કપરા સંજોગોમાં ઉપરવાળાની મદદનું રૂપ પારખતા આવડવું જોઈએ
સુખનો પાસવર્ડ -આશુ પટેલ
કોરોનાના સમય દરમિયાન મારા એક પરિચિતને ધંધામાં મોટો ફટકો પડ્યો. એમની આર્થિક સ્થિતિ કફોડી થઈ ગઈ દેવું પણ થઈ ગયું. પરિણામે પોતાનો ધંધો સંકેલી લેવાનો કડવો નિર્ણય એમણે લેવો પડ્યો.
સંખ્યાબંધ માણસોએ કોરોનાને કારણે સહન કરવું પડ્યું. એમાંના એ પણ એક હતા.
એમણે ધણા બધા જ્યોતિષીઓનો સહારો લીધો અને પોતાની કુંડળી બતાવીને કહ્યું કે મારો સારો સમય કયારે આવશે’ કોઈ જ્યોતિષીએ કહ્યું હતું કે થોડા સમય પછી તમારી જિંદગીમાં બહુ મોટું પરિવર્તન આવશે અને તમે ફરી વાર કોઈ મોટો ધંધો કરી શકશો. ગ્રહો સૂચવે છે કે તમે શેરબજારમાંથી કરોડો રૂપિયા કમાઈ શકશો….’
એ સમયમાં પેલા પરિચિત એક વાર મને મળ્યા હતા એ મને કહે કે શેરબજારની એકાદ ટીપ અપાવી દો તો મારી આર્થિક સ્થિતિ સુધરી જાય.’
મેં એમને કહ્યું કે મારે શેરબજાર સાથે સ્નાનસૂતકનો પણ સંબંધ નથી અને બીજા કોઈ કદાચ તમને ટીપ આપે તો પણ ભરોસો ન કરતા.’
એમને ખરાબ લાગી ગયું. એ કહે: તમારા આટલા સંબંધો છે એમાંથી મારા માટે કોઈ સંબંધનો ઉપયોગ ન કરી શકો? ’
મેં એમને સલાહ આપી કે તમે બીજા બધા રવાડે ચડવાને બદલે તમારી જાત પર અને તમારા અનુભવ પર ભરોસો રાખો. તમારામાં ધંધો કરવાની આવડત છે એનો ઉપયોગ કરો.’
મેં એમને ફરી ધંધો શરૂ કરવા માટે મારાથી શક્ય હોય એ રીતે મદદ કરવાની તૈયારી બતાવી. જો કે એ વખતે મારી કોઈ વાત એમના ગળે ન ઊતરી.
એ દરમિયાન એમના એક મિત્રએ એમને ઓફર કરી કે મારી પાસે થોડા લાખ રૂપિયાની બચત. એ હું તમને આપી શકું. તમે નાના પાયે કોઈ નવો ધંધો શરૂ કરવાનું વિચારો.
મારા પરિચિતે એમના મિત્રની એ ઓફર ઠુકરાવી દીધી અને કહ્યું કે માર્રે વ્યવસ્થિત ધંધો જ કરવો છે. હું મારો સારો સમય આવે એની રાહ જોઈ રહ્યો છું.
એ દરમિયાન એમની આજુબાજુની અન્ય અનેક વ્યક્તિઓએ પણ એમને સલાહ આપી કે તમે એકવાર કંઈપણ કામ શરૂ કરી દો બીજી બધી વસ્તુઓ આપમેળે ગોઠવાતી જશે, પરંતુ એમણે કોઈની સલાહ માની નહીં. આ દરમિયાન એમના પર લેણદારોનું પ્રેશર વધતું ગયું. એમની સ્થિતિ વધુ કફોડી થઈ ગઈ અને એ હતાશામાં સરી પડ્યા. જીવન ટૂંકાવી લેવાના વિચાર એમને આવવા લાગ્યા. એ એવા ડિપ્રેશનમાં સરી પડ્યા કે એમણે મનોચિકિત્સકની સારવાર પણ લેવી પડી,જેમાં એ લાંબા સમય સુધી હેરાન થયા. એ પછી એમના મિત્રએ તેમને ફરી વખત કહ્યું કે હું હજી મારી ક્ષમતા પ્રમાણે આર્થિક સહાય કરવા માટે તૈયાર છું. એક વખત તમે કામ ચાલુ કરી દો.’
એ પરિચિતે કચવાતા મને પછી નાછૂટકે એ મિત્રની ઓફર સ્વીકારીને નાના પાયે ધંધો શરૂ કરવો પડ્યો. જો કે એક વખત નવો ધંધો શરૂ કર્યો એ પછી એ ડિપ્રેશનમાંથી બહાર આવ્યા અને એમને બીજા રસ્તાઓ સૂઝવા લાગ્યા. હવે એમની ગાડી પાટે ચડી ગઈ છે.
એ પરિચિતની મનોસ્થિતિ ખરાબ હતી એ વખતે મેં એમને મનોચિકિત્સક પાસે જવાની સલાહ આપી હતી. એ જ્યોતિષી પાસે જવા માટે તૈયાર હતા, પણ મનોચિકિત્સક’ શબ્દ સાંભળીને એ રીતે ઊછળી પડ્યા હતા કે જાણે વીંછીએ એમને ડંખ માર્યો હોય!
એ વખતે મેં એમને એક આ બોધપ્રેરક જોક કહી હતી….
એક ગામની નદીમાં ભારે પૂર આવ્યું. નદીમાં પૂરની સપાટી વધી રહી હતી ત્યારે ચેતી ગયેલા ઘણા ગામવાસીઓ બાજુના ઊંચાણવાળા ગામમાં જતા રહ્યા, પણ અમૂક માણસોએ પોતાના મકાનની છત પર કે છાપરે ચઢીને આશ્રય લીધો. પૂરનું પાણી ઓસરવાનું નામ લેતું નહોતું. ઊલટું પૂરનું જોર વધી રહ્યું હતું. આડોશપાડોશના ગામના લોકો પૂરમાં ફસાયેલા માણસોને મદદ કરવા પહોંચી ગયા. એમ છતાં કેટલાક માણસો નદીની નજીક રહેતા હતા એમને બચાવવાનું
મુશ્કેલ થઈ રહ્યું હતું. છેવટે લશ્કરના જવાનો આવી પહોંચ્યા. એમણે કેટલાક મામસોને મોટરબોટની મદદથી બચાવી લીધા, પણ એક માણસ પોતાની છત પર બેઠો રહ્યો. એ કહે કે મને ઈશ્ર્વર પર વિશ્વાસ
છે. ઈશ્વર મને બચાવી લેશે….’
એ માણસ પોતાની જિદ પર મક્કમ હતો અને પાણી એટલું ચડી રહ્યું હતું કે લશ્કરના જવાનોએ મોટરબોટ પણ પાછી લઈ જવી પડી. હવે આખા ગામમાં તે એક જ માણસ પૂરની વચ્ચે ફસાયેલો હતો. એ માણસને બચાવવા માટે હેલિકોપ્ટર મગાવાયું. તેના મકાનની ઉપર હેલિકોપ્ટર ચકરાવા મારીને સ્થિર થયું અને તે માણસ સુધી દોરડું ફેંકવામાં આવ્યું. તોય માણસે ઈશારાથી કહ્યું કે મને ઈશ્વર પર વિશ્વાસ છે એ મને બચાવશે!
છેવટે પૂરનું પાણી એના મકાનની છત સુધી પહોંચી ગયું અને એ માણસ તણાઈ ગયો.
ઉપર જઈને એણે ઈશ્વરને ફરિયાદ કરી કે હું તમારો પરમ ભક્ત હોવા છતાં તમે મને બચાવવા ન આવ્યા!
ઈશ્ર્વરે કહ્યું : બેવકૂફ પેલી મોટરબોટ અને પછી હેલિકોપ્ટર મેં જ મોકલ્યા હતા!
ઉપરવાળાએ તો મોટરબોટ અને હેલિકોપ્ટર રૂપે મદદ મોકલી હતી, પણ એ મદદ લેવાને બદલે પોતે કોઈ ચમત્કારની રાહ જોતો રહ્યો હતો.
માણસની મુશ્કેલીમાં ઉપરવાળો કોઈ ને કોઈ રીતે મદદ મોકલતો જ હોય છે, પણ માણસો ઉપરવાળાએ મોકલેલી મદદ પારખી શકતા નથી.
કપરા સંજોગોમાં ઉપરવાળો મદદ પહોંચાડે ત્યારે એ કયા રૂપે આવે છે એ પારખતાં આવડવું જોઈએ.