ઉત્સવ

કોઈને તકલીફ આપીને આનંદ મેળવવાની વિકૃત વૃત્તિથી દૂર રહેવું જોઈએ

સુખનો પાસવર્ડ -આશુ પટેલ

બ્રાઝીલની એક સ્કૂલના એક શિક્ષકને ઠોઠ વિદ્યાર્થીઓની મજાક ઉડાવવામાં અને તેમને ઉતારી પાડવામાં અનેરો આનંદ આવતો હતો. એમાંય પાછલી બેંચ પર બેસતા વિદ્યાર્થીઓ તો અવારનવાર તેમની ઝપટમાં આવતા હતા.

એક વાર તે શિક્ષકે પાછલી બેન્ચમાં બેઠેલા એક વિદ્યાર્થીને ઊભો કર્યો અને સવાલ પૂછ્યો કે આપણી પાસે કેટલી કિડની હોય છે?’

સ્વાભાવિક રીતે તેનો ઉદ્દેશ પાછલી બેંચ પર બેસનારા તે વિદ્યાર્થીને ઉતારી પાડવાનો હતો, પણ પેલા વિદ્યાર્થીએ સહેજ પણ ક્ષોભ અનુભવ્યા વિના તરત જ જવાબ આપ્યો: ‘ચાર કિડની.’
એ સાથે કલાસરૂમમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ હસી પડ્યા. શિક્ષક પણ ખડખડાટ હસ્યો. પછી તેણે પહેલી બેન્ચ પર બેઠેલા એક વિદ્યાર્થીને ઉદ્દેશીને કહ્યું: ‘આપણા ક્લાસમાં એક ગધેડો છે. તેના માટે બહાર જઈને ઘાસનો એક પૂળો લઈ આવ.’

એ વખતે શિક્ષકે જેની મજાક ઉડાવવા માટે
એ વાત કહી હતી તે વિદ્યાર્થીએ પાછળની
બેન્ચ પરથી પહેલી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીને ઉદ્દેશીને બૂમ પાડી: ‘આપણા કલાસરૂમમાં ગધેડો છે એના માટે ઘાસનો પૂળો લેવા જાય જ છે તો સાથે-સાથે મારા માટે કોફીનો એક કપ પણ લેતો આવજે!’

આ વખતે વિદ્યાર્થીઓ ઇચ્છા હોવા છતાં હસી ન શક્યા કારણ કે પાછલી બેન્ચના તે વિદ્યાર્થીએ શિક્ષકને ગધેડો કહ્યો હતો!

તેના એ શબ્દોથી શિક્ષકને ભયંકર ગુસ્સો આવી ગયો. તેણે તે વિદ્યાર્થીને આદેશ આપ્યો: ‘ગેટ આઉટ! હમણાં ને હમણાં ક્લાસમાંથી બહાર
નીકળી જા.’

તે વિદ્યાર્થી ક્લાસમાંથી બહાર જવા માટે ચાલતો થયો, પરંતુ ક્લાસમાંથી બહાર જતા પહેલાં તે થોડી ક્ષણો માટે શિક્ષક પાસે રોકાયો અને તેણે કહ્યું: ‘મેં સાચો જ જવાબ આપ્યો હતો. કારણ કે તમે મને સવાલ કર્યો હતો કે આપણી પાસે કેટલી કિડની હોય છે? એટલે તમારા સવાલનો જવાબ એ હતો કે આપણી એટલે કે તમારી અને મારી બબ્બે મળીને ચાર કિડની થાય. તમે મને એમ પૂછ્યું હોત કે એક માણસ પાસે કેટલી કિડની હોય છે અથવા તારી પાસે કેટલી કિડની છે? તો હું જવાબ આપત: ‘બે’. ચાલો, હું ક્લાસરૂમ બહાર જાઉં છું. તમે ઘાસ ખાવાનો આનંદ માણજો!’

તે વિદ્યાર્થી હતો એપેરેસિયો ટોરેલી. જે મોટો થઈને પત્રકાર અને લેખક તરીકે એપોરેલી નામથી વિખ્યાત બન્યો હતો.

નાની ઉંમરના એક વિદ્યાર્થીને સ્કૂલમાં થતા કડવા અનુભવને કારણે કાઉન્સેલિંગ માટે સાઈકોલોજિસ્ટ પાસે મોકલવો પડે છે એવી ફરિયાદ તેનાં પેરેન્ટ્સે થોડા દિવસો અગાઉ કરી એટલે એપોરેલીના જીવનનો આ કિસ્સો યાદ આવી ગયો. તે વિદ્યાર્થીએ સાઈકોલોજિસ્ટને કહ્યું કે ‘હું ભણવામાં નબળો છું એટલે મારા શિક્ષક મને ઉતારી પાડે છે અને એને કારણે બીજા વિદ્યાર્થીઓ પણ મારી ઠેકડી
ઉડાડે છે.’

બાય ધ વે, બ્રાઝીલના રિયો ગ્રાન્ડેમાં ૨૯ જાન્યુઆરી, ૧૮૯૫ના દિવસે જન્મેલા અને ૨૭ નવેમ્બર, ૧૯૭૧ના દિવસે રિયો ડી જાનેરોમાં મૃત્યુ પામેલા એપોરેલીએ મેડિકલ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો, પરંતુ પછી તેમણે અભ્યાસ પડતો મૂકી દીધો અને રિયો ડી જાનેરો જઈને પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે હાસ્યલેખક તરીકે પણ ખૂબ નામના મેળવી હતી. તેમણે ૧૯૨૬માં પોતાનું હ્યુમરનું અખબાર શરૂ કર્યું હતું. જેનું નામ હતું: ‘અ મન્હા’. એ પછી એપોરેલી બ્રાઝિલીયન ક્મ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય પણ બન્યા હતા અને ૧૯૩૫માં બ્રાઝિલીયન કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાવાને કારણે તેમની ધરપકડ પણ થઈ હતી કારણ કે એ વખતે બ્રાઝિલીયન કમ્યુનિસ્ટ પાર્ટી ગેરકાનૂની હતી. તેણે એક વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું હતું.

એપોરેલીની મજાક ઉડાવનારા શિક્ષકનું નામ અત્યારે કોઈને યાદ નથી, પરંતુ એપોરેલી આગવી રીતે જીવન જીવીને પોતાનું નામ અમર કરી ગયા.

વિદ્યાર્થીઓ સાથે અણછાજતો વર્તાવ કરનારા શિક્ષકોને એપોરેલી જેવા વિદ્યાર્થી મળવા જોઈએ!

શિક્ષકોએ (કે કોઈ પણ પ્રકારની સત્તા ધરાવતી વ્યક્તિઓએ) કોઈને તકલીફ આપીને આનંદ મેળવવાની વિકૃત વૃત્તિથી દૂર રહેવું જોઈએ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત