ઑપરેશન તબાહી-૫૨

જ્યારે કાંઇ ન સૂઝે ત્યારે સમયને થોડો સમય આપવો…પણ એક સમય સુધી જ સમય આપવો.’
અનિલ રાવલ
વજિર-એ-આઝમ અને જનરલ અયુબની એકી અવાજમાં ‘ના’ સાંભળીને બહાર આવી ગયેલાં બેગમ સાહેબા વિચારમાં પડી ગયાં તબરોઝાના એ મિલિટરી મથકમાં ન્યુક્લિયર બોમ્બ બનતો નથી તો પછી રાહુલ અને મહેશ એમની સાથે લઇ ગયેલા પુરાવા ખોટા હશે.? એના વિશે રાવે કોઇ જાતાની ચોખવટ કરી નથી..જોકે એમની પાસેથી આવી કોઇ અપેક્ષા રાખવી ન જોઇએ..કેમ કે એમની રગોમાં જાસૂસી વણાઇ ગઇ છે. એમના ડાબા પગને ખબર નથી હોતી કે જમણો પગ એ ક્યાં માંડશે. પણ પાકિસ્તાનના આ બે ટોચના ખેરખાંઓએ કરેલી વાતમાં દમ હશે ખરો? અને એમાંય બંનેએ એક જ સૂરમાં ‘ના’ પાડી ત્યારે..
ગોપીનાથ રાવ સાચી વાત કહેશે નહીં અને આ બંને પર ભરોસો રાખવો એટલે કાચીંડાના રંગ પર વિશ્ર્વાસ મૂકવો. આજે વજિર-એ-આઝમે જનરલ અયુબને મિટિંગમાં હાજર રાખીને બહુ ખોટું કર્યું. મારી આબરૂના લીરા ઉડાવ્યા. પણ એ ગુપ્ત મિટિંગમાં જનરલ અયુબને હાજર રાખવાનું કારણ શું હશે.? શું વજિર-એ-આઝમને મારા પર કોઇ શંકા હશે કે પછી જનરલ અયુબ જે રીતે એજન્ટોની માહિતી આપી રહ્યો હતો એ જોતાં એની પાસે કોઇ નક્કર બાતમી હશે.?
ખેર, અલ્લાહ ખૈર કરે..જનરલ અયુબને હિન્દુસ્તાનના ન્યુક્લિયર પ્લાન્ટનો નકશો આપતા સુધીમાં ઝેલમ નદીમાં કેટકેટલું પાણી વહી જશે કોને ખબર ‘જ્યારે કાંઇ ન સૂઝે ત્યારે સમયને થોડો સમય આપવો…પણ એક સમય સુધી જ સમય આપવો.’ ગોપીનાથ રાવે એકવાર કહેલું. બેગમ સાહેબાના સ્વગત બબડાટની વચ્ચે ઘર ક્યારે આવી ગયું એની ખબર ન પડી.
માયા ત્રીજા માળે ઝરૂખા જેવી બારીએ બેસીને બેગમની રાહ જોતી હતી. ખાં સાહેબ રેકોર્ડ પ્લેયરની બાજુમાં બેસીને આંખ મીંચીને ગીત સાંભળી રહ્યા હતા.
‘હમ ઇન્તેજાર કરેંગેં, હમ ઇન્તેજાર કરેંગેં તેરા કયામત તક
ખુદા કરે કે કયામત હો ઓર તું આયે.’
બેગમ સાહેબા દરવાજે ટકોરા મારે તે પહેલાં જ માયાએ દોડીને દરવાજો ખોલી નાખ્યો. ગીતના શબ્દોએ બેગમ સાહેબાને મૂંઝવી નાખ્યાં. બેગમ સાહેબા માયાની મનની ઉતાવળ પામી ગયા.
‘શું થયું.?’ એમણે અંદર દાખલ થતાં જ પૂછ્યું.
માયાએ દરવાજો ઝટથી બંધ કરતા કહ્યું: ‘ચીફનો મેસેજ છે. તબરોઝામાં જ તબાહીનું મક્કા છે.’ બેગમ સાહેબાને એ સાથે જ વજિર-એ-આઝમ અને જનરલ અયુબે એકી અવાજે પાડેલી ‘ના’ યાદ આવી ‘બડે ચલાક લોગ હૈ.’ એ મનમાં બોલ્યાં.
‘સારા સમાચાર છે ત્યારે તમે આવી કયામતના ઇન્તેજારની રેકોર્ડ વગાડી…ખરા છો તમે ખાં સાહેબ.’
‘હવે રાહ જોવાની છે કયામતની….ખુદા કરે કે કયામત હો ઓર તુ આયે..’
ખાં સાહેબે રેકોર્ડ ઉતારીને કવરમાં મૂકતા કહ્યું.
‘મારે એક ખરાબ સમાચાર આપવા છે.’ બેગમ સાહેબાએ કહ્યું.
ખાં સાહેબ અને માયા જાણતા હતા કે બેગમ કોને મળવા ગયાં છે. શું થયું હશે એ મિટિંગમાં. બંને વિચારવા લાગ્યાં.
‘જનરલ અયુબ પાસે બે એજન્ટોની માહિતી છે….એક છોકરો અને એક છોકરી.’
બેગમ સાહેબાના મિટિંગમાંથી ગયા પછી વજિર-એ-આઝમ અને જનરલ અયુબે ખરી ગુફ્તેગુ શરૂ કરી હતી.
‘જનાબ, અમરિકા ખફા હૈ હમ સે…ક્યું કી ઉન કે દબાવ મેં આકર કે ફ્રાન્સને હમેં ન્યુક્લિયર પ્લાન્ટ મેં મદદ નહીં કી થી….હમને સિક્રેટલી ચીન સે મદદ લે કર પ્લાન્ટ ખડા કિયા હૈ…રશિયાને ભી હેલ્પ કી હૈ…અમરિકા હમ પર રિસ્ટ્રીક્શન્સ ડાલેંગા….હમારા ફાઇનન્સ બંધ કર દેગા..’ વજિર-એ-આઝમ બોલી રહ્યા હતા ત્યારે એમને અટકાવીને જનરલે કહ્યું: ‘મસલ્લા યહ નહીં હૈ જનાબ, તકલીફ ઇઝરાયલ કી હૈ. મોશે ડાયન ક્યા ચાહેગા..? મોસાદ ક્યા કરેગા.? હમે ઇનસે નિપટના હોગા.’ જનરલ અયુબે કહ્યું.
‘ઇન સે તો મૈં નિપટ લુંગા…તાસ કે પતોં મેં એક જોકર હૈ.’
‘કૌન જોકર?’ જનરલે અકળાઇને પૂછ્યું.
‘હિન્દુસ્તાન કા પ્રાઇમ મિનિસ્ટર.’
‘મઝાક છોડિયે જનાબ, કાઠમંડુ મેં સિક્રેટ મિટિંગેં હો રહી હૈ…ગોપીનાથ રાવ ઔર મોસાદ કે યાસ્સી ખાલેદ કે બીચ….હમેં અમરિકા કો સમઝાના હોગા કી ઇઝરાયલ કો હમારે ન્યુક્લિયર શસ્ત્રો સે કોઇ ખતરા નહીં હૈ’ જનરલ અયુબ બોલ્યો.
‘મૈં ફિર સે કહે રહા હું કી અમરિકા હમ સે નારાઝ હૈ.’ વજિર-એ-આઝમે અવાજમાં ભાર દઇને કહ્યું.
‘સબકૂછ આસાન હૈ..હમ ગોલી ચલાને વાલે દિમાગ ભી ચલાતે હૈ. હમેં પતા હૈ કી મોસાદ કો લિબિયા, સિરિયા, જોર્ડન ઔર સાઉદી અરેબિયા કે લશ્કર કી ઇન્ફર્મેશન મેં ઇન્ટરેસ્ટ હૈ. અરબ વર્લ્ડ મેં ડેપ્યુટેશન પર ભેજે ગયે હમારી આર્મી કે અફસર લોગ મોસાદ કો ખુફિયા ઇન્ફર્મેશન દેંગેં.’
‘અમરિકા કા સ્ટેન્ડ ક્યા હોગા….સવાલ યહ હૈ જનરલ.’
‘ઇસ કા જવાબ અફઘાનિસ્તાન મેં હૈ….હમારે નોર્થવેસ્ટ પાકિસ્તાન મેં હૈ. અફઘાનિસ્તાન મેં ઘૂસે સોવિયત લશ્કર પર કૂછ ગૂટ હમલે કર રહે હૈ…..ઇસ ગૂટ કો ફંડિંગ અમરિકા કર રહા હૈ…લેકિન વો સરઝમીં હમારી નોર્થવેસ્ટ કી હૈ. અમરિકા સોવિયત મિલિટરી કે ઉપર હમલા ક્યું નહીં ચાહેગા….ઇઝરાયલ કી ચાબી અમરિકા કે હાથ મેં હૈ ઔર અમરિકા કી ચાબી.’ બોલીને જનરલે પોતાનો એક હાથ ઊંચો કર્યો.
જનરલ વાક્ય પૂરું કરે તે પહેલાં જ વજિર-એ-આઝમે કહ્યું: ‘યહ અમરિકા હૈ…પૂરી દુનિયા કો નચાતા હૈ’
ગિરધર કાઠમંડુમાં ઇઝરાયલના ખાસ વિશ્ર્વાસુ માણસ કાસિમભાઇને નેગેટીવ્સ આપીને, કાસિમભાઇની મહેમાનગતિ માણીને પાછો આવી ગયો. દર્શન ત્યાગીએ વાળ અને કપડાના સેમ્પલોના પોઝિટિવ રિપોર્ટ આપી દીધા. તબરોઝાના મિલિટરી મથકમાં જ માનવ જીવનનો સર્વનાશ કરી નાખવાની ક્ષમતા ધરાવતો ન્યુક્લિયર બોમ્બ બને છે એવી સ્ફોટક માહિતી બેગમ સાહેબાને પહોંચાડી..કદાચ એમાં પણ એમનું કોઇ ગણિત હશે….પણ હવે ગોપીનાથ રાવ કયુ પત્તું ઊતરે છે એની પર બધો મદાર હતો. એમણે પોતાના ખાસ વિશ્ર્વાસુ દોસ્ત ડિફેન્સ સેક્રેટરી રામ મોહન અને સંરક્ષણ પ્રધાન ચૌહાણ સાથે સિક્રેટ બેઠક કરી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન ચૌહાણની હાજરી મહત્ત્વની હતી કેમ કે એમની જરૂર હવે પડે એમ હતી અને છેલ્લા થોડા સમયથી તેઓ ગોપીનાથ રાવની પડખે રહ્યા હતા….અને આમાં રામ મોહનની ભૂમિકા વિશેષ રહી હતી. સિક્રેટ મિટિંગ સંરક્ષણ પ્રધાનની કેબિનમાં યોજાઇ….અને વિષય હતો આટલા પુરાવા હાથ લાગ્યા પછી હવે ક્યા પગલાં ભરવાં. જેમાં સંરક્ષણ પ્રધાન ચૌહાણ અને ડિફેન્સ સેક્રેટરી રામ મોહનનો અભિપ્રાય મહત્ત્વનો હતો…..
‘મારા મત મુજબ આપણે વડા પ્રધાન સમક્ષ મળેલા પુરાવા મુકવા જોઇએ અને પાકિસ્તાન પર હુમલો કરવો જોઇએ…..પણ વડા પ્રધાનની સંમતિ સાથે.’ સંરક્ષણ પ્રધાન ચૌહાણે એમનો મત રજૂ કર્યો.
‘વડા પ્રધાન નહીં માને.’ ડિફેન્સ સેક્રેટરીએ કહ્યું.
‘હું સંરક્ષણ પ્રધાનની વાત સાથે સહમત છું કે આપણે પાકિસ્તાન પર હુમલો કરવો, પણ ઇઝરાયલની સાથે જોઇન્ટ ઑપરેશન કરવું.’ રાવે કહ્યું.
‘ઇઝરાયલ તૈયાર છે.?’ ચૌહાણે પૂછ્યું.
‘મોસાદ તૈયાર છે’ રાવે કહ્યું.
‘મોસાદ એના ચીફ મોશે ડાયનની મંજૂરી વિના જોઇન્ટ ઑપરેશન માટે તૈયાર થાય એ વાત હું માનતો નથી.’ ચૌહાણે કહ્યું.
‘આવતે અઠવાડિયે મુંબઇમાં આપણા વડા પ્રધાન અને મોશે ડાયન એક સિક્રેટ મિટિંગ કરવાના છે….મોશે ડાયન જોઇન્ટ ઑપરેશન માટે મંજૂરી આપે એ વાત જો આપણા વડા પ્રધાન એમને ગળે ઉતારી દે તો કામ સરળ થઇ જાય’ રાવે કહ્યું.
‘અને વડા પ્રધાનને ગળે ઘંટ બાંધવાનું કામ કોણ કરશે.?’ ચૌહાણે પૂછ્યું.
‘સર, આપ આ કામ સારી રીતે કરી શકશો.’ રાવે ચૌહાણને કહ્યું.
‘રાવ, મને લાગે છે કે તું ઊંધું વેતરી રહ્યો છે. વડા પ્રધાન તારો આખો ખેલ બગાડી નાખશે.’ રામ મોહને કહ્યું.
રામ, તું એક સરકારી અધિકારી તરીકે વિચારે છે, ચૌહાણ સાહેબ એક રાજકારણી તરીકે વિચારે છે અને હું એક સામાન્ય સિક્રેટ એજન્ટની જેમ વિચારું છું.’ રાવે ચૌહાણની સામે ફરીને આગળ કહ્યું: ‘સર તમે પીએમને વાત તો કરી જુઓ.’ ચૌહાણ રાજકીય નેતાની અદામાં નોન કમિટલ રહ્યા. ન કાંઇ બોલ્યા કે ચાલ્યા.
ચૌહાણ સાહેબના ફળિયામાં બોલ નાખીને ગોપીનાથ રાવ અને રામ મોહન બહાર આવ્યા. કારમાં બેસતા જ રામ મોહને પૂછ્યું: ‘રાવ, તારા દિમાગમાં શું ચાલી રહ્યું છે.?’
સમયને થોડો સમય આપીશ, પણ એક હદથી વધુ સમય નહીં આપું.’ રાવે સિગારેટ સળગાવી. રામ મોહને કાર સ્ટાર્ટ કરતા કહ્યું: ‘રાવ, તું અને તારું સિક્રેટીવ માઇન્ડ….તારું નામ ગોપીનાથ નહીં કૃષ્ણનાથ રાવ રાખવાની જરૂર હતી.’
હોસ્પિટલમાં સારવાર હેઠળ રખાયેલા મહેશ અને રાહુલ સાજા થઇ રહ્યા હતા. જખમ રુઝાતા હજી થોડો સમય લાગશે એવું ડૉક્ટરે કહ્યું ત્યારે મહેશ આડું જોઇ ગયો. એણે ત્યાંથી જલ્દીથી છૂટવું હતું. પાકિસ્તાનમાં શું ચાલી રહ્યું છે એ જાણવું હતું. અને બની શકે તો પાછા જવું હતું…એના માટે ઑપરેશન હજી અધૂરું હતું.
ચેકઅપ કરીને ડૉક્ટરના ગયા બાદ એણે બાજુમાં સૂતેલા રાહુલને પૂછ્યું: ‘પાકિસ્તાનના કાંઇ ખબર.?’
રાહુલે મૂંડી હલાવીને ના પાડી.
‘યાર મને તો અહીં અકળામણ થાય છે….ઝડપથી સાજા થઇને પાછું ત્યાં જવું છે.’ મહેશ બોલ્યો.
‘હવે ત્યાં જવું સહેલું નથી દોસ્ત. તારા અને મારા પોસ્ટરો લાગી ચુક્યા હશે.’ રાહુલ હસીને બોલ્યો.
‘એક મોકો, બસ એક મોકાની જરૂર છે…..સરકી જઇશ અહીંથી’ મહેશ બબડતો હતો ત્યાં ગોપીનાથ રાવ અંદર આવ્યા.
‘ક્યાં સરકી જવું છે તારે.?’ રાવે હસતા પૂછ્યું.
મહેશ કાંઇ બોલે તે પહેલાં રાહુલે કહ્યું કે ‘એને પડોશી દેશમાં ફાવી ગયું હતું. મિસ કરે છે.’
‘પડોશી દેશને મિસ કરે છે કે મિસ માયાને
મિસ કરે છે.?’ રાવ મજાકમાં કહીને ખડખડાટ હસ્યા. મહેશ ગંભીર થઇ ગયો. રાવ એના પલંગ પર બેઠા. મહેશની પીઠ પર હાથ મુકીને કહ્યું: ‘પ્રેમમાં શહીદ થાય એને હું શહીદી નથી કહેતો. તને અહીં બોલાવી લેવા પાછળનું એક માત્ર કારણ આ હતું…બાકી રાહુલ એકલો પૂરતો હતો ત્રણેય વસ્તુઓ લાવવા માટે.’
‘સર, મેં અમારા પ્રેમને વચ્ચે આવવા
નથી દીધો.’ મહેશે કહ્યું.
‘તેં વચ્ચે આવવા દીધો નથી, કોઇ બીજો વચ્ચે લાવે એ મને પસંદ ન હતું.’ રાવે કહ્યું.
‘મને અધૂરું ઑપરેશન પૂરું કરવા જવા દો સર.’ મહેશના અવાજમાં આજીજી હતી.
‘ઑપરેશન હજી પૂરું નથી થયું..તમારી બંનેની અહીં પણ જરૂર છે. બસ, રિકવર થઇ જાઓ.’ રાવ ઊભા થઇને ચાલવા લાગ્યા.
‘થેન્ક યુ સર,’ એકી સાથે બે અવાજ સાંભળીને રાવે પાછળ ફરીને જોયું. મહેશ અને રાહુલની આંખો કૃતઘ્નતાના આંસુથી છલકાઇ ગઇ હતી.
ક્રમશ: