ઓનલાઈન ગેમિંગ ખેલ ખતરનાક
આમ તો મહાભારતના સમયથી જુગારી વૃત્તિ આપણા સમાજમાં ચાલતી આવી છે. હવે રમતના નામે આજના ટેક યુગમાં ઓનલાઈન ગેમિંગ એક જંગી ઉદ્યોગ બની ગયો છે,જે સરકાર માટે કરવેરાની આવકનું તગડું સાધન છે. બાકી નિયમનના નામે હજી ઘણું અધ્ધર છે
ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા
આજે રમો-રમો- ખેલો ઈન્ડિયાના નામે દેશમાં જોખમી હદે જુગારના ખેલ ચાલી રહ્યા છે. જેના પ્રચારકો પણ મોટા સ્ટાર્સ છે. ફિલ્મ સ્ટાર્સ અજય દેવગન- રિતિક રોશન-શાહિદ કપૂર- જેકલિન ફર્નાન્ડિઝ-ઈત્યાદિ-ઈત્યાદિ ઉપરાંત અન્ય કેટલાંક સેલિબ્રિટીસ પણ લોકોને મોટી રકમ જીતવાની વાતમાં ભરમાવી-લલચાવી આ જુગાર તરફ ધકેલી રહ્યા છે.
આ ગેમ્સના આયોજકો સેલિબ્રિટીસ ઉપરાંત સામાન્ય પુરુષ-મહિલા-અભણ- અશિક્ષિત અને ગામલોકો તેમજ શહેરના લોકોનો પણ
ઉપયોગ કરે છે. આ લોકો આવી ગેમ્સ દ્વારા પોતે કેટલું કમાયા તેની લલચામણી વાતોનાં સાવ જુઠાણાં ચલાવી સામાન્ય લોકોને ભરમાવે છે. આવી ગેમ્સમાં જીતનારા માંડ પાંચથી દસ ટકા હશે અને ગુમાવનારા ૯૦ ટકાથી વધારે.
નવેસરથી નિયમનની તૈયારી ઓન લાઈન ગેમિંગ (કે ગેમ્બ્લિંગ) વિરુદ્ધ વધતા જતા ઊહાપોહને ધ્યાનમાં રાખીને હવે સરકાર ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગ માટે વધુ રેગ્યુલેશન લાવવાની તૈયારી કરી રહી હોવાનું ચર્ચામાં આવ્યું છે. સંભવત આગામી બજેટમાં એની જાહેરાત આવી શકે. બાય ધ વે, સરકાર શું વિચારે છે?
અગાઉ ઓનલાઈન ગેમિંગ માટે ‘મિનિસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલોજી’ એ સેલ્ફ રેગ્યુલેટરી મિકેનિઝમ વિચાર્યુ હતું ,પરંતુ આમાં ખાસ સફળતા મળી નહી, કેમ કે આમાં મલ્ટીપલ એજન્સીઓનો સમાવેશ થાય છે. રાજયો પણ તેમાં સહભાગી છે.
તાજેતરમાં જ ટ્રાઈ (ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીઝ ઓફ ઈન્ડિયા) એ નેશનલ બ્રોડકાસ્ટિંગ પોલિસી- ૨૦૨૪ અંગેના ચર્ચાપત્ર બહાર પાડયા હતા, જેમાં ઓનલાઈન ગેમિંગના નિયમનનો પ્રસ્તાવ હતો. એપ્રિલ ૨૦૨૩માં મિનિસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિકસ-ઈન્ફર્મેશન દ્વારા આઈટી રુલ્સમાં ફેરફાર કરીને ત્રણ સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન સ્થાપવાનું નકકી કરાયું હતું. બીજા મહિને ઉદ્યોગ તરફથી સરકારને ત્રણ પ્રસ્તાવ મળ્યા હતા, જેનો અસ્વીકાર થયો હતો.
આ મામલે ચોકકસ ગૂંચવણો પણ પ્રવર્તી રહી હોવાથી અમુક
રાજયો પોતાની મેળે આગળ વધી રહ્યા છે. રાજય હોય કે કેન્દ્ર
સરકાર, તેમને ગેમિંગ ઉદ્યોગમાંથી ઊંચો વેરો મળે એવું ઈચ્છે છે. બાકી પ્રજાનું આ જુગટુ રમીને જે થવાનું હોય તે થાય એવી માનસિકતા છતી
થાય છે.
પહેલાં બગાડો પછી ચેતવો સરકારે આના રેગ્યુલેટરી મુદાઓ અંગે વિચાર કરી નિર્ણય લેવા મિનિસ્ટર્સ ગ્રુપ સ્થાપવાનું પણ નકકી કર્યુ, પરંતુ હાલ તો સરકારના કયા નિયમો ચાલે છે, કેવા ચાલે છે, તેનાથી શું ફરક પડે છે એ બધાં જ મુદા સિવાય બધું ચાલી રહ્યું છે. આ બધી ઓનલાઈન ગેમ્સના નામની યાદી જોઈ છે? નહીં ને !. તમને ખબર જ હશે. રોજે રોજ ટીવી પર, સોશ્યલ મીડિયા પર જુઓ જ છોને તમે!
મજાની વાત એ પણ છે કે આ દરેક ઓનલાઈન ગેમિંગ લોકોને જુગાર અથવા કેસિનો મેન્ટાલિટી તરફ લઈ જાય છે, માત્ર ફરક એટલો જ છે કે આ જુગારખાનું તમારા હાથમાં મોબાઈલ યા લેપટોપ સ્વરૂપે તમને સરળ સુવિધા આપે છે. ઓનલાઈન હોવાને કારણે તેની સીમા વ્યાપક છે. જેના પ્રચારમાં લોકોને લલચાવ્યા બાદ ચુપકીદીથી-ચાલાકીથી એમ કહેવામાં આવે છે, આ જુગારની લત લાગી શકે છે, મોટા જોખમ ઊભા થઈ શકે છે. વાહ, દારૂ પિવડાવો, પછી કહો કે દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સિગારેટ પિવડાવો પછી કહો સિગારેટ પીવાથી કેન્સર થઈ શકે છે.
આના પ્રચારમાં શાહરૂખ ખાન- અજય દેવગન જેવા સુપરસ્ટાર્સ ભાગ લે છે. પોતે એના બ્રાન્ડ અમ્બેસેડર બની લાખો રૂપિયા કમાઈ લે છે. વેચનાર કંપની કમાઈ લે છે ને સરકાર પણ ટેકસ રૂપે કમાઈ લે છે ગુમાવવાનું માત્ર પ્રજાને આવે છે.
ટેકસની સરકારી કમાણી ઓનલાઈન ગેમિંગ પર હાલ સરકાર ૩૦ ટકાનો ઈન્કમ ટેકસ લાગુ કરે છે, આ ઉપરાંત અન્ય વેરા અલગ લાગુ થાય છે. વધુમાં ઓનલાઈન ગેમિંગ પર ૨૮ ટકા જીએસટી પણ લાગે છે. આમ સરકારનું આકર્ષણ ટેકસ છે અને હોય એ સ્વાભાવિક છે, પરંતુ પ્રજાનું પતન આમાં પાકકું થઈ જાય છે. જુગારી માનસિકતા સમાજમાં ફેલાતી રહે એ સમાજના હિતમાં તો જરાય નથી.