ઉત્સવ

લાગણીઓ પર કાબૂ રાખવાનું શીખવું જોઈએ

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

નવસારીસ્થિત મજાના મિત્ર – મેડિકલ ઓફિસર ભગીરથ જોગિયા સાહિત્યના શોખીન છે, પણ સાથેસાથે તેમને સફળ – નિષ્ફળ વ્યક્તિઓના જીવનનો અભ્યાસ કરવાનો પણ શોખ છે. તેઓ પુસ્તકો, ફિલ્મો કે મુલાકાતોમાંથી તેમને ગમે એવી વાતો શેર કરતા રહેતા હોય છે. આવી રીતે તેમણે થોડા દિવસો પહેલાં અભિષેક બચ્ચનની કેટલીક નિખાલસ વાતો અને કબૂલાતો શેર કરી હતી. એના વિશે તેમની સાથે ફોન પર વાત થઈ અને આ લેખ લખવાનો વિષય સૂઝ્યો.

સામન્ય રીતે આપણે ફિલોસોફર્સ કે મોટીવેશનલ સ્પીકર્સના ઉપદેશોથી અંજાઈ જતા હોઈએ છીએ, પણ ક્યારેક ફિલ્મસ્ટાર્સ પણ ઊંડાણભરી વાતો કહી જતા હોય છે.

સામાન્ય રીતે મોટા ભાગના ફિલ્મ સ્ટાર્સ વિશે વાત થાય ત્યારે આપણે એમ જ વિચારીએ કે એ બધામાં આછકલાઈ જ હોય કે એ છીછરા જ હોય, પણ કેટલાક અપવાદરૂપ ફિલ્મ સ્ટારના વિચારો કે તેમની જીવન પ્રત્યેની ફિલોસોફીમાંથી ઘણું શીખવા જેવું પણ હોય છે. અભિષેક બચ્ચનની જુદીજુદી મુલાકાતોમાંથી આવી જ કેટલીક વાતો જાણવા – સમજવા જેવી છે. ભગીરથ જોગિયાના સૌજન્ય સાથે એ વાતો વાચકો સાથે શેર કરું છું.

આગળના શબ્દો અભિષેક બચ્ચનના છે;
મેં ધડાધડ પાંચ એવી ફિલ્મો પસંદ કરી હતી જે એકદમ ફાલતુ હતી. એ હું અગાઉથી જ જાણતો હતો, પણ કુટુંબ તકલીફમાં હોય ત્યારે પોતાની અંગત પસંદગી બાજુ પર મૂકી દેવી જોઈએ એ હું પપ્પા અને દાદા (હરિવંશરાય બચ્ચન) પાસેથી શીખ્યો છું.

  • મેં ઘણી ફ્લોપ ફિલ્મો આપી છે અને, બેકારીના દિવસો પણ જોયા છે. દુનિયામાં ટોપ પર રહેવા માટે સતત બેસ્ટ પરફોર્મન્સ આપતા રહેવું પડે છે. અહીં કોઈ ધર્માદો ચલાવતું નથી.લોકો તમારા પર પૈસાનો જુગાર રમે છે કારણ કે એમને પણ રૂપિયા કમાવા હોય છે અને એ રૂપિયા વસૂલ થાય એવી રીતે અભિનય કરવો એ કલાકારનો ધર્મ છે.
  • હું મોડેલ નથી. માટે મને સિક્સપેક બોડી બનાવવા માટે કોઈ જરૂરી કારણ મળતું નથી. હું શર્ટ ઉતાર્યા વગર પણ રફ એન્ડ ટફ પોલીસમેનનો રોલ કરી શકું છું. એમ પણ, આપણા સમાજમાં કોઈ મરદ પોલીસમેન શર્ટ વગર ફરતા મેં જોયો નથી! મર્દાનગી- કરડાકી-આક્રમકતા માણસના ચહેરા અને એટિટ્યુડ પરથી સાબિત થતી હોય છે.
  • વિવેચકોની પણ એક નોકરી હોય છે. મારી ટીકાઓ માટે એમને હું નફરત નથી કરતો. પણ એટલું જરૂર કહીશ કે, હું શર્ટ ઉતારીને સિક્સપેક બતાવતો નથી એનો મતલબ એ નથી કે હું એમ કરી નથી શકતો!
  • પહેલા મારું સપનું હતું કે હું મારા પિતાની તમામ ફિલ્મોની રિમેક બનાવું, પણ પછી મને થયું કે મારે શું કામ એમના જેવું બનવું જોઈએ? અને સાચું કહું તો પપ્પાના સ્ટાન્ડર્ડ સાથે પોતાની સરખામણીનો વિચાર આવતા જ મને પરસેવો છૂટી જાય છે.
  • જગતમાં કંઈ જ મફતમાં મળતું નથી. સખત મહેનતથી કમાવું પડે છે. હું મારા હપ્તા પણ જાતે જ ભરું છું. લોકો મને પૂછે છે ‘તમારા માટે તો બધું જ સહેલું હશે ને? કારણ કે…’ પણ વાસ્તવિકતા એ છે કે હું ભલે અમિતાભ બચ્ચનનો પુત્ર છું, પણ હું મારા ભાગની મહેનત કરીને એમને ગર્વ અપાવું તો જ મેં પુત્રધર્મ નિભાવ્યો કહેવાય.
  • પપ્પાએ મને એટલું જ શીખવ્યું છે કે હું એકટર છું, અને એક્ટિંગના રૂપિયા લઉં છું. માટે પોતાનો ખરાબ મૂડ, પર્સનલ પ્રોબ્લેમ્સ, અહમ અને બીજી તમામ નેગેટિવિટી ઘરે મૂકીને જ સેટ પર જવું જોઈએ.
  • જિંદગી હોય કે ફિલ્મ હોય, સફળ થવાની પહેલી શરત એ છે કે તમારા ઈમોશન્સ પર કાબૂ રાખો. લાગણીઓ પર કાબૂ રાખવાનું શીખવું જોઈએ.
  • ભગવાન પાસે કંઈ પણ માગવામાં મને શરમ આવે છે. મને વિશ્ર્વાસ છે કે મારી લાયકાત હશે તો એ આપશે જ. માનતાઓમાં હું માનતો નથી.
  • ફિલ્મમાં જો કોઈ સર્વેસર્વા હોય તો એ એક્ટર નથી, ઓડિયન્સ છે. તમે ગમે એટલા સારા એકટર હો કે ફિલ્મ દેશભક્તિથી ફાટફાટ થતી હોય તો પણ એને રસપ્રદ રીતે રજૂ કરવી એ જ સાચી કલા છે. બાકી, મનોરંજન નહિ હોય તો લોકો વખાણશે, વિવેચકો વખાણશે પણ, થિયેટર સુધી જોવા નહીં જ જાય.

અભિષેક બચ્ચને આવી તો ઘણી વાતો તેની જુદીજુદી મુલાકાતોમાં શેર કરી છે, પણ સંપાદકે આપેલી શબ્દમર્યાદાને કારણે અહીં થોડી વાતો મૂકી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button