે.’
‘કદાચ મહેશે પણ મને એટલે જ કહ્યું નહી હોય.’ આંચલ બોલી.
‘પણ તેં મને હજી તારા અહીં આવવાનું કારણ કહ્યું નહીં.’ સરોજાદેવીએ કહ્યું.
‘મહેશની બહુ યાદ આવે છે….અમારી વચ્ચે થયેલું મનદુ:ખ દૂર કરવું છે.’
‘હા, પણ તેં તારા મનની વાત મને કરી નથી.’ સરોજાદેવી આંચલના ચહેરાને જોઇ રહ્યાં હતાં.
‘મારે પણ મહેશની જેમ જાસૂસી એજન્ટ બનવું છે.’ આંચલે સરોજાદેવીના બંને હાથ પકડી લઇને મનની વાત કહી.
સરોજાદેવી ખડખડાટ હસી પડ્યાં: પાગલ છોકરી છો તું.’
પાકિસ્તાન સરકારે જોતજોતામાં પોતાના અવ્વલ દરજજાના અફસરો ગુમાવ્યા હતા. જનરલ અયુબને ન્યુક્લિયર બોમ્બના પ્રણેતાને ખોવાનો અફસોસ હતો. અન્ય કેડરોમાં ડેપ્યુટી નિમી દેવાયા એ રીતે ડો. ઝકરિયાને સ્થાને ડો. યુસુફ અલીને જવાબદારી સોંપી દેવાઇ હતી. ડો. યુસુફ અલીને જીવનું જોખમ લાગ્યું, પણ જનરલ અયુબની સામે મિયાંની મીંદડી બનીને હા પાડી દીધી હતી. જનરલ અયુબનું હવે હિન્દુસ્તાનના ન્યુક્લિયર પ્લાન્ટને ખતમ કરવાનું એક જ ટાર્ગેટ હતું….અને બેગમ સાહેબા બ્લ્યુપ્રિન્ટ આપે એટલી જ વાર હતી. જોકે એમના દિમાગમાં પાકિસ્તાનમાં લપાઇને બેઠેલા બે એજન્ટો પણ હતા. કોઇપણ ભોગે એને પકડવાના એણે ચક્રો ગતિમાન કરી દીધાં હતાં.
એમણે પીઆઇબીના ચુનંદા ખેલાડી એજન્ટોમાંથી એકનો નંબર ઘુમાવ્યો. ‘હેલો.’ શૌકત અલીએ ફોન ઉપાડીને ધીમેથી કહ્યું.
‘શૌકત અલી, મૈં જનરલ અયુબ.’
‘જી જનાબ…ફરમાઇયે.’
‘હિન્દુસ્તાન કે દો કાફિર-એક લડકા એક લડકી. મેરે પાસ દોનોં કે સ્કેચ હૈ. હમેં જિંદા ચાહિયે.’
સુશાંત ફોન પર વાત કરી રહ્યો હતો એ વખતે કબીર અને માયા એની સામે જ બેઠાં હતાં.
‘જી જનાબ, હો જાયેગા જનાબ, જી, ઝરૂર.’ સુશાંતે ફોન મુકીને કબીર અને માયાની સામે જોયું.
‘કિસ કા ફોન થા.?’ કબીરે પૂછ્યું.
‘ખતરોં કા સમંદર હમારે ઘર કી દેહલીઝ તક પહોંચ ગયા હૈ.’ સુશાંતે કહ્યું.
ગોપીનાથ રાવે પાકિસ્તાનના તબરોઝા ખાતેના મથક પર ઇઝરાયલની સાથે મળીને ત્રાટકવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો. એમને મોસાદનો સંપૂર્ણ ટેકો હતો. રાવને ગળા સુધીના ખાતરી હતી કે મોસાદના ચીફ યાસ્સી ખાલેદ મોશે ડાયનને આ માટે તૈયાર કરી લેશે. કેમ કે ઇઝરાયલ ઇરાકના બની રહેલા અણુ રિએક્ટરો પર હુમલો કરી ચુક્યું હતું અને પાકિસ્તાન તરફથી પણ ખતરો હોવાનો એને પણ ભય હતો જ. ગોપીનાથ રાવે સંરક્ષણ પ્રધાન ચૌહાણને તૈયાર કર્યા હતા. તબરોઝાના પ્લાન્ટને મુદે ભારત માટે પાકિસ્તાન પર હુમલો કરવાનું સરળ હતું, પણ વડા પ્રધાનને એવો ભય હતો કે આને લીધે મહાયુદ્ધ ફાટી નીકળશે અને એ માટે ભારત તૈયાર નથી. ગોપીનાથ રાવની પાકિસ્તાનને પછાડવાની સબળ ઇચ્છા હોવા છતાં લાચારી હતી. આ સંજોગોમાં પાકિસ્તાનના પ્લાન્ટને ફૂંકી મારવા એક જ માણસ પુરતો હતો: ઇઝરાયલની ગુપ્તચર એજન્સીનો માથા ફરેલો વડો યાસ્સી ખાલેદ.
મુંબઇમાં ભારતના વડા પ્રધાન અને ઇઝરાયલના વડા મોશે ડાયનની ગુપ્ત બેઠક યોજાઇ હતી. આ બેઠકની કદાચ મોસાદના યાસ્સી ખાલેદ અને ગોપીનાથ રાવને જાણ હતી…ઉપરાંત રાવે ચૌહાણ અને રામ મોહનને કહ્યું હતું. ચૌહાણ વડા પ્રધાનને સમજાવે એવું રાવ ઇચ્છતા હતા. રામ મોહનને વડા પ્રધાનના અભિગમનો ખયાલ હતો….પણ રાવની ચાલનો અંદાજ ન હતો.
મોશે ડાયન અને વડા પ્રધાન વચ્ચેની બેઠકમાં મોશે ડાયને પાકિસ્તાન તરફથી રહેલા ખતરા અને ન્યુક્લિયર પ્લાન્ટની વિસ્તારપૂર્વક વાત કરી. જ્યારે વડા પ્રધાને ભારત દેશની આર્થિક હાલતના રોદણાં રળ્યા. સંરક્ષણ બજેટને સ્થાને વિકાસની યોજનાનું મહત્ત્વ સમજાવ્યું. યુદ્ધ બરબાદી છે એવું ભાષણ આપ્યું.
મોશે ડાયને દેશ સલામત હશે તો વિકાસ થશે, આર્થિક સધ્ધરતા આવશે એવું પોતાની ફિતરતથી વિરુદ્ધ જઇને કહ્યું, પણ વડા પ્રધાનના આદર્શ વિચારોની સામે એનો લડાકુ મિજાજ થાકી ગયો. ….પરંતુ મોશે ડાયન જેમનું નામ….એમણે નમ્રતાપૂર્વક
જોઇન્ટ હુમલાની વાત પડતી મૂકીને પોતે એકલે હાથે હુમલો કરવા તૈયાર હોવાનું કહ્યું. અને ગુજરાતના જામનગરના એર બેઝ પર પોતાના લડાયક વિમાનોને ફ્યુલ ભરી આપવાની વિનંતી કરી.
હું યુદ્ધમાં જોડાવાની ના કહું છું ત્યારે તમે યુદ્ધમાં સહાય કરવાની માગણી કરો છો. આ પણ યુદ્ધમાં સામેલગીરી જ થઇને, એવું કહીને એમણે જામનગરના એર બેઝ પર ફ્યુલ આપવાનો સાફ ઇનકાર કરી દીધો.
મિટિંગ પૂરી કરીને વડા પ્રધાન દિલ્હી પાછા ફર્યા. એમની કેબીનમાં સંરક્ષણ પ્રધાન ચૌહાણ, ડિફેન્સ સેક્રેટરી રામ મોહન અને ગોપીનાથ રાવને મિટિંગમાં લેવાયેલા નિર્ણય જાણવાની ઇન્તેજારી સાથે બેઠા હતા. એવામાં વડા પ્રધાનના ફોનની ઘંટડી વાગી. એમણે ફોન ઊચક્યો.
‘હેલો.’ વડા પ્રધાન બોલ્યા. સામે છેડે અમેરિકાના પ્રમુખ હતા.
‘થેન્ક યુ ફોર કિપિંગ માય વર્ડ. વોર ઇઝ ડિસ્ટ્રક્શન. થેન્ક યુ અગેઇન ફોર સેઇંગ નો ટુ ઇઝરાયલ.’ (તમે મારી વાત માની એનો આભાર. યુદ્ધ તબાહી છે. ઇઝરાયલને ના પાડવા બદલ ફરીથી તમારો આભાર)
ફોન મુકાઇ ગયો. એર કન્ડિશન કેબીનમાં અમેરિકાના પ્રમુખનો અવાજ અને અભિગમ સાંભળી ચુકેલા ગોપીનાથ રાવ ઊભા થઇને ચાલવા માંડ્યા.
(ક્રમશ:)