ઉત્સવ

દેશના ફાયદામાં છે ‘વન નેશન વન ઇલેકશન’

દેશની બધી જ ચૂંટણીઓ એક સાથે યોજવી એ આમ તો આ બહુ કડાકૂટભર્યું દુષ્કર કામ છે,પણ વ્યવસ્થિત આયોજન થાય તો એ સાવ અશક્ય પણ નથી

કવર સ્ટોરી -વિજય વ્યાસ

ભારતમાં ‘વન નેશન-વન ઇલેકશન’ એટલે કે આખા દેશમાં લોકસભા,તમામ રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી એક સાથે યોજવા અંગે ભલામણ કરવામાં આવી છે. ‘એક રાષ્ટ્ર ને એક જ ચૂટણી’ માટે રચાયેલી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ તાજેતરમાં તેનો અહેવાલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને આપી દીધો છે.આ સમિતિની રચના ૨ સપ્ટેમ્બર-૨૦૨૩ના કરવામાં આવી હતી એ જોતાં માત્ર ૧૯૧ દિવસમાં ૧૮૬૨૬ પાનાંનો અહેવાલ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ભારતમાં કોઈ સરકારી સમિતિએ માત્ર છ મહિનાના ગાળામાં પોતાનો રિપોર્ટ સોંપી દીધો હોય એવું આ કદાચ પહેલી વાર બન્યું છે. કોવિંદ સમિતિએ બતાવેલી ઝડપ પરથી લાગે છે કે મોદી સરકાર’વન નેશન, ‘વન ઇલેકશન’નો ઝડપથી અમલ કરવા તલપાપડ છે.

‘વન નેશન, વન ઇલેકશન’નો વિચાર નરેન્દ્ર મોદીનો છે.નરેન્દ્ર મોદીએ ૨૦૧૯માં ફરી વડા પ્રધાનનું પદ સંભાળતા એક રાષ્ટ્ર ને એક જ ચૂંટણી’ નો મુદ્દો હાથ પર લઇને ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. એ બેઠકમાં ખાસ કશું થયું નહોતું , પણ મોદીને આ વિચાર ગમી ગયેલો તેથી ગયા વરસે સમિતિ બનાવી નાખી. સમિતિના ચેરમેન તરીકે રામનાથ કોવિંદ હતા એટલે ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં’ જેવો ઘાટ હતો તેથી નાળિયાર ઘર ભણી ફેંકાવાનું નક્કી હતું. મતલબ કે, રામનાથ કોવિંદ સમિતિ શું ભલામણ કરશે એ પહેલેથી નક્કી જ હતું ને સમિતિએ એ પ્રકારની ભલામણો જ કરી છે.

કોવિંદ સમિતિએન આખા દેશમાં લોકસભા, તમામ રાજ્યોની વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી એક સાથે યોજવામાં દેશનો ફાયદો છે એ વાત પર ભાર મૂક્યો છે.
સમિતિનો મત એવો છે કે, આમેય દેશમાં દર વર્ષે કોઇને કોઇ ચૂંટણી આવે જ છે. તેના કારણે બેફામ નાણાંનો તો ધુમાડો થાય છે એમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો,પોલીસ, અર્ધલશ્કરી દળો,વ્યાપાર ઉદ્યોગ, ધંધા,સરકારી કર્મચારીઓ,કામદારો વગેરે બધાંને અસર થાય છે, બધાંનો સમય બગડે છે અને આર્થિક રીતે નુકસાન થાય છે.

આ સ્થિતિ નિવારવા માટે ‘વન નેશન- વન ઇલેકશન’નો અમલ કરવો જોઈએ એવી સમિતિની ભલામણ છે.‘વન નેશન- વન ઇલેકશન’ની પ્રક્રિયાનો બે તબક્કામાં અમલ કરવાની પણ ભલામણ થઈ છે.

    પહેલા તબક્કામાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એક સાથે કરી નાંખવાની અને બીજા તબક્કામાં મ્યુનિસિપલ કોર્પોરેશન,નગરપાલિકાઓ અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીઓ લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી સાથે કરી દેવાની. વિધાનસભાઓની મુદત પણ લોકસભાની મુદત સાથે જ પૂરી થાય એ માટે રાજ્યોની વિધાનસભાઓની મુદતમાં વધારો કે ઘટાડો કરી નાખવો એવું પણ સમિતિનું સૂચન છે. આ સમિતિનાં સૂચનોનો અમલ બરોબર થાય છે કે કેમ તે જોવા માટે એક અમલીકરણ જૂથની રચના પર પણ ભાર મુકાયો છે.

    આમ જુઓ તો આ ભલામણોમાં કશું નવું નથી, કેમ કે આ બધી વાતો નરેન્દ્ર મોદી વરસોથી કરે છે. મોદીને પણ  આ વિચાર સૌથી પહેલાં  સૂઝ્યો નથી, પણ મોદી ગુજરાતના મુખ્યમંત્રી નહોતા બન્યા તેના બહુ પહેલાંથી જ ‘વન નેશન- વન ઇલેકશન’ની વાતો ચાલે છે.૧૯૮૩માં ચૂંટણી પંચે’વન નેશન- વન ઇલેકશન’ની તરફેણ કરેલી. ઈન્દિરા ગાંધીને તેમાં રસ પણ પડેલો,  પણ ઈન્દિરાજીની  હત્યાને લીધે બધું સખળડખળ થઈ ગયું.૧૯૯૯માં આયોજન પંચે પોતાના૧૧૭માં રિપોર્ટમાં રાજકીય અસ્થિરતાને આધાર બનાવી લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવાની ભલામણ કરી હતી.અટલ બિહારી વાજપેયી સરકારે એ દિશામાં વિચારણા પણ શરૂ કરાવેલી, પણ સમય જતા એ  બધું ફૂસ્સ થઈ ગયેલું.

     ૨૦૧૪માં વડા પ્રધાન બન્યાના બે વર્ષ પછી નરેન્દ્ર મોદીએ ફરી આ વાત વહેતી કરીને ૨૦૧૬માં ઈચ્છા વ્યક્ત કરી હતી કે, દેશમાં લોકસભા તથા તમામ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે જ યોજવી જોઈએ. ભાજપમાં મોદી સર્વેસર્વા છે તેથી બધા મચી પડ્યા ને ૨૦૧૭માં નીતિ આયોગે પણ ભલામણ કરી નાખેલી. કોવિંદ સમિતિએ એ જ બધી વાતોને પોતાના રિપોર્ટમાં લઈ લીધી છે.

    ‘વન નેશન- વન ઇલેકશન’દેશના ફાયદામાં છે તેમાં બેમત નથી.અત્યારે સ્થિતિ એ છે કે દેશમાં કયાંક ને ક્યાંક ચૂંટણી થતી રહે છે. દર છ મહિને દેશમાં બે-પાંચ રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીઓ થાય છે. સતત થઈ રહેલી ચૂંટણીઓના કારણે સરકારના કામકાજ પર ભારે અસર પડે છે. સત્તાધીશો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય તેથી તંત્ર કશું કામ કરતું  નથી. આપણે ત્યાં વડા પ્રધાન કે કેન્દ્ર સરકારના પ્રધાનોએ રાજ્યોની ચૂંટણીના પ્રચારથી દૂર રહેવું જોઈએ પણ એવું થતું નથી. તેના કારણે કેન્દ્ર સરકારની કામગીરી પર પણ અસર થાય છે.

ચૂંટણીઓ યોજવા પાછળ જંગી ખર્ચ પણ થાય છે. ૨૦૦૯માં લોકસભાની ચૂંટણી યોજવાનો ખર્ચ રૂપિયા ૧૧૦૦ કરોડ હતો. ૨૦૧૪માં એ વધીને રૂપિયા ૪૦૦૦ કરોડ થયો અને ૨૦૧૯માં વધીને ૭૦૦૦ કરોડ રૂપિયાનો આંક વટાવી ગયો.

     આ વખતે ૧૨ હજાર કરોડનું આંધણ થશે. અલગ અલગ ચૂંટણી યોજાય તેથી દરેક વાર નવેસરથી તૈયારી કરવી પડે છે. ચૂંટણીની કામગીરીમાં સામેલ કર્મચારીઓથી માંડીને સુરક્ષા કર્મચારીઓ સુધી બધાંનો બમણો બોજ દેશની તિજોરી પર પડે છે. રાજકીય પક્ષોએ પણ પ્રચાર પાછળ બમણો ખર્ચ કરવો પડે છે. જો બધી ચૂંટણી સાથે યોજવામાં આવે તો આ ખર્ચમાં ઘણો ઘટાડો થઈ શકે છે.આ બચેલી રકમ દેશના હિતમાં વાપરી શકાય-અન્ય વિકાસ કાર્ય કરી શકાય.

    અલબત્ત, ‘વન નેશન-  વન ઇલેકશન’નો અમલ એટલો સરળ પણ નથી.એક સાથે બધાં જ રાજ્યની વિધાનસભા - લોકસભાની ચૂંટણી કરાવવામાં આવે તો અનેક રાજ્યોની વિધાનસભાની મુદત વહેલી સમાપ્ત કરવી પડે. લોકસભાની ચૂંટણીને આધાર માનીને ચાલીએ તો ઘણાં રાજ્યોની વિધાનસભાને એક વર્ષ પણ ના થયું હોય  તેમને વહેલી બરખાસ્ત કરી ના શકાય કેમ કે બંધારણ પ્રમાણે વિધાનસભાને પાંચ વર્ષની મુદત પૂરી કરવાનો હક છે.

   આ સંજોગોમાં બંધારણીય સુધારો કરવો પડે.‘વન નેશન-  વન ઇલેકશન’હેઠળ લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવા માટે બંધારણની કલમ ૩૨૪-એ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ પણ લોકસભા અને વિધાનસભાની સાથે યોજવા માટે કલમ ૩૨૫માં સુધારો કરવો પડે. બંધારણીય સુધારો હોવાથી  બે તૃતીયાંશ બહુમતી જોઈએ,  પણ મોટા ભાગના વિપક્ષો આડા ફાટેલા છે તેથી એમને મનાવવા અઘરા છે.

   ભાજપ આ વખતે લોકસભામાં સાથી પક્ષો સાથે બે તૃતીયાંશ બહુમતી લઈ આવે તો ‘વન નેશન- વન ઇલેકશન’ શક્ય બની શકે. દેશમાં ૧૯૫૨ની પહેલી ચૂંટણીના અપવાદ સિવાય  લોકસભા અને તમામ વિધાનસભાઓની ચૂંટણી કદી સાથે થઈ નથી, પણ ભાજપને બે તૃતીયાંશ બહુમતી મળે તો એ યુગ પાછો આવી જાય.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત