ઉત્સવ

જીવનમાં ક્યારેય ‘હું’પણું ન લાવવું જોઈએ, અહંકાર ન રાખવો જોઈએ

સુખનો પાસવર્ડ – આશુ પટેલ

દિવાળી અગાઉના રવિવારે આ કોલમમાં લેવ તોલ્સતોયની એક વાર્તા અધૂરી રહી હતી. એ વાર્તા એવી હતી મૃત્યુના દેવતા એક દેવદૂતને એક સ્ત્રીના શરીરમાંથી આત્મા લેવા માટે પૃથ્વી પર મોકલે છે, પણ દેવદૂત પૃથ્વી પર આવીને જુએ છે કે તે સ્ત્રી જમીન પર પડી છે અને તેની આજુબાજુમાં તેની ત્રણ નવજાત બાળકીઓ છે. એક બાળકી બાજુમાં રડીરડીને માતાની બાજુમાં ઊંઘી ગઈ છે ને બીજી બે બાળકીઓ રડી રહી છે એટલે દેવદૂતનું હૃદય દ્રવ્ય ઊઠે છે અને તે તે સ્ત્રીના આત્માને લીધા વિના પાછો જાય છે. એને કારણે મૃત્યુના દેવતા તેને સજારૂપે પૃથ્વી પર મોકલે છે અને કહે છે કે “તું ત્રણ વખત તારી મૂર્ખાઈ પર હસી નહીં લે ત્યાં સુધી તારે પૃથ્વી પર રહેવું પડશે. એ પછી તેને ઠંડીની મોસમમાં નિર્વસ્ત્ર અવસ્થામાં રસ્તાને ખૂણે ફંગોળી દેવાય છે. એ વખતે એક મોચી ત્યાંથી પસાર થાય છે. તે મોચીને નિર્વસ્ત્ર અવસ્થામાં ઠંડીથી ધ્રૂજી રહેલા દેવદૂતની દયા આવી જાય છે. તે મોચી પોતાનાં બાળકો માટે શહેરમાં ખરીદી કરવા જતો હોય છે એને બદલે તે દેવદૂતને કપડા અપાવે છે અને આશરો આપવા માટે પોતાના ઘરે લઈ આવે છે. એ વખતે મોચીની પત્ની ઉશ્કેરાઈને દેવદૂતને અને મોચીને ન કહેવાના શબ્દો કહે છે. ત્યારે દેવદૂતને પહેલીવાર હસવું આવે છે. મોચી પૂછે છે કે “તું શા માટે હસ્યો? દેવદૂત કહે છે કે “હું ત્રણ વાર હસી લઉં પછી આ સવાલનો જવાબ આપીશ.

હવે વાંચો આગળની વાત.

દેવદૂત પહેલીવાર હસ્યો, કારણ કે તેણે જોયું કે મોચીની પત્નીને તો ખબર જ નથી કે તેનો પતિ દેવદૂતને ઘરમાં લાવ્યો છે, જેના આવવાથી જ ઘરમાં ખુશીઓ આવી જશે. તેને તો એટલું જ દેખાઈ રહ્યું છે કે બ્લેન્કેટ અને બાળકોના કપડાં ન આવ્યાં!

દેવદૂતે સાત દિવસમાં જ મોચીનું કામ શીખી લીધું. કેમ કે તે દેવદૂત હતો. થોડા સમયમાં તો તેના ચંપલ એટલા પ્રસિદ્ધ થઈ ગયા કે ચાર મહિનામાં જ મોચી ધનવાન બની ગયો. તેની ખ્યાતિ બધે ફેલાઈ ગઈ કે તેના જેવા ચંપલ બનાવવાવાળું કોઈ નથી. ધનાઢય માણસોથી માંડીને સમ્રાટના ચંપલ ત્યાં બનવા લાગ્યા.

એક દિવસ સમ્રાટનો માણસ આવ્યો અને તેણે મોચીને કહ્યું કે “આ ચામડું બહુ કિંમતી છે કોઈ ભૂલ ન થવી જોઈએ. જૂતાં અમે કહ્યું છે એવાં જ બનવા જોઈએ અને ધ્યાન રાખજે કે ચંપલ બનાવવાના છે, સ્લીપર નહીં.

તેણે એવું એટલે કહ્યું કે રશિયામાં જ્યારે કોઈ માણસ મરી જાય છે ત્યારે તેને સ્લીપર પહેરાવીને કબ્રસ્તાન સુધી લઈ જવાય છે.

મોચીએ પણ દેવદૂતને ભારપૂર્વક કહ્યું કે”સ્લીપર ન બનાવી દેતો, ચંપલ બનાવવાના છે સ્પષ્ટ આજ્ઞા છે અને ચામડું આટલું જ છે જો કોઈ ગરબડ થશે તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈશું.

તો પણ દેવદૂતે સ્લીપર જ બનાવ્યાં!

જયા મોચીએ સ્લીપર બનેલાં જોયાં તો તે ગુસ્સે થઈ ગયો. તે લાકડી લઈને દેવદૂતને મારવા દોડ્યો. તેણે કહ્યું કે “તું મને ફાંસીએ ચડાવીશ! તને વારંવાર કહ્યું હતું કે સ્લીપર નથી બનાવવાના, તો પણ તેં સ્લીપર કેમ બનાવ્યાં?

દેવદૂત પાછો ખડખડાટ હસ્યો. ઊ ષ વખતે એક માણસ સમ્રાટના ઘરેથી દોડતો આવ્યો. તેણે કહ્યું, “ચંપલ ન બનાવતા, સ્લીપર બનાવજો. કેમ કે સમ્રાટનું મૃત્યુ થઈ ગયું છે.

સમ્રાટ જીવતો હતો ત્યારે ચંપલ જોતા હતા, મરી ગયો એટલે સ્લીપરની જરૂર પડી. મોચી દેવદૂતના પગ પકડીને માફી માંગવા લાગ્યો કે મને માફ કરી દે, મેં તને માર્યું, પણ દેવદૂતે કહ્યું, ‘વાંધો નહીં હું મારો દંડ ભોગવી રહ્યો છું.’

એ વખતે તે બીજી વાર હસ્યો. મોચીએ પાછું પૂછ્યું કે ‘હસવાનું કારણ શું છે?’

દેવદૂતે કહ્યું કે “જયારે હું ત્રણ વાર હસી લઉં ત્યારે જવાન આપીશ.

તે બીજીવાર એટલે હસ્યો કે ભવિષ્યથી અજાણ એવો માણસ મૃત્યુનો સમય નજીક આવી રહ્યો હોય ત્યારે માણસ જિંદગીનું આયોજન કરતો હોય છે.

ત્યારે દેવદૂતને પેલી નાનકડી.છોકરીઓ યાદ આવી. તેને થયું કે મને ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં તેમનું શું થશે? હું નકામો વચ્ચે આવી ગયો!

હવે એ સમય દરમિયાન પેલી ત્રણેય છોકરીઓ યુવાન થઈ ગઈ હતી અને ત્રણેયના લગ્ન લેવાઈ રહ્યા હતાં અને તેમના માટે જૂતાનો ઓર્ડર આવ્યો કે તેમના માટે જૂતા બનાવવામાં આવે. એક વૃદ્ધ મહિલા તે છોકરીઓ સાથે આવી હતી જે બહુ ધનવાન હતી.

દેવદૂત ઓળખી ગયો કે આ પેલી જ ત્રણ છોકરીઓ છે જેને તે તેમની મૃત માતા પાસે છોડીને ગયો હતો અને જેના કારણે તે દંડ ભોગવી રહ્યો છે. તે બધી સુંદર છે, સ્વસ્થ છે. તેણે તે વૃદ્ધાને પૂછ્યું: “આ તમારી દીકરીઓ છે?

તે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે ના, ના. આ મારી દીકરીઓ નથી, પાડોશીની દીકરીઓ છે. તે બહુ ગરીબ સ્ત્રી હતી, તેણે આ ત્રણેય જોડિયા દીકરીઓને જન્મ આપ્યો ત્યારે તેના શરીરમાં પૂરતું દૂધ પણ નહોતું, તેની પાસે પૈસા પણ નહોતા. આ બાળકીઓને દૂધ પીવડાવતાં પીવડાવતાં જ તે બિચારી મરી ગઈ. મને આ છોકરીઓની દયા આવી ગઈ. મારે કોઈ બાળક નહોતું એટલે મેં આ ત્રણેય છોકરીઓને મારી દીકરીઓ ગણીને મોટી કરી.’

દેવદૂતને સમજાયું કે જો આ છોકરીઓની માતા જીવતી હોત તો આ ત્રણેય છોકરીઓ ગરીબી ણ ભૂખમરા વચ્ચે મોટી થાત. માતા મરી ગઈ, એટલે આ ત્રણેય બાળકીઓ ધન-વૈભવ વચ્ચે ઊછરી અને આ વૃદ્ધની તમામ સંપત્તિની માલિક બની અને તેમનાં લગ્ન સમ્રાટ પરિવારમાં થઈ રહ્યાં છે. દે
એ વખતે દેવદૂત ત્રીજીવાર હસ્યો અને તેણે મોચીને ત્રણેય વાર હસવાનાં કારણો કહ્યા. તેણે કહ્યું: “ભૂલ મારી છે. નિયતિ મોટી છે અને આપણે એટલું જ જોઈ શકીએ છીએ જેટલું દેખાય છે જે નથી જોઈ શકતા તેનો વિસ્તાર બહુ મોટો છે. અને આપણે જે જોઈ શકીએ છીએ એને કારણે આપણે અંદાજ નથી લગાવી શકતા શું થવાનું છે, શું થશે. મેં ત્રણ વાર મારી મૂર્ખતા પર હસી લીધું, હવે મારો દંડ પૂરો થઈ ગયો અને હવે હું જાઉં છું.
૦૦૦

આ વાર્તા પરથી આપણે એ બોધ લેવાનો છે કે આપણે ગમે એટલું આયોજન કરીએ, પણ દરેક ક્ષણો નિર્મિત હોય છે. એટલે જીવનમાં ક્યારેય હું’પણું ન લાવવું જોઈએ, કોઈ પ્રકારનો અહંકાર ન રાખવો જોઈએ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તારક મહેતાની સોનૂનું કમબેક લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર