ઉત્સવ

એક હજાર કરોડ…આ આ આવ્યા ને ગયા !

વ્યંગ -ભરત વૈષ્ણવ

નસીબ અજમાવવાનો સસ્તો ને સરળ એક કારગર કીમિયો છે લોટરીની ટિકિટ ખરદવાની… પૈસાદાર થવાનાં અરમાનોને પંપાળવાનો ઉત્તમ રસ્તો છે.લોટરીનું પરિણામ ન આવે ત્યાં સુધી વ્યકિત ફીલ ગુડ અને ઇન્ડિયા શાઇનિંગ અનુભવે છે. પરિણામ આવે ત્યારે દેવી-દેવતાને યાદ કરી ઇનામ લાગશે તો એક સો એક રૂપિયાનો થાળ ધરાવવાના મનોરથ કરે.પછી એ અભાગિયાનું ભડભાંખળા જેવું કિસ્મત ચમકે અને પૂરા પાંચ રૂપિયાનું જંગી-બમ્પર ઇનામ લાગે….ને પછી ભગવાન પણ થાળની પઠાણી ઉઘરાણી કરે તો ?!

લોટરીની ટિકિટો એ શેક્સપિયરના નાટકના જાણીતા ડાયલોગ ‘ટુ બી ઓર નોટ ટુ બી’ નો હિંચકો છે. અમર આશાઓ સાકાર કરવાનો મનસૂબો છે.લોટરી લેનારાઓ શેખચલ્લીના સાતમી પેઢીએ સીધી લીટીના વારસદાર હોય છે. …એક રીતે લોટરી એ મુંગેરીલાલ કે હસીન સપને છે, જે લોટરીના પરિણામને દિવસે પત્તાના મહેલની જેમ કડડભૂસ થઇ થાય છે. લોટરી જીતી કરોડપતિ થવામાં સપના ‘દિલ કે અરમાન આંસુઓમેં બહ ગયે…’ ની જેમ ગટરગંગામાં વહી જાય છે. લોટરી એક અર્થમાં બ્લોક બસ્ટર ફિલ્મ ‘એનિમલ’ માફક ગેમચેન્જર છે અને બીજી બાજુ કંગનાની ફલોપ ફિલ્મ ‘તેજસ’ની જેમ ગેમ ડિસ્ટ્રોયર પણ છે, છતાં લોકો ‘હો રાજ મને લાગ્યો લોટરીનો રંગ ’ ગીત ગાઈને લોટરી ડિઝનીલેન્ડમાં ઝંપલાવે છે.

લોટરીની ટિકિટ ખરીદી કરવામાં શેરબજારની જેમ લાંબી ઊથલપાથલ કે ઊઠકપટક થતી નથી.એમાં રોકાણકારોની લાખો-કરોડો રૂપિયાની સંપતિનું ધોવાણ થતું નથી.લોટરીની ટિકિટની કિંમત જેટલા રૂપિયા બેકાર જાય છે. રાતે અગર બપોરે મેઘધનુષ જોતાં તરંગી માણસની જેમ કુબેર થવાના સપનાં અને એ પણ જીએસટી મુક્ત જોવાનો કૈફ ચડે છે.

મેં જેટલી વાર લોટરી લીધી છે એમાં ટિકિટના છેલ્લા નંબરમાં મળતું ન્યુનતમ ઇનામ મને લાગે તેવી ભગવાનને ગુહાર લગાવી છે. બમ્પર ઇનામ ન મળે તો કાંઇ નહીં, પણ નાનું ઇનામ મળે તો રૂપિયા પડી ગયા તેવી નેગેટિવ ફિલિંગ તો ન આવે ને કશુંક મળ્યાનો અલ્પમાત્રામાં આનંદ પણ રહે…

જો હું તમને એમ કહું કે લોટરીનું બમ્પર ઇનામ ન મળ્યું તો કોઇ વાંધો નહીં. બમ્પર ઇનામ ન મળે તે જ ફાયદેમંદ છે. જો લોટરીનું બમ્પર ઇનામ મળ્યું હોત તો તમે દુખીના દાળિયા થઇ જાત. ના, તમે મારો સ્ક્રૂ ઢીલો નથી. પૂરી સભાનતા સાથે આ વાત કરું છું.

અમારા એક મિત્ર મુકેશભાઈ સુંદર મરોડદાર અક્ષરે ફાઇલ લખતા હતા. એટલું મરોડદાર એનું જીવન ન હતું. કેન્ટિનમાં ખુરશી પર બેસવાની બદલે નીચે ઉભડક પગે ગામડિયાની જેમ બેસી ચા પીતા હતા. લોટરીના બેહદ શોખીન કે લોટરીખોર હતા. લોટરી પાછળ આખો પગાર ખરચતા હોય તો નવાઇ નહીં. ઇનામની કેટલી રકમ મળી તે ભગવાન જાણે. એ એમનું પોતાનું ઘર બન્યું અને સરકારી કવાર્ટર ખાલી કર્યું ત્યારે સ્ટીલની કોઠી ભરીને પચીસ-ત્રીસ કિલો લોટરીની ટિકિટો મળેલી. આટલી રકમ નાની બચત કે બમણા થતા ઇંદિરા વિકાસપત્રોમાં રોકી હોત તો તે સમયમાં કમસે કમ કરોડપતિ હોત!

અમેરિકાના કેન્ટુકીનો માઇકલ સ્કલમેર રસોઇ બનાવી રહ્યો હતો. રસોઇ કરતાં ગેસ ખલાસ થઇ ગયો.ગેસ લેવા માટે બજાર જવું પડ્યું. માઇકલ પાસે ચાલીસ ડૉલર હતા.માઇકલે વીસ ડૉલરનો ગેસ ખરીદ કર્યો. બાકીના વીસ ડૉલરમાંથી લોટરીની ટિકિટ ખરીદી. માઇકલના સ્ટાર જોર કરતા હશે. એને દસ લાખ ડૉલર એટલે ત્રણ કરોડ પચીસ લાખની લોટરી લાગી!

માઇકલ ગેસપતિ થવાની સાથે કરોડપતિ બની ગયો. જો કે, એણે ‘સાલા મેં તો કરોડપતિ બન ગયા’ જેવું ગીત ગાયું કે નહીં એની ખબર નથી.

અમેરિકાના મેસેચ્યુસ્ટસના એટનબરોના વતની એલેકઝાન્ડરે હદયરોગની શસ્ત્રક્રિયા કરાવી ત્યારે લંગોટિયો મિત્ર લેરી હોસ્પિટલમાં એની ખબર કાઢવા ગયો. ‘ગેટ વેલ સુન’ એટલે ‘શીઘ્ર સાજા થાવ’ના સંદેશા સાથે સ્ક્રેચ કરવાની લોટરીની ટિકિટ આપી. આ લોટરીમાં એક લાખે એકને લોટરી લાગવાની સંભાવના હો્ય છે.

આ લોટરીમાં ક્રોસવર્ડ ભરવાનો હો્ય છે.. એમાં ભાગ્યશાળીને ભૂત રળે તેમ એલેકઝાન્ડરને ૧ મિલિયન ડૉલર ઇનામ લાગ્યું ( ભારતીય ચલણમાં રૂપિયા ૭.૫ર કરોડ )
લોટરીનું બમ્પર ઇનામ જીતનાર વિજેતા બીજા માટે ઇર્ષા, ક્રોધ, ગુસ્સા,હતાશાનું કારણ બને છે. સાલ્લો, બાજી મારી ગયો અને આપણે હાથ ઘસતા રહી ગયા…’ તેવી લાગણી થાય એ સ્વાભાવિક છે. આપણને એમ થાય કે પેલો હવે જલ્સા કરશે. સોનું , ચાંદી, મકાન, કાર ખરીદશે, ઐશ કરશે. આમ, આપણું હૈયું બળે છે..

જો કે લોટરીનું ઇનામ ન મળ્યું તે એક રીત ફાયદામંદ જ છે, કારણ કે કેટલીક વાર લોટરી લાગ્યા પછી જીવન ધૂળધાણી પણ થઇ જાય છે. તમે અનુપનો આ કિસ્સો વાંચો…

કેરળની રાજધાની તિરુવનંતપુરમના રિક્ષાવાળો અનુપ શેફ તરીકે કાર્ય કરવા માટે મલેશિયા જવાની તૈયારી કરી રહ્યો હતો. અનુપે ટિકીટ નંબર ટીજે-૭૫૦૫૦૬ ખરીદી હતી. તેના પર પચીસ કરોડ રૂપિયાની લોટરી લાગી હતી.અનુપને લોટરી લાગ્યા પછી સગા, સંબંધીઓ મિત્રો, સમાજ મદદ માંગવા જળોની જેમ ચોંટી પડયા હતી. બે વાર રહેઠાણ બદલવા છતાં માગણી અટકી નહીં…અનુપ એ બધાથી ત્રાહિમામ પોકારી ગયો છે.એને કોઈ સપનામાંય લોટરીની વાત કાઢે તો ય એ છળી ઊઠે છે !

ન્યુયોર્કની જેનેટ વેલેન્ટીનીની ઉંમર ૭૭ વર્ષ છે. વરસો પહેલાં એક ભૂલ કરેલી (ના, તમે માનો – સમજો છો એવી જુવાની કી ભૂલ નહીં…!)
જેનેટે લોટરીની ટિકિટ લીધેલી. જેનેટે લોટરીનું પરિણામ ચેક કર્યું. એણે ખરીદેલી ટિકિટ પર અધધધધ કહી શકાય તેવું એટલે કે ૧.૨૦ કરોડ ડૉલરનું ઇનામ લાગેલું.ભારતીય ચલણમાં કહું તો તમારી છાતીના પાટિયા બેસી જશે. પૂરા ૧,૦,૦૦,૦૦,૦૦,૦૦૦ -એક હજાર કરોડ રૂપિયા પૂરા..!

તમને થશે કે ,જેનેટ ન્યાલ થઇ ગઇ હશે. પંચતંત્રની
વાર્તાની જેમ ખાધું- પીધું ને રાજ કર્યું હશે.બટાકાનું શાક કર્યું હશે…
ના, જેનેટ બુંદિયાળ હતી. જેનેટના હોઠે આવેલો એક હજાર કરોડ રૂપિયાના ઇનામનો પ્યાલો હોઠે અડાડે તે પહેલાં ઢોળાઈ ગયો. … કેમ કે,જેનેટે ખરીદેલી લોટરીની ટિકિટ પરિણામ પહેલાં એણે ભૂલથી ડસ્ટબિનમાં ફગાવી દીધી હતી,જે શોધવા છતાં ન મળી!
હા, જેનેટને એક વસ્તુ જરૂર મળી જિદગીભરનો અફસોસ!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા