સતની કાંટાળી કેડી પર
આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે
ઘાટકોપરની લાઈફ લાઈન હોસ્પિટલમાં ૭૮વર્ષના રમણિકભાઈની હાલત વધુ ગંભીર થતી જોઈને તેમનો ૫૦ વર્ષીય દીકરો રાહુલ ગભરાઈ ગયો. એણે કાંપતા સ્વરે ડો. મહેતાને ફોન કરીને કહ્યું- ડોકટર સાહેબ, જલદી આવો, મારા પપ્પા કોઈ રીસ્પોન્સ આપતા નથી. હજુ અનકોન્સિયસ જ છે.
રાહુલ, મારા આસિસ્ટંટ ડો.અજિત મારા સંપર્કમાં છે. જરા ક્રીટીકલ છે. પણ ,ચિંતા ન કર. મોટી ઉંમરે કિડનીના આવા ઓપરેશનમાં રીકવર થતાં વાર લાગે. સવારે હું આવી જઈશ. ડો.મહેતાએ કહ્યું.
રાહુલે ધ્રૂજતા હાથે ફોન બંધ કર્યો. એની નજર સામે ચિંતાના વાદળ છવાઈ ગયા. મારા પપ્પાને કંઈ થઈ જાય તો, પપ્પા વગરનું જીવન હું કલ્પી ન શકું. મમ્મી, ભાઈ મિતેશ, નાનીબેન સોનાલી, હું અને મારી માનસી બધા નોંધારા થઈ જઈએ. એ આંખો બંધ કરીને બબડવા લાગ્યો- પપ્પા, પ્લીઝ જલદી ભાનમાં આવો.
બાજુની ખુરશીમાં બેઠેલાં મમ્મીએ કહ્યું- રાહુલ, બેટા ડોકટરે શું કહ્યું? અને તું શું બબડે છે. રાહુલ, આપણે પપ્પાને કોઈ મોટા ડોકટરને બતાવીએ તો- તું પૈસાની ચિંતા ન કરતો. મારી પાસે ફિકસમાં થોડા છે.
મમ્મી, પપ્પાને આવી સ્થિતિમાં કશે લઈ ન જવાય અને આ ડોકટર પણ બીજે લઈ જવાની પરમિશન ન આપે. પણ કદાચ કોઈ મોટા ડોકટરને બોલાવી આપે પણ એમની વિઝિટિંગ ફી મોટી હોય. અને કદાચ જરૂર પડે એટલે પૂછું છું-કે મમ્મી, તારા ફિકસમાં કેટલા છે ?
કદાચ- પાંચેક લાખ હશે. હમણાં ગયા વર્ષે જ એફ.ડી. કરી છે. ભાવનાબેને કહ્યું.
ત્યાં જ માનસી ઘરેથી ચા-નાસ્તો લઈને આવી.
પોતાના પાકીટમાંથી કબાટની ચાવી આપતાં ભાવનાબેને માનસીને કબાટમાં પોતે પૈસા કયાં મૂકયા છે તે જણાવતાં બેંકની ફિકસ ડિપોઝિટની માહિતી આપી. બેટા, પૈસા માટે મૂંઝાતા નહીં. તું અને રાહુલ આ ફિકસ રકમ ઉપાડી લેજો. બસ. પપ્પા જલદી ઘરે આવી જાય.
ભલે, મમ્મીજી, તમે જરાય જીવ ન બાળતા.
રાહુલ, બેટા મિતેશ અને સોનાલીને ફોન કરીને કહે કે પપ્પાની તબિયત સિરિયસ છે. બોલતાં જ ભાવનાબેનના ગળે ડૂમો ભરાઈ આવ્યો.
૧૨.૩૦ વાગે ડો.મહેતા, ડો.શ્રીવાસ્તવને લઈને આવ્યા. એમણે રિપોર્ટ જોયા. પછી તાત્કાલિક મગજનો એમ.આર.આઈ. કાઢવાનું કહ્યું. તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર હોવાથી બીજે જ દિવસે સવારે નવ વાગે ઓપરેશન કરવાનું નક્કી થયું.
રાહુલ એક ફોર્મ લઈને આવ્યો જેમાં ભાવનાબેને સહી કરવાની હતી. સામેની ખુરશીઓ પર ડોકટર મહેતા અને ડો.શ્રીવાસ્તવ બેઠા હતા.
ડોકટર, આટલું મોટું ઓપરેશન આવી નાની હોસ્પિટલમાં, મારે તો એમને કોઈ મોટી હોસ્પિટલમાં લઈ જવા છે. ભાવનાબેને ધીમાસૂરે કહ્યું.
ડો.મહેતાએ રાહુલ સામે જોઈને કહ્યું- આપણી આ નાની જણાતી હોસ્પીટલમાં અદ્યતન સાધનો છે. અને ઓપરેશનમાં મારી સાથે ડો. શ્રીવાસ્તવ પણ છે. ખોટી ચિંતા ન કરો. પછી ભાવનાબેન સામું જોતાં બોલ્યા:- જુઓ, બહેન આ સ્થિતિમાં અમે પેશન્ટને શિફટ કરવાની પરમિશન આપી ન શકીએ. તમે શાંતિ રાખો. આટલું બોલતા ડો,મહેતા નર્સને જરૂરી સૂચના આપવા લાગ્યા.
ભારે હૈયે ભાવનાબેને પણ રાહુલે કહ્યું ત્યાં સહી કરી દીધી.
રમણિકભાઈને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. ડોકટરોની અવરજવર, નર્સોની દોડધામ અને ઓપરેશન થિયેટર પરની લાલ લાઈટ જોઈને ભાવનાબેન, રાહુલ અને માનસીનું હૈયું ફફડી રહ્યું હતું. ભાવનાબેન આંખો બંધ કરી પ્રભુસ્મરણ કરી રહ્યા હતા. રાહુલે મક્કમ મને મિતેશ અને સોનાલીને ફોન કર્યો.
ભાવનાબેન પોતાનાં ત્રણ સંતાનો અને વહુદીકરી માનસીની ઓથે એકમેકને હિંમત આપી રહ્યા હતા.
ત્યાં જ એક જુનિયર ડોકટર ઓપરેશન થિયેટરની બહાર આવ્યા અને બોલ્યા- કૌન હૈ પેશન્ટ કે સાથ-
વી નીડ ટુ ગીવ બ્લડ ટુ ધ પેશન્ટ –
મિતેશ અને રાહુલ ડોકટર પાસે ગયા.
વોટ ઈઝ યોર બ્લડ ગ્રુપ ?
ડોકટર, વી ગોટ બ્લડ ફ્રોમ અવર બ્લડબેંક. એક નર્સે કહ્યું.
રાહુલ અને મિતેશના ચહેરા પર હાશકારો થયો.
ઓપરેશન સાડા ત્રણ કલાક ચાલ્યું. તે રાત્રે ડો.મયુર રમણિકભાઈને એટેન્ડ કરી રહ્યા હતા. રાહુલ પણ મટકું માર્યા વગર પપ્પાના બેડ પાસે બેઠો હતો. રમણિકભાઈના હાર્ટબીટસ ધીમા હોવાથી તેમને વેન્ટીલેટર પર મૂકવામાં આવ્યા હતા. રાતના અઢી વાગ્યા હતા ત્યારે નર્સે વેન્ટીલેટર તરફ જોઈને તરત ડો.મયુરની કેબિનમાં જઈને કહ્યું- ડો.મયુર રૂમ.નંબર ત્રણના પેશન્ટ ઈઝ નોટ રિસ્પોનડિંગ.
ડો.મયુર રૂમ-નં.૩માં ઝડપથી ગયા. કૃત્રિમ શ્ર્વાસોશ્ર્વાસ પણ વ્યર્થ ગયા. રાહુલને આંખે તો અંધારા જ આવી ગયા. પપ્પાના માથે હાથ મૂકીને ઊભેલા રાહુલના મનમાં હતું હમણાં મારા પપ્પા આંખ ખોલશે. પણ એ ઢળેલું મસ્તક દીકરાના હાથમાં ઢળેલું જ રહ્યું. બંધ આંખે થોડા ખુલ્લા મોઢે રમણિકભાઈ સ્વધામે પહોંચી ગયા.
રાહુલના ખભે હાથ મૂકતાં ડો.મયુરે કહ્યુ- આય એમ સોરી, હી ઈઝ નો મોર. અમે એમને બચાવી ન શકયા.
મનથી ભાંગી પડેલા રાહુલના માથે હવે આખા કુટુંબની જવાબદારી હતી. હિંમત રાખતાં રાહુલે માનસી, મિતેશ અને સોનાલીને જણાવ્યું. મમ્મીને લઈને બધા સવારે પાંચ વાગે જ લાઈફ લાઈન હોસ્પિટલમાં આવી પહોંચ્યાં, જયાં પપ્પાની લાઈફ લાઈન કપાઈ ગઈ હતી.
એમ્બ્યુલંસમાં પપ્પાને ઘેર લાવવા, અંતિમક્રિયાની ભાગદોડ, ઉત્તરક્રિયા માટેની વિધિમાં દિવસો પસાર થઈ રહ્યા હતા. રાહુલ અચાનક ઘરનો મોટો જવાબદાર પુત્ર થઈ ગયો. ભાવનાબેન કાળજું કઠણ કરીને કારમો ઘા ઝીલી રહ્યાં હતાં. ત્યાં જ એમના આંતરમનમાંથી અવાજ પડઘાયો:- ભાવના, સંબંધોની સાચી કસોટી આવા કપરા કાળમાં જ થાય છે. જીવનના સંઘર્ષ સામે ઝૂઝવા તારે તૈયાર રહેવાનું છે. હવે પોચટ આંસુ સારે કંઈ નહીં મળે. એ તો ગયા, પણ તારે તો સ્વમાનપૂર્વક જીવવાનું છે. લાચાર, દુ:ખી કે પરાવલંબી બનીને નહીં. રમણિકની જેમ જ યોગ્ય સમયે કપરા અને સાચા નિર્ણયો તારે લેવા પડશે. કુટુંબના માળાને એક રાખીને સૌનું હિત જોવાની તારી ફરજ છે.
મનમાં આ નવો પ્રકાશ ફેલાતા ભાવનાબેને પતિના ફોટા સામે જોઈને પછી સામેની ભીંતે લટકતા શ્રીનાથજીના ફોટાને પ્રણામ કર્યા, જાણે જીવનના આ પંથે ચાલવા પ્રભુ પાસે શક્તિ ન માગતા હોય !
સોનાલી, જમાઈ મિતેશ, નાની વહુ કેતકી હમણાં મમ્મી સાથે જ હતા.
શ્રાધક્રિયા પતી ગઈ એને બીજે જ દિવસે
માનસી અને કેતકી વચ્ચે નાની વાતે ચણભણ થઈ ગઈ, અને તે રાત્રે જ બંને ભાઈઓ સોફા પર બેસીને પૈસાના મામલે ઝઘડી રહયાં હતાં. સોનાલી પણ ભાઈઓ સાથે બાખડવા લાગી. આમાં કોને શું તકલીફ છે એ સમજવું મુશ્કેલ હતું. જમાઈએ પણ મૌન ધારણ કર્યુ હતું.
જો, રાહુલ આપણા ધંઘામાં પપ્પાએ મારો ચોથો ભાગ રાખ્યો છે, પપ્પા આપતા હતા તે મને મળવો જોઈએ. અને પપ્પાએ વિલ કર્યું છે એ પણ જલદી વાંચી લઈએ. સોનાલીએ કહ્યું.
સોનાલી,સરસ ધંધાનો ચોથો ભાગ યાદ છે, અને પપ્પાનું વિલ જાણવાની ઉતાવળ છે, તો પપ્પાની બીમારીમાં જે ખર્ચો થયો એમાં ત્રીજો ભાગ આપને- અમે તો હમણાં ધોવાઈ ગયાં છીએ. માનસીએ કહ્યું.
સોનાલી,જરા બધું સેટ થઈ જવા દે. આ બધી ચર્ચા માટે માનસિક રીતે હું તૈયાર નથી. વળી મમ્મીને પણ દુ:ખ ન થાય તે જોવાનું , તેના મનમાં શું છે એ પણ સમજવાનું છે.
જો ભાઈ, હું તો માનું છું કે સંબંધ લાખ રૂપિયાનો પણ હિસાબ કોડીનો.
સોનાલી, કોડીનો હિસાબ કરતાં તું કોડીની ન થઈ જાય તે જોજે, માનસીએ ટોણો માર્યો.
બેડરૂમમાંથી આ તમાશો સાંભળી રહેલા ભાવનાબેન બોલ્યાં: તમારા પપ્પા ભલે સિધાવી ગયા, પણ હું હજી જીવું છું. અત્યારે કોઈ વાત કરવાની નથી. સમય આવે હું જ ન્યાય તોળીશ.
મમ્મી, તું સાવ ભોળી છે, આ લોકો તને છેતરીને બધું સગેવગે કરી દેશે. સોનાલીએ કહ્યું.
સોનાલી, ઘરમાં આગ ચાંપવી હોય તો દૂર જ રહેજે. હા, પ્રેમથી આવવું હોય તો આ ઘર તારું જ છે. રાહુલ બોલ્યો.
સોનાલી, કોઈના પર આરોપ મૂકવા સહેલા છે, પણ માતા-પિતાની સેવા કરવી, પોતાની ફરજ નિભાવવી કઠિન છે. કેતકીએ કહ્યું.
ચાલો, હવે બધા શાંત થાઓ. હું મારાં સંતાનોને જાણું છું. મારા સંસ્કારો એ ઉજાળશે. કહેતા ભાવનાબેન બોલ્યાં- માનસી, પપ્પાના ફોટા પાસે દીવો કર. પપ્પા ગાતા હતા તે જ પ્રાર્થના આપણે કરીએ-
જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો.
સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો.
મારું જીવન અંજલિ થાજો.