પોતાની પ્રતિભાનો ઉપયોગ સકારાત્મક રીતે કરવો જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
થોડા સમય અગાઉ ગુજરાતના પ્રવાસ વખતે મારી મુલાકાત એક પરિચિત યુવાન સાથે થઈ. એ તેજસ્વી યુવાન છે,પરંતુ જ્યારે પણ મળે અથવા કોલ કરે ત્યારે એ સતત કોઈ ને કોઈ ફરિયાદ કરતો રહે છે. એ મુદ્દે મેં એને બે-ત્રણ વખત ટપાર્યો અને સલાહ પણ આપી હતી કે ‘જિંદગીમાં સતત અકારણ – ખોટી ફરિયાદો કરનારી વ્યક્તિ પોતાના જ વિકાસમાં અવરોધરૂપ સાબિત થતી હોય છે.’
આ વખતે એણે ફરિયાદ કરી કે ‘મને કોઈનું બેકિંગ નથી અને હું આર્થિક રીતે પછાત છું એટલે મને સફળતા મળી નથી રહી.’
મેં એને કહ્યું કે ‘એ તારી ખોટી દલીલ છે. તું તારી પ્રતિભા વેડફી રહ્યો છે. પહેલા તો તારી ઊઠ-બેસ કોની સાથે છે એ વિચારી જો પછી કોની સાથે ઊઠ-બેસ રાખવી જોઈએ એ નક્કી કર અને અત્યારના તબક્કે માત્ર તારા પર જ ધ્યાન કેન્દ્રિત કર.’
એ મને કહે: ‘તમે પણ મને સમજી શકતા નથી! બધા મારી પાછળ પડી ગયા છે. મારી પાસે પૈસા હોત તો બધા મને માન આપતા હોત. હમણાં ફલાણી નાલાયક વ્યક્તિએ મારા પર કેસ કરી દીધો હતો!’
એની વાત સાંભળીને મને હસવું આવ્યું, કારણ કે એ યુવાને સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ સાથે ઝઘડો કર્યો હતો એ પછી એણે મધરાતે શરાબના નશામાં પેલી વ્યક્તિને કોલ કરીને ગાળો આપી હતી. સામેવાળી વ્યક્તિએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી.
એ યુવાનને મેં ઘણી સફળ વ્યક્તિઓના કિસ્સા કહ્યા કે જેમણે ઘણી બધી તકલીફો ભોગવવી પડી હોવા છતાં એ આગળ વધ્યા હતા. એ વખતે મને એક નામ જ્યોર્જ ડબલ્યુ. મેકલોરીનનું યાદ આવ્યું.
સપ્ટેમ્બર ૧૬, ૧૮૯૪ના દિવસે અમેરિકાના ઓક્લાહોમા રાજયમાં જન્મેલા અશ્ર્વેત જ્યોર્જ મેકલોરીન એવા પ્રથમ આફ્રિકન-અમેરિકન હતા, જેમણે ‘યુનિવર્સિટી ઑફ ઓક્લાહોમા’માં અભ્યાસ કર્યો હતો.
પ્રથમ અશ્ર્વેત વિદ્યાર્થી એવા જ્યોર્જ મેકલોરીને ખૂબ સંઘર્ષ કરવો પડ્યો હતો. એ પછી એમણે ‘કેન્સાસ યુનિવર્સિટી’ માંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી પછી એમણે ‘લેંકસ્ટન યુનિવર્સિટી’માં પ્રોફેસર તરીકે નોકરી પણ મેળવી હતી. મેકલોરીન ‘ઓક્લાહોમા યુનિવર્સિટી’માં અભ્યાસ કરવા ઇચ્છતા હતા એટલે એમણે ત્યાં પ્રવેશ મેળવવા માટે કોશિશ કરી હતી,પરંતુ એ યુનિવર્સિટી દ્વારા એમને પ્રવેશ આપવામાં ન આવ્યો એટલે મેકલોરીન કોર્ટમાં ગયા હતા. કેસ લડતા લડતા છેલ્લે એ ‘યુનાઈટેડ સ્ટેટ્સ સુપ્રીમ કોર્ટ’ સુધી પહોંચ્યા હતા. મેકલોરીનને થરગૂડ માર્શલ, અમોસ ટી. હોલ, રોસ્કો ડંજી અને પાંચ અન્ય અશ્ર્વેત અમેરિકન વિદ્યાર્થીઓનું પણ સમર્થન મળ્યું હતું.
તે કેસ આખરે એ જીતી ગયા ..સપ્ટેમ્બર ૨૯, ૧૯૪૮ના દિવસે અમેરિકન કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ઓક્લાહોમા યુનિવર્સિટી દ્વારા જ્યોર્જ મેકલોરીનને અને અન્ય અશ્ર્વેત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મનાઈ ફરમાવામાં આવે એ ગેરબંધારણીય હતી.
કોર્ટના એ ચુકાદાને કારણે ‘ઓક્લાહોમા યુનિવર્સિટી’ના એ વખતના પ્રમુખ વડા જ્યોર્જ લીન ક્રોસે નાછૂટકે અશ્ર્વેત જ્યોર્જ મેકલોરીન સહિતના અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ તો આપવો પડ્યો,પરંતુ એમણે એવી વ્યવસ્થા કરી કે મેકલોરીન અને અન્ય અશ્ર્વેત વિદ્યાર્થીઓને શ્ર્વેત વિધ્યાર્થીઓ સાથે ક્લાસરૂમમાં બેસવા ન મળે. મેકલોરીનને એ કલાસરૂમના દરવાજાની બહાર એક ટેબલ અને ખુરશી આપી દેવામાં આવી હતી, જ્યાં એ લોબીમાં બેસીને અભ્યાસ કરતા હતા. એમણે એની સામે વિરોધ નોંધાવ્યો પછી એવી વ્યવસ્થા કરવામાં આવી કે એમને ક્લાસરૂમના એન્ટિરૂમમાં બેસવા મળે. મેકલોરીનને અસ્પૃશ્ય ગણીને અન્ય શ્ર્વેત વિદ્યાર્થીઓથી દૂર બેસાડવામાં આવતા હતા.એ સિવાય અશ્ર્વેત વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીમાં કેફેટેરિયા એટલે કે કોફી શોપની પણ અલગ એરિયામાં વ્યવસ્થા કરવામાં આવી હતી. રમતગમતની સ્પર્ધાઓ માટે પણ એમને અલગ જગ્યા ફાળવામાં આવી અને બાથરૂમ પણ અલગ !
આ અન્યાયની સામે મેકલોરીને ફરી વાર કોર્ટના દરવાજા ખખડાવ્યા ત્યારે ડિસ્ટ્રિક્ટ કોર્ટ એમની એ દલીલ સાથે સંમત નહોતી કે એમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે. એ પછી મેકલોરીનને ઉપલી કોર્ટમાં ગયા અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડીને એ અન્યાય દૂર કરાવ્યો.૧૯૫૦માં અમેરિકાની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે શ્ર્વેત અને અશ્ર્વેત એટલે કે આફ્રિકન-અમેરિકન વિદ્યાર્થીઓને એકસરખી રીતે ભણવાની તક મળવી જોઈએ. એમની વચ્ચે ભેદભાવ ન રાખવો જોઈએ.
આમ મેકલોરીને પોતાને થઈ રહેલા અન્યાય સામે કાનૂની લડાઈ કરી એને કારણે અમેરિકામાં તમામ અશ્ર્વેત વિદ્યાર્થીઓને શ્ર્વેત વિદ્યાર્થીઓ સમકક્ષ ભણવાની તક મળી.
માણસ અણગમતી સ્થિતિમાંથી બહાર આવવા માટે મક્કમ મનોબળ સાથે આગળ વધે તો એને રસ્તો મળી જ રહે છે. પોતાની પ્રતિભાનો ઉપયોગ સકારાત્મક રીતે કરવો જોઈએ અને જ્યાં અન્યાય થતો હોય ત્યાં અવાજ ઉઠાવવો જ જોઈએ, પણ અકારણ અને જિંદગીભર સતત ખોટી ફરિયાદો કરનારી વ્યક્તિ પોતે જ પોતાના માટે અવરોધરૂપ સાબિત થતી હોય છે.